Get The App

તોય સતી સાહ્યબી છોડી અને પાછળ ગયાં આમ તો રોકવા માટે જનેતા બહુ મથેલાં

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
તોય સતી સાહ્યબી છોડી અને પાછળ ગયાં આમ તો રોકવા માટે જનેતા બહુ મથેલાં 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- 'ચા નહીં, એ તો ઝેર પીવાની વાત કરે છે.' ગંગાબાએ જે જવાબ આપ્યો એ સાંભળીને હીના હબકી ગઈ. એમના શબ્દો સાંભળીને સરલાએ ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડવાનું શરૂ કર્યું

'ઓ ળખાણ હતી એટલે દીવની હોટલમાં બે રૂમ મળી ગઈ, બકા ! બાકી લાભપાંચમ સુધી બધું પેક છે...' હેમંત ફોન ઉપર મિત્રને સમજાવતો હતો. 'મંગળવારે સાંજે તમે હુતોહુતી મારા ઘેર આવી જજો. સાથે જમીશું અને પછી મારી ગાડીમાં રાત્રે નીકળી જઈશું. સવારે સીધા દીવ. વળતી વખતે સોમનાથ અને જૂનાગઢ.' વાત પૂરી કરીને હેમંતે મોબાઈલ બાજુ પર મૂકીને ચાનો કપ હાથમાં લીધો. રવિવાર હતો એટલે હીના પણ રસોઈની ધમાલ વગર સોફા પર બેસીને બીજી વારની ચાની ચૂસકી લેતી હતી. પાંસઠ વર્ષના ગંગાબા રસોડાની બહારની ચોકડીમાં બેસીને વાસણ ઉટકી રહ્યાં હતાં. હેમંત અને હીના છેલ્લા એક વર્ષથી આ ફ્લેટમાં રહેવા આવ્યા હતા. એ દિવસથી જ ગંગાબા એમને ત્યાં બધાં કામ કરતાં હતાં. હાથના ચોખ્ખાં અને વ્યવસ્થિત રીતે સમયસર કામ પતાવે એટલે હીનાને નિરાંત હતી. ઉંમરના હિસાબે એ ગંગાબાને માનથી બોલાવતી હતી. સારા ઘરની આ વિધવા સ્ત્રીએ માત્ર બે જ ઘરનું કામ કરવાનું સ્વીકાર્યું હતું એટલે જરાયે ઉતાવળ વગર ચીવટથી કામ કરતાં હતાં. સમયસર આવીને કામ પતાવીને એ ચૂપચાપ જતાં રહેતાં હતાં.

ડોરબેલ વાગી એટલે હેમંતે ઊભા થઈને બારણું ખોલ્યું. ત્રીસેક વર્ષની અજાણી યુવતી સામે એ આશ્ચર્યથી તાકી રહ્યો. સાવ સાધારણ કપડાં પહેરેલી એ યુવતીનો ચહેરો તંગ હતો.

'મારી સાસુ ગંગાબેન તમારે ઘેર છે ?'

એણે પૂછ્યું એટલીવારમાં તો હીના પણ ઊભી થઈને ત્યાં આવી ગઈ હતી. એ પણ આ યુવતીને પહેલીવાર જોઈ રહી હતી.

'ગંગાબેન મારા સાસુ છે...' હેમંત અને હીના આશ્ચર્યથી તાકી રહ્યાં હતાં, એટલે એણે ખુલાસો કર્યો. 'એમના દીકરા સુરેશને તો તમે ઓળખોને ? હું એમની મિસિસ સરલા.'

અગાઉ ક્યારેય ગંગાબાએ પુત્ર સુરેશ કે પુત્રવધૂ સરલાનો ઉલ્લેખ કર્યો નહોતો. એ પોતે વિધવા છે અને હાઉસિંગના એક રૂમ-રસોડાના ફ્લેટમાં એકલાં રહે છે એટલી જ આ બંનેને ખબર હતી. 'ગંગાબા...' હીનાએ બૂમ પાડી. 'કોઈ સરલાબેન તમને મળવા આવ્યાં છે.'

સાડલાના છેડાથી હાથ લૂછતાં લૂછતાં ગંગાબા ત્યાં આવ્યા. સરલાને જોઈને એમના ચહેરા પર અણગમો તરવરી ઉઠયો. હેમંત અને હીના પોતાની સામે જોઈ રહ્યા છે એ જોઈને એમણે જાતને સંભાળી લીધી. 'મારો એકનો એક દીકરો છે સુરેશ.' એમણે હીનાને કહ્યું. 'આ એની વહુ સરલા. એ બંને મણીનગર બાજુ ક્યાંક રહે છે.' પછી એમણે સરલા સામે જોયું. 'બોલ, શું કામ હતું ?'

હવે આ સાસુ-વહુની વાતમાં આપણું કંઈ કામ નથી. હીનાએ આંખોથી જ હેમંતને સમજાવ્યું. હેમંત બધા અખબાર લઈને ડ્રોઈંગરૂમમાંથી બેડરૂમમાં જતો રહ્યો. 'તમે નિરાંતે વાતો કરો.' એટલું કહીને હીના રસોડામાં ગઈ. સાસુ-વહુ ડ્રોઈંગરૂમમાં નીચે કાર્પેટ પર બેસીને ગુસપુસ કરતાં હતાં.

સરલા તૂટક તૂટક અવાજે, ક્યારેક રડમસ થઈને તો ક્યારેક ઉશ્કેરાઈને કંઈક બોલતી હતી. મોટા ભાગે તો એ જ બોલતી હતી. ગંગાબા શાંતિથી સાંભળતાં હતાં એવું હીનાને લાગતું હતું. પંદરેક મિનિટ પછી બહાર આવીને એણે આ સાસુ-વહુ સામે જોયું અને વિવેક ખાતર કહ્યું, 'ગંગાબા, એને ચા પીવી હોય તો તમે અંદર આવીને તમારા બંને માટે ચા બનાવી લો.'

'ચા નહીં, એ તો ઝેર પીવાની વાત કરે છે.' ગંગાબાએ જે જવાબ આપ્યો એ સાંભળીને હીના હબકી ગઈ. એમના શબ્દો સાંભળીને સરલાએ ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડવાનું શરૂ કર્યું. એનો અવાજ સાંભળીને હેમંત પણ ત્યાં આવી ગયો. આખી વાતમાં કંઈ ટપ્પી પડતી નહોતી એટલે હેમંત અને હીના એકબીજાની સામે તાકી રહ્યાં. સરલા રડતી હતી એટલે બીજું તો કંઈ સમજાતું નહોતું, છતાં હીનાએ પાણીનો ગ્લાસ લાવીને એના હાથમાં આપ્યો.

'શાંતિથી પાણી પી લે.' ગંગાબાએ સરલાને કહ્યું અને પછી હીના સામે જોયું. 'બેન, આટલા દિવસમાં તમે કંઈ પૂછ્યું નથી અને સામેથી મેં કંઈ કીધું નથી. બોલતી વખતે અને સામેથી મેં કંઈ કીધું નથી. બોલતી વખતે જીભ બળે અને વલોપાત થાય એવી વાત કઈ રીતે કહેવી ?'

એમના ભીના અવાજમાં સમજદારીનો રણકાર હતો.

'આ ડોબીમાં અક્કલ નથી, એટલે દુ:ખ વેઠે છે. મારો એકનો એક દીકરો સુરેશ-સુરિયો સાવ લબાડ અને નાલાયક છે. સુરિયાના બાપાએ આખી જિંદગી મ્યુનિસિપાલિટીમાં પટાવાળાની નોકરી કરી. સાવ સાચા ભગવાનના માણસ. બે ટાઈમ રોટલા અને બે ટાઈમ ચા સિવાય એમને કોઈ કુટેવ નહોતી. ટૂંકા પગારમાંય અમે શાંતિથી જીવતા હતા. દીવા પાછળ અંધારું-એ કહેવત તો સાંભળી છે ને, બેન ? અમારા સુરિયાએ એ કહેવત સાવ સાચી પાડી. ભણવાનો ટાઈમ હતો ત્યારે ભણવાને બદલે રખડી ખાધું. ટોકી ટોકીને મારી જીભના કૂચા વળી ગયેલા તોય એ ભણ્યો નહીં. એ મેટ્રિકમાં નાપાસ થયો એ દિવસે એના બાપાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. મને કહે કે હરામનો એક પૈસોય આપણા ઘરમાં આવતો નથી, તોય આ કપાતર આવો કેમ પાક્યો ? સુરિયાને ઝૂડી નાખવાને બદલે મનોમન પીડા વેઠયા કરે. તબિયત ઠીક ના હોય તોય સાઈકલ લઈને તૂટતા તૂટતા નોકરીએ જાય અને સુરિયો દોસ્તારો જોડે રખડી ખાય ! મ્યુનિસિપાલિટીમાં એના બાપની છાપ એવી કે કમિશનર પણ એમને નામથી ઓળખે. બીજા બધા પટાવાળાઓ જેવા ગોરખધંધા કે ચાલાકી એમના સ્વભાવમાં નહીં.'

સરલા નીચું જોઈને ચૂપચાપ બેઠી હતી. ગંગાબા યાદ કરીને બોલતાં હતાં. હેમંત અને હીના ધ્યાનથી સાંભળતાં હતાં.

'મેટ્રિક નાપાસ સુરિયાને નોકરી કોણ આપશે ને કોણ છોકરી આપશે ? એ ચિંતામાં મારું બીપી વધી ગયું હતું અને સુરિયાના બાપા અંદરથી શોષવાતા હતા. બાપ તરીકે એ શું કરે ? ઓળખીતા-પારખીતાને કહી રાખેલું કે આ છોકરાજોગ કોઈ નોકરી હોય તો કહેજો. નોકરીમાં એમની છાપ એટલી સારી હતી કે એક કોન્ટ્રાક્ટરે સામેથી જ કહ્યું કે તમારો દીકરો છે ને ? મોકલી આપો કાલથી મારી ફેક્ટરી ઉપર. એ શેઠને નરોડામાં પાણીના પંપની ફેક્ટરી હતી. સુરિયાએ ત્યાં નોકરી શરૂ કરી ત્યારે અમને બંનેને લગીર રાહત થયેલી. ભલે ભણ્યો નથી, પણ નોકરીમાં મહેનત કરીને આગળ વધે એવી હું રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી. પાંચેક વર્ષમાં તો એ નોકરીમાં સેટ થઈ ગયો અને એના બાપા રિટાયર થયા. જ્ઞાતિમાં સુરિયાના બાપાનું માન અને સુરિયો તો નોકરી કરતો હતો એટલે કન્યાઓનાં મા-બાપ અમારે ત્યાં આવવા લાગ્યા-એમાં આ અભાગણી...'

સામે બેઠેલી સરલા તરફ હાથ લંબાવીને એ વેદનાથી બબડયાં. 'આ બાપડી અભાગણીનો બાપો ફસાઈ ગયો !...' એમણે નિરાશાથી માથું ધૂણાવ્યું. 'આ ગરીબડી કંઈક આશા અને અરમાન લઈને અમારા ઘરમાં આવી ત્યારે અમે બધાય ખુશ હતા.'

બે હાથ વચ્ચે માથું પકડીને ગંગાબા થોડીક ક્ષણો ચૂપચાપ બેસી રહ્યાં. 'કયા કાળ ચોઘડિયે સુરિયો દારૂ અને જુગારના રવાડે ચડી ગયો અને અમને કોઈને ખબર ના પડી. આ બિચારી ગાય જેવી વહુએ મારું ધ્યાન દોર્યું કે એ રાત્રે દારૂ પીને આવે છે. મારા તો માથે આભ તૂટી પડયું. ક્યાં એનો બાપ અને ક્યાં આ વંઠેલ ? જુગારના રવાડે ચડેલા સુરિયાએ નોકરીમાં મોટો ગફલો કર્યો હતો એની શેઠને ખબર પડી. એ ધારત તો બીજા જ દિવસે સુરિયો જેલમાં જતો, પરંતુ એના બાપની આંખની શરમ નડી એટલે એણે ઘેર આવીને અમને વાત કરી કે તમારા દીકરાએ મારું ત્રણ લાખનું કરી નાખ્યું છે ! શેઠિયો બોલતો હતો એ સાંભળીને સુરિયાના બાપા તો થરથર ધૂ્રજવા લાગ્યા. મોઢામાંથી ફીણ આવ્યું અને છાતી ઉપર હાથ દાબીને એ ફસડાઈ પડયા ! કપાતર દીકરાના પાપે બે મિનિટમાં બાપનો જીવ જતો રહ્યો !'

ગળામાં ડૂસકું અટવાયું એટલે એ મૂંગા થઈ ગયાં. હીનાએ દોડીને પાણી આપ્યું. પાણી પીધા પછી નિરાશાથી માથું ધૂણાવીને ચકળવકળ નજરે ચારે તરફ જોયું. 'જે બન્યું એ જોઈને પેલો શેઠિયો હબકી ગયો હતો, પણ હું મક્કમ હતી. એમના રિટાયરમેન્ટની જે રકમ આવી હતી, એમાંથી ઘરના બાકી હપ્તા ચૂકવ્યા પછી ત્રણ લાખ રૂપિયા બેન્કમાં પડયા હતા. મેં એ શેઠિયાને કહ્યું કે એમનું ઉજળું નામ અને કામ જોઈને તમે આ નાલાયકને નોકરી આપી હતી. એમની એ છાપ તમારા મનમાં ખરડાય નહીં એટલે આ પૈસા તમે લઈ લો. માથે છાપરું છે, થોડુંઘણું ફેમિલી પેન્શન આવશે અને હાથ-પગ સાબૂત છે એટલે મારે મન પૈસા કરતાંય એમની આબરૂ જાળવવાનું વધુ મહત્વનું છે.'

લગીર અટકીને ગંગાબાએ હીના અને હેમંત સામે જોયું. 'શેઠિયાને પૈસા ચૂકવી દીધા પછી બે લાફા મારીને સુરિયાને ઘરની બહાર કાઢી મૂક્યો. કહી દીધું કે હું મરું તોય તારે આ ઘરમાં પગ મૂકવાનો નથી. મારા માટે તું મરી ગયો છે.'

એમણે સરલા સામે જોયું.

'આ વાલામૂઈને મેં એ વખતે સમજાવ્યું કે તારા બાપે એકલા સુરિયાને જોઈને તને નથી પરણાવી. અમારું ઘર જોઈને તને વળાવી છે. એટલે તારે એ હલકટની સાથે જવાની જરૂર નથી. તું આ ઘરની લક્ષ્મી છે. તું મારી સાથે રહે. મારી વાત માન. સાસુ-વહુ નહીં, પણ મા-દીકરીની જેમ આ ઘરમાં સાથે રહીશું અને લૂખો રોટલો પણ વહેંચીને ખાઈશું. હું મરું એ પછી આ ઘર અને બધુંય તારું ! એ નાલાયકની સાથે જઈશ તો એ તને પણ નવડાવી દેશે. એને બદલે મારી સાથે રહે. મેં મારા દીકરાના નામનું નાહી નાખ્યું છે, તું એના નામનો ચાંદલો ભૂંસી નાખ. આપણે એકબીજાની હૂંફમાં દિવસો ટૂંકા કરીશું...'

હેમંત અને હીના સામે નજર કરીને ગંગાબાએ સરલાને પૂછ્યું, 'સાચું બોલ. એ વખતે તને કેટલું સમજાવેલી ? તોય તું માની નહીં. પગમાં કુહાડી મારવાના અભરખા રહતા એટલે મારું ઘર છોડીને એ કુલાંગારની જોડે નીકળી ગઈ.'

ડૂસકું ભરીને ગંગાબા લગીર અટક્યા. 'જીવી એટલું તો હવે જીવવાની નથી. એકલી રહીને આરામથી બે ટંક ખાવા જેટલું પેન્શન આવે છે. તોય આ અભાગણી માટે બે ઘેર કામ કરું છું. મૂર્ખામી કરીને એ સુરિયા જોડે ગઈ છે, પણ હવે પેટ ભરીને પસ્તાય છે. દર છ-આઠ મહિને રોતી-કકળતી મારી પાસે આવીને કહે કે ઘરમાં લોટ નથી, તેલ નથી... એ વખતે દાઝ તો ચડે તોય શું થાય ? આ ગાય જેવી દીકરીનું મોઢું જોઈને જે કંઈ બચત થઈ હોય એ એને આપી દઉં.

અત્યારે પણ એ આ કામે જ આવી છે. દિવાળી આવી છે ને ઘરમાં ઘઉં, ચોખા, ગોળ, કે ઘી-તેલ કશુંય નથી...'

આંખમાં ઝળઝળિયાં સાથે ગંગાબા બોલતાં હતાં. 'મારા નપાવટ દીકરા જોડે પરણીને આ બાપડીએ સુખનો છાંટોય જોયો નથી. સાચું કહું ? એનું ઓશિયાળું મોઢું જોઈને તરત વિચાર આવે કે આ જગ્યાએ મારી પેટની જણી દીકરી હોત તો ? બધોય ગુસ્સો ઓગળી જાય અને જાત ઘસીને જે કંઈ બચાવ્યું હોય એ બધુંય એના હાથમાં આપી દઉં...'

વંઠેલ દીકરાના વાંકે વેદના વેઠી રહેલી વહુની મદદ માટે મજૂરી કરનાર ગંગાબા બોલી રહ્યાં હતાં. ભીની આંખે સરલા નીચું જોઈને બેઠી હતી. હેમંત અને હીના સ્તબ્ધ બનીને સાંભળતાં હતાં.

(શીર્ષક પંક્તિ : લેખક)