- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- ગુરૂવારે બપોરે એક વાગ્યે હું તારે ત્યાં આવીશ. રોકાઈશ નહીં. બારણે જ ઊભી રહીશ. એ વખતે આ પૈસા વ્યવસ્થિત પેક કરીને એક થેલીમાં મને આપી દેજે.''
''તા રે તો પૂરી આઝાદી છે...'' શિલ્પાના અવાજમાં અહોભાવ હતો. ''આખો ઓરડો તારો પોતાનો. તારું એકલીનું આવડું મોટું કબાટ... એને કોઈ અડે પણ નહીં. રિયલી ગ્રેટ !'' શિલ્પા બોલતી હતી, સામે બેઠેલી માનસી હસીને સાંભળતી હતી.
તાલુકા કક્ષાના આ ગામમાં શિલ્પાના પિતાની કરિયાણાની દુકાન ધમધોકાર ચાલતી હતી. શિલ્પા જેનાથી પ્રભાવિત થઇ હતી એ માનસીના પપ્પા હજુ આઠેક મહિના અગાઉ આ ગામમાં આવ્યા હતા. અગાઉ એ અમદાવાદમાં હતા, એ પછી બૅન્ક મેનેજર તરીકે પ્રમોશન મેળવીને એ અહીં આવ્યા હતા અને સોસાયટીના એક બંગલામાં ભાડે રહેતા હતા. શિલ્પાનું મકાન તો ગામમાં પારેખફળીમાં હતું.
ગામની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં શિલ્પા બીજા વર્ષમાં હતી. એણે આર્ટસ્માં ગુજરાતી વિષય જ રાખ્યો હતો. માનસી કોમર્સમાં બીજા વર્ષમાં હતી.
માનસીએ કૉલેજમાં આવીને વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર મેળવીને બધી છોકરીઓ વચ્ચે મોભાદાર સ્થાન મેળવી લીધું હતું. તમામ છોકરીઓ એની બહેનપણી બનવા માટે ઉત્સુક હતી. આર્ટસ્માં ભણતી શિલ્પા આજે પહેલી વખત માનસીના ઘેર આવી હતી.
''તારા ઘરમાં તારો અલગ રૂમ નથી ?'' શિલ્પાની વાત સાંભળને માનસીએ સાહજિકતાથી પૂછ્યું. 'ગામમાં તારું ઘર તો મોટ્ટું હશે ને ?'
''ઘર તો ખાસ્સું મોટું છે, પણ અમે મેમ્બર્સ વધારે છીએ.'' શિલ્પાએ હસીને જવાબ સાથે જાણકારી આપી. ''મારા બા-બાપા ઉપરાંત અમે ચાર ભાઈ-બહેન. મારાથી મોટી બે બહેન છે. એટલે અમે ત્રણેય બહેનો એક જ રૂમમાં સાથે રહીએ છીએ. મારાથી નાનો ભાઈ છે, એણે એક ઓરડાનો કબજો મેળવી લીધો છે...'' શિલ્પાના અવાજમાં હતાશા ઉમેરાઈ. ''મોટી બંને બહેનો માટે મારા બા-બાપા મુરતિયા શોધી રહ્યાં છે. એ બંને પરણીને વિદાય લેશે એ પછી આખો ઓરડો મને મળશે ! અત્યારે તો ઓરડાના ખૂણામાં એક જૂનું ટેબલ છે. એના ઉપર મારા ચોપડાં અને નોટબૂકો મૂકી રાખું છું. મોટી બે બહેનોમાંથી એકેય બારમાથી આગળ ભણી નથી. એમને જ્યારે મન થાય ત્યારે મારું ટેબલ ફેંદી નાખે! મારી કોઈ પ્રાયવસી નહીં.''
માનસીની મમ્મી ચા-નાસ્તો લઇને ઓરડામાં આવી, એટલે શિલ્પા અટકી. ચા-નાસ્તો મૂકીને એ તરત જ બહાર જતાં રહ્યાં. ''આ પણ તારું નસીબ કહેવાય...'' શિલ્પાએ માનસીને કહ્યું. ''મારે ત્યાં તો મારી કોઈ બેનપણી આવે ત્યારે મારી બા અને બહેનો બધાય સામે જ બેસી રહે !''
માનસી હસી પડી. ''મારે તારું એક કામ છે. તું મને મદદ કરીશ ?'' ચા-નાસ્તો પતાવ્યા પછી માનસીનો હાથ જકડીને શિલ્પાએ પૂછ્યું.
''મારાથી થાય એવું હશે એ કામ કરીશ.'' માનસીએ ધરપત આપી. ''તારે કેવી મદદ જોઇએ ?''
''તારે મારા બેન્કર બનવું પડશે.'' શિલ્પાએ શબ્દો ગોઠવીને સમજાવ્યું. ''મારો એક પ્લાન છે. એ માટે હું તને દર બે-ત્રણ દિવસે પૈસા આપતી રહીશ. તારે એ પૈસા તારા કબાટમાં અલગ મૂકી રાખવાના. એ પછી મારે જોઈતી રકમ ભેગી થઇ જશે, ત્યારે હું એ તારી પાસેથી લઇ જઈશ. ટૂકડે ટૂકડે એક મોટી રકમ ભેગી કરાવનો આઇડિયા છે.''
''આવું કેમ ?'' માનસીએ તરત કહ્યું. ''મારા પપ્પા તો બૅન્ક મેનેજર છે. મને આપવાને બદલે તું બૅન્કમાં ખાતું ખોલાવી દે, તો વ્યાજ પણ મળશે. હું પપ્પાને કહીશ તો પાંચ મિનિટમાં તારું કામ પતી જશે.''
'બૅન્કમાં તો પાનકાર્ડ, આધારકાર્ડના અનેક લફરાં હોય, વળી, પાસબૂક, ચેકબૂક એ બધું મારે સંતાડવું ક્યાં ? વ્યાજની ગણતરી કરવી પડે એવી મોટી રકમ પણ નહીં હોય. આટલું કામ તો તું કરીશ ને ? પ્લીઝ, ઘરનાને સરપ્રાઇઝ આપવા માટે મારો આ સિક્રેટ પ્લાન છે.'
'ઓ.કે... એક જુદા ડબ્બામાં તું આપીશ એ પૈસા મૂકી રાખીશ. તારી ઇચ્છા હોય ત્યારે પાછા લઇ જજે.'
''થેંક્યું...થેંક્યું વેરી મચ...'' શિલ્પાએ માનસીના હાથ જકડીને આભાર માન્યો અને વિદાય લીધી.
બીજા દિવસે કૉલેજ છૂટી ત્યારે શિલ્પાએ પાંચસો રૂપિયાની બે નોટ માનસીના હાથમાં આપીને કહ્યું. ''આજથી મારા પ્લાનનો શુભારંભ!''
એ પછી તો આ સિલસિલો ચાલુ થઇ ગયો. ત્રણ-ચાર દિવસે શિલ્પા હજાર કે દોઢ હજાર રૂપિયા માનસીને આપતી હતી. ''શિલ્પા, તું આ પૈસા ક્યાંથી લાવે છે ?'' માનસીએ પૂછ્યું. ''મારા બાપાની તિજોરીમાંથી જ...'' શિલ્પાએ હસીને માહિતી આપી. ''બાપાની દુકાનનો કારોબાર ખૂબ મોટો છે. જાતજાતના ટેક્સથી બચવા માટે એમનો મોટાભાગનો બિઝનેસ રોકડમાં જ ચાલે છે. તિજોરીમાં ઢગલાબંધ નોટો પડી હોય, એમાંથી એકાદ-બે નોટ સરકાવી લેવાની મારામાં આવડત છે અને એમને તો કાનખજૂરાના પગ જેવું - કંઇ ખ્યાલ પણ ના આવે !''
માનસીના ચહેરા પર અણગમો જોઇને શિલ્પાએ ખુલાસો કર્યો. ''આને ચોરી ના કહેવાય. બાપની મિલકતમાં દીકરીનો પણ હિસ્સો તો હોય જ ને ?'' માનસી આશ્ચર્યથી એની સામે જોઈ રહી. એકવાર મદદ કરવાની હા પાડયા પછી આ ગાંડીને હવે ના પણ કઇ રીતે પાડવી ?
પંખીની પાંખે બેસીને સમય પસાર થઇ રહ્યો હતો. શિલ્પાની બચત રકમ માનસીએ ક્યારેય ગણી નહોતી, પરંતુ આ દોઢ વર્ષના સમયગાળામાં એ લાખ રૂપિયા જેટલી થઇ ગઇ હશે એનો એને અંદાજ હતો.
છેલ્લા વર્ષની પરીક્ષા પૂરી થઇ એના બે દિવસ પછી શિલ્પા માનસીના ઘેર આવી. માનસીની પરીક્ષા પણ પતી ગઈ હતી. કોલેજની અનેક છોકરીઓ માનસીની બહેનપણી બની ચૂકી હતી, એટલે એમની પાસેથી શિલ્પા વિશેની જાતજાતની વાતો પણ માનસીને જાણવા મળી હતી !
શિલ્પા આજે આવી ત્યારે ખૂબ ગંભીર હતી એવું માનસીને લાગ્યું. ''બેન્કર, મારા ખાતામાં કુલ કેટલી રકમ જમા થઇ છે ?'' શિલ્પાએ પૂછ્યું એટલે માનસીએ કબાટ ખોલીને એમાંથી એક બોક્સ બહાર કાઢ્યું અને એમાં હતી એ તમામ રકમ ફટાફટ ગણીને કહ્યું. ''વેરી ગુડ સેવિંગ ! એક લાખ બાર હજાર ! આ કોઈ નાની રકમ નથી.''
''હવે મારી વાત ધ્યાનથી સાંભળ.' શિલ્પાએ સમજાવ્યું. ''આજે મંગળવાર થયો. ગુરૂવારે બપોરે એક વાગ્યે હું તારે ત્યાં આવીશ. રોકાઈશ નહીં. બારણે જ ઊભી રહીશ. એ વખતે આ પૈસા વ્યવસ્થિત પેક કરીને એક થેલીમાં મેન આપી દેજે.''
''હું નહીં આપું...'' શિલ્પાની આંખોમાં આંખો પરોવીને માનસીએ મક્કમતાથી કહ્યું. ''તારો આ સરપ્રાઇઝ પ્લાન શું છે એ મને નહીં કહે, ત્યાં સુધી આ પૈસા તને નહીં મળે. બી ફ્રેન્ક બી હેપી ! વાત શું છે એ સાચેસાચું નહીં કહે ત્યાં સુધી પૈસા નહીં મળે. આ મુદ્દે તારી કોઈ દલીલ નહીં ચાલે.''
શિલ્પાનું મોઢું પડી ગયું. ''આવી ગદ્દારી ?'' એ ચિડાઈને બબડી. ''મારા જ પૈસા તું મને નહીં આપે ?''
''દિલ ખોલીને સાચું કારણ કહીશ તો અને તો જ તારા પૈસા તને મળશે. અન્ડરસ્ટેન્ડ ?'' માનસીના અવાજની સખ્તાઈ પારખીને શિલ્પા ઢીલી પડી ગઈ.
''વચન આપ કે આ વાત તું ખાનગી રાખીશ.'' શિલ્પાએ પોતાનો હાથ લંબાવીને માનસીને કહ્યું. 'ગોડ પ્રોમિસ' એનો હાથ જકડીને માનસીએ કહ્યું.
''મારી દશા એવી છે કે મોટી બે બેનનું ઠેકાણું ના પડે ત્યાં સુધી બા-બાપા મારા લગ્નનું વિચારવાના નથી. મેં તો મારા લગ્નની પૂરી તૈયારી કરી લીધી છે.'' શિલ્પાએ જાણકારી આપી. ''ગુરૂવારે એક વાગ્યે ટેક્સીમાં અમદાવાદ. ત્યાં સાડા ચાર વાગ્યે આર્યસમાજમાં લગ્ન કરીને હનીમૂન માટે આબુ જઈશું એ વખતે બા-બાપાને ફોન કરીને મારા લગ્નની ખુશખબર આપી દઈશ.''
''તું તો જબરી ખેલાડી છે ! કોણ છે તારા મનનો માણીગર ? આપણી કોલેજનો જ કોઈ હીરો છે ?''
''તેં કદાચ એનો જોયો હશે. એનું નામ વિજય. કોલેજમાં એ ઘણીવાર આવે છે. ગયા વર્ષે પરીક્ષામાં કંઇક લોચો થયેલો એટલે ત્રણ વર્ષ માટે એણે પરીક્ષા નથી આપવાની...'' શિલ્પાના અવાજમાં ઉત્સાહ હતો. ''અત્યારે એ એસ્ટેટ બ્રોકરનું કામ કરે છે. મકાનોની લે-વેચ અને ભાડે અપાવવાના કામમાં સારું કમાય છે.''
'વિજય ?' માનસીએ તરત ક્યું, ''મારા પપ્પા અહીં આવીને પહેલા પાંચેક દિવસ સરકિટ હાઉસમાં રોકાયેલા, ત્યારે વિજય એમને મળેલો. આ બંગલો પણ એણે જ ભાડે અપાવ્યો છે.''
''વિજય બહુ સ્માર્ટ અને ડેશિંગ નેચરનો છે.'' શિલ્પાએ હોંશથી કહ્યું. ''આ નાની બચતનો આઇડિયા પણ એણે જ મને આપેલો. મેરેજ પછી બે મહિના તો ખૂબ જલસા કરવા માટે પૈસા જરૂરી છે એવું એણે કહેલું. મેરેજ પછી હું પણ કોઈ નાની-મોટી નોકરી શોધી કાઢીશ એટલે અમારી ગાડી ગબડશે!''
''ઓ.કે. ગુરૂવારે એક વાગ્યે તું આવી જજે.'' માનસીએ કહ્યું. વાત ખાનગી રાખવાની વારંવાર તાકીદ કરીને શિલ્પાએ વિદાય લીધી.
એના ગયા પછી માનસી વિચારમાં પડી. કોલેજમાં બીજી બહેનપણીઓએ દૂરથી જ વિજયને બતાવીને કહેલું કે આ વિજય એક નંબરનો ચીટર છે. એ હરામી પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલો એટલે ત્રણ વર્ષ માટે ડિબાર થયો છે. એના ધંધા જાકૂબીના છે.
અહીં છોકરીઓ પર લાઈન મારવા માટે આંટાફેરા મારે છે.
એ યાદ કરીને માનસીએ વિચાર્યું કે શિલ્પા સાવ ભોળી અને ગભરૂ છે. પેલાએ એને ઘરમાંથી ચોરી કરવાનું કહ્યું અને આ ડોબીએ એક લાખ બાર હજાર ચોરીને મારી પાસે જમા કરાવ્યા ! આવા લફંગા યુવકની જાળમાં ફસાયેલી શિલ્પાને બચાવવી જોઇએ, પણ એ કામ કરવું કઇ રીતે ?
માણસોની પરખ કરવાની પપ્પા પાસે જબરજસ્ત આવડત છે. વિજય એમને મળી ચૂકેલો છે, એટલે પપ્પાને પૂછીને એમની મદદ લેવી પડશે, તો જ શિલ્પાને બચાવાશે. માનસીએ નિર્ધાર કરી લીધો.
સાંજે પપ્પા આવ્યા ત્યારે માનસીએ એને આ આખી વાત કહીને કહ્યું કે કોઈ પણ રીતે શિલ્પાની જિંદગી બચાવવાની છે.
'વિજય ?' પપ્પાએ તરત જ હસીને કહ્યું 'તું જરાયે ચિંતા ના કરતી. વિજય મને મળેલો ત્યારે એણે મને ઘણું કહેલું. શિલ્પા જેવી ભોળી છોકરીનો એ લુખ્ખો લાભ લઇ જાય એવું નહીં બને - એ મારી જવાબદારી !'
પપ્પાએ પ્લાન સમજાવ્યો અને માનસી નિશ્ચિત બની ગઈ.
ગુરૂવારે એક વાગ્યે શિલ્પા માનસીના ઘેર આવી ત્યારે પોતાના બાપાને સોફા પર બેઠેલા જોઇને એ ભડકી ઉઠી !
'શિલ્પા ! જરાય ગભરાયા વગર અંદર આવ.' માનસીએ એને કહ્યું. 'તારા પપ્પા પણ અહીં હાજર છે. એમની માફી માગીને જે કંઇ બન્યું છે એ બધું ભૂલી જા. એ તને વઢશે નહીં અને તારી ભૂલ માફ કરી દેશે એ મારી ગેરંટી ! તારા ચોરેલા પૈસા પણ મેં એમને આપી દીધા છે.'
ડઘાઇ ગયેલી શિલ્પાનું મગજ ચકરાઈ ગયું હતું. આગળના ચાર રસ્તે વિજય ટેક્સી લઇને આવવાનો હતો. એ દસેક મિનિટમાં આવીને મારી રાહ જોઇને ઉભો રહેશે. પણ અહીંયા તો જબરો લોચો થઇ ગયો છે ! હવે શું કરવાનું ?
''વિજયની ચિંતા ના કર.'' માનસીએ હસીને કહ્યું.
'પોલીસના હાથે ધરાઈને માર ખાધા પછી અત્યારે એ આરામથી લોકઅપના સળિયા પાછળ બેઠો છે !'
શિલ્પા ફસડાઇ પડી. એનો હાથ પકડીને માનસી એને અંદર લાવી. 'શિલ્પા ! સાચી હકીકત શાંતિથી સાંભળ. એસ્ટેટ બ્રોકરનો ધંધો તો વિજયનો સાઇડ બિઝનેસ હતો, એનો કારોબાર તો દારૂ સપ્લાયનો છે ! મારા પપ્પાને એ પહેલીવાર મળ્યો ત્યારે જ એણે કહેલું કે સાહેબ ! ગમે ત્યારે ગમે તે બ્રાન્ડનો દારૂ જોઇએ તો ફોન કરી દેજો...' માનસીએ સમજાવ્યું. ''આવા બદમાશ બૂટલેગરથી તને બચાવવાની હતી. પપ્પાએ સવારે વિજયને ફોન કરીને ત્રણ બોટલ બેકાર્ડીની મંગાવીને કહ્યું કે સાડા દસ વાગ્યે બૅન્ક પર આવીને સીધો મારી કેબિનમાં ના આવતો. બહાર કસ્ટમરો માટેની ખુરશી છે એમાં બેસજે. કેબિનના બારણે આવીને હું ઇશારો કરું ત્યારે જ ઊભો થઇને આવજે. પપ્પાએ પોલીસને પણ ફોન દીધેલો કે એક માણસ વિદેશી દારૂ લઇને બેન્કમાં આવ્યો છે. ચાર કોન્સ્ટેબલને બહાર જીપમાં બેસાડીને ઇન્સ્પેકટર પૈસા ભરવાના બહાને અંદર આવ્યા અને એમણે વિજયને પકડી લીધો. જીપમાં નાખીને એને લઇ ગયા. એ બે ઓરડીમાં રહે છે ત્યાંથી પણ પોલીસને દારૂની ત્રણસો વીસ બોટલ જપ્ત કરી લીધી !''
રડતી શિલ્પાનો હાથ પોતાના હાથમાં જકડીને માનસીએ આગળ સમજાવ્યું. ''શિલ્પા ! એ બદમાશ બૂટલેગર તારી જિંદગી બરબાદ કરે એ પહેલાં મેં તને બચાવી છે. તું સાવ ભોળી એટલે પ્રેમજાળમાં ફસાવીને એણે તારી પાસે ઘરમાં ચોરી કરાવી. સહેજ તો વિચાર કે આવા લફંગા જોડે લગ્ન કરાય ?''
શિલ્પા ધૂ્રસકે ધૂ્રસકે રડતી હતી.
'જે બન્યું એ બધું ભૂલી જા. વિજયનો વિચાર પણ મનમાં ના લાવતી. તારા પપ્પાએ કહ્યું કે મોટી બંનેનું લગભગ નક્કી જ છે. એ પછી તને પણ યોગ્ય પાત્ર મળી જશે. બહેનપણી તરીકે તારું હિત હૈયામાં હતું એટલે તારી આંખ ઉઘાડવા માટે આ ખેલ પાડવો પડયો...'
માનસી બોલતી હતી. શિલ્પા આભારવશ નજરે અને એના બાપા આદરભાવથી માનસી સામે જોઈ રહ્યાં હતાં. (શીર્ષક પંક્તિ : લેખક)


