- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- પેઢીઓ બદલાઈ જશે. તોય ચુકાદો તો લટકતો જ રહેશે. વકીલોના ખિસ્સાં ભરાશે અને વેરની દીવાલ એટલી ઊંચી થઈ જશે કે તમારા સંતાનોને પણ વેરનો વારસો મળશે.'
અ મદાવાદના વાતાવરણમાં ઠંડી હતી, પરંતુ જોધપુર ચાર રસ્તા પાસેના ફ્લેટમાં વિનોદ ત્રિવેદી જે ઉભરો ઠાલવી રહ્યો હતો, એને લીધે ઓરડામાં ગરમી હતી. 'અમેરિકા રહેતા મોટા ભાઈ મનોજનો ઇરાદો ખરાબ નથી. મને કે મારા પરિવારને દુઃખી કરવાનું એ ક્યારેય ના વિચારે. એમનો સાળો અહીં સરસપુરમાં રહે છે. સંકડામણમ ાં આવીને એ પૈસા માટે હડકાયો થયો છે. અમેરિકા વાત કરીને એણે આ દીવાસળી ચાંપી છે.'
વિનોદના અવાજમાં પીડા હતી. સામે બેઠેલા ચારેય મિત્રો એની સાથે એક કોર્પોરેટ ઑફિસમાં નોકરી કરતા હતા. મિત્રને મુશ્કેલીમાંથી ઉગારવા એ બધા ગંભીરતાથી સાંભળી રહ્યા હતા.
'આમાં કાયદેસર શું કરી શકાય એ માટે મારે ઇતિહાસ સમજવો પડશે.' લીગલ ડિપાર્ટમેન્ટવાળા લલિતે ધરપત આપી. 'એકવાર ચિત્ર સ્પષ્ટ થઈ જાય એ પછી આ પ્રોપર્ટી પ્રોબ્લેમ મારા માટે ડાબા હાથનો ખેલ છે.'
'આખી કથા સંભળાવું છું. લિસન...' આશાભરી નજરે એની સામે જોઈને વિનોદે બોલવાનું શરૂ કર્યું. 'એ સમયે બાપાને મિલની નોકરી. ત્રણેય ભાંડરડામાં હું સૌથી નાનો. બહેન સૌથી મોટી. એ પછી અમે બે ભાઈઓ. બહેનનો વટ એવો કે અમારે બંને ભાઈઓએ એનું કહ્યું માનવું જ પડે. એ વખતે અમે ખાડિયાની એક પોળમાં ભાડે રહેતા હતા. બાપાનો પગાર ટૂંકો પણ કરકસરથી જીવવામાં કોઈ તકલીફ નહોતી પડતી. અમને બંને ભાઈઓને બાપા ઠમઠોરતા કે બ્રાહ્મણનું ખોળિયું મળ્યું છે તો ખૂબ ભણો. સરસ્વતી માની કૃપા મેળવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ આવશે. મોટાભાઈ મનોજે બાપાની સલાહનો દિલથી અમલ કર્યો અને આજથી વીસ વર્ષ પહેલા અમેરિકા પહોંચી ગયો. મોટીબેન પરણીને સાસરામાં
સુખી હતી.
બાપાના મિત્રોમાં મોટાભાગે જ્ઞાતિબંધુઓ જ હતા. એ વખતે આ વિસ્તાર તો ઉજ્જડ જેવો હતો. એમાં આ ફ્લેટની સ્કીમમાં બાપાના બધા મિત્રો મેમ્બર થયા અને બાપાને આગ્રહ કર્યો. કોઓપરેટિવ સોસાયટી હતી એટલે ત્રીસ હજાર જ ભરવાના હતા, બાકીની સરકારી હાઉસીંગની લોન મળવાની હતી. એ વખતે તો ત્રીસ હજાર પણ ખૂબ મોટી રકમ હતી બાપા માટે. કુલ બચત ઉપરાંત મિલમાંથી મળતી લોનનો સરવાળો કરીને બાપા મૂંઝાતા હતા. બાવીસ હજારે આવીને ગાડું અટકી જતું હતું. બાપાએ અમેરિકા મોટાભાઈને વાત કરી. એણે આઠ હજાર મોકલી આપ્યા અને આમ ભાડાનું ઘર છોડીને અમે આ ફ્લેટમાં આવ્યા...'
વિનોદની પત્ની વીણા બધા માટે ચા-નાસ્તો લઈને આવી અને ટિપોઈ પર મૂકીને એ રસોડા તરફ ગઈ.
'હું તો આ ફ્લેટ બન્યા ત્યારથી અહીં જ રહું છું...' વિનોદે કથા આગળ વધારી. 'એ પછી બા નું અવસાન થયું અને એના દોઢ વર્ષ પછી બાપાએ પણ વિદાય લીધી. બાપાના મૃત્યુ પછી દર મહિને સોસાયટીના મેઈન્ટેનન્સનો ચેક હું આપું છું. એને લીધે સોસાયટીના હોદ્દેદારોએ કામચલાઉ રીતે મારું નામ ચોપડે ચડાવી દીધું છે. આજ સુધી બધું બરાબર ચાલતું હતું પણ છેલ્લા મહિનામાં ચિત્ર બદલાઈ ગયું...'
આગળ બોલતી વખતે વિનોદના અવાજમાં લગીર કડવાશ ભળી. 'આ ફ્લેટના મુદ્દે મનોજભાઈએ પ્રોબ્લેમ ઊભો કર્યો છે.' રસોડાના બારણે ઊભેલી વીણા પોતાની સામે તાકી રહી છે એનો ખ્યાલ આવ્યો એટલે વિનોદે ખુલાસો કર્યો. 'એ અમેરિકામાં સુખી છે, એમને પૈસાની જરૂર નથી, પણ એમના સાળાએ હોળી સળગાવી છે. પેલી કહેવત છે ને ? સારી ખુદાઈ એક તરફ ઔર જોરૂ કા ભાઈ એક તરફ ! સાળાને સહાય કરવા માટે મનોજભાઈએ પોતાના સગા ભાઈને સંકટમાં મૂકી દીધો છે ! મારા ઉપર એમનો ફોન આવ્યો. અવાજ એમનો હતો, પણ શબ્દો એમના સાળાના હતા. આટલાં વર્ષથી આપણો મજિયારો ફ્લેટ તું વાપરે છે એની સામે વાંધો લીધો નથી, એ મારી ખાનદાની, પણ હવે મારે પૈસાની જરૂર છે. સીધી જ રીતે મુદ્દાની વાત કરીને એમણે તાકીદ કરી કે ફ્લેટ વેચીને જે રકમ આવે, એમાંથી અડધો ભાગ મને આપી દે. જો તારે એમાં રહેવું જ હોય તો બજારભાવે કિંમત કઢાવીને અડધા મને આપવા પડશે...'
બધાની સામે જોઈને એણે પરિસ્થિતિ સમજાવી. 'આજની તારીખે ફ્લેટની કિંમત એક કરોડ વીસ લાખ ગણાય. એના અડધા એટલે સાંઈઠ લાખ મારે લાવવા ક્યાંથી ? આજે ચોથી ફેબુ્રઆરી થઈ, મનોજ આ કામ માટે પચીસમી તારીખે આવવાનો છે. એનો ફોન આવ્યો એના બીજા જ દિવસે એનો સાળો મને મળવા આવ્યો. કહે કે ફ્લેટ વેચવો હોય તો મારી પાસે બે પાર્ટી તૈયાર છે. ઘેર આવેલા મહેમાન જોડે માથાકૂટ કોણ કરે ? મારી રીતે વિચારીને નિર્ણય કરીશ એમ કહીને એને ફૂટાડી દીધો.'
'મનોજે એ વખતે બાપાને કેટલા રૂપિયા આપેલા ? એનો કોઈ પુરાવો ખરો ?' લગીર વિચારીને લલિતે સવાલોની ઝડી વરસાવી. 'અહીં બા-બાપા તારી સાથે રહેતાં હતાં. એમની સંભાળ કોણ રાખતું હતું ? એ બંનેની ઉત્તરક્રિયામાં જે ખર્ચ થયો એમાં મનોજે કોઈ હિસ્સો આપેલો ? સોસાયટીના કોમન ખર્ચમાં તારા સિવાય કોઈએ એક રૂપિયો આપેલો છે ? સોસાયટીમાં તો ફ્લેટ તારા નામે જ બોલે છે ને ?'
'આઠ હજાર રૂપિયા મનોજે એના કોઈ ભાઈબંધ જોડે રોકડા મોકલાવેલા. બાકી, બા-બાપા માટે કે સોસાયટીના ખર્ચ માટે એણે રાતી પાઈ પણ નથી આપી.'
'તારો કેસ મજબૂત છે.' લલિતે ઉત્સાહથી ચપટી વગાડીને કહ્યું, 'એડવોકેટ અંતાણી કોર્ટમાં આવે ત્યારે જજ પણ ફફડે એવી એમની ધાક છે. એમની મુલાકાત લેવી હોય તો દસ દિવસ પછીની એપોઈન્ટમેન્ટ આપે એવી ધરખમ પ્રેક્ટિસ છે, પણ આપણા કોર્પોરેશનના આઠ કેસની ફાઈલ એમની પાસે છે એટલે હું સાથે આવીશ. ફી પણ વ્યાજબી કરાવી આપીશ.'
'સાળાને સાચવવા માટે મોટોભાઈ મગજમારી કરે તો કાયદો બતાવીને સીધો કરી દેવાનો. આ લલિતને બધા વકીલો જોડે સંબંધ છે, પછી ડરવાનું શા માટે ?' પારેખે પાનો ચડાવ્યો.
'સોસાયટીમાં પ્રોવિઝનલ તો પ્રોવિઝનલ પણ તારું એકલાનું નામ છે, એ પ્લસ પોઈન્ટ છે. અધિકાર માટે લડવામાં પાછી પાની નહીં કરવાની....' અશોકના અવાજમાં આક્રમકતા હતી. 'એક કોર્ટમાં ધારો કે મેળ ના પડયો તો ઉપલી કોર્ટના દરવાજા ઉઘાડા જ હોય છે, દોસ્ત ! છેક સુધી ખુમારીથી લડી લેવાનું.'
બધા મિત્રોએ વિદાય લીધી. હવે વિનોદના મનમાં કોઈ અવઢવ નહોતી. માનવતા ભૂલીને મોટોભાઈ ભત્રીજાઓના મોઢામાંથી કોળિયો ઝૂંટવવા કારસ્તાન કરે, તો કાયદેસર લડી લેવામાં કંઈ ખોટું નથી.
'હવે મારી વાત સાંભળો.' વીણાએ પતિના ખભે હાથ મૂક્યો. 'અત્યારે ભાઈબંધોએ જે સલાહ આપી, એ આખું પોટલું લઈને ઉત્તમભાઈને મળીએ. તમારી બધી વાત સાંભળ્યા પછી એ જે સલાહ આપે એ સાચી માનવાની. તમારા આ બધા ભાઈબંધો કરતા એમના ઉપર વધુ વિશ્વાસ છે. ઉંમરમાં તમારાથી પાંચ વર્ષ મોટા છે અને આપણા પરિવાર વિશે એમને પૂરી જાણકારી છે. તમે ભૂલી ગયા ? છ મહિના અગાઉ રવિવારે તમારી બાઈકને એક્સિડન્ટ થયો ત્યારે મેં બધાને ફોન કરેલા. તમારા ભાઈબંધો તો ત્રણ કલાક પછી આવેલા. એક માત્ર ઉત્તમભાઈ ખિસ્સામાં પચાસ હજાર રોકડા લઈને વીસ જ મિનિટમાં આવી ગયા હતા !...'
વીણા સડસડાટ બોલતી હતી. 'જબરજસ્ત કોઠાસૂઝ ઉપરાંત આંટીઘૂંટી ઉકેલવાની એમની પાસે આવડત છે. સંબંધોના આટાપાટા વચ્ચે રૂપિયા-પૈસાનો પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે ઉતાવળમાં નિર્ણય ના લેવાય. વ્યવહારૂ માણસની સાચી સલાહ જ કામમાં આવે. સમજણ પડી ?'
વિનોદે માથું હલાવીને પત્નીની વાત સ્વીકારી લીધી.
ૂૂરાત્રે પતિ-પત્ની ઉત્તમભાઈને ત્યાં પહોંચ્યા. પોતાની રામકહાણી સંભળાવીને લલિત અને મિત્રોએ આપેલી સલાહની વિગતવાર વાત કરીને વિનોદે પૂછ્યું. 'ઉત્તમભાઈ, ન્યાય માટે સગાભાઈ સાથે લડવામાં કોઈ વાંધો ખરો ? મહાભારતમાં બીજું છે શું ?'
'વેરી ગુડ, વિનોદ ! બખ્તર પહેરીને તલવાર લઈને ભાઈ સાથે લડવું હોય તો મારી સો ટકા સંમતિ છે.'
'અરે ઉત્તમભાઈ, આવી મજાક ?' એમની વાતથી વિનોદ ગૂંચવાયો. 'લડવાનું કામ તો એડવોકેટ અંતાણી કરશે.'
'તું ગાંડો થઈ ગયો છે ? વકીલની મદદ લઈને કોર્ટ-કચેરીમાં લડવાનું હોય તો મારી ચોખ્ખી ના છે.' ઉત્તમભાઈએ બંનેની સામે જોયું. 'એકવાર એ ચક્કરમાં ફસાયા એટલે સંબંધોમાં છીણી મુકાશે. વકીલો ફોલી ખાશે. વર્ષો સુધી મુદતો પડયા કરશે. કડવાશ વધશે, માનસિક ઉચાટ અને વ્યગ્રતાને લીધે તબિયત બગડશે. બંને પક્ષે પ્રેસ્ટિજ ઇશ્યુ બની જશે તો છેક સુપ્રિમ સુધી લડવું પડશે. એમાં પેઢીઓ બદલાઈ જશે. તોય ચુકાદો તો લટકતો જ રહેશે. વકીલોના ખિસ્સાં ભરાશે અને બંને ભાઈઓ વચ્ચે વેરની દીવાલ એટલી ઊંચી થઈ જશે કે લોહીનો સંબંધ સુકાઈ જશે ને તમારા સંતાનોને પણ સ્નેહને બદલે વેરનો વારસો મળશે.'
એક શ્વાસે આટલું બોલીને એમણે પત્નીને ચા-નાસ્તા માટે સૂચના આપી. 'વિનોદ, મારા ઉપર વિશ્વાસ હોય તો આ કેસ મને સોંપી દે. તમારા મોટા બેનને મળીને બંને ભાઈઓ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા શોધવાનું કામ અઘરું નથી. તારે માત્ર એક કામ કરવાનું છે. મનોજ અમેરિકાથી આવીને એના સાળાને ત્યાં નહીં, પણ તારા ઘેર ઊતરે એટલો સંદેશો મોકલી આપ.' એમણે હળવાશથી સમજાવ્યું. 'લોહીના સંબંધમાં લડાઈને બદલે સમાધાન કરીને જીવવાથી વધુ મજા આવશે. બંને પક્ષે વકીલની ફી બચવાની છે. મનોજ એની માગણીમાં થોડોક નીચે ઊતરે અને તું આપવામાં થોડોક ઊંચે ચડે તો ઘરમેળે વાત પતી જશે. મોટાબેન તટસ્થ છે અને તમને બંનેને ધમકાવીને મનાવવા માટે પણ સમર્થ છે. થોડીક ખોટ જાય તોપણ સામે જીવનભર સંબંધોની મીઠાશ જળવાઈ રહે તો એ લાભનો સોદો કહેવાય. મારી વાત સમજાય છે ને ?'
વિનોદ અને વીણાએ હાથ જોડીને એમની તર્કબદ્ધ દલીલો સ્વીકારી લીધી.
મનોજ આવીને વિનોદને ત્યાં જ ઉતર્યો. એ વખતે મોટીબેન પણ ત્યાં આવી ગયાં હતાં. નાનપણમાં બંને ભાઈઓને ધમકાવતા હતા એ જ અંદાજમાં એમણે મનોજને એકેએક વાત યાદ કરાવીને જબરજસ્ત કોઠાસૂઝથી કહ્યું કે મનીયા, સાળાની સેવા કરવા માટે સગા ભાઈની શાંતિ ના ઝૂંટવાય. વિનોદને પણ કહ્યું કે વિનિયા, વકીલોના રવાડે નથી ચડવાનું.
મોટીબેને વીસ લાખમાં મનોજને મનાવી લીધો. વિનોદે એ રકમ ટૂકડે ટૂકડે આપવાનું કહ્યું એ પણ મનોજે માનવું પડયું. ટ્રમ્પનો ત્રાસ ઓછો થાય ત્યારે વિનોદના મોટા દીકરાને કાયમ માટે અમેરિકા લઈ જવાનું પણ એણે વચન આપ્યું. મોટીબેનને વંદન કરીને બંને ભાઈ ભેટી પડયા ત્યારે ત્રણેયની આંખમાં ઝળઝળિયાં હતાં ! (શીર્ષક પંક્તિ : લેખક)


