Get The App

એક આંસું કેટલું આ ગાલ પર ચાલી શકે? માપ સૌ ખોટા પડે એવી વ્યથાની વાત છે!

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
એક આંસું કેટલું આ ગાલ પર ચાલી શકે? માપ સૌ ખોટા પડે એવી વ્યથાની વાત છે! 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- લગ્ન પછી એ આ રીતે પહેલીવાર ઘરની બહાર નીકળી હતી અને એ છ દિવસમાં એની દુનિયા લૂંટાઈ ગઈ હતી ! આવો કારમો આઘાત સહન કરવાનું રંજનનું ગજું નહોતું. એની માનસિક સમતુલા ખોરવાઈ ગઈ

'ક લાસમાં ટીચર લડે છે.' આઠમા ધોરણમાં ભણતી ભૂમિકાએ રડમસ અવાજે કહ્યું, 'ત્રણ દિવસથી તમને ચોપડીઓનું લિસ્ટ આપ્યું છે. ઓફિસથી આવો ત્યારે આજે તો યાદ કરીને લેતા આવજો.'

'નો પ્રોબ્લેમ. આજે આવી જશે.' દીકરીના માથા ઉપર હળવેથી ટપલી મારીને મનસુખે વચન આપ્યું.'મારો કલરબોક્સ ભૂલાય નહીં, પપ્પા !' ભૂમિકાથી દોઢ વર્ષ નાની દિવ્યાએ મનસુખનો હાથ પકડીને યાદ કરાવ્યું. 'એ પણ આવી જશે.' મનસુખે ધરપત આપી. દિવ્યાથી બે વર્ષ નાનો શ્રીકાંત રૂમના ખૂણામાં બેસીને કશું બોલ્યા વગર પપ્પા સામે તાકી રહ્યો હતો. એ જે બોલ્યો નહોતો, એ શબ્દો મનસુખે એની આંખમાં વાંચી લીધા. દીકરાના માથે હાથ મૂકીને મનસુખે સમજાવ્યું. 'તારી સાઈકલ યાદ છે, બકા ! પણ આ મહિને મેળ પડે એવું નથી. આવતા મહિને આવી જશે. ગોડ પ્રોમિસ !

'આ બધું લેવા માણેકચોક જાવ તો યાદ કરીને ચાની ભૂકી લેતા આવજો. ખૂટવા આવી છે...

મનસુખની પત્ની રંજને હળવેથી યાદ કરાવ્યું. એણે ભરી આપેલું ટિફિન બોક્સ થેલીમાં મૂકીને મનસુખ સીડી ઉતરીને નીચે આવ્યો. સીટ સાફ કરીને એણે થેલી સાઈકલના ગવર્નરમાં ભરાવી. ખોખરામાં હાઉસિંગના એક રૂમ-રસોડાના ફલેટમાં રહેતો મનસુખનો પરિવાર સુખી હતો. નીચેવાળાએ ગેરકાયદેસર બે રૂમ વધારાના ખેંચી કાઢયા હતા એને લીધે મનસુખને સરસ મજાની અગાશીનો લાભ મળ્યો હતો. રંજન કુશાળ ગૃહિણી હતી. ટૂંકા પગારમાં પાંચ માણસોના પરિવારનું પૂરું કરવામાં તકલીફ પડતી હતી, છતાં હસતા મોઢે કરકસરથી ઘર ચલાવતી હતી. પતિ અને બાળકો માટે સવારથી રાત સુધી એ વ્યસ્ત રહેતી હતી. દરરોજની જેમ એ અગાશીમાં ઉભી રહીને એ મનસુખની સામે જોઈ રહી હતી. સાઈકલ દેખાતી બંધ થઈ ત્યાં સુધી એ તાકી રહી પછી ઘરમાં આવીને બાળકોની પળોજણમાં પરોવાઈ ગઇ.

પંખીની પાંખના ફફડાટની જેમ સમયનો પ્રવાહ સડસડાટ વહેતો રહ્યો. દફતરીમાંથી પ્રમોશન મેળવીને મનસુખ બહુમાળી ઓફિસમાં જ કારકૂન બની ગયો હતો. ભૂમિકા અને દિવ્યા માટે સારા મુરતિયાની શોધમાં એ પૂરી તાકાતથી સાઈકલને પેડલ મારી રહ્યો હતો. ઉંમરલાયક દીકરીઓની ચિંતામાં રંજનના વાળની લટોમાં સફેદી ભળી હતી. અંતે, ઇશ્વરે કૃપા કરી એમની ઇચ્છા અનુસાર બે નિર્વ્યસની જમાઈ મળી ગયા. વર્ષોથી સાથે રહેતા પાડોશીઓએ પૂરો સહકાર આપ્યો. પાર્ટી પ્લોટ ભાડે રાખવાની મનસુખની હેસિયત નહોતી. ત્યાં હાઉસિંગના પ્લોટમાં જ એક દિવસે બે જાન આવી. રંગેચંગે લગ્ન પતી ગયાં. રૂમ-રસોડાના ફલેટમાં રહેતા પરિવારોએ ભીની આંખે ભૂમિકા અને દિવ્યાને વિદાય આપી.

બંને દીકરીઓના લગ્નમાં મનસુખ-રંજને કોઈ કસર નહોતી છોડી. આજ સુધીની તમામ બચત ઉપરાંત પી.એફ. અને ક્રેડિટ સોસાયટીની લોન લઈને બંનેના સાસરે સંતોષ થાય એવો વ્યવહાર કર્યો હતો. એને લીધે રંજનની જવાબદારી હવે વધી ગઈ હતી. શ્રીકાંત કોલેજના છેલ્લા વર્ષમાં હતો. ખોખરાથી સાઈકલ લઈને કે લાલ બસમાં જવાનું એને ગમતું નહોતું, પરંતુ એ સમજદાર હતો. આ ઉંમરે પપ્પા સાઈકલ ચલાવતા હતા એ પરિસ્થિતિ એને સમજાતી હતી. અડધી ભૂખી રહીને પણ મમ્મીએ ઘર ચલાવ્યું છે એ એને દેખાતું હતું, એટલે દેખાદેખીમાં બાઈક માટે જીદ કરવાને બદલે એ પોતાના અભ્યાસમાં જ મચ્યો રહ્યો.

મનસુખને ચા સિવાય કોઈ વ્યસન નહોતું. અલબત્ત, આજુબાજુમાં ક્યાંક ભજન કે ડાયરાનો કાર્યક્રમ હોય તો પરોઢ સુધી ત્યાં બેસી રહેવાનો એકમાત્ર શોખ હતો. એ દિવસે સી.ટી.એમ. ચાર રસ્તા પાસે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ હતો. આવા કાર્યક્રમમાં જમાવટ તો રાત્રે દસ પછી જ થતી હતી.

રાત્રે આઠ વાગ્યે મનસુખ, શ્રીકાંત અને રંજન જમતા હતા એ વખતે બાજુવાળા લીલાબહેન ઘરમાં આવ્યા. 'પેકિંગ થઈ ગયું ?'રંજને એમને પૂછ્યું. ખોખરામાં બહેનોની એક મંડળી ચાલતી હતી. વર્ષે એકાદવાર ધાર્મિક પ્રવાસનો કાર્યક્રમ એ લોકો ગોઠવતા હતા. કોઈ દાતાના સહયોગથી સાવ નજીવા ખર્ચમાં આવું આયોજન થતું હતું. આજે રાત્રે એ પ્રવાસની લકઝરી બસ છ દિવસ માટે નાસિક-ત્રંબકેશ્વર-શીરડી માટે ઉપડવાની હતી. મન ઉપર કાબૂ રાખીને ગમે તે બહાનું કાઢીને રંજન આવા પ્રવાસનો ખર્ચ બચાવતી હતી. લીલાબહેન જવાના હતા, એની ખબર હતી એટલે એણે પૂછ્યું.

'રંજનબેન, પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે તમારી પાસે આવી...' લીલાબહેને સમજાવ્યું. 'ભાભીનું મોતિયાનું ઓપરેશન છે એટલે ગામડેથી એ લોકો સવારે મારે ત્યાં આવવાના છે. છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવીએ તો પૈસા પાછા ના મળે. મેં વાત કરી તો કહે કે તમારા બદલે બીજા કોઈ બેનને મોકલી લો.. માથા સાટે માથું. બાકી, પૈસા પાછા ના મળે.' એમણે સ્પષ્ટતા કરી. મારા ભરેલા પૈસા તો આમેય બાતલ જવાના છે. જો તમને ફાવે એવું હોય તો ફટાફટ તૈયાર થઈ જાવ.. મારે એકેય પૈસો જોઈ તો નથી. મારે બદલે તમે જાત્રા કરી આવો. એમણે મનસુખ સામે જોયું. 'મારી વાત ખોટી છે, ભાઈ ? બિચારાં રંજનબેન ક્યારેય ઘરની બહાર નથી નીકળ્યાં, આ ચાન્સ મળ્યો છે તો એમને જવા દો. છ દિવસ તમે બાપ-દીકરો ઘર સંભાળી લેજો.'

'આ તો એના માટે ગોલ્ડન ચાન્સ કહેવાય...' રંજન કંઈ હા-ના કરે એ અગાઉ મનસુખે સંમતિ આપી દીધી. બેગ તૈયાર કરીને અન્ય સ્ત્રીઓ સાથે રંજનને રવાના કરી દીધી. બસની બારીમાંથી રંજને મનસુખને આવજો કહ્યું ત્યારે બંનેમાંથી કોઈનેય કુદરતના ખેલની ખબર નહોતી. એની બસ ઉપડી એ પછી મનસુખ સંતવાણી ડાયરામાં પહોંચી ગયો.

સવારે આઠ વાગ્યે શ્રીકાંતની આંખ ઉઘડી ત્યારે એને આશ્ચર્ય થયું. રાત્રે એ ફલેટનું બારણું ખુલ્લું રાખીને જ સૂતો હતો કે જેથી પપ્પા મોડા આવે તો ઉંઘમાં ખલેલ ના પડે. ખીચોખીચ ભરેલા આ ગરીબડા ફલેટમાં બારણાં ખુલ્લાં રહે તો પણ ચોરીને કોઈ ભય નહોતો. પપ્પા ક્યાં ? શ્રીકાંતે અગાશીમાં જઈને નીચે નજર કરી તો સાઈકલ પણ નહોતી ! એણે ગભરાઈને આજુબાજુમાં વાત કરી તો પાંચ મિનિટમાં બધા ફલેટવાળા ભેગા થઈ ગયા. એક પરિવારની જેમ રહેતા આ પાડોશીઓ આવા પ્રસંગે પેટ્રોલના પૈસાની કે સમયની પરવા કર્યા વગર દોડાદોડીમાં લાગી જતા.

દોઢેક કલાક પછી જે સમાચાર મળ્યા એ સાંભળીને બધા હચમચી ઉઠયા. પરોઢિયે સાડા ચાર વાગ્યે ડાયરામાંથી પાછા આવતા મનસુખની સાઈકલને કોઈક વાહને જોરદાર ટક્કર મારી હતી. મનસુખની ખોપરી છૂંદાઈ ગઈ હતી. અને ઓન ધ સ્પોટ એ મૃત્યુ પામ્યો હતો !

બંને દીકરીઓ અને જમાઈઓ દોડી આવ્યા. પોસ્ટમોર્ટમની વિધિ પછી મૃતદેહનો કબજો સાંજે ચાર વાગ્યે મળ્યો. ત્યાં સુધીમાં રંજનને સમાચાર પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. હવે ? ફલેટના પુરુષો અને સ્ત્રીઓએ ભૂમિકા, દિવ્યા, શ્રીકાંત અને બંને જમાઈઓ સાથે ચર્ચા કરી. ત્રણેય ભાંડરડાં તો હેબતાઈ ગયા હતાં. બંને જમાઈઓએ વ્યવહારૂ રસ્તો અપનાવ્યો કે છ દિવસ સુધી લાશને કોલ્ડરૂમમાં મૂકી રાખવાનો કોઈ અર્થ નથી. વળી, ખોપરી એવી રીતે છુંદાઈ ગઈ હતી કે રંજન આવીને એ દૃશ્ય જોઈ પણ ના શકે. એ સાંજે જ બધાએ ભારે હૈયે અગ્નિસંસ્કાર પતાવી નાખ્યા.

છઠ્ઠા દિવસે સાંજે રંજન આવી ત્યારે બધા ફલેટવાળા ટોળું વળીને ઉભા હતા. લીલાબહેન અને બીજી સ્ત્રીઓએ જોરકા ઝટકા ધીરે સે લગેની જેમ એને આ સમાચાર આપ્યા. રંજન બેહોશ બનીને ફસડાઈ પડી. લગ્ન પછી એ આ રીતે પહેલીવાર ઘરની બહાર નીકળી હતી અને એ છ દિવસમાં એની 

દુનિયા લૂંટાઈ ગઈ હતી ! આવો કારમો આઘાત સહન કરવાનું રંજનનું ગજું નહોતું. એની માનસિક સમતુલા ખોરવાઈ ગઈ. ઓરડાનો ખૂણો પકડીને એ ગૂમસૂમ બનીને બેસી રહી. એ હમણાં આવશે.. સાઈકલની ઘંટડી વગાડશે. ખાલી ટિફિન મારા હાથમાં આપશે. આવા છૂટક છૂટક વાક્યો સિવાય કશું બોલ્યા વગર એ બેસી રહી.

દિવ્યા અને ભૂમિકા વારાફરતી વારાફરતી મહિનો-મહિનો રોકાઈ, પણ રંજનની પરિસ્થિતિમાં કોઈ ફેર ના પડયો. શ્રીકાંતને ટી.વાય.બી.કોમ.ની પરીક્ષા આપવાની હતી. હૃદય ઉપર પથ્થર મૂકીને એણે પુસ્તકોમાં ધ્યાન પરોવ્યું. મનસુખનું અવસાન ચાલુ નોકરીમાં જ થયું હતું એટલે બંને બનેવીઓએ દોડાદોડી કરીને કર્મચારી સંગઠનના નેતાઓને મળીને મનસુખની જગ્યાએ રહેમરાહે શ્રીકાંતને નોકરી મળે એ માટે તજવીજ કરી.

રંજન જીવતી હતી. કશો ઉપદ્રવ કર્યા વગર ઘરના ખૂણામાં બેસી રહેતી હતી. કોઈ થાળી આપે તો ચૂપચાપ જમી લે. મનસુખના જૂના બુશર્ટનાં તૂટેલાં બટન સોયદોરો લઈને ટાંકતી હતી. ક્યારેક જૂના લેંઘાને સાંધતી હતી ! ભૂખ-તરસ, સાન-ભાન બધાથી એ અલિપ્ત થઈ ચૂકી હતી. સાઈકલ આવશે. એમ બબડીને ક્યારેક સાંજે અગાશીમાં ઉભી રહીને રસ્તા સામે તાકી રહેતી હતી.

શ્રીકાંતને મનસુખની જગ્યાએ નોકરી મળી ત્યારે બધા ફલેટવાળાને હરખ થયેલો. હવે એને લાયક કન્યા મળી જાય એ માટે બંને બહેનો પ્રયત્ન કરતી હતી. ગાંડી સાસુની કાળજી રાખી શકે એવી ઘરરખ્ખુ અને સમજદાર કન્યા શોધવા માટે એમની મથામણ ચાલુ હતી. અંતે, દિવ્યાના સગામાંથી એક છોકરી તૈયાર થઈ ગઈ એ સોનલને દિવ્યાએ સમજાવ્યું કે મારા ભાઈના ઘરમાં તને કોઈ તકલીફ નહીં પડે. સાસુ કોઈ તોફાન તો કરતી નથી. એમને બે ટાઈમ જમાડવા સિવાય તારે એમના માટે કંઈ કરવાનું નથી. ઘરમાં બીજી કોઈ ઉપાધિ નથી.

શ્રીકાંત અને સોનલના લગ્ન થયા. નોકરીમાં કાયમી થયા પછી શ્રીકાંતે હપ્તાથી બાઈક ખરીદી. સોનલને એ જીવની જેમ સાચવતો. જે પરિસ્થિતિમાં સોનલે આ ઘરમાં વહુ બનીને આવવાનું સ્વીકાર્યું હતું એની એને સમજ હતી. એને લીધે સોનલની પ્રત્યેક ઇચ્છા પૂરી કરવા માટે એ દિલથી પ્રયત્ન કરતો હતો. રંજનની દશા તો જૈસે થે જેવી જ હતી. બે-ચાર દિવસે સોનલ એને પરાણે બાથરૂમમાં લઈ જઈને નવડાવતી અને માથામાં તેલ ઘસીને માથું ઓળી આપતી. પોતાનાથી થાય એ તમામ સેવા સોનલ કરતી હતી. એના વર્તનથી ભૂમિકા અને દિવ્યાને પણ ખૂબ સંતોષ હતો.

લગ્નને બે વર્ષ વીતી ગયા હતા. એ સાંજે શ્રીકાંત ઓફિસેથી સહેજ વહેલો ઘેર આવ્યો એટલે સોનલને નવાઈ લાગી. 'ગેસનો પ્રોબ્લેમ છે એટલે લગીર અનઇઝીનેસ લાગે છે...' એમ કહીને એ જમ્યા વગર જ સૂઈ ગયો. રાત્રે ત્રણ વાગ્યે એણે સોનલને જગાડી. 'છાતીમાં દુ:ખે છે.' એ ધીમા અવાજે બબડયો. બામ ઘસી દે તો સારું લાગશે.

બામની શીશી લઈને સોનલ બામ ઘસતી હતી એ જ વખતે શ્રીકાંતનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. ચહેરો સહેજ ડાબી તરફ ઢળી ગયો અને હોઠ પર ફીણ ઘસી આવ્યા. સોનલ જે ચીસ પાડી એ સાંભળીને બધા પડોશીઓ દોડી આવ્યા. કોઈકે એકસો આઠને ફોન પણ કરી દીધો.

દસેક મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી ગઈ. ડોક્ટરે આવીને તપાસ્યું. શ્રીકાંતની ખુલ્લી રહી ગયેલી આંખો ડોકટરે હળવેથી બંધ કરી અને ડોકું ઘૂણાવીને બધાની સામે જોયું. 'સોરી ! આ ઉંમરે આવો માસિવ એટેક આવે ત્યારે આવું જ બને છે !'

સોનલ ફસડાઈ પડી. બધા પાડોશીઓને આ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ હતી એટલે ભરયુવાન વયે શ્રીકાંતની અણધારી વિદાયથી એ બધા પણ દુ:ખી હતા.

શ્રીકાંતની સ્મશાનયાત્રા નીકળી ત્યારે પણ રંજન ઉપર એની કોઈ અસર નહોતી. એ ચૂપચાપ રૂમના ખૂણામાં બેસી રહી હતી. દીકરીઓ આવીને વીસેક દિવસ રોકાઈ. ભારેખમ વાતાવરણ વચ્ચે ઘરમાં શોકની ચાદર પથરાયેલી જ રહી.

એ પછી ચારેક મહિના વીતી ગયા. સોનલે વટવાની કોઈ ફેકટરીમાં નોકરી શોધી કાઢી હતી. સવારે દસ વાગ્યે નીકળી એ સાંજે છ વાગ્યે પાછી આવતી હતી.

ત્રણ મહિના પછી એણે ફોન કરીને ભૂમિકા અને દિવ્યાને બહાર મળવા બોલાવ્યા. 'જે પરિસ્થિતિ છે, એ હું સમજું છું અને તમને પણ સમજાતી હશે..' બંને નણંદો સામે બેસીને સોનલે નિખાલસતાથી સમજાવ્યું. હું કદાચ સ્વાર્થી લાગીશ, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આખી જિંદગી આવી રીતે ઘંટીનું પડ ગળે વળગાડીને જીવવાની મારી તૈયારી નથી. લગીર અટકીને બંને બહેનો સામે જોયું. 'કાળાધબ્બ અંધકારમાં આ ઉંમરે ક્યાં સુધી જીવવાનું ? લગીર અજવાસના તો અભરખા અંતરમાં હોય ને ? જે ફેક્ટરીમાં નોકરી કરું છું, ત્યાંના એક ઓફિસર જોડે આ રવિવારે મારા લગ્ન નક્કી છે, એટલે હવે શું કરવું એ તમે બંને બહેનો સમજી-વિચારીને નક્કી કરી લેજો. બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને તમારી માફી માગું છું- પણ મારો આ નિર્ણય ફાઈનલ છે. અહીં રહીને સડેલી જિંદગી જીવવાનું જરાયે શક્ય નથી.''

સોનલ ગઈ. દિવ્યા અને ભૂમિકાને પોતપોતાના પરિવારની જવાબદારી છે. એ છતાં વારાફરતી ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા એમણે ગોઠવી કાઢી છે. ખોખરાના હાઉસિંગના ફલેટમાં રંજન જીવે છે. દીકરીઓ મહિને પંદર દિવસે આવીને માતાની ચાકરી કરે છે. માતા તો કોઈનેય ઓળખતી નથી. ભૂલમાં કોઈ દીકરીથી ટિફિન ભૂલાઈ જાય તો રંજન શાંતિથી ભૂખી સૂઈ જાય છે. પાડોશીઓ રોજ પાણીની માટલી ભરી આપે છે. ક્યારેક ચા-નાસ્તો પણ આપે છે.

હાઉસિંગના ફલેટ ખખડી ગયા છે. ફલેટમાં પેઢી બદલાઈ ગઈ છે એટલે હવે રંજનને બધા રંજુગાંડી તરીકે ઓળખે છે. ફલેટના બારણાં બારેય મહિના ચોવીસેય કલાક ખુલ્લાં હોય છે. રંજન ક્યારેક અગાશીમાં જઈને ઉભી રહીને સાઈકલ આવી છે કે નહીં- એ ચકાસે છે ! (સત્ય ઘટના પર આધારિત)

( શીર્ષક પંક્તિ- લેખક)