- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- એ વખતે સરોજને ઝૂંટવીને તેં મને લૂંટી લીધેલો અને આજે તારો દીકરો મારી એકની એક દીકરીને લૂંટવા આવી ગયો છે!
ચા ર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે આ ઇન્સ્ટીટયુટ પહેલી પસંદ હતી, પણ એમાં માત્ર વીસ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો. ફી મોંઘીદાટ હતી. અગિયારથી પાંચ સુધી સઘન અને સંગીન શિક્ષણને લીધે એ વીસમાંથી પંદરને તો સફળતા મળતી જ હતી. આ વર્ષની બેચમાં સોળ યુવાન અને ચાર યુવતીઓ હતી.
નવી બેચનો પહેલો મહિનો પૂરો થયો એ દિવસે સાંજે સંસ્થાના વડાએ વર્ગમાં આવીને 'સ્ટુડન્ટ ઓફ ધ મન્થ'નું નામ જાહેર કરીને કહ્યું કે સતત હાજરી, એકાગ્રતા અને બેસ્ટ એસાઈનમેન્ટના આધારે આ મહિનાનું પ્રાઈઝ મિસ્ટર અંકિત દાવડાને આપવામાં આવે છે. તાળીઓના ગડગડાટ વચ્ચે અંકિતે પુષ્પગુચ્છ અને એક હજાર રૂપિયાનો સ્વીકાર કરીને એ હજાર રૂપિયામાંથી બધા માટે આઈસક્રીમ મંગાવવાની જાહેરાત કરી ત્યારે ફરીથી
તાળીઓ પડી.
અંકિત દાવડા બી.કોમ.માં યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલો હતો. છ ફૂટ ઊંચાઈ, ઉઘડતો ઘઉંવર્ણો રંગ, વિશાળ કપાળ, પારદર્શક નિખાલસ આંખો. એનું સ્નાયુબદ્ધ શરીર બ્રાન્ડેડ શર્ટ-પેન્ટમાં સોહામણું લાગતું હતું. ચારેય યુવતીઓ એની સામે તાકી રહી હતી.
આ બન્યું એના પાંચમા દિવસે એમાંથી એક યુવતીએ વર્ગ છૂટયો ત્યારે એને રોક્યો.
'હું રેખા... રેખા ચંદારાણા...' પોતાનો પરિચય આપીને રેખાએ કહ્યું. 'તમારી મદદની જરૂર છે. પ્લીઝ, હેલ્પ કરશો ?'
'શ્યૉર' અંકિતે એની સામે જોઈને કહ્યું. 'હુકમ કરો.'
'હુકમ નહીં, વિનંતી કરવાની છે. આવતી કાલથી ચાર દિવસ મારે ચેન્નાઈ જવાનું છે. આ ચારેય દિવસનો વ્યવસ્થિત નોટ્સ તો તમે લખવાના જ છો ને ? હું આવું ત્યારે એ નોટ્સ મને આપશો ?'
'એમાં તો એવું પણ થઈ શકે...' સહેજ વિચારીને અંકિતે કહ્યું. 'વાંધો ના હોય તો તમારો મોબાઈલ નંબર મને આપો. રોજેરોજની નોટ્સ સ્કેન કરીને વૉસ્ટએપ કરી દઈશ. એમાં સાતત્ય જળવાશે.'
'નંબર આપવામાં કોઈ વાંધો નથી, પણ ત્યાં પપ્પાના ફ્રેન્ડની દીકરીના મેરેજ છે. એ ધમાલમાં એ નહીં ફાવે.' રેખાએ ખુલાસો કર્યો. 'અહીં આવીને એક રાત બેસીને બધું કવર કરી લઈશ.'
એની વાત સાંભળીને અંકિત મલક્યો એટલે રેખાએ તરત પૂછ્યું, 'હસવું કેમ આવ્યું ?'
ઘેરા વાદળી રંગના ડ્રેસમાં રેખાની ગોરી ત્વચા વધુ ગોરી લાગતી હતી. એની સામે જોઈને અંકિતે હસીને કહ્યું. 'ખોટું ના લગાડતા, મને એક ફની વિચાર આવ્યો. આવા મેરેજના ફંક્શનમાં વડીલો પોતાના પુત્ર માટે સુકન્યાની શોધમાં નજર ઘુમાવતા હોય છે. એવા કોઈ વડીલની નજરમાં તમે ઝડપાઈ જશો તો સી.એ.નું સપનું અધૂરું રહેશે.'
રેખા ખિલખિલાટ હસી પડી. 'તમારી વાત તો સાચી છે, પણ પપ્પાના મિત્ર મદ્રાસી છે એટલે ફંક્શનમાં બધા મદ્રાસીઓ જ હશે ! પપ્પા ત્યા ંબિઝનેસ કરતા હતા ત્યારે આ મિત્ર એમના પાર્ટનર હતા...' એણે હળવેથી ઉમેર્યું. 'મારા પેરન્ટ્સ આ બાબતમાં જૂનવાણી છે. આપણી કાસ્ટ સિવાયના કોઈ મુરતિયાને એ ક્યારેય મંજૂર ના કરે.'
હું તો તમારી કાસ્ટનો જ છું એટલે મારી ઉમેદવારી તો ચાલે ને ? અંકિતને પૂછવાનું મન થયું પણ પહેલી મુલાકાતમાં આ રીતે પ્રોપોઝ ના કરાય એવી સમજણ સાથે એણે વાત બદલી. 'તમારા પપ્પા ચેન્નઈમાં બિઝનેસ કરતા હતા?'
'આમ તો અમે રાજકોટના. મારા પપ્પાએ તો એકવીસ વર્ષની ઉંમરે જ મદ્રાસની વાટ પકડેલી. લગ્ન પણ ત્યાં જઈને જ કરેલા. ત્યાં ધંધો જમાવીને કમાણી કરીને અમદાવાદ આવી ગયા. મારે કોઈ ભાઈ-બહેન નથી. એકની એક દીકરી છું. કોણ જાણે કેમ પપ્પાએ રાજકોટ સાથે કોઈ સંબંધ રાખ્યો જ નથી ! રોજ લેપટોપ અને મોબાઈલ લઈને બે કલાક શેરબજારમાં લે-વેચ કરે છે...' રેખાએ હસીને ઉમેર્યું. 'કોઈ વાર તમને મારા ઘેર લઈ જઈશ. તમને મળીને એમને આનંદ થશે.'
'હું પણ રાજકોટનો જ છું...' અંકિતે જાણકારી આપી. 'મારે અમદાવાદની સારી કોલેજમાં ભણીને કેરિયર બનાવવી હતી એટલે પપ્પાએ હોસ્ટેલમાં રાખવાને બદલે વસ્ત્રાપુરમાં ફલેટ ખરીદી આપ્યો છે. એક માજીને ત્યાં જમવાનું ફાવી ગયું છે. ચા ફ્લેટમાં બનાવું છું.'
રેખાએ પોતાનો મોબાઈલ નંબર આપીને કહ્યું. 'હું ચેન્નઈ જઈને આવું એ પછી શાંતિથી મળીશું. તમે નોટ્સ વ્યવસ્થિત રાખજો.'
છૂટા પડયા ત્યારે બંને યુવાન હૈયામાં સુખદ ભવિષ્યનું એક આછુંપાતળું સપનું લહેરાઈ રહ્યું હતું.
એ ચાર દિવસ અંકિત પૂરી ચોકસાઈથી નોટ્સ બનાવતો રહ્યો. રાત્રે રિવિઝન કરતી વખતે રેખાનો ગોળમટોળ ચહેરો વારંવાર આંખ સામે ઝબકી જતો હતો. પહેલી મુલાકાત અને પોતાની જ્ઞાતિની જ રૂપાળી કન્યા... આજ સુધી અંકિત માત્ર અભ્યાસમાં ડૂબેલો રહ્યો હતો, પરંતુ રેખા સાથે આટલી વાત થયા પછી હૈયામાં પ્રેમના અંકુર ફૂટવાની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો હતો.
પાંચમા દિવસે રેખાએ ક્લાસમાં આવીને નોટ્સ ઉઘરાણી કરી. અંકિત પાસેથી એ લઈને એણે કહ્યું. 'આજે રાત્રે બેસીને બધું પતાવી દઈશ. એ પછી કાલે થેંક્યુ કહીને સરસ મજાની કૉફી પીવડાવીશ.'
બીજા દિવસે ક્લાસ છૂટયા કે તરત રેખા અંકિતની પાસે આવી. 'હું વચનની પાક્કી છું. આ તમારી નોટ્સ પાછી. આગળના ચાર રસ્તા પાસે જ સરસ કૉફી શોપ છે.'
'આજે બાઈકમાં પંચર હતું એટલે હું રિક્ષામાં આવ્યો છું.' અંકિતે કહ્યું. 'વૉકિંગ ડિસ્ટન્સ છે ને?'
'ડોન્ટ વરી. મારી કાર છે ને ?' રેખાએ તરત કહ્યું. 'અહીં પાર્કિંગનો પ્રોબ્લેમ છે. એટલે રોજ બાજુના બંગલામાં મૂકવાની ગોઠવણ કરી છે.'
રેખા રોજ કાર લઈને આવે છે એની અંકિતને આજે ખબર પડી. એમાંય ચકચકિત મર્સિડિઝ જોઈને એને સુખદ આશ્ચર્ય થયું ! એનો ચહેરો વાંચીને રેખાએ ખુલાસો કર્યો. 'એકની એક દીકરી છું એટલે પપ્પા મારા માટે હંમેશાં બેસ્ટ આઈટમ જ સિલેક્ટ કરે છે.'
તારા પપ્પા મને બેસ્ટ માનશે કે નહીં ? અંકિત મનોમન બબડયો.
રેખા કુશળતાથી ડ્રાઈવિંગ કરતી હતી. અંકિત એકીટશે એની સામે જોઈ રહ્યો હતો. રસ્તા ઉપર જ નજર રાખીને રેખાએ પૂછ્યું. 'તમને ડ્રાઈવિંગ આવડે છે ?'
'રાજકોટમાં કાર છે, એટલે ડ્રાઈવિંગ આવડે છે, પણ અહીં તો હું બાઈક જ રાખું છું...' અંકિતે હસીને ઉમેર્યું. 'કાર પણ તમારા જેટલી શાનદાર નથી, મારૂતિની સ્વીફ્ટ જ છે.'
કંઈ જવાબ આપ્યા વગર રેખાએ માત્ર સ્મિત ફરકાવ્યું અને કૉફીશોપ પાસે કાર ઊભી રાખી.
ખૂણાના ટેબલ પર સામસામે ગોઠવાયા પછી મેનુ હાથમાં લઈને રેખાએ પૂછ્યું. 'કઈ કોફી ભાવશે?'
અંકિત હસી પડયો. 'ટુ બી વેરી ફ્રેન્ક, હું તો ચાનો રસિયો છું. ચાર વર્ષથી અમદાવાદમાં છું પણ આજે પહેલીવાર કૉફીશોપમાં પગ મૂક્યો છે. તમારી પસંદગી ઉત્તમ જ હશે.'
'ઓ.કે.'રેખાએ બે કૉફીનો ઓર્ડર આપ્યો. કૉફી ઉત્તમ હતી, પણ એક કપના એકસો એંશી રૂપિયા ભાવ જોઈને અંકિતને નવાઈ લાગી.
'તમારી નોટ્સમાંથી ઊતારો કરતી વખતે મેં એના આગળ-પાછળના બધાં પાનાં પણ જોઈ લીધા હતા.' રેખાએ હસીને કહ્યું. 'મને બીક હતી કે એમાં તમે કંઈક લખ્યું હશે તો ?'
અંકિત ખડખડાટ હસી પડયો. 'પ્રેમપત્ર ? અરે મેડમ ! માત્ર આટલા પરિચયમાં એવું લખવાની મારામાં હિંમત નથી..' મનની વાત હોઠ પર આવી ગઈ એટલે એણે ઉમેર્યું. 'અલબત્ત, તમને જોઈને, ટુ બી વેરી ફ્રેન્ક, કંઈક લખવાનો વિચાર તો આવેલો પણ હિંમત ના ચાલી.'
રેખા હસી પડી. 'તમારી નિખાલસતા મને ગમે છે. આ પાયાનું વર્ષ છે એટલે આપણી ફ્રેન્ડશીપ પાક્કી... વર્ષ પછી આગળનું વિચારીશું. તમારા વિશે સો ટકા વિચારીશ. ગોડ પ્રોમિસ !'
અંકિતને એ વખતે ઊભા થઈને નાચવાની ઇચ્છા થઈ ગઈ, પણ એણે જાત ઉપર કાબૂ રાખ્યો.
કૉફી શોપમાંથી બહાર નીકળ્યા પછી રેખા અંકિતને એના ફ્લેટ સુધી મૂકી ગઈ.
સમય પસાર થતો રહ્યો. પંદર-વીસ દિવસે અંકિત અને રેખા કૉફીશોપમાં જતા હતા. એમની મૈત્રી વર્ષના અંતે પ્રેમમાં બદલાઈ ગઈ હતી.
'કાલે અપટુડેટ તૈયાર થઈને આવજે.' રેખાએ પ્રેમથી આદેશ આપ્યો. 'કાલે ક્લાસ પતે એ પછી તને મારા ઘેર લઈ જઈશ. મમ્મી-પપ્પા સાથે મુલાકાત કરાવીશ.'
બીજા દિવસે કાર સેટેલાઈટ રોડ ઉપર આગળ વધતી હતી ત્યારે રેખાએ સૂચના આપી. 'ધ્યાન રાખજે. માણસને પારખવામાં પપ્પાની માસ્ટરી છે. વાત કરવામાં કાળજી રાખજે.'
'ચિંતા ના કર, બકા ! ભાવિ શ્વસુરને સાણસામાં લેવાની આવડત છે મારામાં ! સવાલ પૂછવાની હું જ શરૂઆત કરી દઈશ.'
બેઠા ઘાટના બંગલાના કમ્પાઉન્ડમાં રેખાએ કાર ઊભી રાખી. બંને અંદર પ્રવેશ્યા. વિશાળ ડ્રોઈંગરૂમમાં સમૃદ્ધિ છલકાતી હતી.
સોફા ઉપર રેખાના મમ્મી-પપ્પા બેઠા હતા. સામે ટીવી ચાલુ હતું.
રેખાની સાથે અજાણ્યા યુવાનને જોઈને એ બંને ઊભા થઈ ગયાં. ટીવી બંધ કર્યું. આજ સુધી રેખાની બહેનપણીઓ ઘેર આવતી હતી. કોઈ યુવાનને એ પહેલીવાર ઘેર લાવી હતી એનો અર્થ એ બંનેને સમજાઈ ગયો હતો.
'પપ્પા, આ અંકિત... અંકિત દાવડા. એ મૂળ રાજકોટનો જ છે. બી.કોમ.માં યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલો. અત્યારે મારી સાથે સી.એ. કરે છે.'
'બેસો...' સોફા તરફ ઇશારો કરીને ચંદુભાઈ ચંદારાણાએ અંકિતને આવકાર આપ્યો. રેખાની મમ્મી ધ્યાનથી અંકિતનું નિરીક્ષણ કરી રહી હતી. 'રેખાએ કહ્યું ત્યારે મને આશ્ચર્ય થયેલું...' સોફા પર બેસીને અંકિતે જ બેટિંગ શરૂ કરી. 'આપ એકવીસ વર્ષની ઉંમરે જ રંગીલા રાજકોટને છોડીને છેક મદ્રાસ કેમ ગયેલા, એ સમજાતું નથી. વળી, રાજકોટ સાથેનો સંબંધ સમૂળગો કેમ કાપી નાખેલો ?'
અંકિત સામે જોઈને ચંદુભાઈએ જવાબ આપ્યો. 'એ ઉંમરે હાર્ટફેઈલ થઈ જાય એવો જોરદાર ઝાટકો લાગેલો. સ્વાર્થી દોસ્તો ઉપર અને આખા શહેર ઉપર એવી નફરત થઈ ગયેલી કે રાજકોટનું ઘર અને દુકાન વેચીને બાપાને લઈને મદ્રાસમાં એક દૂરના મામાને ત્યાં પહોંચી ગયેલો. ત્યાં તકદીરે યારી આપી. ધંધામાં ખૂબ કમાયો. બધા પૈસા ઉસેટીને અમદાવાદ આવી ગયો. નિવૃત્તિમાં રોજ ટાઈમપાસ માટે શેરબજારમાં રમત કરું છું... ' આટલી જાણકારી આપીને એમણે અંકિત સામે જોયું. 'તમે તો રાજકોટના જ છો ને ? પપ્પાનું નામ ?'
'પ્રકાશચંદ્ર દાવડા...' અંકિતે જવાબ આપ્યો કે તરત ચંદુભાઈની આંખ ચમકી. 'એમનું આખું નામ ?'
'પ્રકાશચંદ્ર દામોદરદાસ દાવડા...' અંકિતે જવાબ આપ્યો, એની સાથે જ ચંદુભાઈ ચોંકી ઊઠયા. એક સેકન્ડમાં જ એ એઠ્ઠાવીસ વર્ષ જૂના ભૂતકાળમાં પહોંચી ગયા...
ચંદુભાઈ, પ્રકાશ, વિનોદ અને હર્ષદ - ચારેય પાક્કા દોસ્તાર. કોલેજમાં એ ચારેયની એક બહેનપણી સરોજ. એ જમાનામાં પણ સરોજ બિન્દાસ રીતે આ ચારેયની સાથે હોટેલમાં નાસ્તો કરવા આવતી હતી. ગેલેક્સીમાં નવું પિક્ચર આવે ત્યારે એમની સાથે ફિલ્મ જોવા પણ જતી હતી ! મનોમન તો એ ચારેયની વચ્ચે છૂપી સ્પર્ધા ચાલતી હતી. સરોજ સાથે ચાર ફેરા ફરવાની એ ચારેયની ઇચ્છા હતી. સરોજ અકળ હતી. દરેકની સાથે હસીને વાત કરતી, તાળી આપતી પરંતુ પોતે કોના તરફ વધુ ઢળી છે એ જાણવા નહોતી દેતી.
ચારેયમાં આર્થિક રીતે સૌથી વધુ સધ્ધર પ્રકાશ અને એ પછી ચંદુભાઈ. બાકીના બે બહુ પાછળ હતા.
એક દિવસ સરોજ એકલી મળી ત્યારે ચંદુભાઈ એને હોટલમાં નાસ્તો કરવા લઈ ગયા અને સીધી જ લગ્નની ઓફર મૂકી ! સરોજે ચંદુભાઈ સાથે હાથ મિલાવીને કહ્યું કે આજે ત્રીજી તારીખ થઈ, આપણે વીસમી તારીખે ભાગીને અમદાવાદ જઈશું અને ત્યાં આર્યસમાજમાં લગ્ન કરી લઈશું ! આ વાત તમારા દોસ્તોને નથી કરવાની... તમે પૈસાની તૈયારી રાખજો.
હવામાં ઊડતા ચંદુભાઈએ તાબડતોબ નવો સૂટ સીવડાવ્યો અને મિત્રોને જાણ કર્યા વગર ગૂપચૂપ વીસમી તારીખની તૈયારીમાં લાગી ગયા.
પંદરમી તારીખે આખા રાજકોટમાં ચકચાર મચી ગઈ. સરોજ અને પ્રકાશે ભાગીને અમદાવાદ આર્યસમાજમાં લગ્ન કરી લીધા હતા !
ભયાનક આઘાતથી ચંદુભાઈ ભાંગી પડયા. દગાબાજ દોસ્તો સાથે કાયમી સંબંધ કાપી નાખવા માટે યુદ્ધના ધોરણે દુકાન અને ઘર વેચીને એમણે મદ્રાસની વાટ પકડી અને એ પછી રાજકોટ સાથે કોઈ જ સંબંધ રાખ્યો નહોતો.
...... આજે એ પ્રકાશનો દીકરો અંકિત પોતાની સામે ઊભો છે... ભૂતકાળમાંથી વર્તમાનમાં આવીને એમણે અંકિતને આદેશ આપ્યો. 'તારા બાપાને ફોન જોડ. સ્પીકર ઉપર રાખજે. મારું નામ ના બોલતો. કહેજે કે એક ભાઈને તમારી સાથે વાત કરવી છે... જલ્દી જોડ...'
ચંદુભાઈ ઊભા થઈ ગયા હતા. અંકિત પણ એમની સામે ઊભો રહીને નંબર જોડી રહ્યો હતો. રેખા અને મમ્મી આશ્ચર્યથી એ બંને સામે તાકી રહ્યાં હતાં.
'પપ્પા, એક વડીલને તમારી સાથે વાત કરવી છે...' આટલું કહીને અંકિતે મોબાઈલ ચંદુભાઈના હાથમાં આપ્યો.
'પકલા ! તેં શું ધારી છે ?...' મોટેથી બોલતી વખતે ઉશ્કેરાટથી ચંદુભાઈનો અવાજ તરડાઈ ગયો હતો. 'પકલા ! ઓળખાણ પડી ? તારો જૂનો દોસ્તાર ચંદુ બોલું... એ વખતે સરોજને ઝૂંટવીને તેં મને લૂંટી લીધેલો અને આજે તારો દીકરો મારી એકની એક દીકરીને લૂંટવા આવી ગયો છે ! જવાબ આપ... આ બધું છે શું ? તેં કેવી રમત ગોઠવી છે ?'
'ચંદુડા ! વર્ષો પછી તારો અવાજ સાંભળીને આનંદ થયો...' પ્રકાશે શાંતિથી જવાબ આપ્યો. 'ત્યાં મારો દીકરો ભણવા સિવાય બીજું શું કરે છે એની મને કંઈ ખબર નથી, સોગનથી કહું છું. હવે આપણી કથાની કોમેડી અને ટ્રેજેડી ધ્યાનથી સાંભળ. હકીકતમાં તો મેં તને બચાવેલો, દોસ્ત ! તારા ઉપર પડવાની હતી એ વીજળી મેં મારા માથે ઝીલી લીધી હતી. આપણી કોલેજમાં લીમડાચોકવાળો પહેલવાન જેવો પરેશ હતો એ તો તને યાદ છે ને ? હકીકતમાં સરોજ એની સાથે ચાલુ હતી. માત્ર જલસા કરવા માટે એ આપણને ચારેયને ઉલ્લુ બનાવતી હતી. તેં લગ્નની વાત કરી પછી એ મારી પાસે આવેલી. વધુ પૈસા તો મારી પાસે હતા ને ? તને એણે વચન આપેલું એવી કોઈ વાત મને એણે નહોતી કરી. મને કહ્યું કે મારા બાપા લગ્નની ઉતાવળ કરે છે, એટલે ગમે ત્યાં પરણાવી દેશે, મારે તો તમારી સાથે જ રહેવું છે. આપણે ભાગીને લગ્ન કરી લઈએ. રાજી થઈને મેં એનું કહ્યું માન્યું અને લગ્ન કર્યા...'
લગીર અટકીને આગળ બોલતી વખતે પ્રકાશના અવાજમાં પીડા ભળી. 'લગ્નના ચાલીસ દિવસ પછી મારા ઘરમાંથી એંશી તોલા સોનું અને વીસ લાખ રોકડા લઈને એ પરેશ સાથે ભાગી ગઈ ! એ ક્યાં ગઈ એનો આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી. એ પછી આઘાત શમ્યો એટલે મેં રંજન સાથે લગ્ન કર્યા. આ અંકિત એ મારો અને રંજનનો એકનો એક દીકરો છે. હું ક્યારેય ખોટું નથી બોલતો એ તો તને ખબર છે... જો તારી દીકરીને અંકિત ગમતો હોય તો હુકમ કર. ગોળધાણા ખાવા માટે પ્રેમથી આવી જઈશ. '
પ્રકાશ અટક્યો એટલે ચંદુભાઈએ રેખા સામે પ્રશ્નાર્થ નજરે જોયું. રેખાએ હસીને હકારમાં માથું હલાવ્યું.
'પકલા ! આજે બુધવાર થયો. તું બધી તૈયારી સાથે પરમ દિવસે શુક્રવારે આવી જા. વર્ષોથી જામેલો હિમખંડ ઓગાળીને સાથે બેસીને જમીશું અને બંને બાળકોને રાજી કરીશું...
શુક્રવારે ચોક્કસ આવી જા.'
મોબાઈલ અંકિતના હાથમાં પાછો આવીને ચંદુભાઈએ પત્ની સામે જોયું. 'હવે આ જમાઈરાજ માટે ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરો.'
(શીર્ષક પંક્તિ : લેખક)


