- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- ફ્લેટ ગીરો મૂકીને ત્રણ ટકા વ્યાજે આઠ લાખ રૂપિયા ઉધાર લીધા. હવે દર મહિને ચોવીસ હજાર વ્યાજ ચૂકવ્યા પછી ખાવું શું એ સવાલ છે!'
''બી જા કોઇને કહેવાય એવી વાત નથી, બકલા ! બૈરાની મૂર્ખામીને લીધે ત્રણ ટકા વ્યાજે પૈસા લઇને રાતોરાત ફ્લેટ ગીરો મૂકવો પડયો છે.''
સતીશ પોતાની પીડા ઠાલવતો હતો. ઑફિસની કેન્ટિનમાં એની સામે વતનમાંથી આવેલો બાળપણનો મિત્ર બકુલ દરજી બેઠો હતો. ''સોનું આટલું મોંઘુ થઇ જશે એની ધારણા નોતી. એકની એક દીકરી હોય તો સમજ્યા, પણ બીજી દીકરીના પણ બે વર્ષ પછી લગ્ન કરવા પડશે.'' સતીશે નિરાશાથી ડોકું ધુણાવ્યું. એનો અવાજ સાવ ધીમો થઇ ગયો. 'લગ્નનો અવસર હોય એટલે કેટરિંગવાળાને અને બધાને રોકડા આપવા પડે. પી.એફ.ની લોન લીધી હતી એ ત્રણ લાખ બૅન્કમાંથી ઉપાડયા પછી સોનીને ત્યાંથી દાગીના લેવા ગયા. પાંચ તોલાના દાગીના પેટે એને છ લાખ તો અગાઉ જ આપી દીધા હતા. એ દાગીના અને ત્રણ લાખ રૂપિયા આપીને તારી ભાભીને ઘેર જવાનું કહ્યું અને હું ઓફિસે આવ્યો. સીધી રીક્ષા કરવાને બદલે પૈસા બચાવવા માટે તારી ભાભીએ મૂર્ખામી કરી અને શટલિયા રીક્ષામાં બેઠી. ખીચોખીચ ભરેલી રિક્ષામાંથી એ ઘર પાસે થેલી લઇને ઊતરી એ પછી ખબર પડી કે થેલીમાંથી દાગીના અને પૈસા બધુંય ચોરાઈ ગયું છે !'
''હોય નહીં !'' બકુલનું મોઢું દુ:ખદ આશ્ચર્યથી પહોળું થઇ ગયું. ''ભારે થઇ... પછી ?''
'પછી શું ? ભૂલ થઇ ગયા પછી એ ચોધાર આંસુએ રડતી હતી એટલે એના ઉપર ગુસ્સો કરવાનો અર્થ નહોતો. પોલીસમાં ફરિયાદ કરવા ગયા તો ધમકાવીને કાઢી મૂક્યા. હવે કરવાનું શું ? ખાનગી રાહે એક શરાફને મળ્યો. ફ્લેટ ગીરો મૂકીને ત્રણ ટકા વ્યાજે આઠ લાખ રૂપિયા ઉધાર લીધા. હવે દર મહિને ચોવીસ હજાર વ્યાજ ચૂકવ્યા પછી ખાવું શું એ સવાલ છે !'
બકુલ મેટ્રિક પછી આગળ ભણ્યો નહોતો. ગામમાં જ સિલાઇ કામ કરીને જીવનનિર્વાહ ચલાવતો હતો. માણસ નખશિખ સજ્જન, પણ સતીશને મદદ કરવા એ સમર્થ નહોતો. દુ:ખી ચહેરે એ સતીશની પીડા સાંભળી રહ્યો હતો. 'તારે તો ખરી ઉપાધિ થઇ ગઈ...' એકાદ મિનિટ વિચારીને એણે સતીશ સામે જોયું. 'આ વ્યાજના ચક્કરમાં તું બરબાદ થઇ જઈશ. મારી વાત માન. એક વાર જિતુભાઈને વાત તો કરી જો. એ કરોડપતિ છે. ધારે તો દસ-બાર લાખ રૂપિયા તો ચપટી વગાડતાં જ આપી શકે. અત્યારે ગામમાં જિતુભાઈ અને એમની પત્ની જયાબેનનો વટ છે. ગામની અડધો અડધ જમીન એમને ત્યાં ગીરો મૂકાયેલી છે. આખા તાલુકાના લોકો અડધી રાતે પણ પૈસાની જરૂર પડે ત્યારે એમની ડેલી ખખડાવે છે. બકુલ સાચી લાગણીથી બોલતો હતો.' 'એ તારા મોટાભાઈ છે. મા ભલે અલગ હોય, પણ તમારા બંનેનો બાપ તો એક જ હતો ને ? અત્યારે બીજા કોઈ વડીલ જીવતા નથી, એટલે મોટાભાઈ તરીકે એ તો તારા બાપના સ્થાને કહેવાય. તું ટ્રાય તો કરી જો. દીકરીના લગ્ન છે અને આવી ઉપાધિની વાત સાંભળશે એટલે એ ના નહીં પાડે. દસ-પંદર લાખની એમને કોઈ વિસાત નથી.'
'બકલા, આ તું બોલે છે ?' સતીશે તરત બકુલ સામે જોયું. 'કોઈ અજાણ્યો આવી સલાહ આપે એ તો સમજ્યા, પણ તને તો બધી ખબર છે. પૈસાના મુદ્દે જ સંબંધ વણસી જાય એવો ઝઘડો થયેલો. એ પછી મેં ઘર છોડી દીધેલું. એ પછી તો અમારી વચ્ચે બોલવાનો ય વ્યવહાર ક્યાં રહ્યો છે ! એની વહુ જયા આવી અને બંનેએ મળીને બાપાની બધી મિલકત પચાવી પાડી. મારે અહીં અમદાવાદ આવીને નોકરી કરવાની પણ ક્યાં જરૂર હતી ? બાપાની પેઢી ઉપર આરામથી બેઠો હોત, પણ જિતુભાઈ જોડે અંટસ પડી એટલે બધુંય એમને સોંપીને ઘરમાંથી નીકળી ગયેલો. બકલા ! દીકરીના લગ્ન અટકી પડે એવું હોય અને જીવનમરણનો સવાલ હોય તો પણ એમની પાસે હાથ ના લંબાવું. માગવું જ હોય તો દુનિયામાં હજાર માણસ છે, એમનું ડાચું નથી બોલાવવું.'
'તેં એમને વાત કરી ખરી ?' બકુલ વ્યવહારુ માણસ હતો. 'નાનાભાઈ તરીકે તારે એમને વાત તો કરવી જોઇએ. ભાઈબંધ તરીકે હું તને સાચી સલાહ આપું છું. એમને મોટી ઉંમરે છોકરાં થયાં છે એટલે એ દ્રષ્ટિએ તમારા કુટુંબમાં આ પહેલો પ્રસંગ કહેવાય. તારે વાત તો કરવી જ જોઇએ.'
'શેના માટે ?' સતીશનો અવાજ લગીર મોટો થયો. 'દીકરીના લગ્નની વાત કરું કે તરત એમને ધ્રાસકો પડે કે આ પૈસા માગવા આવ્યો. જિતુભાઈના મનમાં આવું છળકપટ નહીં હોય, પણ એમને ચાવી ચડાવવા માટે જયાભાભી બેઠા છે ને ? મારા બાપાની બધી મિલકત ઉપર એ કબજો જમાવીને બેઠી છે. સાવકો તો સાવકો પણ ભાઈ તરીકે જિતુભાઈને થોડી ઘણી લાગણી હોય તોય એમનું કંઇ ના ચાલે. સમજ્યો ?' સતીશે એ ભોળિયાને સમજાવ્યું. 'ગામમાં બધાને કંકોત્રી મોકલાવીશ, એ રીતે એમને પણ કંકોત્રી મોકલાવીશ. આવવું - ના આવવું એ એમની મરજી. અરે હા, તું આવી જ ગયો છે એટલે આટલું કામ કર. ગામની બધી કંકોત્રીઓ અલગ જ રાખી છે. બધાને તું જાતે જઈને પહોંચાડી દેજે. આજે બીજી તારીખ થઈ. બારમીએ લગ્ન છે. હું પાંચમીથી રજા ઉપર છું. ફેમિલી સાથે તું સમયસર
આવી જજે.'
'ચોક્કસ.. રૂપિયા પૈસાની મદદમાં પાછો પડું છું પણ એ સિવાયનું કોઈ પણ કામ હોય તો હુક્મ કરજે. બધું પડતું મૂકીને આવી જઈશ.'
'આવું કહેવાવાળા માણસો ય ક્યાં છે આજકાલ ?' સતીશે બબડીને બળાપો કાઢ્યો. 'મોટોભાઈ કરોડપતિ હોય અને મારે ફ્લેટ ગીરો મૂકીને ત્રણ ટકાના વ્યાજે પૈસા લેવા પડે ?' એક પછી એક કામ પતાવવાની ગણતરીએ સતીશ કંકોત્રીઓનો થપ્પો ઑફિસમાં જ લઇ આવેલો. ગામની કંકોત્રીઓનું પેકેટ એણે બકુલના હાથમાં પકડાવ્યું. 'બીજે બધે તારા દીકરાને મોકલીશ તો ચાલશે, પણ જિતુભાઈના ઘેર તું જાતે જ જજે. કંકોત્રી વાંચીને એ શું બબડે છે એ ધ્યાનથી સાંભળજે અને પછી
મને કહેજે.'
બકુલે હકારમાં માથું હલાવ્યું અને પેકેટ લઇને રવાના થયો.
'આજે બકુલ આવેલો એટલે ગામની બધી કંકોત્રીઓ એને વળગાડી દીધી. મોટાભાઈના ઘેર એ જાતે આપવા જશે.' સાંજે ઘેર ગયા પછી સતીશે સરલાને આખી વાત કહી.
'તમે ઉપર પડતાં વેવલાં થઇને કંકોત્રી ભલે મોકલાવી, પણ એ શેઠ-શેઠાણીને આવવાની નવરાશ નહીં મળે. મોટા ઉપાડે કંકોત્રી મોકલાવવાની ક્યાં જરૂર હતી ? આટલાં વર્ષોમાં એમના ઘરમાં કેટલાય નાના-મોટા પ્રસંગ આવ્યા હશે. એમાં એકેય વાર એમણે આપણને યાદ કર્યા છે ? એક બાપના બંને ભાઈઓ છો તોય બોલવાનો સંબંધ છે ? કંકોત્રી ના મોકલી હોત તો ય ચાલત.' સરલાએ ઉભરો ઠાલવ્યો.
'આપણાથી એવું ના કરાય. આમ જોઇએ તો અમારા કુટુંબનો આ પહેલો પ્રસંગ કહેવાય એટલે આપણે આપણી ફરજ બજાવી. બારમી તારીખે એ ના આવે તો પછીના પ્રસંગોમાં નહીં બોલાવવાના. આપણો દોષ ના આવવો જોઇએ.'
બારમી તારીખે પાર્ટી પ્લોટમાં ખાસ્સી ભીડ હતી. જાન સવારે દસ વાગ્યે આવવાની હતી. સતીશ અને સરલા નાની નાની બધી બાબતો ચકાસી રહ્યાં હતાં. એ જ વખતે પાર્ટી પ્લોટમાં લાંબીલચક લક્ઝુરિયસ કાર પ્રવેશી. ડ્રાઈવરે બારણું ખોલ્યું. થ્રી પીસ સૂટમાં સજ્જ જિતુભાઈનું વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગતું હતું. સિલ્કની ભારેખમ સાડી અને સોનાાના દાગીનાથી જયાભાભી લથબથ હતા. એ બંનેની પાછળ એમના બંને દીકરાઓ પણ કારમાંથી કૂદીને બહાર આવ્યા.
જાનના સ્વાગત માટેની તૈયારીમાં સરલા બધી સ્ત્રીઓની વચ્ચે ઊભી હતી. જિતુભાઈ અને જયાભાભીને જોઇને એણે સતીશ સામે જોયું. સતીશના ચહેરા ઉપર પણ સુખદ આશ્ચર્ય હતું.
'અલ્યા સતલા ! મારી દીકરીના લગ્ન છે અને કંકોત્રી તેં બકલા જોડે મોકલાવી ? તારે ના આવવું જોઇએ ?' જિતુભાઈએ આવીને બધાની વચ્ચે સતીશને ઠપકો આપ્યો અને પછી એ નાનાભાઈને ભેટી પડયો. જયાભાભી પણ જઇને સરલાને ભેટી પડી. સતીશ અને સરલા વારંવાર એકબીજાની સામે જોઈ લેતાં હતાં. બંનેને આખી ઘટના ચમત્કાર જેવી લાગતી હતી.
બસ, એ પછી તો જાનના સ્વાગતથી માંડીને છેક કન્યાવિદાય સુધી જિતુભાઈ અને જયાભાભી છવાઈ ગયાં. 'અમારે એકેય દીકરી નથી, એટલે કન્યાદાન તો અમે જ કરીશું.' એમણે અધિકારપૂર્વક સતીશ અને સરલાને કહી દીધું. કન્યાદાનની વિધિ પછી જિતુભાઈએ દીકરીને સાત તોલાનો સેટ આપ્યો, ત્યારે બધા એમની સામે તાકી
રહ્યાં હતાં.
કન્યાવિદાય પછી સાંજે આખો પાર્ટીપ્લોટ ખાલી થઈ ચૂક્યો હતો. બધા મહેમાનો ગયા પછી એક ઓરડામાં સતીશ, સરલા, એમની દીકરી, જિતુભાઈ, જયાભાભી અને એમના બે દીકરાઓ બેઠાં હતાં.
'સતલા ! આપણે એક બાપના સંતાન છીએ એ વાત ભૂલી ગયો તું?' જિતુભાઈએ ભીના અવાજે બોલવાનું શરૂ કર્યું. 'આપણા બાપાનો સ્વભાવ મરચાં જેવો હતો. એક વાર પકડેલી વાત એ ક્યારેય મુકતા નહોતા. એમનો એ ગુણ કે અવગુણ - જે ગણો એ આપણને બંનેને વારસામાં મળ્યો છે. એક નાની વાતમાં અંટસ પડી અને તું ઘર છોડીને નીકળી ગયો અને મેંય વટ રાખવાની મૂર્ખામી કરી. એને લીધે આટલાં વર્ષ એકબીજાથી જુદા રહ્યાં. સાચું કહું સતલા ? બકલાએ કંકોત્રી આપી ત્યારે રીતસર રડી પડેલો ! આ રીતે તો આ રીતે, પણ તેં મને આમંત્રણ તો મોકલાવ્યું ! વર્ષોથી હૃદયમાં થીજેલો બરફ જાણે ધીમે ધીમે પીગળતો હોય એવું લાગ્યું...'
ગળે ડૂમો ભરાયો એટલે એ લગીર અટક્યા.
'સતલા ! આપણે જીવ્યાં એટલું તો હવે નથી જીવવાનાં. મનમાં ઊભી કરેલી આ બધી ગાંઠોને એમને એમ રાખીને ક્યાં સુધી જીવવાનું ? ક્યારેક ફળિયામાં ઊભો હોઉં અને નાનપણનાં આપણાં મસ્તી-તોફાન યાદ આવી જાય ત્યારે એકલો એકલો રડી પડતો હતો. વટના માર્યા ગાજર તો ખાધું હતું પણ હૈયા ઉપર સતત ભાર લાગતો હતો. અનેક વાર દોડીને તારી પાસે આવવાનું મન થતું હતું પણ પછી એમ થાય કે સતલાને કંઇ પડી નથી તો મારે શું ?'
જિતુભાઈએ ભીની આંખે સતીશ સામે જોયું. 'આ તો સારું થયું કે કંકોત્રી મોકલવાની ભગવાને તને સદબુધ્ધિ આપી. આપણી બંનેની રગોમાં એક જ બાપનું લોહી વહે છે એટલે બેઉ વટના કટકા,
પણ તેં લગીર સારપ બતાવી, એમાં તો મારે બત્રીસે કોઠે દીવા થઇ ગયા. સતલા, ખરા દિલથી કહું છું, કેટલીય વાર તને મળવાનું મન થતું હતું પણ કોઈ બહાનું નહોતું મળતું.'
સહેજ આગળ વધીને જિતુભાઈએ સતીશના ખભે હાથ મૂક્યો. એ પછી એમણે સતીશ અને સરલા સામે જોયું. 'તમને બંનેને બીજી એક વાતનો સખત ઠપકો આપવાનો છે. સતલા ! હું જીવતો હતો અને એટલે કંકોત્રી મોકલવાની તને સૂઝ પડી, એ વખતે હૈયું ખોલવાની હિંમત ના ચાલી ? આ તો બકલો ભોળિયો એટલે કંકોત્રી આપવા આવ્યો ત્યારે એણે તમારી ઉપાધિની પણ જાણ કરી. અરે ગાંડા ! હું જીવતો બેઠો હોઉં અને મારા નાનાભાઈએ ફ્લેટ ગીરો મૂકીને ત્રણ ટકાના વ્યાજે પૈસા ઉછિના લેવા પડે ? મને શરમ લાગે છે.'
સહેજ અટકીને એમણે ઉમેર્યું. 'તારા મગજમાંય મારા જેટલી જ ટણી હતી, એટલે બધું ય મને વળગાડીને તું તો ઘર છોડીને નીકળી ગયો હતો. એટલે આમેય બાપાની મિલકતમાંથી અને પેઢીમાંથી તમને કંઇક તો આપવાનું જ હતું. પાંત્રીસ લાખ રૂપિયા રોકડા લઇને આવ્યો છું, એ તમારે રાખવાના છે. મારા અને મારા બંને દીકરાઓના સમ છે, એ પાંત્રીસ લાખ તારે લેવાના જ છે. તું એ લઇશ પછી જ મને શાંતિ થશે...'
જિતુભાઈ બોલતા હતા. સતીશ અને સરલાની પાંપણ ઉપર આંસુનું તોરણ ઝૂલી રહ્યું હતું.


