તેનાં લખાણો ફ્રેન્ચ રીવોલ્યુશન માટે કારણભૂત બન્યાં. શિક્ષણ ક્ષેત્ર તેણે આપેલા સિદ્ધાંતો આજે પણ અનુસરણીય રહ્યા છે
જીનીયસ ઇઝ એકીન ટુ મેડનેસ (મહામેઘા પાગલપન સમાન હોય છે) તે શબ્દો મહાન ફ્રેન્ચ વિચારક અને ચિંતક જ્યાં જેક્સ રૂસોને સૌથી વધુ બંધ બેસે છે. તેઓના વિચારો જેટલા ચક્રવાતી હતા, તેટલું જ તેઓનું જીવન ચક્રવાતી હતું. ફોર્મલ એજ્યુકેશન તેઓએ પૂરૂં કર્યું ન હતું છતાં શિક્ષણ વિષેના તેઓના સિદ્ધાંતો આજે પણ અનુસરણીય બની રહ્યા છે.
જૂન ૨૮, ૧૭૧૨ના દિવસે જીનીવામાં તેઓનો જન્મ થયો. તેઓના જન્મ પછી પંદર દિવસમાં જ માતા સ્વર્ગસ્થ થયાં. પિતાશ્રી અને સંભાળ રાખનારાં જેકેલીને તેઓનો ઉછેર કર્યો. પિતાશ્રી વિદ્વાન હતા. રૂસો ૧૦ વર્ષના થયા ત્યારથી પિતાશ્રીએ તેઓને ક્લાસિક્સ વાંચવા આપ્યાં. મૂળભૂત રીતે ઘડીયાળી તેવા પિતાશ્રી સ્ટેપ ડાન્સીંગ સારૂં જાણતા હતા. તેનાં લેસન્સ આપતા હતા, તેવામાં તેઓ કોઈ વિવાદમાં ફસાયા. તેઓને જીનીવા છોડી લીયોન્સમાં જવું પડયું, રૂસોને તેઓના ભાઇ બનાર્ડને સોંપ્યો.
બનાર્ડ સારા ચિત્રકાર પણ હતા. તેઓએ રૂસોને એક એન્ગ્રેવર (ખુદાઈ કરનાર)ને ત્યાં નોકરી અપાવી. થોડા સમયમાં જ એન્ગ્રેવર બર્નાર્ડ પાસે રૂસોને લઇને ગયો, કહ્યું ઃ 'મોન્શ્યોર આ મારાથી નહીં સચવાય તમે રાખો.'
તકલીફ તે પણ હતી કે 'નામદાર'ને પોતાને માટે ઘણો ઊંચો ખ્યાલ હતો. તેઓ જીનીવા પાસેનાં કોન્ફીગ્નોન શહેર તરફ ચાલતા જ ચાલી નીકળ્યા. ભૂખ કોઇને છોડતી નથી. 'નવાબ' માગી ભીખીને પેટ ભરતા હતા.
આમ તો, ભગવાન કે ધર્મ સાથે તેઓને કોઈ લેવા-દેવા ન હતી પરંતુ એક પાદરીએ તેઓને ભોજન આપ્યું. કપડાં આપ્યાં. આશ્રય આપ્યો. એટલે તેઓ કેથોલિક બની રહ્યા (દેખાવ પૂરતા).
ઉલ્લેખનીય તો તે છે કે આ રઝળપાટ અને કોઈવાર અર્ધભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિમાં પણ તેઓ તેમના રક સેકમાં રાખેલાં પુસ્તકો સમય મળે વાંચતા જ રહેતા હતા. રખડતાં રખડતાં તેઓ જીનીવા પાસેનાં એનેસી નામનાં નાનાં શહેરમાં પહોંચ્યા. ત્યાં ૨૮ વર્ષનાં એક અતિશ્રીમંત વિધવા મેડમ દ'વાર્નેસની સેવામાં રહ્યા. ત્યારે રૂસો ૧૬ વર્ષના મજબૂત તરૂણ થઇ ગયા હતા. મેડમ દ'વાર્નેસે તેઓને લપટાવ્યા. પરંતુ થોડા સમયમાં જ દ'વાર્નેસ સાથે વાંધો પડતાં ઇટાલીનાં તોરીનો પહોંચ્યા. જ્યાં કોમ્ટે દ'ગેબોન (કાઉન્ટ ઑફ ગેબોન)ની સેવામાં રહ્યા. અહીં તેઓ કોર્ટ એટિકેટ (રાજ દરબારની રીતરસમ) શીખ્યા.
આ રઝળપાટમાં તેઓ સંગીત ભૂલ્યા નહીં. વચમાં વચમાં કોઈ કોઈ સ્થળે કોન્સર્ટ આપી પૈસા કમાતા. તેઓએ અલગ નોટેશન્સ પણ રચ્યાં. પરંતુ તે બહુ સ્વીકાર્ય ન બન્યાં. આ જ્ઞાાન તેઓએ તેમના કાકા બર્નાર્ડ પાસેથી મેળવ્યું હતું.
હજી મેડમ દ'વાર્નેસ તેઓનાં મનમાંથી ગયાં ન હતાં. પરંતુ મેડમે નવો 'પ્રેમી' શોધી કાઢ્યો હતો. તેઓ વાર્નેસને મળ્યા. ચેમબેરીમાં ફરી પ્રેમકથા શરૂ થઈ. (દ'વાર્નેસે નવા પ્રેમીને છોડી દીધો.)
૧૭૮૩માં રૂસો ભારે માંદગીમાં ફસાયા. ચેમ્બેરી નજીક ચાર્મેરેસમાં સારવાર લીધી. મેડમ દ'વાર્નસ ફરી નવા પ્રેમીમાં પડી ગયાં. રૂસો, હવે પેરીસ જવા નીકળ્યા. હવે તેઓનું 'નવજીવન' શરૂ થયું. તેઓની મેઘા પ્રગલ્લભિત થઇ.
એન્સાઇક્લોપીડીયા રચનાઓના અગ્રણી મહા ડીડેરોએ તેઓને લખવા માટે લેખ આપ્યો. વર્ષ હતું ૧૭૪૫નું, તે પૂર્વે તેઓ ૧૭૪૨માં થેરેસે દ' વેસેક્યુરના સંપર્કમાં આવ્યા, તેઓની સાથે લગ્ન પણ કર્યા. દરમિયાન લેખન પ્રવૃત્તિ ચાલુ જ રહી. તેઓનો ૧૭૫૦નો લેખ હેઝ ધી પ્રોગ્રેસ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ હેસ હેલ્પડ ટુ કરપ્ટ ઓર પ્યુરીફાય મોરલ્સ ?
તેઓને રાજદરવારની ચમક દમક અને સામે દારૂણ દારિદ્રય હૃદયમાં શૂળની જેમ વાગતાં હતાં. તેથી તેઓએ લ'ડીવાઇન નૌ વિલેજ લખ્યું. લૂઈ ૧૫માની કોર્ટ (દરબાર)થી એટલા નારાજ થયા કે તેઓને અપાયેલું પેન્શન સ્વીકારવાની 'ના' કહી તે પછી તેઓએ 'ઓરિજિન્સ ઓફ ઇનઇક્વોલિટી' નામક લેખ લખ્યો. ત્યારે તેઓ જીનીવામાં હતા. ત્યાંથી પેરીસ પહોંચ્યા. ત્યાં કાફે પ્રોસોપેમાં વિદ્વાનો અને ચિંતકો મળતા, કોફી ઉપર વિચારોની આપલે થતી. મેડમ દ'એમિટમેએ તેઓને જંગલમાં નાનું ઘર આપ્યું જેનું નામ 'ધી હર્મિટેજ' રખાયું. અહીં 'જુલી ઓ લા' નૌવેલે નામક નવલકથા લખી તેના ગરીબોના અધિકારો અને શ્રીમંતોની ફરજો વિષે તો લખાયું જ હતું પરંતુ સાથે જે પ્રેમભાવ પણ લખ્યો હતો તેથી તે નવલકથાને ઇમ્મોરલ કરી પ્રતિબંધિત જાહેર કરવા ઝૂંબેશ પણ ઉપડી. આ નવલકથા મેડમ દ'એવિને અને તેમના મિત્રો સાથે રૂસોના મતભેદનું કારણ બની. ત્યાંથી તેઓ મોન્ટ લૂઈ ગયા.
દરમિયાન, ડયુક એન્ડ ડચેસ ઓફ લક્ઝેમ્બર્ગે તેઓનાં લકાણો વાંચ્યાં. તેઓને લક્ઝમ્બર્ગ આવવા આમંત્રણ આપ્યું. 'નવાબ' પાસે ભારે કપડાં તો હતાં જ નહીં. પૈસા ન હોય તે રોજીંદી વાત હતી. મિત્રોએ નવાં કપડાં અપાવ્યાં પૈસા (ફ્રેન્કસ) આપ્યા. માર્ગમાં નવાબે સીદાનવાળા તેના સાથી અને સીદાનમાં પાછળ બેઠેલા બંને રક્ષકોને ખાણીપીણી કરાવી દીધાં. લક્ઝેમ્બર્ગ પહોંચ્યા ત્યારે ગજવામાં હાથ રૂમાલ હતો. પરંતુ સીદાન ડયુકના પેલેસ પાસે આવી ત્યારે ડયુકના સેક્રેટરીએ ગાડી ભાડુ ચૂકવી દીધું.
ડયુક અને ડમેચેસે તેઓને ખૂબ માનપૂર્વક રાખ્યા. પાછા ફર્યા ત્યારે એક થેલી આપી.
પેરીસમાં ફરી રૂસો પૂર્ણ પ્રકાશમાં આવ્યા. તેઓએ 'લ' સોશ્યલ કોન્ટ્રેક્ટની થીસીસ આપી જેમાં કહ્યું કે શાસક અને શાસિતો વચ્ચે એક કરાર હોય છે. શાસક રક્ષણ કરે વ્યાપાર ઉદ્યોગ માટે સરળતા કરી આપે. તેના બદલામાં જનતા તેને રાજસ્વ આપે છે. આ સોશ્યલ કોન્ટ્રેક્ટ છે. તેઓએ બીજો સિદ્ધાંત આપ્યો. ધી પોપ્યુલેસ સસ્ટેન્સ ધી પ્રિન્સ, પ્રિન્સ કેન નોટ સસ્ટેઇન ધી પોપ્યુલેસ (રાજાને પ્રજા ટકાવે છે. રાજા પ્રજાને ટકાવી શક્તો જ નથી). આ સાથે તેઓએ થિયરી ઓફ જનરલ વિલ આપી તેમાં બહુમતીનો મત જ આખરી ગણાય. આ રીતે તેઓએ આધુનિક ચૂંટણી પધ્ધતિનાં બીજ રોપ્યાં. સાથે યુનિવર્સલ ફ્રેન્ચાઇઝ પ્રત્યેક નાગરિકને મતાધિકારની વાત કરી (તે સમયે માત્ર જમીન જાગીર ધરાવનારાઓને જ મતાધિકાર હતો, સામાન્ય નાગરિકોને નહીં.) મહિલાઓને પણ નહીં, ૧૭૬૨માં તેઓએ લ'સોશ્યલ કોન્ટરેક્ટ આપ્યો, તે જ વર્ષે એમિલે દ'લા એજ્યુકેશન આપ્યું. તેઓનાં લખાણો સ્વિત્ઝર્લેન્ડમાં પણ ગરમી ફેલાવી ગયાં. તેઓને સ્વિત્ઝર્લેન્ડ છોડી લંડન જવું પડયું. ત્યાં પત્ની સાથે અણબનાવ થતાં બીજે રહેવા ચાલ્યા ગયા. જુલાઈ ૨, ૧૭૭૮ના દિવસે પડોશીઓએ મોડે સુધી તેઓને ઘરની બહાર નીકળતા ન જોયા, તેથી પોલીસ બોલાવી પંચની હાજરીમાં બારણું તોડી અંદર ગયા, તો તેઓનું મુખ અને શરીર પણ સૂજેલા લાગતાં હતાં. શ્વાસ તો બંધ જ હતો.
વિશ્વને નવા સિદ્ધાંતો આપનાર આ મહામાનવે, દર્દભરી દુનિયાનાં દુઃખ દૂર કરવાના સિદ્ધાંતો આપી સદાએ વિદાય લીધી.
તેઓનાં લખાણોએ ફ્રાંસના આત્માને ઢંઢોળ્યો. વોબ્તેરે પછી ભડકો કર્યો. તેઓએ આપેલા ત્રણ સિદ્ધાંતો લિબર્ટી ઇક્વોલિટી ફેટર્નીટી પછીથી ગણતંત્ર બનેલાં ફ્રાંસનો મુદ્રાલેખ બની રહ્યો. જ્યાં સુધી આ સિદ્ધાંતો રહેશે ત્યાં સુધી, રૂસો અને તેમના અનુગામી વોલ્તેર અમર રહેશે.
- દિનેશ દેસાઈ


