Get The App

ભાગ્ય કે તકદીરના સહુ ખેલ ક્યાં સમજાય છે જે પળે જે કંઇ થવાનું હોય છે એ થાય છે!

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
ભાગ્ય કે તકદીરના સહુ ખેલ ક્યાં સમજાય છે જે પળે જે કંઇ થવાનું હોય છે એ થાય છે! 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- હાલત એવી હતી કે દીકરાની સાથે આંખ મિલાવવાની હિંમત પણ નહોતી બચી. ફ્લેટની બાલ્કનીમાં ઊભા રહીને નીચે સામે વહેતી સાબરમતીના પાણી સામે જોઇને શૂન્યમનસ્ક બની જતો હતો.

'ત મે કદાચ નહીં માનો, લેખકજી, પણ આ હકીકત છે. આજ સુધીની જિંદગીમાં હું ક્યારેય જુઠ્ઠું નથી બોલ્યો.'

આ શબ્દો બોલતી વખતે એંશી વર્ષના એ વડીલની આંખોમાં પારદર્શક નિખાલસતા ઝળહળતી હતી અને શબ્દોમાં સચ્ચાઇનો રણકાર હતો. એ રણકાર પારખીને એમની વાત એમના જ શબ્દોમાં રજૂ કરી રહ્યો છું. અલબત્ત, પાત્રોના નામ બદલ્યાં છે. 'આ દિવાળીએ એંશી વર્ષ પૂરાં થશે. આજ સુધીમાં જિંદગીના અનેક રંગ જોયા છે. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ થયેલો એટલે સતત અભાવમાં જ ઉછરેલો છું. ઇશ્વરે એક મહેરબાની કરેલી કે અભ્યાસમાં હું એકદમ ખંતીલો અને કાયમ પહેલો નંબર જાળવેલો. એ જમાનામાં મેં એમ.ફાર્મ.ની ડીગ્રી મેળવી કે તરત જ એક ફાર્મા કંપનીમાં નોકરી મળી ગઈ.'

નોકરી મળી એની સાથે જ મા-બાપે લગ્ન માટે દબાણ શરૂ કર્યું. એમણે શોધેલી કન્યા પાંચમું ધોરણ પાસ હતી, એ છતાં લગ્ન પછી અમારો ઘરસંસાર ખૂબ સરસ રીતે ચાલતો હતો.

ફાર્મા કંપનીની નોકરી પૂરી નિષ્ઠાથી કરતો હતો એ છતાં, સતત એક અજંપો મનમાં ખૂંચતો હતો. મારી મહેનત ઉપર કોઈ બીજું કમાય એ વાત મને મંજૂર નહોતી. બહુ આકરા મનોમંથન પછી નોકરી છોડી દીધી. બત્રીસ વર્ષની ઉંમરે પહેલા દીકરાના જન્મ પછી ધંધામાં ઝંપલાવવાનો નિર્ધાર કર્યો. પાર્ટનર તરીકે બે વડીલ મિત્રો મારી સાથે જોડાવા તત્પર હતા. એ બંને મારાથી દસેક વર્ષ મોટા હતા અને મારાથી વધારે સમૃદ્ધ હતા. સારું મુહૂર્ત જોઇને ભાગીદારીમાં ફાર્માસ્યુટિકલ કંપની શરૂ કરી. મારા બંને ભાગીદાર માત્ર મૂડી રોકીને ભાગીદાર બન્ય હતા. એમને આ લાઈનની સૂઝ કે સમજ નહોતી. એ બંનેને પણ આ વાસ્તવિક્તાનો ખ્યાલ હતો. બજારમાં નામ જમાવવા માટે અઢાર-અઢાર કલાક સુધી હું કામમાં વ્યસ્ત રહેતો હતો. મારું જ્ઞાન અને મારી મહેનતનું સુખદ પરિણામ મળ્યું અને બે વર્ષમાં તો માર્કેટમાં અમારું નામ થઇ ગયું.

ભૂખ-તરસ અને ઉંઘને ભૂલીને તનતોડ મહેનત કરીને કંપનીનું નામ જમાવ્યું, પણ ભાગીદાર મિત્રો ઉપરનો વિશ્વાસ મારી બરબાદીનું કારણ બન્યો. મારા હાથ નીચે જે ચીફ કેમિસ્ટ હતો, એને ટીપી ટીપીને મેં જ તૈયાર કર્યો હતો. એ માણસને વિશ્વાસમાં લઇને બંને ભાગીદારોએ કાવતરું કર્યું. તમામ પેપર્સમાં વિશ્વાસ મૂકીને મેં સહીઓ કરી આપેલી, એનો એ લોકોએ પૂરો ફાયદો લીધો. વન ફાઈન મોર્નિંગ એ બંને ભાગીદારોએ મને ફેકટરીના ગેટની બહાર મોકલી દીધો! હિસાબના આંકડાઓની માયાજાળને લીધે મારા નામે દેવું બોલતું હતું એ લટકામાં ! ભયાનક પછડાટ મળી હતી, છતાં હિંમત હાર્યા વગર નોકરીની શોધ શરૂ કરી. આવડત અને નોલેજને લીધે એક વિદેશી ફાર્મા કંપનીમાં તરત જ નોકરી મળી ગઈ...'

એમના અવાજમાં લગીર ગર્વનો રણકો ઉમેરાયો. 'વીસ વર્ષ અગાઉ નિવૃત્ત થયો ત્યારે ઓલ ઇન્ડિયા માર્કેટિંગ મેનેજરની પોસ્ટ હતી મારી!' મને કાઢી મૂક્યા પછી બાકીના બંને ભાગીદાર એમાંથી ખાસ્સું કમાયા. આઠ નવ વર્ષ સુધી એમણે નોટો છાપી એ પછી એ બંને વચ્ચે મતભેદ થવાથી આખો બિઝનેસ ફેકટરીના મકાન સાથે વેચી દીધો. કાળી મજૂરી કરીને મેં જે એકમ ઊભું કરેલું એમાંથી મને દેવું મળેલું અને એ બંને માલામાલ થઇ ગયેલા. એ પણ નસીબ!

સંતાનમાં બે દીકરાઓ અને એક દીકરી. એ ત્રણેયને પરણાવ્યા પછી ટૂંકી માંદગીમાં શ્રીમતીજીનું અવસાન થયું. બંને દીકરાઓ અત્યારે અમેરિકામાં એમના પરિવાર સાથે જલસાથી રહે છે. મને નિયમિત પૈસા મોકલે છે. અહીં દીકરી એના સાસરે સુખી છે. એ અને જમાઈ ફોન કરું કે તરત હાજર થઇ જાય છે. મારાથી પંદર વર્ષ નાની બહેન ગાંડી હતી. પાગલ એટલે ઝનૂની કે એવું કોઈ તોફાન નહીં. બિલકુલ નિરુપદ્રવી પાગલ હતી એ એ બાપડીને ખાવા-પીવાનું કે કુદરતી હાજતનું ભાન નહોતું. એના માટે દિવસ અને રાતને બે બહેનોને એની સંભાળ રાખવા માટે પગાર ચૂકવતો હતો. માતા-પિતાના મૃત્યુ પછી સાડત્રીસ વર્ષ સુધી મેં એની કાળજી રાખેલી. આઠ વર્ષ અગાઉ એ માસુમ પરમેશ્વરના ઘેર પહોંચી ગઈ.

આટલું બોલીને એ થોડી સેકન્ડ અટક્યા. પછી ઊંડો શ્વાસ લઇને એમણે આગળ કહ્યું.

'આ બધી તો સંસારની સામાન્ય વાતો હતી, સાહેબ ! મારે જે ખાસ વાત કહેવાની છે એ મોટા દીકરાને અમેરિકા જવાનું હતું ત્યારની છે. આ દીકરો અભ્યાસમાં અત્યંત તેજસ્વી. એજન્જિનિયર થયા પછી એણે મને સમજાવ્યું કે મારી આવડત એન તાકાત વાપરીને હું ચોવીસ કલાક મહેનત કરવા તૈયાર છું. પરંતુ એ મહેનતનું ફળ જો રૂપિયાને બદલે ડોલરમાં મળે તો મહેનત લેખે લાગે. ટૂંકમાં, એણે અમેરિકા જવાની ઇચ્છા મને જણાવી. એ જમાનામાં તો ગાંડિયો ટ્રમ્પ હતો નહીં, એટલે જવાનું કામ અઘરું નહોતું. મેં એને કહી દીધું કે તું ત્યાં જવા માટે પ્રયત્ન શરૂ કરી દે, તારો બાપ બેઠો છે. બંધુય થઇ પડશે... એને આવી ધરપત આપતી વખતે કુલ ખર્ચનો મને અંદાજ નહોતો.'

એ પછી ત્યાંની કૉલેજની ફી અને બીજા ખર્ચની ગણતરી કરી તો એ આંકડો બાવીસ લાખે પહોંચતો હતો ! દીકરાની શક્તિ ઉપર પૂરી શ્રધ્ધા હોવા છતાં એને અમેરિકા મોકલવો કઇ રીતે ? તૂટી તૂટીને મારા તમામ સંબંધોનો ઉપયોગ કરું તો પણ વધુમાં વધુ ચાર-પાંચ લાખની વ્યવસ્થા થાય. દીકરાને ધરપત તો આપી, પણ હવે કરવાનું શું ? આવી લાચારી અને પરવશતા અગાઉ ક્યારેય વેઠી નહોતી. ગણીને આઠેક દિવસની મૂડી હતી મારા હાથમાં. એ આઠ દિવસમાં જો કોઈ ચમત્કાર બને તો અને માત્ર તો જ મારા દીકરાની મહેચ્છા પૂરી થાય ! ઊંઘ ઊડી ગઈ હતી મારી. ભારેખમ વાતાવરણ વચ્ચે ઉચાટ લઇને હું ફ્લેટની દીવાલો સામે તાકી રહેતો હતો. હાલત એવી હતી કે દીકરાની સાથે આંખ મિલાવવાની હિંમત પણ નહોતી બચી. ફ્લેટની બાલ્કનીમાં ઊભા રહીને નીચે સામે વહેતી સાબરમતીના પાણી સામે જોઇને શૂન્યમનસ્ક બની જતો હતો.

ચોથા દિવસે સવારે ફોનની રિંગ વાગી. પલંગ પરથી ઊભા થઇને મેં રિસિવર હાથમાં લીધું. મેં હલ્લો કહ્યું એટલે સામા છેડેથી કોઈ યુવાને કહ્યું કે 'મારા પપ્પા આપને મળવા માગે છે, પરંતુ એમના પગ ચાલતા નથી, એટલે આપ કહો એ સમયે હું આપને લેવા આવું.'

એ યુવાનની વાત સાંભળીને હું ચમક્યો. તમે કોણ બોલો છો ? એવું મેં પૂછ્યું ત્યારે એ યુવાને પોતાની ઓળખાણ આપી. ફાર્મા કંપનીમાં મારા જે બે ભાગીદાર હતા, એમાંના એક ભીખાભાઈ. એ ભીખાભાઈ તો બે વર્ષ અગાઉ ગુજરી ગયા હતા અને છાપામાં જાહેરાત વાંચીને હું એમના બેસણામાં પણ ગયો હતો. બીજા ભાગીદાર હતા દાસકાકા. અત્યારે દાસકાકાનો દીકરો હિતેશ મારી સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો. મેં એને કહ્યું કે તું મને લેવા માટે એકાદ કલાક પછી આવજે. કલાક પછી હિતેશ કાર લઇને મારા ફ્લેટ પર આવ્યો. અત્યંત આદરભાવ અને વિવેકથી એણે મારી સાથે વાત કરી.

અમે ભાગીદાર હતા ત્યારે દાસકાકાનો ફલેટ વાસણામાં હતો. અત્યરે હિતેશ મને એમના સેટેલાઇટ રોડ પરના આલિશાન બંગલામાં લઇ ગયો. દાસકાકાના ઓરડામાં હું પ્રવેશ્યો ત્યારે મને જોઇને એમની આંખમાં ઝળઝળિયાં ધસી આવ્યાં. એ લકવાગ્રસ્ત વૃદ્ધનો દેહ પલંગમાં લાચાર બનીને સૂતો હતો.

'હિસાબ પતાવ્યા વગર ભીખો તો જતો રહ્યો, ત્યાં એ નર્કમાં સબડતો હશે.' મારી સામે જોઇને દાસકાકા ધૂ્રજતા અવાજે બબડયા. 'તારી સાથે દગો કરવાનો દાવપેચ એણે ગોઠવેલો. તું નહીં માને, પણ એ વખતે મારું હૈયું ચચરતું હતું. એ છતાં, ભીખાની દાદાગીરી સામે બોલવાની એ વખતે મારી તાકાત નહોતી.' આટલું બોલવાના શ્રમને લીધે લકવાગ્રસ્ત મોઢું વધુ ત્રાંસું થઇ ગયું હતું. લગીર અટકીને એમણે કબૂલાત કરી. 'દૂઝણી ગાય જેવી કંપની હાથમાં આવતી હતી એટલે મનમાં લાલચનું જોર એટલું વધી ગયું કે અંતરાત્માના અવાજને મેં ગણકાર્યો નહીં.'

બોલવાનો પરિશ્રમ પણ એમને ભારે પડતો હોય એવું એમના ચહેરા પરની વેદના જોઇને લાગતું હતું. એ છતાં ધૂ્રજતા અવાજે એમણે આગળ કહ્યું.

'અમે પાપ કરેલું એ હકીકત છે. ભીખો તો એ પાપનો ભાર લઇને ઉપર ગયો, પણ મારે આ પાપનો બોજો ઉપાડીને ઉપર નથી જવું. દગો કરીને તારો જીવ દુભાવવાની સજા ઇશ્વરે આપી દીધી છે. અહીં આ રિબામણીની પીડા બહુ આકરી છે, પણ એ ભોગવવી પડે છે. આ પારાવાર પીડા સહન નથી થતી ત્યારે એક જ વિચાર આવે છે કે ઉપરની સજા તો આનાથી અનેકગણી  આકરી હશે...'

હાથનું હલનચલન માંડ થતું હતું એ છતાં મારી સામે હાથ જોડવા 

એ મથ્યા. 'તને મૂંડયા પછી જે માલ મળેલો, એ જમીનમાં રોકતો ગયેલો... બહુ કમાયો. પણ તારી કકળાવેલી આંતરડીની સજા ભોગવું છું. ખરા હૃદયથી તારી માફી માગું છું, મોદી ! સાચા દિલથી તું માફ કરીશ તો મારી આ યાતના ઓછી થશે...'

હિતેશ મારી બાજુમાં ઊભો હતો. એની સામે જોઇને એમણે ઇશારો કર્યો. હિતેશ બીજા ઓરડામાં જઇને એક થેલી લઇ આવ્યો અને એ થેલી મારા હાથમાં પકડાવી. મને કંઇ સમજાયું નહીં એટલે દ્વિધામાં અટવાઇને હું એ બાપ-દીકરા સામે તાકી રહ્યો.

દાસકાકાએ મારી સામે જોયું અને ધૂ્રજતા અવાજે બોલ્યા. 'મારો ગુનેગાર છું. તને ચૂસીને ફેંકી દીધેલો એ ગુનાનું આમ તો કોઈ પ્રાયશ્ચિત જ નથી, એ છતાં, ફૂલ નહીં તો ફૂલની પાંદડી જેવી આ રકમ પ્રેમથી લઇ લે 

અને ખરા હૃદયથી મને માફ કર...'

મહાપ્રયત્ને હાથ જોડીને એ કરગરતા હતા. મેં એમનું માન રાખ્યું અને થેલી મારા હાથમાં લીધી. મેં વ્યવસ્થિત રીતે થેલી હાથમાં પકડી એ જોયા પછી દાસકાકાના ચહેરા પરનો ઉચાટ લગીર ઓછો થયો. હિતેશે તરત મારી સામે જોઇને કહ્યું કે અંકલ, પ્લીઝ, ચેક કરીને પપ્પાને કહી દો કે પૂરા પચીસ લાખ છે!

એ બંને બાપ-દીકરો જાણે દેવદૂત હોય એમ હું એમની સામે તાકી રહ્યો. થેલીમાં રોકડા પચીસ લાખ રૂપિયા હતા, એ ગણીને મેં દાસકાકા સામે બે હાથ જોડયા. કાકા ! મારા મનમાં તમારા માટે લેશમાત્ર કડવાશ નથી, અગાઉ પણ નહોતી. ઇશ્વર તમને જલ્દી સાજા કરી દે એવી ખરા દિલથી પ્રાર્થના કરું છું..

એ પછી હિતેશ એની કારમાં મને મારા ઘેર મૂકી ગયો. જાણે મારા દીકરાને અમેરિકા મોકલવા માટે જ છેલ્લી પળોમાં એમને ઇશ્વરે આવી સદબુધ્ધિ આપી હોય એણ એ પછીના અઠવાડિયે દાસકાકા અવસાન પામ્યા !

સાહેબ ! પછીની વાત ટૂંકી છે. મોટાની પાછળ નાનો પણ અમેરિકા ગયો. બંને લાગણીશીલ છે. મારી જરૂરિયાતથી પણ વધારે પૈસા મોકલે છે. મેં તમને કહ્યું ને ? ડેસ્ટિની, નસીબ, તકદીર કે ભાગ્ય... જે કહો એ... એના અકળ રહસ્યને તાગવાનું આપણું ગજું નથી !

(શીર્ષક પંક્તિ : લેખક)