- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- રિતેશ સડપ દઈને એ રીતે ઊભો થયો કે નિમુબહેન, વિનુભાઈ અને સુધાબહેન એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં.
- 'આ ઉંમરે દીકરો એના દોસ્તારો વચ્ચે હીણપતનો ભાર વેંઢારીને જીવે એ સારું લાગે છે તમને ? દીકરાનું હૈયું સળગાવીને સંઘરેલા પૈસા શું કામના ?'
''તને તકલીફ પડે છે એ વાત સાચી, પણ નવી મોટરસાઇકલનો વિચાર મગજમાંથી ખંખેરી નાખ. સોસાયટીના નાકે ગેરેજવાળા ઉસ્માનને વાત કરી છે. એકહથ્થુ વપરાયેલું સ્કૂટર વેચાવા આવશે કે તરત આઠ-દસ હજારમાં કામ પતાવી દેશે. અત્યારે લાખ રૂપિયા ખર્ચવાની તાકાત તારા બાપ પાસે નથી, સમજણ પડી ?''
નાનકડા ડ્રોઇંગરૂમમાં વિનુભાઈ બોલતા હતા. સોફા પર બેઠેલો રિતેશ સાંભળતો હતો ચૂપચાપ, પણ ચહેરા પર ગુસ્સાની સાથે નિરાશા છલકાતી હતી. સુધાબહેન નીચે બેસીને શાક સમારી રહ્યાં હતાં. બાપ-દીકરાની વાતમાં વચ્ચે બોલવાની એમને આદત નહોતી.
''જાત જાતની ફાયનાન્સની સ્કીમ છે. બાઇક તો ઠીક, નવીનક્કોર કાર પણ હપ્તાથી આપે છે.'' રિતેશ લાચારીથી બબડયો... ''એમાં તમને સિદ્ધાંત નડે છે.''
''તારા બાપે આખી જિંદગીમાં ક્યારેય એક પૈસાનુંય દેવું નથી કર્યું, નથી કોઈની પાસે હાથ લંબાવ્યો. હોય એટલા પૈસામાં જીવવાનું...'' બાપે દીકરાને સમજાવ્યું.
''... હપ્તાથી તો હાથી પણ મળે, એ થોડો લેવાય ? તારો તો બી.કોમ.માં નંબર આવેલો, બેટા, એ છતાં એ ગણિતનું જ્ઞાન નથી ? ડબલ જેટલા પૈસા ચૂકવવા પડે. તને નોકરી મળે એ પછી તારા કમાણીમાંથી બાઇકને બદલે હપ્તાથી હેલિકોપ્ટર લેજે. હું ના નહીં પાડું.''
રિતેશ હળવેથી ઊભો થઈને પોતાના રૂમમાં પૂરાઈ ગયો.
એ ગયો એ પછી સુધાબહેને ઠપકા ભરેલી આંખે વિનુભાઈ સામે જોયું. ''તમેય ખરા છો. રિતલાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં, એય તમને ના દેખાયું ? આટલો હોંશિયાર એકનો એક દીકરો એમ.કોમ. કરવા રોજ યુનિવર્સિટી સુધી બસમાં તૂટતો જાય છે.''
''હું એનો દુશ્મન નથી. તારા જેટલી જ લાગણી છે એના ઉપર, પણ વાત સમજ. આઠ-દસ હજારના સેકન્ડહેન્ડ સ્કૂટરથી કામ ચાલે તો લાખ રૂપિયાનો ધુમાડો કરવાની કોઈ જરૂર ખરી ?''
''તમે હજુ તમારા જમાનામાં જ જીવો છો. રિતલા જેવો લાગણીશીલ અને સમજદાર દીકરો ઈશ્વરે આપ્યો છે પણ તમને કદર નથી. એ મનમાં કેટલું શોષવાય છે એનું ભાન છે તમને ? બધા છોકરાઓ વચ્ચે પોતે ઓશિયાળો હોય એવું એને લાગે.'' સુધાબહેનના અવાજમાં સમજદારી હતી. એમણે હળવે રહીને પૂછ્યું. ''ગયા મહિને તમે કહેલું કે સ્ટાફની સોસાયટીના રિકરિંગમાં તમારા લાખ રૂપિયા જમા થઈ ગયા છે. એ રૂપિયા આપણે ઉપર તો સાથે લઈને નથી જવાનાને ? એમાંથી બાઇક અપાવો તો ?''
''એ રૂપિયા તો સંકટ સમયની સાંકળ છે. ક્યારે શું બનશે એની ખબર છે ? પૈસા હોય તો કામમાં આવે. એ વખતે બાઇક વેચવા ના જવાય !''
સુધાબહેને ભીની આંખે પતિ સામે બે હાથ જોડયાં. ''આટલા વર્ષમાં બાંધી મુઠ્ઠી રાખીને ઘર ચલાવ્યું છે. સોનાનો દાગીનો તો ઠીક, એક સારી સાડી માટેય મેં ક્યારેય કહ્યું નથી. હરવા-ફરવા કે હિલસ્ટેશન જવાની જીદ કરી છે ક્યારેય ? જિંદગીમાં પહેલીવાર અને છેલ્લીવાર કહું છું કે રિતલાને બાઇક અપાવી દો. જરૂર પડે ત્યારે મારા છ તોલાના દાગીના વેચી મારજો. એક અક્ષર નહીં બોલું. ત્યાં યુનિવર્સિટીમાં બધા મોટર કે નવીનક્કોર બાઇક લઈને આવતા હોય એમાં આપણો રિતલો ઠોચરા જેવું સ્કૂટર લઈને જાય ત્યારે મનમાં શોષવાય. લાગણીશીલ છે એટલે આપણને કંઈ કહે નહીં પણ મનોમન વેદનાથી વલોવાતો રહે... આ ઉંમરે દીકરો એના દોસ્તારો વચ્ચે હીણપતનો ભાર વેંઢારીને જીવે એ સારું લાગે છે તમને ? દીકરાનું હૈયું સળગાવીને સંઘરેલા પૈસા શું કામના ?''
સુધાબહેનની વાસ્તવિક દલીલો સામે ટકી રહેવાનું વિનુભાઈનું ગજું નહોતું. રિતેશનું ભાવનાશીલ હૈયું કકળી ઉઠશે એ એમને સમજાયું. ''તારી વાત સાચી છે. રિતલો મારી વાત માનશે, પણ ભાઈબંધો વચ્ચે નાનપ અનુભવશે. પોતે અભાવ વચ્ચે જીવે છે એ વાત મિત્રોમાં ફેલાય એની પીડા આ ઉંમરે મારી નાખે એવી હોય છે...'' હાર સ્વીકારીને એમણે પત્નીને કહ્યું. ''આ ખુશખબર આપીને તું જ એને રાજી કર. મસ્ત ચા બનાવીને એને બોલાવ.''
સુધાબહેન ખુશ થઈને રસોડામાં ગયાં. ગેસ પર ચા મૂકીને એમણે નાસ્તાની પ્લેટ તૈયાર કરી. પછી રિતેશને બૂમ પાડી.
એ આવ્યો પછી વિનુભાઈએ એને સમજાવ્યું. ''મારી વાત સાંભળ, બેટા, ક્રેડિટ સોસાયટીમાં મારા લાખ રૂપિયા છે એ જે ગણો એ આપણી બચત છે. કાલે એ લઈ આવીશ. તારે જે લેવી હોય એ બાઇક અપાવી દઈશ, પણ સાચવીને ચલાવવાની શરતે...''
રિતેશનો ચહેરો આનંદથી ખીલી ઉઠયો. પુત્રનો હર્ષ જોઈને મા-બાપે સંતોષથી એકબીજાની સામે જોયું. એ જ વખતે ડોરબેલ રણકી. ભાવનગર રહેતાં વિનુભાઈના મોટા બહેન હતાં.
બારણું ખોલીને રિતેશે સીધી ફરિયાદ કરી. ''નિમુફૈબા ! કેટલા વર્ષે આવ્યાં ? મારું બારમાનું રિઝલ્ટ હતું ત્યારે આવેલાં. એ પછી છેક આજે દર્શન દીધાં !''
''મનથી તો તમારી સાથે જ છુંને !'' નિમુબહેને હસીને ભત્રીજાના માથે હાથ મૂક્યો. ''તું બી.કોમ.માં પહેલો આવ્યો એ સમાચાર સાંભળીને તરત પેંડા કોણે મોકલાવેલા ? તારા મમ્મી-પપ્પાને પૂછ કે જરૂર હોય ત્યારે ફૈબા દોડીને આવે છે કે નહીં ?''
''એ તમારી વાત સાવ સાચી...'' આભારવશ નજરે સુધાબહેને નણંદ સામે જોયું. ''રિતલો આઠમામાં હતો ત્યારે હું બાથરૂમમાં લપસી પડેલી. થાપામાં ફ્રેકચર અને અઢી મહિનાનો ખાટલો થયેલો, ત્યારે ભાવનગરનું ઘર ભગવાન ભરોસે છોડીને તમે દોડી આવેલાં. હું તો પારકી જણી તોય ત્રણ મહિના સુધી સગી મોટી બહેનની જેમ અહીં રોકાઈને મારી ચાકરી કરેલી. એ ઉપકાર તો છેલ્લા શ્વાસ સુધી નહીં ભૂલાય, નિમુબેન !''
''એમાં મેં કઈ ધાડ મારેલી ? બાપાએ મને અને વિનુને રૂપિયા-પૈસાનો વારસો નથી આપ્યો, પણ એટલું સમજાવ્યું છે કે થાય એટલી બધાને મદદ કરવી. ઘસાઈને ઉજળા થવાનું.''
ચા-નાસ્તા સાથે થોડી આડીઅવળી વાતો પછી નિમુબહેને ભાઈ-ભાભી સામે જોયું. કઈ રીતે વાત કહેવી એની દ્વિધા હતી એમના ગંભીર ચહેરા પર. એમની ગૂંચવણ પારખીને વિનુભાઈએ પૂછ્યું. ''મોટી, વાત શું છે ? અહીં કોઈ પારકું છે ? જે હોય તે બોલી નાખ...''
એકાદ મિનિટ નિમુબહેન વિચારમગ્ન દશામાં નીચું જોઈને બેસી રહ્યાં. ''વાત એવી છે કે જીભ ઉપડતી નથી...'' નીચું જોઈને એ ધીમા અવાજે બોલતાં હતાં. ''... સમય એવો છે કે દરેકને તકલીફ છે. કોઈનીયે પાસે હાથ ના લંબાવાય. સગા ભાઈ-બેનના સંબંધમાં પણ આ મર્યાદાનું ધ્યાન રાખવું પડે. આટલાં વર્ષમાં ક્યારેય તારી પાસે કંઈ માગ્યું નથી, પણ અત્યારે નાછૂટકે આવવું પડયું...''
નિમુબહેને માથું ઊંચું કરીને ભાઈ-ભાભી સામે જોયું. ''વિનુ, જીભ ઉપડતી નથી, પણ વાત એવી છે કે આજે ભાવનગરથી તારા ઘેર આવવું પડયું છે. અમારી દશાની તો તને ખબર જ છે. તારા બનેવીનું પેન્શન આવે છે અને મોટો દીકરો ખાનગી પેઢીમાં નોકરી કરે છે, એટલે રોટલામાં કોઈ તકલીફ નથી, પણ અત્યારે એક તકલીફ ઊભી થઈ છે...''
નિમુબહેન ધીમા અવાજે બોલતાં હતાં. વિનુભાઈ, સુધાબહેન અને રિતેશ એમનાં ગંભીર ચહેરા સામે જોઈને ધ્યાનથી સાંભળતાં હતાં.
''નાના નીરજનો બી.ફાર્મ.માં ફર્સ્ટ કલાસ આવ્યો છે. ભણવામાં તો એ તારા રિતલા જેવો જ હોંશિયાર છે. એને એમ.ફાર્મ કરવું છે અને એ ભણ્યા પછી અમેરિકા જવાના અભરખા છે. ખાટલે મોટી ખોડ એ છે કે એમ.ફાર્મ.માં એડમિશન માટે આ અઠવાડિયામાં જ ત્રણ લાખ રૂપિયાની જોગવાઈ કરવાની છે. તારા બનેવીના બે ભાઈઓ મદદમાં આવ્યા અને એમણે એક એક લાખ આપ્યા. હવે છેલ્લા એક લાખ માટે કામ અટક્યું છે. તારા બનેવીના ખેતરના પૈસા બે વર્ષ પછી આવવાના છે. એ વખતે પૈસા હાથમાં આવશે કે તરત બધાને પાછા અપાશે.''
લગીર અટકીને એમણે વિનુભાઈ સામે જોયું. ''વિનુ, તુંય સંસાર લઈને બેઠો છે, એટલે આગ્રહ નહીં કરું. જો કોઈ તકલીફ ના હોય તો બેનને આટલો ટેકો કરજે. બે વર્ષ પછી તને પાછા મળી જશે.''
ઓરડાનું વાતાવરણ હવે ભારેખમ બની ગયું હતું. નિમુબહેન નજર ઝૂકાવીને જવાબની રાહ જોઈ રહ્યાં હતાં. જબરજસ્ત ધર્મસંકટમાં મૂકાયેલા વિનુભાઈ અને સુધાબહેન વિમાસણમાં પડીને એકબીજાની સામે તાકી રહ્યાં હતાં.
અચાનક રિતેશ સડપ દઈને એ રીતે ઊભો થયો કે નિમુબહેન, વિનુભાઈ અને સુધાબહેન એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં.
''બાપા ! તમારું કામ સાવ ઢીલું... આટલા દિવસથી એ માણસને કંઈ કહેતા નથી...'' વિનુભાઈની સામે જોઈને રિતેશ બોલ્યો. ''ગેરેજવાળા ઉસ્માનને તમે ખોંખારીને ઝડપ કરવાનું નહીં જ કીધું હોય ! હું અત્યારે જ એના ગેરેજ ઉપર જઈને ખખડાવીને કહું છું કે ઉસ્માનભાઈ ! તમારા ઓળખીતા બીજા ચાર-પાંચ ગેરેજવાળાને પણ ફોન કરો. ગમે તેમ કરીને એક અઠવાડિયામાં મારા સ્કૂટરનો મેળ પાડી દો...''
આટલું કહીને એ સડસડાટ ઘરની બહાર નીકળી ગયો.
નિમુબહેનને કંઈ સમજાયું નહીં, પરંતુ વિનુભાઈ અને સુધાબહેન એકબીજાની સામે સુખદ આશ્ચર્યથી તાકી રહ્યાં હતાં. બંનેની આંખોમાં અનહદ સંતોષની સાથે ગૌરવ છલકાતું હતું !
(શીર્ષક પંક્તિ : લેખક)


