- અનાવૃત - જય વસાવડા
- 'આજની નવી જેનઝી પાસે કહાની કહેવા માટેના રેફરન્સ કોઈને કોઈ વેબ સિરીઝ કે અગાઉ આવેલી ફિલ્મોના છે. લાઈફના નથી.'
થો ડા સમય પહેલા ભારતના ગ્રેટેસ્ટ ક્રિકેટ ઓલરાઉન્ડર એવા વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવની એક ટોક હતી. જેમાં એણે ધુઆંધાર ફટકાબાજી કરતા કહેલું કે 'આજકલ કે બચ્ચે (એમ જ) બોલ રહે હૈ કિ અબ આઈપીએલ હૈ, બહુત ઈંટરનેશનલ ક્રિકેટ ખેલના પડતા હૈ... તો પ્રેશર આ જાતા હૈ. તો મૈં કહેતા હૂં મત ખેલો ! સિમ્પલ. સ્પોર્ટ્સ પ્લેઝર કે લિયે હૈ, પ્રેશર કે લિયે નહીં !' ૬૬ વર્ષના કપિલે ત્યારે એમ પણ કહેલું કે સ્કૂલના બાળકોને પણ ભણવાનું બહુ પ્રેશર હોય છે. હવે એસી ક્લાસ છે, મોંઘી ફી માબાપ ભરે છે, બ્રાન્ડેડ ચીજો છે અને શિક્ષકો મારવા માટે હાથ પણ ઉપાડી નથી શકતા તો વળી
પ્રેશર કેવું ?
એ હરિયાણા એક્સપ્રેસે કહેલું કે, હું તો ખેડૂત પરિવારનું ફરજંદ છું. ભણતા ભણતા માર ખાધો છે, ને તો પણ તોફાનો કર્યા છે. ઝાડ પર હીંચકા ખાઈ નદીમાં ધુબાકા માર્યા છે ને શરમાતા શરમાતા પણ સાહસ કરીને પ્રેમ કરી ચોરીછૂપી મુલાકાતો કરી છે. બિકોઝ ઈટ વોઝ ફન. મજા આવતી. અમે એટલે રમતા કે રમવું ગમતું. એનો થાક ના લાગતો પણ બીજો થાક એને લીધે ભૂલાઈ જતો. પ્લેઝર ફિલ કરો તો પ્રેશર ઘટી જશે.
વેલ સેઇડ પાજી. નોર્મલી મિડ સિકસ્ટીઝ, સેવન્ટીઝ, એઈટીઝ યાને ૧૯૬૫ આસપાસથી ૧૯૯૦ આસપાસ ( બે ત્રણ વર્ષ આમતેમ ) પેદા થયેલી પેઢી આવી મજબૂત નીવડી છે. એક તો એટલી ઓલ્ડ નથી થઇ કે સાવ વડીલની વ્યાખ્યામાં આવે ને લોકો દાદા દાદી કહે, ને સાવ એવી કાચીકૂમળી નથી રહી કે છાલ છોલેલાં બટાકાની જેમ પોચટ રહે. દરેક વાતમાં પ્લીઝ, એક્સ્ક્યુઝ મી, સોરી, થેન્ક્સ બોલતા રહેવું પડે. એમણે વિડીયો કેસેટ કે સીડી ઉધાર લાવીને બ્લુ ફિલ્મ પણ જોઈ છે, ને સંસાર વસાવી બાળકોને લાઈને પણ લગાડયા છે. એમણે ટીચરની સજાનું ટોર્ચર પણ વેઠયું છે ને આથક દેવાના બોજના હપ્તા ભરતા મોજ મુશ્કેટાટ દોસ્તો ભેગી માણી છે. એમણે મોબાઈલ વિના નકશા જોઇને સફરો ખેડી છે ને એસટીડીના કોલ માટે ખિસ્સામાં પડેલા રૂપિયા ગણીને મિનિટો બાંધી છે. એમણે ટપાલથી ઈમેઈલ સુધીના પરિવર્તનો આત્મસાત કર્યા છે ને બધા ચેન્જ વચ્ચે અડીખમ ઉભા છે.
આ અત્યારે ટ્રેન્ડમાં રહેલી હિટમહિટ ધુરંધર ફિલ્મ જ જુઓ ને. એમાં જેના જેના વખાણ થાય છે એ કોઈ એકદમ યંગ નથી. લેખકદિગ્દર્શક આદિત્ય ધરની ઉંમર ૪૨ વર્ષની છે. હીરો રણવીરસિંહ ભલે હમણાં દીકરીનો બાપ બન્યો હોય પણ એ ય ચાલીસનો થયો. ફિલ્મમાં ધરખમ સપોર્ટિંગ રોલ્સ માટે વાહવાહી વસૂલનારા સંજય દત્ત, અર્જુન રામપાલ, રાકેશ બેદી તો સિનીયર સિટીઝનની વ્યાખ્યા સુધી પહોંચેલા છે, પણ હજુ ડીલીવર કરે છે. ઇનફેક્ટ, હિન્દી ફિલ્મોમાં નવી પેઢીના કોઈ રિયલ સુપરસ્ટાર જ નથી. રણબીર કપૂર પણ ચાલીસ ક્રોસ કરી ગયો છે. બાકી હજુ જૂના ત્રણે ખાન અને અજય અક્ષય જ હજુ એવરેજ ને લીવરેજ આપે છે. સેમ હાલત હીરોઈનોમાં છે. હેમા રેખા પછી શ્રીદેવી માધુરી અને પછી કાજોલ કરિશ્મા મનીષા પછી કરીના કેટરીના પ્રીટી રાણી વગેરેની માફક રાજ કરતી કોઈ હીરોઇન પણ દોઢ અબજની વસતિમાં નથી. હવે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લ્યુએન્સર્સ એમની જગ્યા લઈને બેસી ગયા છે !
અને ધુરંધરના ધમાકેદાર સોંગ જુઓ. એક તો બહેરીનના આરબ રેપરનું છે. બીજી બરસાત કી રાતમાં આવેલી સાહિરની કવ્વાલી છે. ત્રીજું ટાઈટલ પંજાબી જોગીનું ૨૦૦૩નું રિમિક્સ છે ! અને બાકી બેકગ્રાઉન્ડમાં વાગતા રંભા હો હો કે હવા હવા વગેરે પણ જૂના છે. આવું જ સ્કેમ સિરીઝમાં હતું. આમ જ મોટા ભાગની ફિલ્મોમાં કોઈ ને કોઈ એલપીભપ્પીઆરડી વગેરેનું સોંગ રિમિક્સ કરાય છે. એ લેવલના સંગીતકારો જ અત્યારે નથી. જે આખેઆખા આલ્બમ જમાવી દે રહેમાન કે હિમેશની જેમ ( પ્રીતમછાપ કોપી વિના). ગાયકોમાં હજુ શ્રેયા ને સોનુ ચાલે છે. હની સિંઘ હજુ લાલપરી કાઢી આપે છે, પંકજ ત્રિપાઠીઓ અને નવાઝુદ્દીન સીદ્દીકીઓ અને પ્રતિક ગાંધીઓ અને આગળ વધે છે. બોમન, પરેશ, અનુપમ હજુ પરફોર્મ કરી જાય છે. ને અનીસ બઝમી કે કરણ જોહર કે અનુરાગ કશ્યપ કે વિશાલ ભારદ્વાજ કે પ્રિયદર્શન વગેરે હજુ એક્ટીવ છે. રાઈટર ડાયરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ એક ઈન્ટરવ્યુમાં કહેલું એમ 'આજની નવી જેનઝી પાસે કહાની કહેવા માટેના રેફરન્સ કોઈને કોઈ વેબ સિરીઝ કે અગાઉ આવેલી ફિલ્મોના છે. લાઈફના નથી.' યસ, ક્રાઈમ હોય કે રોમાન્સ, આજે એનો રોમાંચ જે સ્ક્રીન પર છે, એ આજની ફિફ્ટીઝની પેઢીએ તો વાસ્તવમાં અનુભવ્યો છે. સિટી બસના પાસ કાઢીને કે લુના જેવી મોપેડની ડબલ સવારી કરીને.
અને આ લેખ જ્યાંથી મનમાં આકાર લેવા લાગ્યો એ અક્ષય ખન્ના ! ઔરંગઝેબ બાદ રહેમાન ડકૈત. આમ પણ એની ફિલ્મો મોટે ભાગે ભરોસેમંદ જ રહી છે ને દિલ ચાહતા હૈ હોય કે ઇત્તેફાક, આર્ટીકલ ૩૭૫ હોય કે રેસ - એણે મોટે ભાગે સારી સ્ટોરીઝ પસંદ કરી છે કાયમ. હી ઈઝ કૂલ ગાય. લગ્ન કર્યા નથી, પોતાની મરજીથી આઝાદમિજાજ ફિતરતથી જીવ્યો છે. માથે વાળ નથી એ છુપાવ્યું નથી, ને ટાલ સાથે પણ 'હન્ક' તરીકે પોપ્યુલર છે. એની પોતાની આગવી અદાઓ છે, જે બીજાઓનું જોઇને બદલાવી નથી. સ્માઈલ હોય કે ડાયલોગ કે ચાલ. આજે એનો જમાનો આવ્યો છે.
જસ્ટ થિંક, ધુરંધર મૂળભૂત રીતે 'અન્ડરકવર એજન્ટ/મોલ'ની ફોર્મ્યુલાની ફિલ્મ કરતા વધુ એક અન્ડરવર્લ્ડ ડ્રામા છે. સત્યા કે મિરઝાપુર જેવો. વેબ સિરીઝ ટાઈપ. અહીં સાઉથના અન્ડરવર્લ્ડની કેજીએફ કે પુષ્પામાં અલગ ફ્લેવર હોય એમ પાકિસ્તાનના લ્યારીને લીધે ફ્લેવર અલગ લાગે છે, પણ મસાલો તો એ જ છે હિન્દી ફિલ્મોની ગેંગવોરનો. એવું કોઈ એમાં જેનેરિક ઇસ્લામ કે મુસ્લિમો બાબતનું હેટ સ્ટેટમેન્ટ નથી. ટેરરિઝમ ને પાકિસ્તાનને ફિટકાર છે, તો હોવો જોઈએ ને એ હેન્ડલ કરવામાં આગલી સરકારો નિષ્ફળ હતી, તો હતી જ. એટલે તો ગઈ.
બાકી, બીજી રીતે જુઓ તો સ્પાય તરીકે રણવીરને રિસ્ટ્રેઈન્ડ રાખી, રહેમાન ડકૈત ને અસ્લમ ચૌધરીના સીનસપાટા બતાવ્યા છે. પાકિસ્તાનમાં પણ ડિસ્કોમાં ખુલ્લે માથે જતી બોલ્ડ છોકરીઓ છે એ પણ દેખાડયંર છે. મુંબઈ ને કરાંચી આમે સરખું લાગે ને પોલિટીકસ પણ ત્રાસવાદના પરિબળ સિવાય સાવ આપણા જેવું જ છે, સાંઠગાંઠ તડજોડનું. એમાં હાઈલાઈટ તો મોટા ભાગના મુસ્લિમ પાત્રો થાય છે, બહલે નેગેટીવ રોલમાં હોય ને અંતે આપણું જે બચ્ચનના જમાનાથી ફેસિનેશન છે કાયદાની અવળી બાજુએ રહેલા પાત્રને ચાહવાનું, એ જ ખલનાયક માટે ફેન ફોલોઈંગ ઉભું કરી અક્ષય ખન્નાએ ઉઘરાવ્યું છે, જેમ વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈમાં અજય દેવગણે કરેલું એવી રીતે. ગેન્ગ્સ ઓફ વાસેપુરનીં જેમ આ ગ્રે શેડ્સના પાત્રો ધરાવતી ગેન્ગ્સ ઓફ લ્યારી છે. પણ આદિત્ય ધરની બારામુલ્લા કે આર્ટીકલ ૩૭૦ જેવી પોતે ના બનાવી હોય, પણ પ્રોડયુસ કરી હોય એવી ફિલ્મો જુઓ તો પણ બીજાની લીટી નાની કર્યા વિના પોતાની લીટી મોટી કરતા એને આવડે છે. ભારતની દેશભક્તિ બતાવવા માટે સતત ગાંધી કે મુસ્લિમોને વીણીવીણી ગાળો દેવાની વિવેક અગ્નહોત્રી છાપ મેન્ટાલિટી એની નથી, ને આર્ટીસ્ટિક સ્ટોરીટેલિંગ છે એટલે લોકોને એની પોપ્યુલર બેલેન્સ રાખીને કહેવાયેલી કહાનીઓ ગમી જાય છે. બાકી લ્યારીમાં રાજ કરે પાકિસ્તાનમાં રાજ કરે ને એવી કહાનીઓ મેસેજમાં ઈતિહાસ ભણાવવાવાળા કરે એમાં મોટો દમ નથી. ઈતિહાસ સાચો જોઈ લેજો ને ઘણું બધું ઓથેન્ટિક સેટ અપમા ગૌતમ શર્મા કે સુરેન્દ્ર મોહન પાઠક કે અશ્વિની ભટ્ટની જેમ ફિક્શનલ છે, એવું આરંભમાં મેકર્સ જ કહે છે. પણ સાડા ત્રણ કલાક મજા આવે છે, સ્વેગ જામે છે ને મૂળ વાત એ કે ફિફ્ટીઝમાં આવી ગયેલી જનરેશન રોલા પાડી સીનસપાટા બોલાવે છે, નબળા કલાઇમેકસ છતાં. ઓવરઓલ, પાકિસ્તાની ગેંગસ્ટરનાં રોલ્સ ગબ્બરની જેમ છવાઈ જાય છે પાત્રોમાં ને લોકોને ગમી જાય છે એ વક્રતા છતાં. કારણ કે મજા આવે છે.
મજા. આ ફિલ્મને ફિલ્મ તરીકે જોવાનો ને બહુ સિરિયસ ડિબેટ કર્યા જલસો કરી તરત વિના કામે વળગી જવાનો ગુણ પણ મોટા ભાગની નોર્મલ આપણે સગવડ માટે મિલેન્યાલ કે જેનવાય કે જેનએક્સ જેવા લેબલ ના કહીએ એવી આજે પાંત્રીસ ને વટાવી ચુકેલી ને સાઠી સુધી પહોંચવા આવેલી ધુરંધર જનરેશનમાં છે. એમણે સિનેમાને સિંગલ સ્ક્રીનમાં જોયું છે. મલ્ટીપ્લેક્સની પાંચસોની પોપકોર્ન વિના ! ટીવીમાં રવિવારે આવતી ફિલ્મોની રાહ જોઈ છે ને લાઈટ જાય ત્યારે નિસાસા નાખ્યા છે, ઓટીટીમાં રિમોટ ફરતા ટેરવે જગતની ફિલ્મો જોયા વિના ! હેન્ડપંપથી પાણી પીધું છે પ્લાસ્ટિક બોટલમાં મિનરલ વોટરના
ચોંચલા વિના.
અક્ષય ખન્ના આ પેઢીનો કમાલ ક્ઝેડર છે, જે હાર માનતી નથી. બાઉન્સ બેક થયા કરે છે. જેને ડિપ્રેશન આવતું નથી. જે પેઢીની સ્ત્રીઓએ પીરીયડ પેઈન સહન કરીને ઘરના કામ કરી લીધા ચૂપચાપ પણ જેની સોબ (ડૂસકાં) વાળી સ્ટોરીઓ ના મૂકી. અને છતાં એમને એટલી આધુનિક અંગ્રેજી શબ્દોવાળી બીમારીઓ ના વળગી મેનોપોઝ પહેલા કે દરમિયાન ને વગર સિઝેરીયને ડિલીવરી કરીને બાળકો મોટા પણ કરી લીધા ! આ ૧૯૭૦, ૧૯૮૦ના દસકમાં જન્મેલી પેઢી ઘડી ઘડી મેન્ટલ ડિસઓર્ડર ને સ્ટ્રેસની ચીસાચીસ વિના ફેઈલ થતી થતી, એટીકેટી સાથે પણ ટફ બનીને કરિસર બનાવીને બેઠી છે. કમાણી કરી પણ કોચિંગ મશીનોમાં જઈને આપઘાત નથી કર્યા મૂંઝાઈને.
કેટકેટલા પરિવર્તન ઝીલ્યાં અમારી આ પેઢીએ ! આજે જે પચાસ આસપાસ છે, એમણે એવું ટ્રાન્ઝિશન જોયું છે લાઈફમાં, જકે કદાચ અત્યાર સુધીમાં માનવજાતની કોઈ પેઢીએ જોયું નહિ હોય ! આમ પણ આજના જેવી નગર પરીઅવ્ર વગેરેની જિંદગી જ છેલ્લા ત્રણેક હજાર વર્ષથી શરુ થઇ. એમાં વીજળી ને વાહન ને સીવેલા વસ્ત્રો ને બધું ઔદ્યોગિક વૈજ્ઞાાનિક ક્રાંતિ સાથે પાછલી બે અઢી સદીમાં આવ્યું. પણ લાઈફ લગભગ સેમ હતી. ગીતો ગાતા ત્યાંથી રેડિયો આવ્યો ને ચૂલો ફૂંકતા ત્યાંથી કૂકરને ગેસ આવ્યા એમ ઉત્ક્રાંતિ થતી હતી. સત્તરમી અઢારમી કે ઓગણીસમી સદીનો કોઈ આત્મા વીસમી સદીમાં ટાઈમ ટ્રાવેલ કરીને આવે તો ટેકનોલોજી અપગ્રેડ થઇ હોય, પણ લાઈફ એવી જ રહી હોય. એ જ પુસ્તકો ને ઉત્સવો ને કવિતા ને ફૂલો વગેરે. એ અગાઉ તો ઘોડાગાડી બળદગાડા યુગ હતો. પણ છેલ્લા ચાર દસકામાં પરિવર્તન આવ્યું એ તો ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. આ પેઢીએ કોલ્ડ વોરનો અંત જોયો ને સાથે ગલ્ફ વોર ઈરાક વોર ને ટેરરિઝ્મનો રાઈઝ જોયો. એણે પેન્ડેમિક પણ જોયો ને કોમ્પ્યુટર પણ જોયું. એણે જગત બદલાવી નાખતી ઇન્ટરનેટ ને સ્માર્ટફોનની ડિજીટલ ક્રાંતિ પણ જોઈ અને ભમરડા લખોટી નારગોલ થાપો જેવી શેરીની રમતો પણ રમી. એણે નજર સામે ગ્લોબલાઇઝેશનનો ઉદય ને પછી રાષ્ટ્રવાદનું પ્રભાત બંને જોયું ! એણે વન ડે ને ટીટવેન્ટી ડીવીડી ને સેટેલાઈટ ચેનલ બધું શરુ થતું જોયું કે કેસેટ કેમેરા પુરા થતા પણ જોયા. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીથી ટેબ જોયું, વોકમેનથી આઈપોડ જોયું, એ અખબારની રાહ જોતા જોતા ઓનલાઈન થઇ ગઈ. એણે ઇન્ક્પેન ને ઇનલેન્ડ લેટરથી એઆઇ સુધીની યાત્રા કરી !
ગલીના ગુંડાઓની મારામારીથી એ પેઢી ડરી નહિ ને બહાર નીકળી, પરદેશ પહોંચી. એણે સચિન ને શ્રીકાંત જોયા, ગાંગુલી ને ધોની જોયા. સાનિયા મિર્ઝા ને ચેતન ભગત પણ જોયા. ઇન્દિરા ને મોદી જોયા. ઇન ફેક્ટ જેમને લીધે જગત બદલાયું એ ચેન્જ એજન્ટ્સ પણ આ જ પેઢીના છે. ઈલોન મસ્ક હોય કે માર્ક ઝકરબર્ગ. જોબ્સ હોત તો પણ એટલા બૂઢા ના હોત બિલ ગેટ્સની હારોહાર હોત. ક્રિપ્ટો ને યુપીઆઈ સાથે કામ પાડતી પેઢી હાથે રસોઈ રાંધતા પણ શીખી હતી. અથાણા બનાવતા શીખી ને ભાડે સાઈકલ ફેરવતા પણ શીખી. આ પેઢી મૂળિયાં મજબૂત રાખીને આધુનિકતામાં ડાળીઓ ફેલાવતી થઇ. અનુકૂલન શબ્દ જ એમના માટે છે. એડજસ્ટમેન્ટની હાલતીચાલતી વ્યાખ્યા આ મિડલ ક્લાસની પેઢી છે જે અને
ટ્રાન્ઝિસ્ટરમાંથી એ એઆઈના પ્રોમ્પ્ટ આપતા શીખી છે કારણ કે બાળપણમાં એમણે માર્કસનું પ્રેશર ને ટીવીનું પ્રલોભન ઓછું હતું.
કૂકરની રિંગ અને ટાયરનો ઉપયોગ કરીને રમતો રમવામાં શરમ ના હોય ને કાદવમાં ખીલો ખૂંચાડવામાં મૂડ આવતો હોય એવી ધુરંધર જનરેશન પાડોશી કે કાકામામામાસીને ત્યાં જમીને મોટી થયેલી છે.ભાડે વિડીયો લઇ આવીને પાર્ટી કરી એમાં નેટફ્લિકસ ખરીદી લીધા જેવો એમનો વટ હતો. એમણે ખપાટિયા જેવી છોકરીઓ ફિલ્મી પડદે કદી ના જોઈ ને ડિપ્રેશનમાં આવી ગયેલ ડાચા જેવા ફિક્કા પોલા પોપટા જેવા હીરો ના જોયા. એમણે નોટબૂકમાં પીપળાના પાન પણ રાખ્યા ને એસએમએસ પણ શીખ્યા. ઘરનું મિલ્કેન લઇ શિખંડ લેવા જતા અને કપડાંની થેલી લઇ પપ્પા સાથે શાકમાર્કેટ જતા એ એમેઝોનના ઓર્ડર સુધી પહોંચ્યા. સેકન્ડહેન્ડ બૂક પર પૂંઠા ચડાવી બાઇન્ડ કરી લેતી એ જનરેશન જેણે કિન્ડલને પણ રિટાયર થતું જોયું.
એટલે સ્ક્રીન વિના મોટી થયેલી આ અક્ષય ખન્નાની દિલદારયાર જનરેશન આજે સ્ક્રીન પર ધબધબાટી બોલાવી રહી છે. સુવાળી નહિ પણ સખ્ત બનીને !
ઝિંગ થિંગ
સૌ યાર જિંદગીની મઝધારમાં મળ્યા
સાયકલ ઉપર જતા હતા એ કારમાં મળ્યા
એ બાળપણની મસ્તી ફરી જીવતી થઈ
કોમ્પલાન જે પીતા એ બધા બારમાં મળ્યા.
પાછા મળ્યા તો એવા મળ્યા, રણઝણી ઉઠયા
જૂના બધા તરાના ફરી ગણગણી ઉઠયા
જૂના સંબંધ મૂક્યા'તા ત્યાંથી શરૂ થયા
મનમાં દટાયેલા ઉમંગો ધણધણી ઉઠયા
આશા ય ન્હોતી એ બધા સેટલ થઈ ગયા
જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા
વર્ષોથી દબાવ્યું બધું ઉભરાઈ પણ ગયું
પહેલાંની જેવા વાણીના બેટલ થઈ ગયા
ભીના ગળેથી આજ શરૂ થઈ બધી કથા
વિકસેલ પેટ, ને ખરેલ વાળની કથા
કળીઓ નહીં પમાયાનો અફસોસ થયો વ્યક્ત
ભમરાઓના એ જૂના ઈન્તજારની કથા
જીવનનો એ સુવર્ણકાળ કોણ ભૂલશે?
બોલાવતા દઈને ગાળ કોણ ભૂલશે?
એ માસ્તરોનો માર હજી ચમચમી ઉઠે,
સ્પર્શેલા એ કોઈના વાળ કોણ ભૂલશે?
તો દોસ્તો, આ મારૂં કથન યાદ રાખજો
એમ જ કહું છું વાત ગહન યાદ રાખજો
જીવનની આ ક્ષણો ન કદી પાછી આવશે
માણી લો જેટલું છે જીવન યાદ રાખજો
કે માણવાને આવો વિષય ના ફરી મળે
કોલેજકાળ જેવો સમય ના ફરી મળે
- ફિરદૌસ દેખૈયા..


