- ગોચર-અગોચર - દેવેશ મહેતા
- સામાન્ય રીતે મનુષ્ય મસ્તિષ્ક એના પૂરા જીવનકાળમાં પ્રાપ્ત જાણકારીનો સોમો ભાગ જ સ્મરણ શક્તિની માઇક્રો ફિલ્મ રૂપે સંગ્રહિત કરી શકે છે.
માનવ મસ્તિષ્કની અસાધારણ સ્મરણ શક્તિ 'Your brain has unlimited storage, the only limit is what you choose to focus on. તમારા મસ્તિષ્કમાં અસીમિત સંગ્રહ ક્ષમતા છે, સીમા માત્ર એ બાબતની છે કે તમે શેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો.'
'Your brain is capable of remembering millions of things - Just give it the right fuel. તમારું મસ્તિષ્ક લાખો બાબતો યાદ રાખવા સક્ષમ છે બસ એને સાચું-યોગ્ય પોષણ આપો.'
મનુષ્ય મગજ પર સંશોધન કરનારા શરીર વિજ્ઞાનીઓ કહે છે કે મગજની મસ્તિષ્ક છાલ (Cerebral Cortex) માં આવેલા યાદ શક્તિનું કાર્ય કરતા કોષો એટલા વિપુલ પ્રમાણમાં છે જેને આપણે અસીમ જ કહેવા પડે. સાઈબરનેટિક્સ વિધિન અસ (Cybernatice Within US) પુસ્તકના રશિયન લેખક યેલેના સપરિના (Yelena Saparina) મસ્તિષ્ક વિજ્ઞાનના આધારે દર્શાવે છે કે મનુષ્ય મગજ જો એની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરાય તો એક સેકન્ડમાં એકસો ચાલીસ અબજ ગુણ્યા પચાસ લાખ કરતાં જે સંખ્યા આવે તેટલા છાપેલા પૃષ્ઠો યાદ રાખી શકે. આ તો મસ્તિષ્ક છાલમાં આવેલા કોષો અને મસ્તિષ્કની અન્ય ક્ષમતાના પૂરેપૂરા ઉપયોગથી માનવી એક સેકન્ડમાં કેટલું યાદ રાખી શકે તેનો વૈજ્ઞાનિક અંદાજ છે. જો મનુષ્ય જાગૃતપણે જ્ઞાનમાં વધારો કરવાની સાવધતા રાખે અને તેના ૭૫ વર્ષની ઉંમર સુધીમાં તેના સ્મૃતિ પટ પર આશરે પચાસ કરોડ ખર્વ સૂચનાઓ, જાણકારીઓ, ચિત્રો વગેરે અંકિત થઈ જાય છે. એમાંની મોટા ભાગની મગજના કોઈ અજ્ઞાત ક્ષેત્રમાં તિરોહિત થઈ જાય છે, પણ નાશ પામતી નથી. સ્મૃતિપટલ પર અંકિત થયેલી અને ભુલાઈ ગયેલી આ માહિતીઓને અમુક પ્રક્રિયાથી આવિર્ભૂત કરી ફરીથી સ્મૃતિબદ્ધ કરાવી શકાય છે. સામાન્ય રીતે મનુષ્ય મસ્તિષ્ક એના પૂરા જીવનકાળમાં પ્રાપ્ત જાણકારીનો સોમો ભાગ જ સ્મરણ શક્તિની માઇક્રો ફિલ્મ રૂપે સંગ્રહિત કરી શકે છે. એટલે કે આપણને પ્રાપ્ત થતી ૧૦૦ જાણકારીઓમાંથી ૯૯ તો આપણે સહજ રીતે ભૂલી જઈએ છીએ.
કેટલીક વાર કેટલીક વ્યક્તિઓમાં અસાધારણ સ્મૃતિ કે બીજી વિશિષ્ટ ક્ષમતાઓ જોવા મળે છે. તેમને દૈવી ક્ષમતા કે અતીન્દ્રિય શક્તિનો ચમત્કાર કહેવાય છે. કેટલીકવાર કુદરત અમુક વ્યક્તિને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરી દે છે તો કેટલીક વાર યોગ કે સાધનાથી વ્યક્તિ અમુક અકલ્પ્ય શક્તિ વિકસિત કરી લે છે.
ડિસેમ્બર ૨૦૨૫માં મહારાષ્ટ્રના ૧૯ વર્ષના વૈદિક વિદ્વાન દેવવ્રત મહેશ રેખેએ શુક્લ યજુર્વેદની માધ્યંદિન શાખાના લગભગ ૨૦૦૦ મંત્રોનો અત્યંત મુશ્કેલ અને દુર્લભ 'દંડ ક્રમ પારાયણ' ૫૦ દિવસોમાં સહેજ પણ ભૂલ વગર પૂર્ણ કરવાનો ઈતિહાસ રચ્યો છે. જે છેલ્લા ૨૦૦ વર્ષોમાં કોઈએ કર્યું નથી. શુકલ યજુર્વેદમાં દંડક્રમ એક વિશેષ પદ્ધતિ છે જેના પ્રમાણે મંત્રોનો ક્રમ બદલવામાં આવે છે. અર્થાત્ મંત્રોને એમના પૂર્ણ ક્રમથી ખસેડી આગળ-પાછળ જોડી ઉચ્ચારવામાં આવે છે. આને ક્રમ પાઠની એક વિશેષ શૈલી માનવામાં આવે છે. દંડક્રમમાં મંત્રોને કંઠસ્થ કરી કેવળ યાદશક્તિના સહારે એવી રીતે ગાવામાં આવે છે કે દરેક મંત્ર-પદ આગળ-પાછળના મંત્ર-પદ સાથે 'દણ્ડ' રૂપે જોડવામાં આવે. ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ શ્લોક લઈએ -
ઁ ઈશા વાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત ।
તેન ત્યકતેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ્ ।।
માનો કે એના પ્રથમ બે-ત્રણ પદો લઈએ.
ઈશાવાસ્યમિદં સર્વં. એને દણ્ડક્રમમાં લઈએ -
ઈશા-વાસ્યમ્, ઈશા-ઈદં, ઈશા સર્વમ્ ।
વાસ્યમ્ - ઇદં, વાસ્યમ્ - સર્વમ્, ઇદં-સર્વમ્.
આ રીતે આખા શ્લોકના (પ્રથમ મંત્ર)ના દણ્ડક્રમમાં જ લગભગ ૧૨૦ સંયોજન બને છે. ઈશાવાશ્યમના બધા ૧૮ મંત્રોનો દણ્ડક્રમ લગભગ ૧૭૦૦ જેટલો થાય છે. એ આખા યજુર્વેદનો દણ્ડક્રમ ૧,૮૦,૦૦૦થી ૨,૨૦,૦૦૦ દણ્ડક્રમ યુગ્મ (lines/pairs) જેટલો થાય છે. દેવવ્રત મહેશ રેખેને આ વિશિષ્ટ સિદ્ધિ બદલ 'વેદમૂર્તિ'નું બિહુદ પ્રાપ્ત થયું છે. ઈતિહાસમાં માત્ર ૩ વ્યક્તિઓ જ કાર્ય કરી શકી છે. ૨૦૦ વર્ષ પૂર્વે નાસિકના વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવે આ દણ્ડક્રમ પારાયણ કર્યું હતું. એની પૂર્વે ઓગણસમી સદીની મધ્યમાં આ પારાયણ થયું હતું.
આદિ શંકરાચાર્યજીએ છ-સાત વર્ષ જેટલી નાની ઉંમરમાં જ ચારેય વેદો, ઉપનિષદો, પુરાણોનો અભ્યાસ પૂરો કરી લીધો હતો અને તેમને સ્મૃતિબદ્ધ પણ કરી લીધા હતા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પંડિતોની સભામાં વેદોને કંઠસ્થ બોલી બતાવ્યા હતા અને એમનો અનુલોમ-વિલોમ પ્રકારે પાઠ કરી બતાવ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ પણ અસાધારણ સ્મૃતિ શક્તિ ધરાવતા હતા. તે એક શ્રુતિધર હતા. એક શ્રુતિધર એટલે એક જ વખત સાંભળીને કાયમ માટે યાદ રાખી લેનાર. એકવાર એક પંડિત સાથે એમનો શાસ્ત્રાર્થ થયો. તે પંડિતે સો પંક્તિઓનું એક અપ્રસિદ્ધ સ્તોત્ર ચૈતન્ય મહાપ્રભુ આગળ ગાયું. તે પૂરેપૂરું ગવાઈ ગયા બાદ તેણે વચ્ચેની એક પંક્તિનો શરૂઆતનો શબ્દ આપી એ આખી પંક્તિ પૂરી ગાવા ચૈતન્ય મહાપ્રભુને જણાવ્યું. ચૈતન્ય મહાપ્રભુએ માત્ર એ પંક્તિ જ નહીં, આખો શ્લોક જ નહીં, સો પંક્તિનું આખું સ્તોત્ર ક્રમબદ્ધ રીતે ગાઈ બતાવ્યું.
સ્વામી વિવેકાનંદ ફોટોગ્રાફિક મેમરી ધરાવતા હતા તે બાબત તો બહુ જાણીતી છે. તે એકવાર મદ્રાસની થિયોસોફિકલ સોસાયટીની લાઇબ્રેરીમાં એક અઘરા વિષય પર પુસ્તક વાંચી રહ્યા હતા. બીજા જ દિવસે તે દળદાર પુસ્તક તેમણે લાયબ્રેરિયનને પાછું આપ્યું. અને બીજું પુસ્તક વાંચવા પસંદ કર્યું, આ પ્રસંગે લાયબ્રેરિયને તેમને પૂછ્યું - શું થયું આટલું જલદી આ પુસ્તક કેમ પાછું આપી દીધું ? વાંચવાનો સમય નથી કે કંટાળાજનક લાગ્યું ? મેં તો કાલે જ આખું પુસ્તક વાંચી લીધું એટલું જ નહીં એ મને યાદ પણ રહી ગયું છે ! લાઇબ્રેરિયનને વિશ્વાસ ન બેઠો. એટલે સ્વામીજીએ તેને કહ્યું - 'તમે મને આ પુસ્તકમાંથી ક્યાંયથી કોઈ પણ વસ્તુ પૂછો.' તેણે યાદ્રચ્છિક રીતે પુસ્તકના અઘરા ભાગોમાંથી વિગતો પૂછી. તેમણે પુસ્તકમાં લખ્યું હતું તે પ્રમાણે શબ્દે શબ્દ બોલી ઉઠયો - 'તમારી સ્મરણ શક્તિ તો ફોટોગ્રાફ લીધો હોય એટલી ચોક્કસ છે.'
સ્કોટલેન્ડના એડિનબરો (Edinburg) ની એક લાયબ્રેરીમાં સ્વામી વિવેકાનંદે એનસાઇકલોપીડિયા બ્રિટાનિકાના ૩૨ ભાગ બહુ થોડા સમયમાં વાંચી લીધા. લાઈબ્રેરિયનને તે વાત પર વિશ્વાસ ન બેઠો. તેણે ગમે તે ભાગમાંથી યાદ્રચ્છિક રીતે તે પૃષ્ઠો પર આલેખિત વિગતો પૂછી, તેમણે દરેક વિગત સહેજ પણ ભૂલ વગર બતાવી દીધી. લાયબ્રેરિયને કહ્યું - 'આવી અસાધારણ સ્મરણ શક્તિ મેં કોઈની પણ જોઈ નથી.'
અમેરિકામાં સંસ્કૃતના વિદ્વાન પ્રો. જે.એચ. રાઇટ પહેલીવાર વિવેકાનંદને મળ્યા તો એમની જ્ઞાનશક્તિ અને યાદશક્તિથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જ વિવેકાનંદને 'પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સમાં મોકલવાની વ્યવસ્થા કરી. તેમની અસાધારણ યાદશક્તિ અને જ્ઞાનનું ઊંડાણ જોઈ પ્રો. રાઈટે કહ્યું હતું.' - To ask you for a recommendation is like asking the sun that it shines - તમારી પાસેથી સિફારિશ પત્ર માંગવો એવું જ છે જેવું સૂર્યને કહેવું કે તે પ્રકાશ આપે.
સ્વામી વિવેકાનંદની સ્મરણ શક્તિની મુખ્ય વિશેષતા હતી -
૧. ફોટોગ્રાફિક મેમરી : એક વાર વાંચેલું પુસ્તક, સ્તોત્ર, કે સાંભળેલ પ્રવચન તે શબ્દે શબ્દે યાદ રાખી લેતા હતા.
૨. દીર્ઘકાલિક સ્મરણ ((Long-Term Retention) : એક વાર શીખેલી બાબત કે જાણકારી લાંબા સમય માટે એમના મસ્તિષ્કમાં સંગ્રહિત રહેતી હતી.
૩. એકાગ્રતા અને ધ્યાન (Mindful Concentration) થ એમની સ્મરણ શક્તિ એમના ગાઢ ધ્યાન અને એકાગ્રતા સાથે જોડાયેલી છે.
૪. જ્ઞાનનો વ્યાવહારિક ઉપયોગ (Application of Knowledge) તે ચર્ચા, વિચારણા, પ્રવચનમાં જાણેલી જ્ઞાનને તરત ઉદ્વત કરી શકતા હતા. સ્મરણ શક્તિના રહસ્યને ઉદ્ઘાટિત કરતાં તે કહેતા હતાં - Concentration is power. When the mind is focused, it can grasp and retain anything : એકાગ્રતા જ શક્તિ છે. જ્યારે મન પૂર્ણપણે કેન્દ્રિત હોય છે, ત્યારે તે કોઈપણ વસ્તુને ગ્રહણ કરી શકે છે.'


