- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- 'આ વહીદા ચાર ચોપડી જ ભણી છે, પણ વ્યવહારમાં એની બુધ્ધિ અને નિયતને સલામ કરવી પડે. ગરીબડી અને લાચાર નણંદ માટે એને પૂરી હમદર્દી હતી'
આ પણા દેશની વસ્તી ગણતરીની અત્યારે વાતો ચાલે છે. ૨૦૨૭માં એ થશે. છેલ્લી વસ્તી ગણતરી જે ઇ.સ.૨૦૧૧માં થઈ હતી, ત્યારની એક ઘટના યાદ આવે છે. ૨૦૧૧ની એ ઘટના જ આજે વાર્તારૂપે...
સરકારી કોર્પોરેશનમાં નોકરી કરતો પ્રદીપ ભરબપોરે ઉબડખાબડ રસ્તા પર ચાલી રહ્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓ પોતાના કર્મચારીઓને આ કામમાં જોતરવા તૈયાર નહોતા, એટલે કોર્ટમાં ગયા હતા. એમાં સફળતા તો ના મળી પરંતુ એને લીધે કર્મચારીઓને વસ્તી ગણતરીના એવા વિસ્તાર મળ્યા કે જ્યાં જવા માટે કોઈ તૈયાર નહોતા !
ખિસ્સામાં પડેલો મોબાઈલ રણક્યો એટલે પ્રદીપ રસ્તાની ધારે ઉભો રહી ગયો. સ્ક્રીન ઉપર જૂના અંગત મિત્ર જતીનનું નામ જોઈને એને આનંદ થયો.
'જતલા ! સાચું કહું ?' ખભે લટકતો થેલો વ્યવસ્થિત કરીને પ્રદીપે હૈયું ઠાલવવાનું શરૂ કરી દીધું. વાત કરવા તરસતો હતો. છેલ્લા ચાર કલાકથી જૂહાપુરાના આ ફતેવાડી વિસ્તારમાં રખડું છું. વસ્તી ગણતરીના કામમાં સરકારે ઝપટમાં લઈને બીજા બધાને કંટાળો આવે એ બધા એરિયા અમને વળગાડી દીધા છે. મારા લમણે બસો ચાલીસ ઘર લખાયાં છે.
જતીને કેમ ફોન કર્યો છે એ પૂછવાનો વિવેક પોતે ભૂલી ગયો છે, એનું ભાન થયું એટલે પોતાની કથા અટકાવીને પ્રદીપે પૂછ્યું. 'સોરી, બકા તેં ફોન કેમ કરેલો ? '
'સાંભળ. કાલે અમારા લગ્નને પાંચ વર્ષ પૂરાં થશે. સાંજે સાત વાગ્યે ભાભીને લઈને આવી જજે. ભૂલતો નહીં. એડ્રેસનો મેસેજ કરું છું.'
'હું એકલો આવી જઈશ. નેહાનું નક્કી નહીં.'
'તું કવિ આત્મા એટલે વધારે પડતો સેન્ટિમેન્ટલ છે. નેહાની કમાન છટકી છે ?' જતીને હસીને પૂછ્યું 'એની કમાન ક્યારે ઠેકાણે હોય છે ?' પ્રદીપ ફિક્કું હસ્યો. મારી મોટીબેન સુધાને તો તું ઓળખે છે ને ? બનેવીને હમણાં ધંધામાં તકલીફ છે. મોટા ભાણિયાને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું છે. ફી માં પચાસ હજાર ખૂટે છે એટલે એ બાપડીએ સવારે ફોન કરેલો. છ મહિના માટે એ રકમની વ્યવસ્થા કરી આપવા માટે એ કરગરી. એમાં કાળો કકળાટ થઈ ગયો. નેહાએ નફ્ફટની જેમ ધમકી આપી કે જો તમારી બેનને પૈસા આપશો તો ઘરમાં મોટું મહાભારત થશે. હું પિયર જતી રહીશ. આગળ-પાછળનું બધું યાદ કરીને એક કલાક સુધી એ તલવાર વીંઝતી રહી. એ લોહી ઉકાળામાં ચા-નાસ્તો કર્યા વગર જ હું ઘરમાંથી નીકળી ગયો.
'કોઈ સારી હોટલ શોધીને પેટ ભરીને નાસ્તો કરી લે.' જતીને હસીને સલાહ આપી. એના પાપે તું શું કામ ભૂખ્યો રહે છે ?
'આ એરિયામાં પાણીની બોટલ કે પાઉચની પણ તકલીફ છે.' પ્રદીપના અવાજમાં નિરાશા ભળી. 'મારા લિસ્ટમાં જે બસો ચાલીસ ઘર છે, એમાં આબેદા સોસાયટીમાં જ એકસો એંશી રોહાઉસ છે. આ રોહાઉસ એટલે પાંચ ફૂટનો ઓટલો, એ પછી બાર બાર ફૂટનો એક રૂમ અને એના પછી બાર બાય સાત ફૂટનું રસોડું અને પાછળ પાંચેક ફૂટની ખુલ્લી જગ્યા. તું નહીં માને. એ તમામની મુલાકાત લઈને ફોર્મ ભર્યા ત્યારે દુ:ખદ આશ્ચર્ય થયું.'અવાજમાં પીડા સાથે પ્રદીપ માહિતી આપતો હતો. 'આ એકસો એંશી ઘરમાં માત્ર બે ઘરમાં ગેસ છે. બાકી બધે લાકડાં કે છાણાંથી ચૂલા ઉપર રસોઈ બને છે. ગણીને ત્રણ ગ્રેજ્યુએટ છે. બાકીના પાંચ-છ ચોપડી ભણેલાં છે. લગભગ સિત્તેર ટકા રિક્ષા ચલાવે છે. બાકીના ખાટલા ભરતનું કામ કે છુટક મજૂરી કરે છે.' સહેજ અટકીને એણે ઉમેર્યું.'હવે વિભાગ બે માં બાકીના સાંઈઠ ઘર તરફ જતો હતો, ત્યાં જ તારો ફોન આવ્યો. ત્યાં પણ આવી જ હાલત હશે.' વાત પૂરી કરતી વખતે એણે વચન આપ્યું કે કાલે તારી પાર્ટીમાં આવી જઈશ.
મોબાઈલ ખિસ્સામાં મૂકીને પ્રદીપ આગળ વધ્યો. તરસથી ગળું સૂકાતું હતું. એણે નજર ફેરવી. દૂરથી જે ઘર સૌથી ચોખ્ખું દેખાયું એના ઓટલા પર એ બેસી ગયો. હાથમાં હતો એ થેલો અને કાગળના થપ્પા એણે બાજુ પર મૂક્યા.
'એક ગ્લાસ પાણી મળશે ?' ઓરડામાં ત્રણેક વર્ષની બેબી અને પાંચેક વર્ષનો બાબો રમતાં હતાં. ખુરસી પર બેઠેલાં પાંત્રીસેક વર્ષના યુવાનને પ્રદીપે પોતાનું કાર્ડ બતાવ્યું. 'વસ્તી ગણતરી માટે આવ્યો છું.'
'વહીદા, પાણી આપજે.' એ યુવાને ગરદન ઘૂમાવીને સૂચના આપી. રૂમ અને રસોડા વચ્ચે પડદો હતો. એ હટાવીને ત્રીસેક વર્ષની નમણી યુવતી પાણી લઈને આવી. 'હાશ!' બે ઘૂંટડામાં આખો ગ્લાસ ખાલી કરીને આભારવશ નજરે પ્રદીપ એ બહેનની સામે જોઈ રહ્યો. 'બીજું આપું ?' આટલું પૂછીને પ્રદીપની દશા જોયા પછી જવાબની રાહ જોયા વગર એ બીજો ગ્લાસ લઈ આવી. પ્રદીપે એ ગ્લાસ પણ ખાલી કર્યો.
પેલો યુવાન ઉભો થઇને ઓટલા પર આવીને પ્રદીપની પાસે બેઠો. એનો ડાબો પગ સહેજ લંઘાતો હતો.
'અહીં આવ્યો તો ચાલો, તમારા ઘરથી જ શરૂ કરું .' થેલામાંથી ફોર્મ કાઢીને પ્રદીપે એ યુવાન સામે જોયું અને પેન હાથમાં લીધી.'નામ?'
'અબ્દુલસત્તાર શેખ. મિસિસનું નામ વહીદા.' પ્રદીપ એક પછી એક પ્રશ્ન પૂછ્તો ગયો. આંગણે ઉભેલી રિક્ષા જોઈ અને અબ્દુલે અભ્યાસમાં બી.કોમ. કહ્યું એટલે એને નવાઈ લાગી. 'બી.કોમ.થઈને રિક્ષા ચલાવવાનું ગમે છે ?' ફોર્મમાં નહોતો એવો સવાલ પૂછીને પ્રદીપ અબ્દુલની સામે તાકી રહ્યો.
'મજબૂરીકા નામ શુક્રિયા..' ફિફ્ફું હસીને એણે ઉમેર્યું.'મારા ઘેર પાણી પીધુ એ જોઈને લાગ્યું કે તમે બધાથી અલગ છો. સાહેબ, તમે જ કહો, અબ્દુલસત્તાર નામ સાંભળ્યા પછી અમદાવાદનો ક્યો શેઠિયો મને નોકરી આપે ? માલિકની મહેરબાની છે. રિક્ષામાંથી ઘરનું ભાડું અને દાલ-રોટી મળી રહે છે.' પ્રદીપ ધ્યાનથી સાંભળતો હતો એ જોઈને એણે ઉમેર્યું. 'જમાલપુરમાં બાપદાદાનું બે રૂમનું ઘર હતું, ટ્રક હતી, ટ્રાન્સપોર્ટનો ધંધો હતો પણ, કુદરતની લપડાક વાગી.'
'એવું શું બનેલું ?' એની વાતમાં રસ પડવાથી પ્રદીપે પૂછ્યું. વહીદા બારણાંની અંદર બેસીને સાંભળતી હતી.
'મારાથી આઠ વર્ષ મોટી બેનનું નામ ફરિદા. એને ધોળકા પરણાવેલી. ધંધામાં હું જ માલિક અને હું જ ડ્રાઈવર. બે ટાઈમ રોટલા અને ત્રણ ટાઈમ ચા સિવાય કોઈ બૂરી આદત નહોતી એટલે ટ્રાન્સપોર્ટના ધંધામાં સારી કમાણી થતી હતી. સાત વર્ષ પહેલાં જામનગર પાસે જોરદાર એક્સિડન્ટ થયો એમાં પથારી ફરી ગઈ. ટ્રકના ભૂક્કા નીકળી ગયા અને હુંય માંડમાંડ બચ્યો. દોઢ મહિનો હોસ્પિટલમાં રહ્યા પછી આ લંગડા પગ સાથે જીવતો બહાર આવ્યો, એ માલિકની મહેરબાની ! ફરીથી ટ્રક ચલાવવા માટે પગ કાબિલ ના રહ્યા એટલે જે કંઈ બચેલા પૈસા હતા. એમાંથી આ રિક્ષા લીધી.'
'જમાલપુરનું ઘર તો હતુંને ? તો પછી અહીં કેમ ?' પ્રદીપે જિજ્ઞાસાથી પૂછયું.
'એ આખી કહાની અલગ છે.' એણે પ્રદીપ સામે જોયું. 'ગયા વર્ષે ફરિદાના માથે આભ તૂટી પડયું. બનેવીને પેટમાં દુ:ખતું હતું. ધોળકામાં પંદર દિવસ દવા કરી પણ ફેર ના પડયો એટલે ત્યાંના ડોકટરે કહ્યું કે અમદાવાદમાં મોટા ડોક્ટરને બતાવો. એમણે કહ્યું એ અમદાવાદના ડોક્ટરને બતાવ્યું તો બધા ટેસ્ટ કરાવીને કહી દીધું કે આંતરડાનું છેલ્લા સ્ટેજનું કેન્સર છે ! એ સાંભળીને ત્રણ નાનાં છોકરાં સાથે ફરિદા રોતી રોતી મારા ઘેર આવી. આઠ મહિના સુધી બનેવીની ટ્રિટમેન્ટ ચાલી. એમાં બનેવી તો ના-બચ્ચા, પણ એમનું ધોળકાનું ઘર વેચાઈ ગયું !'
અવાજમાં પીડા સાથે અબ્દુલ બોલતો હતો. પ્રદીપ ધ્યાનથી સાંભળતો હતો.
'ઉપર આભ અને નીચે જમીન જેવી દશામાં બહેન શું કરે ? ભાઈના ઘર સિવાય એ બિચારીને કોનો આશરો ? ત્રણ માસુમ બચ્ચાંઓને લઈને એ જમાલપુર મારા ઘેર આવી ગઈ.'
લગીર અટકીને એણે અંદર બેઠેલી વહીદા તરફ નજર કરી. પછી પ્રદીપ સામે જોયું. 'આ વહીદા ચાર ચોપડી જ ભણી છે, પણ વ્યવહારમાં એની બુધ્ધિ અને નિયતને સલામ કરવી પડે. ગરીબડી અને લાચાર નણંદ માટે એને પૂરી હમદર્દી હતી, એ છતાં એ ઓરડાના મકાનમાં આઠ માણસને રહેવામાં તકલીફ પડે એટલી સમજદારી એનામાં હતી. મારામાં એવી સમજ નહોતી, પરંતુ વહીદાએ મને એ પણ સમજાવ્યું કે નાસમજ બચ્ચાંઓ વચ્ચે લડાઈ ઝઘડા તો થશે જ અને એમની લડાઈમાં ક્યારેક મોટાઓને પણ મનદુ:ખ થઈ જાય. આ બધું સમજી વિચારીને વહીદાએ મને કહ્યું કે બહેન લાચાર છે. એ ભલે અહીં રહે. આપણે ક્યાંક ભાડે રહીશું ! સાહેબ, વહીદા બહુ ભણી નથી, પણ એના દિલની અમીરાત અને નિયતની સચ્ચાઈ જોઈને ફરિદા તો રીતસર રડી પડેલી!'
સહેજ અટકીને એણે આગળ કહ્યું. 'નણંદને જમાલપુરનું ઘર આપી દેવાનું કહીને વહીદાએ તો કહ્યું કે આપણે બીજે ક્યાંક ભાડે રહીશું. પણ ભાડાના વેંત ક્યાંથી કરવાનો ? માત્ર પાંચસો રૂપિયાના ભાડામાં આ રોહાઉસ મળતું હતું એટલે અમે અહીં આવી ગયા. બહેનને સિલાઈકામ આવડે છે. એ ત્યાં જમાલપુરના ઘરમાં રહીને સીવણકામ કરે છે. અમે અહીં તકલીફમાં પણ આનંદથી જિંદગી બસર કરીએ છીએ. બેબસ નણંદ માટે દિલથી મહોબ્બત દેખાડનાર આવી ભાભી બહુ ઓછી જોવા મળે, સાહેબ! આવી સમજદાર બીબી છે, એક દીકરો ને એક દીકરી છે ને માલિકની મહેરબાની છે !'
વહીદાને મનોમન વંદન કરીને પ્રદીપ ઉભો થયો અને બીજા ઘર તરફ આગળ વધ્યો.
(શીર્ષક પંક્તિ : લેખક)


