Get The App

વ્યથાની કથા તો અધૂરી રહી છે હશે અંત કેવો - તમે ખુદ વિચારો!

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
વ્યથાની કથા તો અધૂરી રહી છે હશે અંત કેવો - તમે ખુદ વિચારો! 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- મેં ચોખ્ખું કહેલું કે અગાઉના બંને છૂટાછેડામાં મારાં મા-બાપ જ નિમિત્ત બનેલાં. એ પણ ચોખવટ કરેલી કે તમારી દીકરી જો મારાં મા-બાપની કાળજી રાખવા તૈયાર હોય તો અને માત્ર તો જ એને પરણાવજો...

ઓ રડાનું વાતાવરણ ભારેખમ હતું. પોતાના ફલેટમાં હિતેન ગુનેગારની જેમ નીચું જોઈને બેઠો હતો. એની સામે સોફામાં પાંસઠ વર્ષના દેવશંકર કડક પોલીસ અધિકારીની જેમ બેઠા હતા. એમની પાસે એમની ભાણી હરિતા ભીની આંખે બેસીને પોતાના પતિ હિતેન સામે ગુસ્સાથી તાકી રહી હતી. 

''ભૂલ કરી છે, તો પ્રેમથી સ્વીકારી લો.'' દેવશંકરના અવાજમાં લગીર મૃદુતા ભળી. હિતેન સામે જોઈને એમણે આગળ સમજાવ્યું. ''આપણે માણસ છીએ, ભગવાન નથી. ગુસ્સામાં નાની-મોટી ગરબડ થાય તો નિખાલસતાથી કબૂલ કરી લેવાનું કે હા ભૈ, ભૂલ થઈ ગઈ છે, આઈ એમ સોરી.... બસ, આટલું કહી દો એટલે વાર્તા પૂરી. આપણા મનમાં ડંખ ના રહે અને સામેવાળોય રાજી થઈ જાય. મારી, વાત ખોટી છે ?'' આટલી સલાહ આપીને એ અટક્યા. પોતાના શબ્દોનો કેવો પ્રભાવ પડયો છે એ જાણવા માટે એમણે હિતેન અને હરિતા સામે જોયું. હરિતા તો ધ્યાનથી સાંભળીને પોતાના મામાની સાથો સાથ શબ્દેશબ્દે માથું હલાવતી હતી. પરંતુ જેને ઉદ્દેશીને આ કહેવાયું હતું એ હિતેન ચૂપચાપ બેઠો હતો. એણે કંઈ જવાબ ના આપ્યો એટલે દેવશંકર મનોમન ધૂંધવાયા. 

''સાંભળો છો, હિતેનકુમાર ? તમને કહું છું. તમારી પાસે ટ્રમ્પવેડા કરવા નથી આવ્યો. તમારો મામાજી સસરો છું. મારી ભાણી રોતી રોતી આવે અને ફરિયાદ કરે ત્યારે તમને આટલું કહેવાનો તો મારો હક ખરોને ?''

હિતેને માથું ઊંચું કરીને દેવશંકર સામે જોયું. ''મામાજી, તમારો એ અધિકાર આંખ-માથા ઉપર, પરંતુ તમારી ભાણી હરિતાને કપાળમાં કૂવો છે એટલે વાતે વાતે રડવાની એને આદત છે. એના જેવી એક્ટિંગની આવડત મારામાં નથી. મારાં મા-બાપ સાથે એણે શું કરેલું એ એને પૂછો, એનો નફ્ફટ જવાબ સાંભળ્યા પછી મારી જગ્યાએ તમારી જાતને મૂકીને હૈયે હાથ મૂકીને સાચો જવાબ આપો કે આવી પરિસ્થિતિમાં તમારોય હાથ ઉપડે કે નહીં ?''

દેવશંકરની નજર હવે હરિતાના ચહેરા સામે હતી. ''આ હિતેનકુમાર શું કહે છે ? તેં તારા સાસુ-સસરાને કંઈ કહેલું ? જે સાચું હોય એ કહી દે.''

હરિતાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠયો હતો. ''આ માણસે મારી સાથે લગ્ન નથી કર્યા, એનાં મા-બાપ માટે એક ગુલામડીને પકડી લાવ્યા છે. ઘરમાં ! મામા, તમને ખબર નથી. મારા બા-બાપાએ તમને કે કોઈ સગાં-વહાલાંને એ જાણ નહોતી કરી કરી કે એમનાં આ ત્રીજા લગ્ન છે. એની પહેલી બન્ને બૈરી એ ડોસા-ડોસીના ત્રાસથી જ ભાગી ગઈ હતી.'' આંખમાં ઝળઝળિયાં સાથે હરિતાએ આગળ કહ્યું. ''મારા નસીબ ફૂટેલી કે મારો વર મરી ગયો, હું રાંડીને પરવશ થઈને પિયરમાં પાછી આવી, એ પછી મારાં- બા-બાપાને મારી બે રોટલી ભારે પડતી હોય એમ વરસ પછી આ સાહેબને શોધી કાઢ્યા ને મને ઘરમાંથી રવાના કરી દીધી !''

ભીની આંખે એ ફરિયાદ કરતી હતી. ''મારાં મા-બાપને હું કરગરી કે બાપા ! એની અગાઉની બે બૈરીને પ્રોબ્લેમ શું હતો એની તપાસ તો કરો ! પણ એમણે વાતનો વીંટો વાળી દીધો અને મને બલિની બકરી બનાવી દીધી. અહીં એના ઘરમાં આવ્યા પછી એક ચપટીએ સુખ નથી મળ્યું. ચોવીસેય કલાકની મજૂરીના બદલામાં બે ટંક ખાવા મળે છે એ મારી જિંદગી !''

આશ્ચર્યથી સ્તબ્ધ બનીને દેવશંકર એ બંને સામે વારાફરતી તાકી રહ્યા હતા. હવે હિતેન મેદાનમાં આવ્યો. ''મામાજી ! આમાં મારો કોઈ વાંક નથી. તમારા બેન-બનેવી પાસે કશુંય છૂપાવ્યા વગર મેં ચોખ્ખું કહેલું કે અગાઉના બંને છૂટાછેડામાં મારાં મા-બાપ જ નિમિત્ત બનેલાં. એ પણ ચોખવટ કરેલી કે તમારી દીકરી જો મારાં મા-બાપની કાળજી રાખવા તૈયાર હોય તો અને માત્ર તો જ એને પરણાવજો... મારી આટલી સ્પષ્ટતા પછી એમણે મારી વાતમાં સંમતિ આપેલી...''

હિતેને મામાજી સામે જોઈને ઉમેર્યું. ''મારામાં વિશ્વાસ ના હોય તો અત્યારે જ ફોન કરીને એમને પૂછી જુઓ કે આવી વાત થયેલી કે નહીં ?'' હિતેને મામાજી સામે મોબાઈલ ધર્યો.

દેવશંકર હજુ સ્તબ્ધ હતા. હરિતા નીચું જોઈને બેઠી હતી. હિતેન હવે આત્મવિશ્વાસથી બોલતો હતો. ''મામાજી મા-બાપ પ્રત્યે વધારે પડતી લાગણી છે એ કબૂલ, પણ મારા સ્વભાવમાં લુચ્ચાઈ નથી. મારા બે વાર છૂટાછેડા થયેલા એની વિગતવાર કથા તમારા બેન-બનેવીને સમજાવેલ લગીર પણ છૂપાવ્યું નહોતું.''

ભૂતકાળની યાદમાં ખોવાઈને એ લગીર અટક્યોે. ''મારે કોઈ ભાઈ કે બહેન નથી. બાપા એક ફેક્ટરીમાં નોકરી કરતા હતા. ઓછા પગારમાં અભાવ વચ્ચે પણ અમે ત્રણેય આરામથી જીવતાં હતાં. હું ચૌદ વર્ષનો હતો ત્યારે ફેક્ટરીમાં અકસ્માત થયો અને બાપાનો જમણો પગ કપાવવો પડયો. માથામાં ઈજા ગંભીર હતી. એ બચી તો ગયા પણ કાયમી બહેરાશ આવી ગઈ. ફેક્ટરીવાળાએ થોડાક પૈસા આપીને છૂટા કર્યા. બે ચોપડી ભણેલી બાનું શરીર સ્થૂળ અને ડાયાબિટિસનો રોગ આ દશામાં મેં ભણવાનું પડતું મૂકીને એક કુરિયર કંપનીમાં નોકરી શરૂ કરી. પૂરી નિષ્ઠાથી મહેનત-મજૂરી કરીને  આગળ વધતો ગયો. છવ્વીસમાં વર્ષે તો એ કુરિયર કંપનીની એક બ્રાંચમાં મેનેજર બની ગયો. સરસપુરની અમારી પોળનાં મા-બાપ એમનાં સંતાનોને મારું ઉદાહરણ આપતાં હતાં.''

એક સાથે આટલું બોલ્યા પછી લગીર અટકીને એણે આગળ કહ્યું. ''જ્ઞાતિના એક સુખી ઘરની કન્યાનું માગું આવ્યું. કન્યાનું નામ દિપાલી. તમે નહીં માનો, મામાજી ! જોવા ગયો ત્યારે સ્પષ્ટતા કરેલી કે દિપાલી રસોઈ નહીં બનાવે, તો હું રાંધી નાખીશ. ઘરમાં કચરા-પોતું કરવામાં મને શરમ નહીં આવે, પણ એણે મારાં મા-બાપની પૂર્ણ સંભાળ રાખવી પડશે. એમાં જરાયે બાંધછોડ નહીં ચાલે ! એ લોકોએ મારી શરત સ્વીકારી અને સમાજમાં અમારા લગ્ન થયા. મહિના પછી દિપાલીએ પોત પ્રકાશ્યું. વાતે વાતે બા-બાપાને હડધૂત કરે. પુરું ખાવાય ના આપે... મારો સંસાર નંદવાય નહીં એ હેતુથી એ બંને ચૂપચાપ ઝેરના ઘૂંટડા ગળે ઊતારતાં રહ્યાં.'' (મને ફરિયાદ કર્યા વગર)

એ દિવસોની સ્મૃતિ યાદ કરીને બોલતી વખતે હિતેનનો અવાજ લગીર કંપતો હતો.

''રોજ સાંજે તો દિપાલી ખીચડી જ બનાવતી હતી. એક દિવસ મારા બાપાએ એને કહ્યું કે બેટા, આજે બટાકા-ડુંગળી નાખીને વઘારેલી ખીચડી બનાવ, તો જમવાની મજા આવશે. બાપાએ આવી નાનકડી ફરમાઈશ કરી એમાં તો દિપાલીનો પિત્તો ગયો. એણે બાપાને તતડાવી નાખ્યા. લંગડાને અઘયણી જેવા અભરખા થાય છે એવું એ બોલી એટલે બાએ એને રોકી. એમાં તો ખિઝાઈને દિપાલીએ બા ઉપર હાથ ઉપાડયો ! હું ઘેર પહોંચ્યો ત્યારે મહાભારત ચાલુ હતું. એ દિવસે બાએ રડતાં રડતાં એની આજ સુધીની કથા સંભળાવી. ઝઘડો વધી ગયો. એમાં દિપાલીની જીભ બેફામ બનીને સડસડાટ ચાલવા લાગી. બા-બાપાને એણે ગાળો આપી ત્યારે ઉશ્કેરાટમાં મારો હાથ ઉપડી ગયો. બેગ ભરીને દિપાલી પિયર રવાના થઈ અને મારા ઉપર જાતજાતના કેસ ઠોકી દીધા ! સદનસીબે પોલીસ ઈન્સ્પેક્ટર અમારી પોળના જમાઈ હતા. સમન્સ નીકળ્યું ત્યારે એમણે મને ચેતવી દીધો. કંપનીએ સહાનુભૂતિથી મને વડોદરા ટ્રાન્સફર આપી. મોડી રાત્રે અમદાવાદ આવીને પાછો પરોઢિયે પાંચ વાગ્યે કર્ણાવતીમાં વડોદરા પહોંચી જતો. એ દોઢ વર્ષ જે શારિરિક અને માનસિક ત્રાસની સાથે આર્થિક ઉપાધિ વેઠી છે, એ યાદ કરું તોય ધુ્રજી જવાય છે. અંતે, સત્યનો વિજય થયો. છૂટાછેડા થઈ ગયા....''

હિતેન લગીર અટક્યો. બે ઘૂંટડા પાણી પીધા પછી એણે દેવશંકર સામે જોયું. ''મામાજી, દિપાલીના આવા અનુભવ પછી ફરીવાર મૂર્ખામી કરવાની ઈચ્છા નહોતી, પણ બાના હાથ-પગ કામ નહોતા કરતા. હું ઘર સંભાળું કે નોકરી કરું ? અંતે, એક સગાએ આંગળી ચીંધી. અલકા બધી રીતે સારી હતી, પરંતુ માનસિક રોગથી પીડાતી  હતી. મારે ત્યાં આવ્યા પછી પહેલી વાર એને ગાંડપણનો એટેક આવ્યો ત્યારે ખબર પડી કે એ સગાએ મને કૂવામાં ધક્કો માર્યો હતો. અલકાનું રૌદ્ર રૂપ જોઈને અમે ત્રણેય હબકી ગયાં હતાં. અઠવાડિયા પછી મારી ગેરહાજરીમાં પાછો ગાંડપણનો એટેક આવ્યો. ગાંડીએ ધમપછાડા કરીને આખું ઘર માથે લીધું. લંગડા બાપાને લાકડી લઈને ઝૂડી નાખ્યા. ચીસો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યાં. જો પાડોશીઓ મદદમાં ના આવ્યાં હોત તો એ દિવસે અલકા મારા બા-બાપાને મારી નાખતી ! અલકાથી છૂટકારો મેળવવામાં આર્થિક રીતે સાવ ખુવાર થઈ ગયો. બે ભયાનક અનુભવ પછી ત્રીજી વાર પરણવાની લગીર પણ ઈચ્છા નહોતી, પરંતુ બા-બાપા માટે થઈને મારે છાપામાં જાહેરાત આપવી પડી. એમાં શુધ્ધ ગુજરાતીમાં લખેલું કે વૃધ્ધ મા-બાપની ચાકરી કરી શકે એવી જ કન્યા જોઈએ છે.''

ભૂતકાળની આ બધી કડવી યાદનો થાક લાગ્યો હોય એમ હિતેન થોડીવાર મૂંગો બેસી રહ્યો. ફરી વાર બે ઘૂંટડા પાણી પીધા પછી દયામણી નજરે હરિતા અને દેવશંકરની સામે એ તાકી રહ્યો.

''મામાજી, મારી વાત સાંભળો. અત્યારે તમને જે કહ્યું એ જ શબ્દોમાં આખી કેસેટ મેં તમારા બેન-બનેવી પાસે વગાડેલી. મારી કથા સાંભળ્યા પછી એમણે ખાતરી આપેલી કે સેવા કરવામાં હરિતા પાછી નહીં પડે. એ વખતે હરિતા બહારગામ હતી. એનો ફોટો જોઈને જ મેં હા પાડેલી અને લગ્નની તારીખ નક્કી કરી નાખેલી...''

આટલું બોલ્યા પછી હિતેને બે હાથ વચ્ચે માથું પકડી લીધું. ''હરિતા આવું કરશે એવી મારી ધારણા નહોતી. કંપનીના કામે હું મુંબઈ ગયેલો. બા-બાપાને રેઢાં મૂકીને એ આરામથી પિયર પહોંચી ગયેલી. હું ઘેર આવ્યો ત્યારે ડાયાબિટીસની પેશન્ટ બા ભૂખને લીધે કોમામાં જવાની તૈયારીમાં હતી અને લાચાર બાપ ભૂખ્યા પેટે રડતો હતો ! એ જ વખતે આ મહારાણી ઘરમાં પ્રવેશી. બા-બાપાની હાલત જોઈને મારી કમાન છટકેલી હતી અને એમાં એ એલફેલ બોલી એટલે હાથ ઉપડી ગયો !''

હિતેને દેવશંકર સામે જોયું. ''દાઝેલો માણસ છું. ઘરની લક્ષ્મી ઉપર હાથ ના ઉપાડાય એટલી સમજણ છે મારામાં, પણ વાત વણસે ત્યારે એ સંસ્કાર અને ખાનદાની હવામાં ઊડી જાય છે. મામાજી, એ છતાં મારી ભૂલ કબૂલ કરું છું. હરિતા હવે શાંતિથી રહીને મારા બા-બાપાની સેવા કરવાની હોય તો હું બે હાથ જોડીને માફી માગવા તૈયાર છું. તમે એને પૂછી જુઓ કે આ વાતમાં એ સંમત છે ?''

હિતેન પ્રશ્નાર્થ નજરે દેવશંકર અને હરિતા સામે જોઈ રહ્યો હતો. હરિતા હજુ નીચું જોઈને બેઠી હતી. વડીલ દેવશંકર વિચારમાં ડૂબીને હિતેન અને હરિતાની સામે વારાફરતી તાકી રહ્યા હતા.

અત્યારે અનેકની જિંદગીમાં આવી જ સમસ્યા સળગતી હોય છે.

ઓરડાનું વાતાવરણ હજુયે ભારેખમ હતું. ધારો કે અત્યારે સમાધાન થઈ જાય, તો પણ આવતી કાલે શું થશે એની ખાતરી ના હોવાથી દેવશંકર, હિતેન અને હરિતા ત્રણેય પાત્રો દ્વિધામાં અટવાઈને બેઠાં હતા. 

(શીર્ષક પંક્તિ : લેખક)