Get The App

આજ તો આકાશ આખું યુદ્ધનું મેદાન છે પેચ પૈસાનો હતો : બે દોસ્તની દાસ્તાન છે!

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
આજ તો આકાશ આખું યુદ્ધનું મેદાન છે પેચ પૈસાનો હતો : બે દોસ્તની દાસ્તાન છે! 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- જીવણના કપાળે પરસેવો વળવાનો શરૂ થયો. પ્રીતિ એની આંખોમાં આંખો પરોવીને બોલતી હતી એ નજરનો સામનો કરવાની હિંમત નહોતી એટલે ટેબલ પર કોણી ટેકવીને જીવણે માથું ઢાળી દીધું

આ ખું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ રહ્યું હતું, એ વખતે જીવણ રબારીના મગજમાં તો એક માત્ર ખુન્નસનો રંગ છલકાઈ રહ્યો હતો. ખાસ્સીવાર મોબાઈલ મચડયા પછી એ વિશ્વાસઘાતીને ઝૂડી નાખવાના મક્કમ નિર્ધાર સાથે એણે બાઈક સ્ટાર્ટ કર્યું.

જીવણ રબારીનું વ્યક્તિત્વ જોરદાર હતું. તોતિંગ ચકચાકાટ બાઈક, કદાવર કાયા, વેધક આંખો, તીણું નાક, ભરાવદાર મૂછ, કાનમાં કડીઓ, હાથમાં કડું, ગળામાં ત્રણ જાડી ચેઈન... બારેક લાખ રૂપિયાના દાગીના એ કાયમ પહેરતો હતો. વસ્ત્રાપુર લેઈક પાસે પાનનો ગલ્લો અને બાજુમાં ચાની કીટલીની માલિકી એની પણ ત્યાં માણસો રાખેલા હતા. એનો સાચો ધંધો તો ધીરધારનો. પરિચિત પાસેથી મહિના પાંચ ટકા અને ગરજવાન પાસેથી મહિને દસ ટકા વ્યાજ ઓકાવવાનું. રોજ સાંજે પાંચથી સાત સુધી ત્યાંના બાંકડા એ જ એની ઓફિસ. કોઈ લખાણ નહીં, કોઈ કાગળ નહીં, છતાં દાદાગીરીથી વસૂલાત કરવાની એની તાકાત હતી.

પરેશ પ્રજાપતિ આવી ગદ્દારી કરશે એવી એને ધારણા નહોતી. પૈસા લેવા આવ્યો ત્યારે તો કેવું કરગરતો હતો ! જાણે ગઈકાલે જ બન્યું હોય એમ એ આખું દ્રશ્ય આંખ સામે તરવરી ઉઠયું.

પરેશ પ્રજાપતિ સવારમાં ઘેર આવ્યો હતો. પોતે પરેશથી બે વર્ષ મોટો, છતાં સ્કૂલમાં બંને એક જ ક્લાસમાં હતા. એની મદદથી પોતે માંડ માંડ બારમું પાસ થયો હતો. પરેશ કાયમ પહેલો નંબર એટલે સાહેબો પાસે સારી છાપ. એને લીધે અનેકવાર એણે પોતાને ઉગારેલો. અત્યારે એ કોઈક બેન્કમાં નોકરી કરે છે એટલી ખબર હતી.

'જીવણા, તારો ધીરધારનો ધંધો છે, પણ ક્યારેય જરૂર નથી પડી એટલે તકલીફ નથી આપી. કીટલી ઉપર કહેવાય નહીં એવું કામ પડયું એટલે તારું ઘર શોધીને દોડી આવ્યો.'

'ચા પીશ ?' જીવણે પૂછ્યું.

'ચા નહીં, ઝેર પીવાનો વખત આવ્યો છે, જીવણા !' જીવણના હાથ પોતાના હાથમાં જકડીને એ કરગર્યો.

'બેન્કમાં ગફલો કર્યો છે અને ત્રણ દિવસમાં પૈસા નહીં ભરાય તો આપઘાત કરવો પડશે.'

એની દર્દભરી દાસ્તાન સાંભળીને જીવણે પૂછ્યું. 'કેટલાનો લોચો છે ?'

બાર લાખની વાત સાંભળીને જીવણ ભડક્યો. 'પરિયા ! લાખ-દોઢ લાખની વાત હોત તો અબઘડી આપી દેત, પણ પૈસા રોટેશનમાં ફરતા હોય એટલે બાર લાખમાં તો ઉપાધિ થાય.'

'મારો જીવ બચાવવાનું તારા હાથમાં છે, જીવણા !' પરેશે પાકું હોમવર્ક કર્યું હતું. 'બધા કહે છે કે જીવણશેઠ દોઢ કરોડનો આસામી છે. આજે ઓક્ટોબરની આઠમી તારીખ થઈ, તને ડિસેમ્બરની એકત્રીસમી તારીખે પૈસા પાછા મળશે. પહેલી જાન્યુઆરી નહીં થાય. બે કાકા કલકત્તા રહે છે, એ ખમતીધર છે. એમની સાથે વાત થઈ ગઈ છે..' એણે ફરીથી જીવણના હાથ પકડી લીધા. 'બાર લાખ તારા માટે મોટી રકમ નથી અને મારે જીવન-મરણની વચ્ચે માત્ર બોંતેર કલાકની મૂડી બચી છે. જીવણા, મને બચાવી લે !'

'આટલાં વર્ષોમાં તેં પહેલીવાર હાથ લંબાવ્યો છે ને દશા એવી છે કે તને મદદ કર્યા વગર છૂટકો નથી...' જીવણે એના ખભે હાથ મૂક્યો. 'મારે દોડાદોડી થશે પણ કાલે બપોરે તને પૈસા મળી જશે. તારી પાસે વ્યાજ ના લેવાય, પણ એકત્રીસમી ડિસેમ્બર યાદ રાખજે.'

આગળ જતી કારે અચાનક બ્રેક મારી એટલે જોરથી બ્રેક મારીને જીવણ બે ગાળ બબડયો અને વર્તમાનમાં આવી ગયો.

પૈસા લઈ ગયા પછી પરેશ ગૂમ થઈ ગયો હતો. એકત્રીસમી ડિસેમ્બર પછી આજે તો ઉત્તરાયણ આવી ગઈ પણ પરેશનો પત્તો નહોતો ! પહેલી જાન્યુઆરીથી દિવસમાં દસ વાર એ પરેશનો નંબર જોડતો હતો પણ એ ફોન ઉઠાવતો નહોતો. બીજા નંબરો ઉપરથી પણ પ્રયત્ન કરેલો, પણ એ ચીટર ચાલાક હતો. એ કઈ બેન્કમાં નોકરી કરે છે એ જીવણે પૂછ્યું નહોતું અને પરેશે કહ્યું નહોતું ! જજીઝ બંગલા પાસે ચંદન એપાર્ટમેન્ટમાં એ રહે છે એવી વાત થઈ હતી એટલે આજે ફાઈટ કે ફિનિશના ગુસ્સા સાથે જીવણ પરેશના ફલેટ તરફ આગળ વધી રહ્યો હતો.

આકાશમાં પતંગો ઊડી રહ્યા હતા. આ પરિયાએ તો પથારી ફેરવી નાખી છે ! ચાલુ બાઈકે જીવણના મનનો ધૂંધવાટ છલકાતો હતો. આઠ-દસ હજારની વાત હોત તો જૂના દોસ્તાર માટે થઈને ભૂલી જવાય, પણ આ ડામિસ તો બાર લાખની બદમાશી કરીને અંતર્ધાન થઈ ગયો ! ખોરી દાનતવાળા દોસ્તે મૂરખ બનાવ્યો એ જીવણના હૈયામાં ચચરતું હતું. ગુસ્સો એવો તીવ્ર બન્યો હતો કે એના ઘરમાં ઘૂસીને ઝૂડી નાખવાની તૈયારી સાથે ફ્લેટના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો.

વિજય માલ્યા ને નીરવ મોદીની જેમ બધાનું કરી નાખીને એ ભાગી ગયો હશે તો ? બોર્ડમાં નામ જોઈને એ ત્રીજે માળ રહે છે એ જાણીને લિફ્ટની રાહ જોયા વગર એ ધમધમાટ સીડી ચડી ગયો.

હાશ ! બારણે તાળું નહોતું. એણે ડોરબોલ દબાવી. ગુજરાતી સાડી પહેરેલી યુવતીએ બારણું ખોલું. 'આવો...' એ બોલી.

'પરેશ ક્યાં છે ?' અંદર પગ મૂક્યા વગર જીવણે પૂછ્યું. ધીરધારના ધંધામાં એ જાણતો હતો કે ઘરમાં કોઈ સ્ત્રી એકલી હોય તો અંદર ના જવાય. લગીર સખ્તાઈથી એણે ફરીથી પૂછ્યું.

'પરેશ ક્યાં છે ?'

'જમવા બેઠા છે. આવોને...' એના નિર્મળ ચહેરા પર જીવણને વિશ્વાસ બેઠો. એ અંદર ગયો. સામે ટી.વી.ના વિશાળ સ્ક્રીન પર દેખાતી ફિલ્મ તરફ નજર રાખીને પરેશ આરામથી જમતો હતો.

'જીવણા ! પરફેક્ટ ટાઈમે આવ્યો છે, ચાલ જમવા. મસ્ત ઉંધિયું અને જલેબીનો જલસો છે.' પાછળ ગરદન ઘૂમાવીને પરેશે તદ્દન સાહજિકતાથી કહ્યું. એ તરફ આગળ વધતી વખતે જીવણના હાથની મુઠ્ઠીઓ અનાયાસે જ સખ્તાઈથી બંધ થઈ ગઈ.

'(ગાળ) એકત્રીસમી તારીખથી મારી ભૂખ-તરસ મરી પરવારી છે અને તું નિરાંતે જમે છે ?' પેલી અંદર રસોડામાં ગઈ એટલે જીવણે વીંધી નાખે એવી નજરે પરેશ સામે જોયું. 'તારો જીવ બચાવવા પૈસા આપ્યા અને આવો વિશ્વાસઘાત ? આવી નાલાયકી ? બે તમાચા મારીને બત્રીસી બહાર કાઢી નાખવાનું મન થાય છે.' ભયાનક ગુસ્સાથી જીવણ બોલતો હતો છતાં પરેશને કોઈ પરવા નહોતી, એટલે જીવણની કમાન છટકી.

'(ગાળ) (ગાળ) બૈરાના દેખતા બબાલ નથી કરવી, એ છતાં, સાંભળી લે, અત્યારે પૈસા નહીં મળે તો હાથ-પગ તોડી નાખીશ...'

ગુસ્સાને લીધે અવાજ ઉપરથી કાબૂ જતો રહ્યો હતો ત્યાં જ પેલી પાણીનો ગ્લાસ લઈને આવી.

'પ્રીતિ, આ જીવણ રબારી. મારો બાળપણનો જિગરી દોસ્તાર...' પછી જીવણ સામે જોયું. 'જીવણા, આ પ્રીતિ-મારી મિસિસ...' પછી પ્રીતિને આદેશ આપ્યો. 'પહેલી વાર ઘેર આવ્યો છે. એના માટે પ્લેટમાં ઊંધિયું-જલેબી લાવ.'

જીવણ ભયાનક ધૂંધવાયો હતો. જાણે કશું જ ના બન્યું હોય એમ આ હરામી જે નાટક કરી રહ્યો હતો, એ સહન કરવાનું હવે શક્ય નહોતું.

તારા ઊંધિયા-જલેબીમાં દીવાસળી મેલ... એમ કહીને એ બે-ચાર ગાળ બોલવા મોં ખોલે એ અગાઉ પ્રીતિએ હસીને પૂછ્યું. 'જીવણભાઈ, રેખા મજામાં છે ને ?' પોતાની પત્નીનું નામ સાંભળીને જીવણ ચમક્યો. 'તમે એને કઈ રીતે ઓળખો ?'

'ધંધૂકામાં ભરવાડવાસમાં અને કુંભારવાડો સાવ અડોઅડ, અને એમાંય અમારા બંનેના ઘર તો સાવ અડોઅડ. નાનપણથી જ સાથે રમીને મોટાં થયેલાં. એકબીજાની થાળીમાં જમવાનો સંબંધ હતો અમારે...' પ્રીતિએ ઠાવકાઈથી સમજાવ્યું. 'રેખા સાવ ગભરૂ અને ભોળી. હું થોડીક તોફાની. એનાં લગ્ન મારાથી બે વર્ષ અગાઉ થયેલાં. ત્યારે તો તમે વટબંધ વરરાજા એટલે યાદ નહીં હોય, પણ આખા લગ્નમાં અણવરની જેમ હું એની સાથે જ હતી.' મીઠા અવાજે પ્રીતિએ ઉમેર્યું.

'અમારા બે ઘર વચ્ચે એક જ ભીંત એટલે રેખાના ઘરમાં શું બને છે એની મને રજેરજની ખબર હોય.'

પેટમાં હજારો પતંગિયાઓ ઊડાઊડ કરતાં હોય એવી દશામાં જીવણના કપાળે પરસેવો વળવાનો શરૂ થયો. સામે બેઠેલી પ્રીતિ એની આંખોમાં આંખો પરોવીને બોલતી હતી એ નજરનો સામનો કરવાની હિંમત નહોતી એટલે ટેબલ પર કોણી ટેકવીને જીવણે માથું ઢાળી દીધું.

'પાંચેક મહિના પહેલા મને ને પરેશને એ મોલમાં મળી ત્યારે મને જોઈને રડી પડેલી. વાતવાતમાં ખબર પડી કે પરેશ તમારો ભાઈબંધ છે. અમે બે પાક્કી બહેનપણી અને તમે બે બાળપણના દોસ્તાર ! પછી તો રેખા ઘેર આવી. બાપડીના મનમાં મૂંઝારો હતો, પણ અહીં શહેરમાં હૈયું ખોલવાની કોઈ જગ્યા નહોતી એની પાસે. મારા ખભે માથું ઢાળીને ખૂબ રડી. કહે કે બીજી કોઈ ફરિયાદ નથી, ખૂબ સુખ છે, પણ મારા બાપાએ જે વેઠયું છે, એનો અનુભવ આ માણસને થવો જોઈએ...' પરેશ શાંતિથી બેઠો હતો. જીવણ ગુનેગારની જેમ નીચું જોઈને સાંભળતો હતો.

પ્રીતિ રણકતા અવાજે બોલતી હતી.

'જીવણભાઈ, રેખાના બાપા ઉપર તમને જરાયે દયા નહોતી આવી ? લગ્ન થયા એ પછી દોઢ વર્ષે તમે ધંધૂકા આવ્યા. એ વખતે તમારો ધીરધારનો ધંધો જામ્યો નહોતો. મૂડીની જરૂર હતી એટલે તમે તમારા સસરાને બાટલામાં ઉતાર્યા. લાભપાંચમના દિવસે તમે એ ભલા માણસ પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા અને ઉત્તરાયણના દિવસે પાછા આપવાનું વચન આપેલું. દીકરીના સુખ માટે એ ગરીબ બાપે ગામના દરબાર પાસેથી એ રકમ વ્યાજે લીધેલી. તમારા વચનના ભરોસે દરબારને કહેલું કે ઉત્તરાયણના દિવસે દૂધે ધોઈને પૈસા પાછા આપી દઈશ...'

આંખમાં ઝળઝળિયાં સાથે પ્રીતિ ભીના અવાજે બોલતી હતી. 'પૂરા વિશ્વાસથી એ ભલા માણસે પારકા પાસેથી પૈસા લાવીને એ તમને આપેલા અને તમે વિશ્વાસઘાત કર્યો ! દરબારની આકરી ઉઘરાણીનો જવાબ આપવાની એ ગરીબ માણસ પાસે તાકાત નહોતી. તમે સસરા સાથે નાગાઈ કરી એવી નાગાઈ કરવાનું એ ખાનદાન માણસનું ગજું નહોતું. ઉત્તરાયણના પંદર દિવસ પછી પણ તમે પૈસા ના આપ્યા એટલે એ આબરૂદાર આદમી ફાંસો ખાઈને લટકી ગયો ! એણે કોઈની પાસે તમારા નામનો પણ ઉલ્લેખ નહોતો કર્યો એ એની ખાનદાની...'

વીંધી નાખે એવી નજરે જીવણ સામે જોઈને પ્રીતિએ ઉમેર્યું. 'વગર લખાણે આપેલા પૈસા પાછા ના આવે તો કેવી દશા થાય એનો તમને અનુભવ કરાવવા માટે જ આ નાટક કરેલું, જીવણભાઈ ! પરેશે બીજા જ દિવસે તમારા પૈસાની બેન્કમાં એફ.ડી. કરાવી દીધેલી. એ પરમ દિવસે તમને મળી જશે. બિચારી રેખા ઉપર પ્લીઝ, ગુસ્સો ના કરતા. બાપને ગૂમાવી બેઠેલી એ ગરીબડીને સંતોષ આપવા અમે આ નાટકમાં ભાગ લીધેલો. મોટાભાઈ ! મહેરબાની કરીને મનમાં જરાયે કડવાશ ના રાખતા. આ નાટકને ભૂલી જજો. કાલે વાસી ઉત્તરાણના દિવસે પરેશે રજા લીધી છે. તમારે બંનેએ અમારે ત્યાં જમવા આવવાનું છે. બોલો આવશોને ?'

હળવે રહીને હકારમાં માથું હલાવ્યા સિવાય જીવણ પાસે કોઈ વિકલ્પ નહોતો.

(શિર્ષક પંક્તિ : લેખક)