Get The App

જીત જેવી જીત પણ દેવી જ છે જ્યાં દાનમાં ત્યાંય ઊતરવું પડે છે યુદ્ધના મેદાનમાં!

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
જીત જેવી જીત પણ દેવી જ છે જ્યાં દાનમાં ત્યાંય ઊતરવું પડે છે યુદ્ધના મેદાનમાં! 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- ગૌતમ બરાબર ભીંસમાં આવી ગયો છે. એકની એક દીકરીના ધામધૂમથી લગ્ન કરવા માટે મોટા ઉપાડે ખર્ચાનું પ્લાનીંગ તો કર્યું, પણ હવે પૈસા વગર મૂંઝાય છે

'જય ભોળાનાથ, ભોગીકાકા !' ભાણા કંદોઈએ ભોગીલાલની સામે હાથ જોડયા. જવાબમાં ભોગીલાલે હસીને કહ્યું, 'જય ભોળાનાથ, ભાણાભાઈ !' તાલુકાની બજાર સાંકડી હતી. પંચોતેર વર્ષની ઉંમરે ભોગીકાકાની ચાલવાની ઝડપ એવી હતી કે એમની સાથે ચાલી રહેલા એમના મિત્ર મનસુખે પણ ઝડપથી પગ ઉપાડવા પડતા હતા.

'પેટમાં ગરબડ છે, કાકા ! સોડા પીવી પડશે.'

ભોગીકાકા સામે જોઈને મનસુખ બબડયો. એણે આવું કહ્યું એટલે બંને હારૂનની સોડાની દુકાને ઊભા રહ્યા. 'લીંબુ અને મસાલો નાખીને સ્ટ્રોંગ સોડા બનાવ.' મનસુખે હારૂનને કહ્યું. દુકાન પર એ સમયે બીજા ગ્રાહકો પણ હતા. 'અરે મનસુખભાઈ, ભરબપોરે તમે બંને વડીલો ક્યાં ઉપડયા ?' ત્યાં ઊભેલા પીયૂષે પૂછ્યું. 'અરે ભાઈ, આ ભોગીકાકા વિમાસણમાં હતા. ભત્રીજાને ત્યાં કઈ રીતે જવું એની એમના મનમાં અવઢવ હતી. બજારમાં ઊડતી વાતો સાંભળીને મેં ભોગીકાકાને કીધું કે ગૌતમ તો ગાંડો છે. એનામાં અક્કલ નથી, પણ કાકા તરીકે તમે તો એના બાપની જગ્યાએ છો છોરુ-કછોરુ થાય, પણ તમે મોટું મન રાખો. એ ડોબો દીકરીના લગ્ન લઈને બેઠો છે, પણ મનમાં મૂંઝાતો હશે. પારાવાર પસ્તાતો હશે, પણ કાકા જોડે સંબંધ બગાડીને બેઠો છે એટલે એનો પગ કઈ રીતે ઉપડે ? હોંશે હોંશે દીકરીના લગ્ન લીધા છે, પણ પૈસાનો પ્રોબ્લેમ છે એટલે એ ગાંડિયો ખરેખરો ફસાયો છે. મેં કાકાને કહ્યું કે અત્યારે એની પડખે ઊભા રહેવાની તમારી ફરજ છે. એક વાર સામેથી એના ઘેર આંટો મારીને પૂછો કે દીકરા, કંઈ કામકાજ હોય તો કહેજે.'

મનસુખે કથા સમજાવીને પીયૂષને કહ્યું, 'ગમે તેમ તોય લોહીનો સંબંધ છે એટલે કાકાએ ખાનદાની બતાવી. અત્યારે અમે બંને ગૌતમના ઘેર જ જઈએ છીએ. વર્ષો પછી પોતાના આંગણે ભોગીકાકાને જોઈને ગૌતમને જોરદાર ઝટકો લાગશે.'

'ભોગીકાકા તો આપણા તાલુકાનું નાક છે. એમનો દીકરો અમેરિકામાં ડોલર છાપે છે. એ પડખે ઊભા હોય તો બધી તકલીફ દૂર થઈ જાય.' પીયૂષે નજીક આવીને ધીમા અવાજે જાણકારી આપી. 'એક વાત કહું ? ગૌતમ બરાબર ભીંસમાં આવી ગયો છે. એકની એક દીકરીના ધામધૂમથી લગ્ન કરવા માટે મોટા ઉપાડે ખર્ચાનું પ્લાનીંગ તો કર્યું, પણ હવે પૈસા વગર મૂંઝાય છે. ઘર ગીરો મૂકીને વ્યાજે પૈસા મેળવવા માટે મથે છે.'

મનસુખે જે વાત કહી હતી, એ જ વાત પીયૂષે કહી. એ સાંભળીને ભોગીકાકા વિચારમાં ડૂબી ગયા હતા. સોડાના પૈસા ચૂકવીને બંને આગળ વધ્યા. ગૌતમના ઘર તરફ ચાલતી વખતે ભોગીકાકાએ મનસુખને સમજાવ્યું, 'મારા મોટાભાઈનો સ્વભાવ પણ બાર લાખ છપ્પન હજાર જેવો હતો. કાલની ચિંતા કર્યા વગર હાથમા ંહોય એ તમામ પૈસા ઊડાડી મારવાની એમને ટેવ હતી. એમના એ જ ગુણ એમના આ એકના એક દીકરાને વારસામાં મળ્યા છે ! પૈસા વાપરતી વખતે વિચારે નહીં અને જરૂર ઊભી થાય ત્યારે મુશ્કેલીમાં મૂકાઈને ફાંફા મારે !'

ગૌતમનું ઘર સોસાયટીમાં હતું. આ બંને ત્યાં પહોંચ્યા ત્યારે જાણે ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ ગૌતમનો આખો પરિવાર આશ્ચર્યથી તાકી રહ્યો. ગૌતમે ઝૂકીને ભોગીકાકાનો ચરણસ્પર્શ કર્યો. એ પછી એની પત્ની હેમા,પુત્રી નિરાલી અને પુત્ર સૌમિલે પણ અનુકરણ કર્યું.

'કાકા, તમારી માફી માગું છું. નિરાલીનાં લગ્નની તારીખ નક્કી કરી, એ પછી અનેક વાર વિચાર્યું કે એને લઈને તમારા આશીર્વાદ માટે આવું, પણ પગ ઉપડતો નહોતો. મોટું મન રાખીને તમે માફ કરી દેશો એવી ખાતરી હતી, પણ તમે લડશો એ બીકથી સંકોચ થતો હતો.' ભોગીકાકા સામે જોઈને બોલતી વખતે ગૌતમના અવાજમાં અનાયાસે જ ભીનાશ ભળી હતી. 'આમ તો સારું ઘર અને સંસ્કારી મુરતિયો મળ્યો, એ બધું તમારા આશીર્વાદથી જ. સમાજમાં તમારું જે માન-સન્માન છે એને લીધે એ લોકોએ તરત જ હા પાડી દીધી. કહે કે ભોગીલાલના કુટુંબની દીકરી છે એટલે બીજું કંઈ જોવાનું નથી.'

ગૌતમે આટલું કહ્યું કે તરત એની પત્ની હેમાએ ફરિયાદ કરી, 'કાકા, મેં ય એમને બહુ વાર કીધું કે આપણા કુટુંબમાં વડીલ તરીકે જે ગણો એ ભોગીકાકા છે. એ પિતા સમાન ગણાય. મેં તો કહ્યું, પણ મારું માને કોણ ?' ફરિયાદ કર્યા પછી વાતાવરણ હળવું કરવા માટે હેમાએ હસીને ઉમેર્યું. 'તમે લાકડી લઈને ઝૂડી નાખશો એવી બીક હતી એમના મનમાં. કહે કે નાનો હતો ત્યારે કાકાના હાથની પ્રસાદી બહુ વાર ખાધી છે !'

'એનાં લખ્ખણ એવાં હતાં એટલે મારા હાથનો માર ખાતો હતો.' ભોગીકાકા હસી પડયા.

નાજુક અને નમણી નિરાલી પાણી લઈને આવી. ભોગીકાકાએ વ્હાલથી એનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી. 'આ તારો પપ્પો નાનો હતો ત્યારથી વડના વાંદરા પાડે એવો તોફાની. એકનો એક દીકરો એટલે મારા મોટાભાઈ તારા ગ્રાન્ડ ફાધર - દાદા એને જરાય ટોકે નહીં. એમા તો એ ફાટીને ધુમાડે ગયો અને તોફાની ટારઝન બની ગયેલો...' આટલું કહીને એમણે નિરાલીને પ્રેમથી આદેશ આપ્યો, 'મારી લાડકી દીકરી ! ઊભી થા અને રસોડામાં જઈને મારા માટે સરસ મજાની ચા બનાવ. ખાંડ સાવ ઓછી !'

નિરાલીને રસોડામાં રવાના કરીને ભોગીકાકાએ ગૌતમ અને હેમા સામે જોયું. 'અલ્યા, આવો જુદારો રાખવાનો ? આ કાકો જીવે છે અને અનાજ ખાય છે. બોલો, ગાડી ક્યાં અટકી છે ? કેટલી રકમ ખૂટે છે?' પોતાની સામે સાક્ષાત્ દેવદૂત ઊભો હોય એમ હેમા ભોગીકાકા સામે આદરભાવથી તાકી રહી. ગૌતમ મનોમન ગણતરી કરતો હતો. 'એક જગ્યાએથી પેમેન્ટ આવવાનું હતું એમાં લોચો પડયો એટલે ઉપાધિ થઈ ગઈ...' ગૌતમના અવાજમાં લાચારીની સાથે સંકોચ છલકાતો હતો. 'છેલ્લા અઠવાડિયાથી ઊંઘ ઊડી ગઈ છે, કાકા ! સાત લાખ રૂપિયા લાવવા ક્યાંથી ?' આટલું કહીને એ આશાભરી નજરે ભોગીકાકા સામે જોઈ રહ્યો.

'ભોળાનાથ બહુ દયાળુ છે. આપણા કુટુંબ ઉપર તો એની અસીમ કૃપા છે. જરાય ચિંતા કર્યા વગર મારી વાત ધ્યાનથી સાંભળ...' ગૌતમ અને હેમા સામે જોઈને ભોગીકાકાએ સમજાવ્યું, 'નિરાલી બે વર્ષની હતી ત્યારે તારા બાપા દેવલોક પામેલા. એ વખતે એમની જોડે હોસ્પિટલમાં રહીને મેં ચાકરી કરેલી, એ દિવસો તો તને યાદ છે ને?'

આભારવશ ગૌતમે માથું ઝૂકાવીને કબૂલ કર્યું. 'કાકા, એ ઉપકાર તો જિંદગીભર યાદ રહેશે. મારી નવી નોકરી ભાવનગરમાં હતી એટલે એ દશામાં બધો ભાર તમે ઉપાડી લીધેલો એ કઈ રીતે ભૂલાય?'

'તારી યાદશક્તિ વિશે મારો અભિપ્રાય બહુ ઊંચો છે, બેટા !' ભોગીકાકા હસી પડયા. 'તારા બાપને તારી બહુ ચિંતા હતી. તારી બેજવાબદારીથી એમને સતત પીડા થતી હતી. તને તો એ કંઈ કહી શકતા નહોતા, પણ મારી પાસે રડીને હૈયું ઠાલવતા હતા. છેલ્લા દિવસોમાં પણ એ તારા વર્તનથી વ્યથિત હતા. નિરાલી એમને ખૂબ વહાલી હતી. કાલ ઉઠીને નિરાલી મોટી થશે ત્યારે એના લગ્નમાં પૈસા જોઈશે એ એમના ધ્યાનમાં હતું. તું નહીં માને પણ મૃત્યુના ત્રણ દિવસ અગાઉ એમણે એક પોટલી મને આપી. કહ્યું કે આટલી બચત ગૌતમથી સંતાડીને રાખી છે, એ તું સાચવજે. ગૌતમને આપું તો એ તો ઉડાડી મારશે. તું આ બચતને વ્યવસ્થિત જગ્યાએ રોકજે. એ રોકાણનું જે ફળ મળે એ છેક નિરાલીના લગ્નમાં તારે આપવાનું - ત્યાં સુધી ગૌતમને કોઈ વાત નહી ંકરવાની...'

ભોગીકાકાએ ગૌતમ અને હેમા સામે જોઈને આગળ કહ્યું, 'હવે એક કામ કરો. કાલે સવારથી તમે ચારેય મારા ઘેર આવી જાવ. મસ્ત મજાના ગોળના લાડવા આપણે બધા સાથે જમીશું. તારા બાપા નિરાલી માટે જે આપી ગયા હતા એ કાળજીથી રોકતો ગયેલો, એટલે આજની તારીખમાં એ રકમ વધીને આઠ લાખ રૂપિયા થઈ ગઈ છે !'

એમણે નિરાલીના માથે હાથ મૂક્યો. 'મારી દીકરીના એ આઠ લાખ કાલે આપી દઈશ. એના લગ્નમાં કોઈ કસર ના રહેવી જોઈએ. સમજણ પડી ?'

ભોગીકાકા અને મનસુખને વિદાય આપતી વખતે ગૌતમ અને હેમાની આંખ હર્ષના આંસુથી છલકાતી હતી.

'કાકા, તમે તો કમાલ કરો છો...' રસ્તામાં ચાલતી વખતે મનસુખે આશ્ચર્યથી કહ્યું. 'તમારા મોટાભાઈ હરિશંકર હોસ્પિટલમાં ગુજરી ગયા ત્યારે એમની હાલતની મને ખબર છે. બિલ ભરવાનો ય એમનો વેંત નહોતો. એ બિલ પણ તમે જ ચૂકવેલું, તો પછી આ અમાનતની વાત ક્યાંથી આવી ?'

ભોગીકાકા હસી પડયા. 'અલ્યા ગાંડા, આ નિરાલી અમારા કુટુંબની એકની એક દીકરી છે. મારે બે દીકરા. અમેરિકા રહે છે એ અવિનાશને પણ બે દીકરા અને બેંગ્લોરમાં રહે છે એ બિપીનને પણ બે દીકરા ! દીકરાઓના વસ્તારમાં આ ફૂલ જેવી એકની એક દીકરી. એના આળા હૈયામાં લગીર પણ ઉઝરડો ના પડે એ જોવાની મારી ફરજ. હવે તું સમજ.

 બેઉ દીકરા મને અમારી જરૂર કરતાં ય વધારે રૂપિયા મોકલે છે. ભોળાનાથની કૃપાથી મારે રૂપિયાની કોઈ ખોટ નથી. તને તો ખબર છે કે ગૌતમ નપાવટ છે, ટણીવાળો છે. મારી મદદ લેવાનું એને કદાચ ના પણ ગમે. ધડ દઈને ના પાડી દે તો ? ધારો કે લે તો પણ પાછા આપવાના ટેન્શનમાં એ કાયમ દીકરી નિરાલીને દોષ દે કે એનાં લગ્ન માટે થઈને કાકાનું અહેસાન લેવું પડયું. મારે તો દીકરીના મોઢા સામે જ જોવાનું હતું. આવું ના બને એ માટે નિરાલીના મોઢા સામે જોઈને વાર્તા બનાવી કાઢી. પારેવાંને ચણ નાખવાની જેમ મારે તો મદદ જ કરવાની હતી. મનસુખ, એક વાત યાદ રાખજે. દીકરી રાજી થઈને ખરા અંતરથી આશીર્વાદ આપે એ જ સંસારની સૌથી મોટી મૂડી છે.'

ભોગીકાકા બોલતા હતા. મનસુખ આદરભાવથી સાંભળતો હતો.

(શીર્ષક પંક્તિ : લેખક)