- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- ''આપણે આવતા અઠવાડિયે જ આર્ય સમાજમાં લગ્ન કરી લઈએ. સ્ટાફના બધાને એ સાંજે બેન્કવેટ હોલમાં જમાડી દઈશું. વાર્તા પૂરી!''
''મિ સ્ટર હેમંત ભાવસાર અને મિસ શુભાંગી અત્રે ! ઓલ ધ બેસ્ટ ટુ બોથ ઓફ યુ !'' નોકરી પર હાજર થયેલા બંને યુવાન કર્મચારીને આવકારીને બેન્ક મેનેજરે એ બંનેનો બાકીના સ્ટાફ મેમ્બર્સ સાથે પરિચય કરાવ્યો. એ પછી કામની સમજણ આપીને જવાબદારી સોંપી દીધી.
બેન્કની આ શાખામાં ભોંયરાની અંદર સેઇફ ડિપોઝિટ વોલ્ટની બાજુમાં એક રૂમ હતો, ત્યાં સ્ટાફના માણસો વારાફરતી લંચ માટે જતાં હતાં.
બીજા દિવસે સ્ટાફના બે પુરુષો અને એક મહિલા કર્મચારીની સાથે હેમંત અને શુભાંગી ટિફિન લઈને એ રૂમમાં ગયાં. ''આ લસણિયા પીળા ઢોકળા મારી મમ્મીની સ્પેશિયાલિટી છે.'' રોટલી-શાક ઉપરાંત વધારાનો ડબ્બો બધાની સામે ખુલ્લો મૂકીને હેમંતે કહ્યું. ''રાત્રે ગરમાગરમ ઢોકળા તેલ સાથે ખાવાના અને મમ્મી વધારે જ બનાવે, એટલે સવારે એના ટૂકડા કરીને મસ્ત વઘારી દેવાના... પ્લીઝ...'' બધાને આગ્રહ કરીને હેમંતે ઉમેર્યું. ''આજે અહીં માટે મેં વધારે બનાવવાનું જ કહેલું.''
સ્વાદિષ્ટ ઢોકળા બધાને ભાવ્યાં. હેમંતે હળવેથી શુભાંગી અત્રેના ટિફિન સામે નજર કરી લીધી. એક જ ડબ્બામાં ઉપમા જેવું કંઈક હતું. હેમંતે ઢોકળાને ડબ્બો એની સામે મૂકી દીધો.
પછીના દિવસે હેમંતે બેન્કમાં બધાને પેંડા ખવડાવીને નિખાલસતાથી કહ્યું. ''ગઈકાલ સુધી સાઇકલ લઈને તૂટતો હતો. આજે હપ્તાથી મોટરસાઇકલ ખરીદી, એના આ પેંડા છે.''
પછી તો લંચ માટે હેમંત અને શુભાંગી સાથે જ જતા હતા. શુભાંગી એક નાનકડા ડબ્બામાં ઉપમા કે મસાલાપુરી જ લાવતી હતી અને ચા સાથે લંચ પતાવતી હતી. ખાસ એના માટે જ હેમંત રોજ કંઈક વધારાની આઈટમ લાવતો હતો અને શુભાંગી એની ના નહોતી પાડતી. આ રીતે ધીમે ધીમે પરિચય વધતો ગયો.
દોઢેક મહિના પછી બેન્ક છૂટયા પછી હેમંતને મણીનગર રહેતા એક સંબંધીનું કામ હતું. એ બાઈક લઈને રોડ પર આવ્યો ત્યારે બસસ્ટેન્ડ પર શુભાંગીને ઊભેલી જોઈને એણે બાઈક ઊભી રાખી. એ મણીનગરમાં રહે છે એની ખબર હોવાથી એણે કહ્યું. ''વાંધો ના હોય તો બાઈક પર બેસી જાવ. મારે મણીનગર જ જવાનું છે.''
''એક શરતે...'' શુભાંગીએ હસીને કહ્યું. ''મને ઘેર મૂકવા આવશો, તો ચા પીવા રોકાવું પડશે.''
''શ્યોર.'' હેમંતે કહ્યું અને શુભાંગી એની પાછળ બેસી ગઈ.
મણીનગર પૂર્વમાં એક બેડરૂમનો નાનકડો ફલેટ હતો. બંને એક સાથે અંદર પ્રવેશ્યાં ત્યારે ઘરમાં હાજર બે યુવતીઓ અને એક વૃદ્ધા સહેજ આશ્ચર્યથી એમની સામે તાકી રહ્યાં.
''આ મારું ઘર અને આ બંને મારી નાની બહેનો અને આ મારી મમ્મી...'' શુભાંગીએ પરિચય કરાવ્યો. ''ઈશીતા નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, મુન્ની પણ એ જ કરે છે. મમ્મી આનંદીબેન સિલાઈનું જોબવર્ક કરે છે.''
એ પછી હેમંતનો પરિચય આપતી વખતે શુભાંગી બોલી. ''આ હેમંત. અમને એક જ દિવસે એપોઈન્ટમેન્ટ મળી છે. એ વાસણા રહે છે. આજે આ તરફ આવવાનું હતું એટલે મને મૂકવા આવ્યા...'' મુન્ની સામે જોઈને શુભાંગીએ સૂચના આપી. ''એમને ચાનો શોખ છે. સરસ મજાની ચા બનાવ.''
શુભાંગી કદાચ પહેલીવાર કોઈ યુવાનને આવી રીતે ઘેર લાવી હશે એટલે એની મમ્મીએ તો આ જાણે ભાવિ જમાઈ હોય એ રીતે હેમંતની પૂછપરછ શરૂ કરી. હેમંતે ઉત્સાહથી પૂરી જાણકારી આપી દીધી. ''મારે કોઈ ભાઈ-બહેન નથી. એવી જ હાલત મારા મા-બાપની છે, એટલે મારે કોઈ કાકા, મામા કે ફૈબા પણ નથી. વાસણામાં આવો જ નાનકડો ફલેટ છે, એમાં અમે ત્રણેય રહીએ છીએ. મારા બાપા અગાઉ ખાનગી પેઢીઓમાં નામું લખતા હતા. એમની ઉંમર થઈ એટલે બંધ કર્યું. બેન્કમાં નોકરી મળી એ અગાઉ એક કંપનીમાં નોકરી કરીને હું ઘર ચલાવતો હતો. અમારે ત્રણેયને બે ટંક ખાવા માટે પૈસા તો જોઈએ ને ?''
''આ શુભાંગીના પપ્પા બેન્કમાં મેનેજર તરીકે રિટાયર થયા હતા.'' મમ્મીએ માહિતી આપી.
''રિટાયર થઈને એ બે વર્ષ જ જીવ્યા. એમનું અડધું પેન્શન મળે છે. એ ઉપરાંત સિલાઈનું જોબવર્ક મળતું હતું. એમ આ ત્રણેય છોકરીઓને ઉછેરી અને ભણાવી. શુભાંગીને તો નોકરી મળી ગઈ. હવે ઈશીતા પણ તનતોડ મહેનત કરે છે.''
ચા પધી પછી હેમંતે વિદાય લીધી ત્યારે ચારેય એને બાઇક સુધી વળાવવા આવ્યાં.
''છોકરો સારો છે.'' હેમંતની વિદાય પછી આનંદીએ શુભાંગીને ક્યું. ''તને પસંદ હોય તો અમારી સો ટકા સંમતિ છે.'' એ પછી બંને બહેનોએ પણ શુભાંગીની મીઠી મશ્કરી શરૂ કરી દીધી.
બેન્કમાં સાથે બેસીને અને લંચમાં સાથે જમતી વખતે વાતોમાં સીધી સાદી પ્રેમકથા રચાઈ ચૂકી હતી. દસેક દિવસ પછી શુભાંગીએ કહ્યું. ''હું તને મારા ઘેર લઈ ગઈ, પણ તેં હજુ તારું ઘર બતાવ્યું નથી.''
''ગેટ રેડી. આજે સાંજે જ તને લેતો જઈશ.'' ''આજે નહીં...'' શુભાંગીએ કહ્યું. ''કાલે હું સાડી પહેરીને આવીશ. તારા મમ્મી-પપ્પાને એ ગમશે.''
સહેજ પણ મેકઅપ વગર સાડી પહેરેલી શુભાંગી અતિ સુંદર લાગતી હતી. હેમંતના મા-બાપ તો પહેલી જ નજરે પ્રભાવિત થઈ ગયાં. ''મહારાષ્ટ્રીય છે, પણ વર્ષોથી અહીં રહીને પાક્કી ગુજરાતી બની ગઈ છે.'' હેમંતે પરિચય કરાવ્યો. ચા-નાસ્તા માટે એકાદ કલાક રોકાઈને વિદાય લેતી વખતે શુભાંગીએ ઝૂકીને મા-બાપનો ચરણસ્પર્શ કર્યો. હેમંતે એના માટે ઉબર રિક્ષા બૂક કરાવી દીધી હતી.
એની વિદાય પછી મા-બાપે શુભાંગીના પરિવાર વિશે પૂછ્યું. હેમંતે એમને પૂરી જાણકારી આપી. એ સાંભળીને બાપા રતિલાલે નિરાશાથી માથું ધૂણાવ્યું. ''આ છોકરી સાથે સંબંધ આગળ ના વધારતો.'' એમણે આવું કહ્યું એટલે હેમંત ચમક્યો. ''કેમ ?''
''છોકરી રૂપાળી છે, સંસ્કારી છે અને કમાતી છે, પરંતુ તારા માથે એ બોજ બની જશે.'' રતિલાલે ગંભીરતાથી સમજાવ્યું. ''ભાઈ તો છે નહીં, ત્રણેય બહેનોમાં આ સૌથી મોટી. ઘરની આવકમાં એનો પગાર અને એની માને મળતું અડધું પેન્શન...'' હેમંત સામે જોઈને એમણે પૂછ્યું. ''તને કંઈ સમજાય છે ?''
સહેજ ચિડાઈને હેમંતે નકારમાં માથું ધૂણાવ્યું.
''તો હવે ધ્યાનથી સાંભળીને સમજ. બાકીની બે છોડીઓ તો નોકરી કરતી નથી. તું આને અહીં લઈ આવે એ પછી ના કરે નારાયણને ડોશી ઉકલી જાય એટલે પેન્શન તો બંધ થઈ જાયને ? એ પછી એ બે છોડીઓ ખાશે શું ? પહેરશે શું ? એમનાં લગ્ન પણ કરવા પડશે. એ બધો ખર્ચો કોણ કરશે ? એ બધુંય તારા માથે પડશે. મેં તો સમાજમાં આવા કિસ્સા જોયેલાં છે. પ્રેમમાં પાગલ બનવાને બદલે પ્રેકટિકલ બનીને વિચારી જો. મોટા જમાઈ તરીકે એ આખા પરિવારની જવાબદારીનો બોજ ઉઠાવવા તું તૈયાર છે ? આ છોકરીને તો અમારા કરતા એની બહેનો માટે જ વધારે લાગણી હોયને ? એ લપસિંદરમાં તું ઘસાઈને તૂટી મરીશ !''
સહેજ અટકીને એમણે ઉમેર્યું. ''તારા માટે તો જ્ઞાતિમાંથી ઘણાંની પૂછપરછ આવી ગઈ છે. આવતી કાલનું વિચારીને નિર્ણય કરજે.''
બાપા બોલતા હતા અને એમના પ્રત્યેક શબ્દ સાથે સંમત થઈને બા હકારમાં માથું હલાવતાં હતાં. ઠપકા ભરેલી નજરે હેમંત સામે એમણે કહ્યું. ''તારા બાપાની વાત સાવ સાચી છે. આ લગ્નમાં અમારી જરાયે સંમતિ નથી. એ બધા માટે વૈતરું કરવાની તૈયારી હોય તો તારી મરજી ! જાણી જોઈને તારે કૂવામાં કૂદકો જ મારવો હોય તો લગન કરજે.''
હેમંત ચૂપચાપ ઊભો થઈને બીજા ઓરડામાં જતો રહ્યો.
બીજા દિવસે બેન્કમાંથી છૂટીને હેમંત અને શુભાંગી એક કોફીશોપમાં બેઠાં. હેમંતે ઘરમાં થયેલી ચર્ચાની વાત કહ્યા પછી મક્કમતાથી કહ્યું. ''આપણે આવતા અઠવાડિયે જ આર્ય સમાજમાં લગ્ન કરી લઈએ. સ્ટાફના બધાને એ સાંજે બેન્કવેટ હોલમાં જમાડી દઈશું. વાર્તા પૂરી ! મારા મા-બાપને હું ઓળખું છું. હાર-તોરા પહેરીને ઘેર જઈને પગે લાગીશું એટલે એ બંને તને પ્રેમથી સ્વીકારી લેશે.''
''શ્યોર !'' શુભાંગીનો ચહેરો ખીલી ઉઠયો. હેમંત સામે જોઈને સહેજ સંકોચથી એણે કહ્યું. ''અલબત્ત, મારી એક નાનકડી શરત છે. ઈશીતા નોકરી માટે પ્રયત્ન કરે છે. હોંશિયાર છે, એટલે એકાદ વર્ષમાં તો એને નોકરી મળી જ જશે. પરંતુ એને નોકરી ના મળે ત્યાં સુધી મારા પગારમાંથી દર મહિને દસ હજાર રૂપિયા હું મમ્મીને આપીશ. આ શરત મંજૂર છે ?''
''નો પ્રોબ્લેમ.'' હેમંતે તરત સંમતિ આપી. ''અલબત્ત, આ મદદની વાત મારા મા-બાપને જણાવવાની નથી.''
સ્ટાફના મિત્રોના સહકારથી બીજા અઠવાડિયે આર્યસમાજમાં લગ્ન થઈ ગયા અને બેન્કવેટમાં પાર્ટી પણ થઈ ગઈ. મીઠાઈનું મોટું પેકેટ લઈને બંને ઘેર પહોંચ્યા ત્યારે ખૂબ પ્રેમથી બા-બાપાએ બંનેને આશીર્વાદ આપ્યા.
દૂર જવાને બદલે આબુમાં અઠવાડિયાનું હનીમૂન પતાવીને પાછા આવ્યા ત્યારે મેનેજરે બેન્કનો નિયમ બતાવીને કહ્યું કે પતિ-પત્નીને એક બ્રાન્ચમાં ના રખાય. શુભાંગીને ઘરની નજીક વાસણા શાખામાં ટ્રાન્સફર મળી ગઈ.
સવારે છ વાગ્યે ઊઠીને ઘરના તમામ કામકાજ શુભાંગી એટલી ચીવટ અને સ્ફૂર્તિથી નિપટાવી દેતી હતી કે સાસુને પૂરો સંતોષ હતો. એની રસોઈ પણ બધાને ભાવી ગઈ હતી.
સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. દસ મહિના પછી શુભાંગીની બહેન ઈશીતાને એક સરકારી કોર્પોરેશનમાં નોકરી મળી ગઈ, એ જ દિવસે શુભાંગીએ હેમંતને કહી દીધું કે હવે મમ્મીને પૈસા નથી આપવાના !
બે મહિના પછી સવારમાં શુભાંગીને ઉબકા આવ્યા અને વોમિટ થઈ. હેમંતે બાને ખુશખબર આપી કે તું દાદી બનવાની છે ! આખા ઘરમાં ખુશી છલકાઈ ગઈ. સાસુએ વહુને પ્રેમાદેશ આપ્યો કે આજથી શ્રમ પડે એવું કોઈ કામ તારે કરવાનું નથી.
ઘરની દીવાલોમાં પણ જાણે આનંદના ફૂવારા ઊડતાં હતાં, પરંતુ એ આનંદ માત્ર વીસ દિવસ ટક્યો. સ્ટાફના એક મિત્રના લગ્નનું રિસેપ્શન એસ.જી. હાઈવે પરના
પાર્ટી પ્લોટમાં હતું. રાત્રે અગિયાર વાગ્યે હેમંત અને બીજા મિત્રો બાઈક લઈને પાછા આવી રહ્યાં હતાં ત્યારે એક ધસમસતી ટ્રકે હેમંતની બાઇકને ટક્કર મારી. હેમંત ઉછળીને પંદર ફૂટ દૂર માથાભેર પટકાયો અને એ જ પળે એના શ્વાસ અટકી ગયા !
મિત્રોએ ટ્રક ડ્રાઇવરને પકડી લીધો અને પોલીસને જાણ કરી. સમાચાર સાંભળીને શુભાંગી બેહોશ થઈ ગઈ. મા-બાપની હાલત તો જોઈ શકાય એવી નહોતી.
હેમંતના બારમા-તેરમાની વિધિમાં શુભાંગીની મમ્મી અને બંને બહેનો આવી હતી. હેમંતના મિત્રોની મદદથી શુભાંગીએ ટ્રક માલિક સામે વળતરની રકમનો કેસ કર્યો હતો, હેમંતના વીમાની રકમ પણ મોટી હતી, એની આનંદીને ખબર હતી. વિધિ પછી બધા ઓરડામાં બેઠા હતા ત્યારે આનંદીએ ધીમેથી શુભાંગીને સમજાવ્યું. ''બેટા, તારે તો પેટમાં રહેલા જીવને પણ સંભાળવાનો છે. તું હવે અમારી સાથે આવી જા. તારા બાળકને આ બંને માસીઓ ખૂબ પ્રેમથી સંભાળી લેશે. એ ક્યારે મોટો થઈ જશે એની પણ ખબર નહીં પડે. અમારા ત્રણેયની સાથે તું આરામથી રહેજે. હવે અહીં રહીને ઢસરડાં કરવાની કોઈ જરૂર નથી !''
નીચું જોઈને બેઠેલી શુભાંગીએ મસ્તક ઊંચું કરીને સહેજ દૂર બેઠેલા સાસુ-સસરા સામે નજર કરી. એ પછી ભીના પણ રણકતા અવાજે મમ્મીને જવાબ આપ્યો. ''મમ્મી, તારી લાગણી સાચી છે પરંતુ હું માત્ર હેમંતને નથી પરણી, હું આ ઘરને પણ પરણી છું ! આ ઘરડાં મા-બાપનું આ દુનિયામાં મારા સિવાય હવે કોઈ નથી. એમને છોડીને મારાથી ક્યાંય ના જવાય. હેમંતની નિશાની મારા પેટમાં છે. એ અને આ બંને - એ જ હવે મારી દુનિયા છે. સિમંતની વિધિ પછી ડિલિવરી માટે તમારે ત્યાં આવીશ પણ એ પછી બાળકને લઈને તરત પાછી મારા ઘરમાં આવી જઈશ. હેમંતની નિશાની દાદા-દાદીના ખોળામાં આવશે, એ પછી દીકરાની વિદાયની એમની પીડા પણ હળવી થઈ જશે.''
શુભાંગીએ એની મમ્મી સામે હાથ જોડયા. ''હવે પછી ક્યારેય આ ઘર છોડીને પિયર આવવાની વાત પણ ના કરતી, મમ્મી ! હેમંતની યાદને હૈયામાં જાળવીને છેલ્લા શ્વાસ સુધી હું આ ઘરમાં - આ માબાપ સાથે જ રહેવાની છું...''
આંખમાં ઝળઝળિયાં સાથે શુભાંગી બોલતી હતી. એ સાંભળીને ભીની આંખે હેમંતના મા-બાપ એકબીજાની સામે જોઈ રહ્યાં હતાં. બંનેના મનમાં એક જ વિચાર વલોવાતો હતો કે અગાઉ કેવું વિચાર્યું હતું અને આ કેવું બની ગયું ?
(શીર્ષક પંક્તિ : લેખક)


