- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- 'એ માતાજીએ ઇકોનોમિક્સમાં ડૉક્ટરેટ કરેલું છે.' બીજી યુવતીએ માહિતી આપી. 'જોરદાર ભેજું છે. સરકારની કેટલીય કમિટિમાં મેમ્બર છે. જેટલી રૂપાળી છે, એટલી જ હોંશિયાર છે.'
ચે મ્બરમાંથી ઘંટડી વાગી એટલે બારણાં પાસે સ્ટૂલ પર બેઠેલા પટાવાળાએ પોતાના હાથમાં હતી એ યાદી જોઈને હોલમાં બેઠેલા ઉમેદવારો ઉપર નજર કરીને બૂમ પાડી. 'ગૌતમ ત્રિવેદી...' હોલમાં હજુ પચીસેક ઉમેદવારો હતા, એમાંથી ગૌતમ ઊભો થયો. માથા પરની ગોલ્ફ કેપ વ્યવસ્થિત કરીને સર્ટિફિકેટ્સની ફાઈલ લઈને આગળ વધ્યો.
વિશાળ ચેમ્બરમાં ટેબલની સામે ચાર ખુરસીઓ ઉપર ત્રણ પુરુષો અને એક સ્ત્રી ઇન્ટરવ્યૂ લેવા બેઠાં હતાં. ટાલવાળા સજ્જને ઇશારાથી ગૌતમને ખુરસી ઉપર બેસવાનું કહ્યું. એ પછી એમણે નામ, ઉંમર, અભ્યાસ જેવી પ્રાથમિક વિગતો પૂછીને પાસે બેઠેલા મુચ્છડને ખો આપી. એણે અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો વિશે પ્રશ્નો પૂછ્યા. પૂરી તૈયારી હોવાથી ગૌતમે આત્મવિશ્વાસથી જવાબો આપ્યા. એ મુચ્છડે છેલ્લે બેઠેલા સૂટવાળા સાહેબને ઇશારો કર્યો. એમણે આંકડાશાસ્ત્રના સવાલો પૂછ્યા. પૂરી સ્વસ્થતાથી એમને જવાબો આપવામાં ગૌતમને કોઈ તકલીફ ના પડી. એ પછી એ સાહેબે વચ્ચોવચ બેઠેલી મહિલા સામે જોયું.
ગૌતમ પણ એ જાજરમાન સ્ત્રી સામે તાકી રહ્યો. પચાસેક વર્ષની ઉંમરે પણ તંદુરસ્તીની ચમકને લીધે ત્વચા ઉપરથી ઉંમરનું અનુમાન ના થઈ શકે એવી આભા ચમકતી હતી. સોનેરી ફ્રેમના રિમલેસ ચશ્માં પાછળ તગતગતી લાંબી પાંપણવાળી આંખો, તીણું નાક, વિશાળ કપાળ, લાંબી પાતળી ગરદન અને જોનારને આંજી નાખે એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું એ મેડમનું. બાકીના ત્રણ પુરુષો જે આદરભાવથી એમની સામે તાકી રહ્યાં હતાં એના ઉપરથી ગૌતમને અંદાજ આવી ગયો કે બધો આધાર આ જોગમાયા ઉપર જ છે.
ફાઈલમાં નજર ફેરવીને બિલાડી ઉંદર સામે તાકે એ રીતે એણે ગૌતમ સામે જોયું.
'નામ ?...' એનો અવાજ એના વ્યક્તિત્વને તદ્દન અનુરૂપ હતો. સૌમ્ય છતાં સત્તાવાહી.
'ગૌતમ... ગૌતમ અવિનાશભાઈ ત્રિવેદી.'
'મૂળ વતન ?'
'મોડાસા... મોડાસા પાસેનું માલપુર ગામ.'
'અભ્યાસ ક્યાં કરેલો ?'
'પહેલું-બીજું ધોરણ માલપુરમાં...' ગૌતમે સ્વસ્થતાથી કહ્યું. 'એ પછી બી.એડ્., એમ.કોમ. સુધીનો બધો અભ્યાસ અહીં અમદાવાદમાં.' 'મોડાસા-માલપુરથી છેક અમદાવાદ સુધીનો ઠેકડો કેમ માર્યો ?' એ સ્ત્રીનો આ સવાલ સાંભળીને ગૌતમને આશ્ચર્ય થયું. એણે ઝડપથી પેલા ત્રણેય પુરુષો સામે જોયું. એ ત્રણેયને પણ નવાઈ લાગી હોય એવું એને લાગ્યું.
'બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે પિતાજીનું અવસાન થયેલું. બા કંઈ ભણી-ગણી નહોતી એટલે મને લઈને એ અમદાવાદ મામાને ત્યાં આવી ગયેલી...' ગોલ્ફકેપ ઊતારી ગૌતમે મૂંડાવેલા માથા ઉપર હાથ ફેરવ્યો. 'ગયા અઠવાડિયે એ પણ ગુજરી ગઈ.'
'ઓહ સોરી !...' એ બબડી. 'અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં રસ ખરો ? બાળકોને નાટક, ડિબેટ, સેમિનાર...'
'જી...' ગૌતમે આત્મવિશ્વાસથી કહ્યું. 'રાજ્યની નિબંધ સ્પર્ધામાં પહેલો નંબર આવેલો, વક્તૃત્વ સ્પર્ધા અને એકપાત્રીય અભિનયમાં પણ અનેક ઇનામો મળ્યાં છે.' ગૌતમે ઇનામોની વિગતવાર જાણકારી આપી.
'ગુડ. અત્યારે શું કરો છો ?'
'અત્યારે ?' ગૌતમના હોઠ મલક્યા. 'જાહેરાત દેખાય ત્યાં અરજી કરીને ઇન્ટરવ્યૂ આપું છું...'
'શિક્ષણકાર્યનો કોઈ અનુભવ ખરો ?'
'એક સ્કૂલમાં લીવ વેકેન્સી પર ચાર મહિના નોકરી કરેલી...' ગૌતમે એ વિશે માહિતી આપી.
'ઓ.કે. થેંક્યુ.' એણે કહ્યું. વારાફરતી બધાની સામે જોઈને ગૌતમે આંખોથી જ આભાર માન્યો અને ચેમ્બરની બહાર નીકળી ગયો.
ગાંધીનગર પાસેની શિક્ષણ સંસ્થામાં હાયર સેકન્ડરી માટેના આ ઇન્ટરવ્યૂ સવારે દસ વાગ્યાથી શરૂ થયા હતા. કુલ છત્રીસ ઉમેદવારો હતાં. ઇન્ટરવ્યૂ પછી બધાએ ચાર વાગ્યા સુધી રોકાવાનું હતું એટલે સંસ્થાએ ભોજન વ્યવસ્થા ગોઠવી હતી. ચાર વાગ્યે આમાંથી છ નસીબદારના બીજી વાર ઇન્ટરવ્યૂ લઈને એમાંથી ત્રણની પસંદગી થવાની હતી.
જેમના ઇન્ટરવ્યૂ પતી ગયા હતા એ બધા હળવાશથી બહાર લોબીમાં બેઠાં હતાં. 'કેવો ગયો ?' એકે ગૌતમને પૂછ્યું. 'અત્યારે તો સારો લાગે છે, બાકી રોકાવાનું કહે તો ખબર પડે.' ગૌતમે હસીને કહ્યું.
'ઇન્ટરવ્યૂ તો મારો પણ એક્સલન્ટ ગયો હતો, પણ છેલ્લે પેલી રૂપસુંદરીએ કચરો કરી નાખ્યો..' એક યુવતીએ કહ્યું. 'એવા કોર્નરના ક્વેશ્ચન્સ પૂછ્યા કે હું ગૂંચવાઈ ગઈ !'
'મને પણ એ જોગમાયા નડી...' બીજા યુવાને તરત ઉભરો ઠાલવ્યો. 'ડિમાન્ડ-સપ્લાયના સવાલના જવાબમાં એ ડાકણ એટલી ડિટેઈલમાં ખેંચી ગઈ કે છેલ્લે લોચો થઈ ગયો.'
પટાવાળાએ આવીને આ દસેયને જમવાની કૂપન આપીને સામે દેખાતી કેન્ટિનમાં જવા કહ્યું.
જમતી વખતે પણ ચર્ચામાં એ સ્ત્રી જ કેન્દ્રસ્થાને હતી. 'એ માતાજીએ ઇકોનોમિક્સમાં ડૉક્ટરેટ કરેલું છે.' બીજી યુવતીએ માહિતી આપી. 'જોરદાર ભેજું છે. સરકારની કેટલીય કમિટિમાં મેમ્બર છે. જેટલી રૂપાળી છે, એટલી જ હોંશિયાર છે.'
'તને એ હિરોઈને શું પૂછ્યું ?' ચૂપચાપ જમી રહેલા ગૌતમને એક યુવાને પૂછ્યું. ગૌતમને ખુદ આશ્ચર્ય થતું હતું. આ બધાએ જે ફરિયાદ કરી એના ઉપરથી લાગતું હતું કે એ બાઈએ બધાની ફીરકી લીધી હતી અને પોતાને એવું કંઈ પૂછ્યું જ નહોતું ! એણે સ્મિત કરીને પેલાની વાત ઊડાડી દીધી.
'બાકીના ત્રણને તો શોભાના ગાંઠિયાની જેમ બેસાડવા પડે એટલે બેસાડયાં છે, બાકી ચુકાદો તો એ હિરોઈનના હાથમાં જ છે...' 'બૈરું છે પાવરફૂલ...' 'અત્યારે આટલી માર્વલસ લાગે છે, તો જુવાન હશે ત્યારે તો એને જોઈને ટ્રાફિક જામ થઈ જતો હશે !'
દસેય જણા એક ટેબલ પર બેસીને જમી રહ્યાં હતાં. બધાના આવા અભિપ્રાય પછી એક યુવાને બધાની સામે જોઈને શાંતિથી ધડાકો કર્યો. 'મારી પાસે એ બાઈની આખી જન્મકુંડળી છે...' હવે બધા એની સામે જોઈ રહ્યાં હતાં.
'એ માતાજીનું નામ છે રસિલા... ડૉક્ટર રસિલા ભાવસાર...'
ગૌતમના હાથમાં કોળિયો થંભી ગયો. ગળામાં જાણે કોળિયો અટકી ગયો. બીજી સેકન્ડે સ્વસ્થ થઈને એણે કાન સરવા કર્યા.
'ઘરમાં એના ધણીને પણ ગુલામની જેમ રાખે છે. એ પણ એક સમયે ગેઝેટેડ ઓફિસર હતો. એક્સિડન્ટમાં બંને પગે લંગડો થઈ ગયો અને મગજ ઉપર અસર થઈ એમાં અડધો ગાંડો થઈ ગયેલો. હવે થોડું ઠેકાણે આવ્યું છે, પણ નોકરી છૂટી ગઈ છે. વ્હીલચેરમાં બેસી રહે છે. આ બાઈ કમાય છે અને એ લંગડાને પાલવે છે. છૈયાં-છોકરાં નથી. એ બિચારો જાય ક્યાં ? આ માતાજી ઘરમાં રહેવા દે છે અને બે ટાઈમ રોટલાં નીરે છે...'
ડૉ. રસિલા ભાવસારની કથા કહેનાર યુવાને હસીને બધાની સામે જોયું. 'જે બાઈ એના ધણીને ગુલામની જેમ રાખતી હોય, એ જોરદાર જોગમાયા ઇન્ટરવ્યૂમાં આપણી પત્તર ના ખાંડે તો બીજું શું કરે ?' બધા હસી પડયાં.
ઇન્ટરવ્યૂનો ભાર આ હસી-મજાકની વાતોમાં હળવો થઈ ગયો હતો. બીજા ઉમેદવારો પણ જમવા આવી ગયા. એ બધા પણ ડૉક્ટર રસિલા ભાવસારના નામના છાજિયાં લેતાં હતાં. ઇન્ટરવ્યૂમાં એણે બધાની હાલત બગાડી હતી.
રાત્રે આઠ વાગ્યે સેક્ટર ત્રીસના બંગલામાં ડૉક્ટર રસિલાની કાર પ્રવેશી. થાકેલી હોય એમ આવીને એ સીધી સોફા ઉપર ફસડાઈ પડી. એના પતિએ વ્હીલચેર નજીક લાવીને પૂછ્યું. 'એની પ્રોબ્લેમ ?'
'છત્રીસ ઇન્ટરવ્યૂનો થાક છે...' રસિલાએ એની આંખોમાં આંખો પરોવીને કહ્યું. 'તને એક સમાચાર આપવાના છે. તારી માલપુર-મોડાસાવાળી બૈરી ગયા અઠવાડિયે ગુજરી ગઈ...'
'વોટ...?' એ ચમક્યો. 'તને ક્યાંથી ખબર ?'
'તારો દીકરો ગૌતમ ઇન્ટરવ્યૂ આપવા આવેલો. માથું મૂંડાવેલું હતું. એણે જ કહ્યું.'
અવિનાશ ત્રિવેદીએ આશ્ચર્યથી આંખો પહોળી કરીને રસિલા સામે જોયું. 'ગૌતમ એટલો મોટો થઈ ગયો ?...' એ બબડયો. '... વસુને તરછોડીને તારી સાથે લગ્ન કર્યાં ત્યારે તો એ પહેલી-બીજીમાં ભણતો હતો...' એના અવાજમાં ચિંતા ઉમેરાઈ. 'તું કોણ છે એનો એને ખ્યાલ ના આવ્યો ?'
'તારી એ કાળીએ એક કામ સારું કરેલું. એણે એ છોકરાના મગજમાં ઠસાવી દીધેલું કે એનો બાપ મરી ગયો છે. એણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પિતાજીના અવસાન પછી મા એને લઈને મામાને ત્યાં આવી ગયેલી...'
'થેન્ક ગૉડ !' રાહતનો શ્વાસ લઈને અવિનાશે પૂછ્યું. 'તેં શું કર્યું ? એને નોકરીમાં લીધો ?'
'બાપ મરી ગયો છે એવા ભ્રમમાં જીવે છે એટલે પસંદ કર્યો. આમ પણ અક્કલ અને હોંશિયારીમાં તારાથીયે વધુ સ્માર્ટ છે. અલબત્ત, એને જો ઇતિહાસની સાચી ખબર હોત તો એનું નામ ઉડાડી દેતી...'
'કુદરત પણ ગજબનાક રમત રમે છે. આટલાં વર્ષો પછી ક્યાંથી ક્યાં છેડા મેળવે છે ? મારા દીકરાને નોકરી મળી એ પણ તારા હાથે !'
'ડોન્ટ બી સેન્ટિમેન્ટલ !' રસિલાના અવાજમાં આદેશની સાથે તીખાશ ભળી. 'એના માટે તો તું મરી જ ગયો છે એટલે તારે એની પરવા કરવાની જરૂર નથી. આ તો તારી વસુડી-કાળીના મૃત્યુની જાણ કરવા તને સમાચાર આપ્યા. બાકી હવે પછી આ મારા ઘરમાં એ મા-દીકરાનો ઉલ્લેખ પણ ના થવો જોઈએ. અન્ડરસ્ટેન્ડ ?'
અવિનાશે નીચું જોઈને હકારમાં માથું હલાવ્યું અને વ્હીલચેર દૂર ખસેડી.
'અલ્યા આટલું મોડું ? તારી મામી ક્યારની ચિંતા કરે છે...' ગૌતમ ઘરમાં પ્રવેશ્યો ત્યારે વૃદ્ધ મામા-મામી રાહ જોઈને બેઠાં હતાં. ગૌતમે ઝૂકીને બંનેનો ચરણસ્પર્શ કર્યો અને મીઠાઈનું બોક્સ ખોલ્યું.
'તમારા આશીર્વાદથી નોકરી મળી ગઈ...' ગૌતમે જાણકારી આપી. 'ઇન્ટરવ્યૂ લેવા એ ડાકણ બેઠી હતી. ઇન્ટરવ્યૂ વખતે ખબર નહોતી પણ પછી ખબર પડી કે એ હરામજાદી સર્વેસર્વા છે. મેં તો ધડ દઈને કહી દીધેલું કે મારો બાપ મરી ગયો છે. તમે વચ્ચે મને કહેલું કે એક્સીડન્ટમાં એ લંગડો અને ગાંડો થઈ ગયેલો છે, પણ જે માણસે મારી માને તરછોડીને બીજી રૂપાળી જોડે લગ્ન કર્યા હોય એ મારે મન તો મરેલો જ છે. મેં એ જ વિચારીને કહેલું કે એ મરી ગયો છે. પેલી ડાકણને લાગ્યું કે આ બાપડાને કંઈ ખબર નથી, એટલે મારું કેલિબર જોઈને નોકરી આપી દીધી....'
લગીર અટકીને ગૌતમે મામા-મામી સામે જોયું. 'મામા, ભગવાન કોઈને લાકડી લઈને નથી મારતો... એ માણસ અભિમાની તુંડમિજાજી બાઈના ટૂકડા પર કૂતરા જેવી જિંદગી જીવે છે. મારી મા તો તમારા આશરે આરામથી જીવી ગઈ પણ એ નાલાયક જીવતો રહીને એના પાપની સજા ભોગવે છે !'
શિર્ષક પંક્તિ : લેખક


