Get The App

સ્લોપ : ઇન્ટરનેટનો એંઠવાડ .

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
સ્લોપ : ઇન્ટરનેટનો એંઠવાડ                                                                       . 1 - image

- શબ્દસંહિતા - પરેશ વ્યાસ

- સાચા કલાકાર, ફિલ્મ મેકરની દશા માઠી છે. લોકોને ખબર પડતી નથી કે સાચું શું છે? 

ખોટું શું છે? 

તે પંથીની ઉપર કચરો, ફેંકતાં ફેંકી દીધો, નીચે આવ્યો તન ઉપર, ને તૂર્ત ફેલાઈ જાતાં,   પેલો પંથી તરફડી રહ્યો, શ્વાસ રૂંધાઈ જાતાં.                                                                           

- નિમશ ઠાકર 

'ફ્ લેટને ત્રીજે માળથી' પ્રતિકાવ્યમાં અજાણ્યાં રાહદારી ઉપર ફેંકાયેલા કચરાની કહાણી છે. કચરો ક્યાં જાય છે? એની ચિંતા કોઈને નથી. આજનો શબ્દ ઘન મિશ્રિત પ્રવાહી કચરાની ફેંકાફેંકીની વાર્તા છે. ફરક એટલો કે આ ફેંકાફેંકી ઓનલાઈન છે, જેની અસર તળે જેઓ તરફડે છે, જેઓના શ્વાસ રૂંધાય છે, એ આપણે છીએ. ગુજરાતી લેક્સિકન અનુસાર 'સ્લૉપ' (જીર્નૅ) એટલે ઢોળાવું, ઢોળાવા દેવું, ઊભરાવું, ઊભરાઈ જવા દેવું, છાલક, ખાળનું ગંદુ પાણી, રસોડાનો એંઠવાડ, રાતના કૂડામાં ભેગા કરેલા મળમૂત્ર, ભૂખ ઉઘાડે નહીં એવું પ્રવાહી. સમાન ઉચ્ચાર પણ જોડણી અલગ એવો શબ્દ જીર્નૅી (ઢાળ, ઢોળાવ) સાથે આ શબ્દને કોઈ સંબંધ નથી. ભૂંડનાં ખોરાકને 'પિગ સ્લૉપ' કહે છે. થેન્ક્સ ટૂ સ્વચ્છ ભારત મિશન, ખુલ્લી ગટર હવે લગભગ નથી, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થઇ, કચરો પણ હવે પડયો રહેતો નથી. ભૂંડ પણ હવે નથી. પણ એક સમય એવો પણ હતો જ્યારે ભૂંડ કે ડુક્કર શેરીમાં ફરતા, ગંદકી ફેલાવતા, ગંદકી ખાતા. મ્યુનિસિપાલિટી ભૂંડ પકડવાના પરવાનો આપતી પણ ભૂંડની વસ્તી કેમેય કરીને કમ નહોતી થતી. હવે એવી સ્થિતિ નથી. એટલે શબ્દ તરીકે ભૂંડના ખોરાક ઉર્ફે 'સ્લૉપ' પણ બોલચાલની ભાષામાં જાણીતો નથી. પણ તો ય વર્ષ ૨૦૨૫ના સરતાજ શબ્દોની યાદીમાં આ શબ્દ આવી ગયો. ઓસ્ટ્રેલિયાની મક્વારી ડિક્સનરીએ 'એઆઈ સ્લાપ' અને બ્રિટિશ મેગઝીન ધ ઈકોનોમિસ્ટ-એ 'સ્લૉપ' શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કરી દીધા. શેરીમાં કચરો ખાતા અને ગંદકી ફેલાવતા ભૂંડ હવે ઇન્ટરનેટ પર આવી ચઢયાં છે, વધી રહ્યા છે. એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા) એને માટે જવાબદાર છે. એક ભાઈએ ગૂગલ એઆઈને પૂછયું કે મારા પિત્ઝા પર ચીઝ ચોંટતું નથી. શું કરું? ગૂગલે જવાબ આપ્યો કે બિન-ઝેરી ગ્લૂ (સરેસ/ગુંદર) લગાડો. ચૂટકીમેં ચીપકાયે! એઆઈ તો રોબોટ છે. એ તો અગાઉનાં ડેટા પરથી ઉત્તર શોધી આપે છે. જો કોઈએ ભૂલ કરી હોય તો એ ભૂલનું પુનરાવર્તન થાય છે. કોઈ ટીખળીબાજે ભૂતકાળમાં રેડ્ડિટ પર ગ્લૂ લગાડવાની વાત લખી હતી. એઆઈએ એ પકડી લીધું અને પછી એવું કહી દીધું. આ બુદ્ધિમત્તા તો કૃત્રિમ છે. એઆઈ એવું પણ કહે છે કે સૂર્ય સામે ૩૦ મિનિટ્સ સુધી સતત જોઈ શકાય અને રોજ એક પથ્થર ખાઓ તો તમારી લોહતત્ત્વની કમી દૂર થઇ શકે. લો બોલો! ઈન્ટરનેટનો એંઠવાડ બિંદાસ્ત હરીફરી રહ્યો છે. ભૂંડની વસ્તીની પેઠે એનું પ્રજનન થઇ રહ્યું છે. ઇન્ટરનેટનો અનુભવ હવે પૂંઠૂં ચાવવા જેવો થઇ ગયો છે. ન કોઈ સ્વાદ, ન કોઈ સુગંધ અને એકનું એક. આ સ્લોપ છે. અહીં સ્પીડ અને ક્વોન્ટિટી છે. ક્વોલિટી નથી. સારું કે ઉત્કૃષ્ટ દઈ શકાય એવી કોઈ કાર્યનીતિ પણ નથી. 

એઆઈ સર્જિત ડિજિટલ ઈકોનોમી છે આ. રાતોરાત નિમ્ન સ્તરનું પુષ્કળ કન્ટેન્ટ (ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો,વિડીયો) ઇન્ટરનેટ પર આવી જાય છે. એવું ય બન્યું કે યૂ-ટયુબની કેટલીક ચેનલ પૂર્ણતઃ એઆઈ સર્જિત થઈ ગઈ છે. યૂ-ટયુબમાંથી જાણે 'યૂ' ગાયબ થઈ ગયું.  એકવાર તમે એ જુઓ  એટલે ઈન્ટરનેટ તમને એવી ને એવી ચેનલ જોવાની ભલામણ કરતું રહે છે. ટિકટોક, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ આ એંઠવાડને ટાળવા કે ખાળવા કાંઈ કરતા નથી. અમે એવું માનીએ છીએ કે તેઓ જાણી જોઈને આવું કરે છે.  પેલા શેરીમાં રખડતાં અને માનવમળ સહિતનો કચરો ખાતા ભૂંડ પાળવા જેવું જ બિઝનેસ મોડેલ છે આ. જેમ ભૂંડની પ્રજનન શક્તિ અમર્યાદ છે તેમ જ એઆઈની મદદથી સર્જાયેલા અવાસ્તવિક, અજીબોગરીબ ટૂંકા વિડીયો અપાર છે. દાખલો આપતા હિંદુસ્તાન ટાઈમ્સ લખે છે કે મંકી વ્લોગર નામથી એઆઈ જનરેટેડ વિડીયોમાં વાંદરો માણસની જેમ વાત કરે છે, બનારસના ઘાટ પાર તો ક્યારેક કુંભમેળામાં. એ જ વાંદરો બજારમાં ખરીદી પણ કરે છે. આ વીડિયો ૧૧ લાખ લોકો જોઈ ચૂક્યા છે. સાચા કલાકાર, ફિલ્મ મેકરની દશા માઠી છે. લોકોને ખબર પડતી નથી કે સાચું શું છે? ખોટું શું છે? એઆઈને કારણે ડીપફેઇક ફોટાઓ અને મિસઇન્ફર્મેશન કથાઓ અઢકળ  છે. ભૂંડની વસ્તી વધી રહી છે. એઆઈની મદદથી સર્જાતા કન્ટેન્ટ કમાણીનું સાધન છે. પાપડ બનાવવા જેવો ગૃહઉદ્યોગ છે. અમેરિકા, ચીન કે ભારતના કન્ટેન્ટ મેકર્સ મહિને પચાસ હજાર રૂપિયા આસાનીથી રળી લે છે. જરૂરી છે માત્ર એક સ્માર્ટ ફોન અને એની આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ. ર.પા.ની કવિતાનો આધાર લઈને કહું તો આપણી ખોતર ખોતર કરવાની ટેવ આપણને નડી રહી છે. આપણો સમય બગડે છે એટલું જ નહીં પણ આપણી એકાગ્રતા ઘટી રહી છે. ખોટી માહિતી ફેલાઈ રહી છે. આપણાં બાળકો ટાર્ગેટ બની ગયા છે. આ એંઠવાડ આખી પેઢીને બરબાદ કરી નાંખે તેમ છે. 

શું કરવું? આપણે સ્માર્ટ ફોનનાં બંધાણી છીએ એટલે સાવ બંધ તો ન થાય પણ સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો. થોડી પોતાની બુદ્ધિ વાપરો તો ખ્યાલ આવી શકે કે આ કન્ટેન્ટ એઆઈ સર્જિત છે કે માનવબુદ્ધિ સર્જિત છે? પ્રતિક્રિયા આપતા પહેલાં કે ફોરવર્ડ કરતા પહેલા ચકાસો કે આ માહિતી સાચી છે કે ખોટી? ગૂગલ રીવર્સ ઇમેજ સર્ચ કે અન્ય ટૂલનો ઉપયોગ કરી શકાય. નકામા કન્ટેન્ટને મ્યુટ કે બ્લોક કરી શકાય. રીપોર્ટ પણ કરી શકાય. જો તમે એઆઈની મદદથી ખુદ સર્જક બની જાઓ તો તમારા કન્ટેન્ટને અપલોડ કરતા પહેલાં કહી દેવું કે આમાં એઆઈની મદદ લીધી છે. સાચું ખોટું રામ જાણે. 

એઆઈ સ્લૉપ સાધારણ કન્ટેન્ટ છે. એનો પ્રચારપ્રસાર અસાધારણ નુકસાન કરશે. તુચ્છતાને ત્યાગો. જાગો માણસ જાગો.

શબ્દશેષ

'તુચ્છતાથી વધારે દારુણ, અપમાનજનક અને નિરાશામય બીજું કાંઇ નથી.' 

- એન્તોન ચેખોવ