- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- 'હવે તું મૂંગી મરીશ?' પલંગમાં અડધા બેઠા થઈને રતિભાઈએ એટલા મોટા અવાજે ત્રાડ પાડી કે રૂમમાં બધા સ્તબ્ધ થઈ ગયાં!
'ન ખમાં ય રોગ નહોતો, બે ટાઈમ જમવાનું ને બે ટાઈમ ચા સિવાય બીજું કોઈ વ્યસન નહીં...' જયાબહેન ધીમા અવાજે જાણકારી આપી રહ્યા હતા. '... તોય કોણ જાણે ક્યાંથી આ ઉપાધિ આવી ગઈ !'
હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં એરકન્ડિશનની આછી ઘરઘરાટી સિવાય બીજો કોઈ અવાજ નહોતો. જયાબહેનના પતિ રતિલાલ પલંગ પર સૂતા હતા અને એમની આસપાસ જાતજાતનાં તબીબી ઉપકરણો ગોઠવાયેલાં હતાં. ત્રેસઠ વર્ષના રતિલાલની આંખો બંધ હતી.
'પહેલા ક્યારેય એમને હાર્ટમાં આવી તકલીફ થયેલી ?' જયાબહેનના જૂના પાડોશી સવિતાબહેને સામે જોયું અને પછી જયાબહેનને પૂછ્યું.
'મેં તમને કહ્યું ને ? કોઈ દા'ડો તાવ કે શરદી યે નથી થઈ. માથું દુ:ખે તો બામ લગાડે, પણ દવાની ગોળી ના ખાય. એમને એટેક આવ્યો ત્યારે બધા ફલેટવાળાને નવાઈ લાગેલી કે રતુભાઈ જેવા માણસને હાર્ટએટેક કઈ રીતે આવ્યો ?'
સહેજ અટકીને જયાબહેને આગળ કહ્યું, 'રવિવારે સાંજે ચાર વાગ્યે મેં એમને ચા આપી ત્યારે એમણે કહ્યું કે ગેસની તકલીફ થઈ છે. આટલું કહીને એમણે અજમો લઈને એમાં જરાક મીઠું નાખીને ચાવી ગયા. એ પછી રાત્રે મેં જમવા બોલાવ્યા ત્યારે કહે કે હજુ ગેસની તકલીફ છે એટલે મારે વાળુ નથી કરવું. મેં જોયું તો એમનું મોઢું ઊતરી ગયેલું અને છાતી ઉપર હાથ દબાવીને ઢીલા થઈને બેઠા હતા. મને ધ્રાસ્કો પડયો એટલે મેં બાજુમાં રહેતા બાબુભાઈને બોલાવ્યા. બાબુભાઈએ તો એમને જોઈને તરત કહ્યું કે હાર્ટના મામલાને હળવાશમાં ના લેવાય. જરાયે ઢીલ કર્યા વગર એકસો આઠને ફોન કરીને સીધા હોસ્પિટલ પહોંચી જવું પડે ! મેં હા પાડી એટલે એમણે એકસો આઠને ફોન કર્યો અને મેં મારા ભાઈઓને અને દીકરી-જમાઈને ફોન કર્યો.'
એક સાથે આટલું બોલીને એ સહેજ અટક્યા એટલે સવિતાબહેને પૂછ્યું, 'તમારી દીકરી-સંગીતા તો નારણપુરામાં જ રહે છે ને ? જમાઈ સુરેશકુમારનો પ્રિન્ટિંગનો જ બિઝનેસ છે ને ? વચ્ચે મારા પિન્ટુને કંઈક છપાવવાનું હતું ત્યારે એ સુરેશકુમારને ત્યાં જ ગયો હતો. ઓળખાણ કાઢી એટલે ખાસ્સું ડિસ્કાઉન્ટ આપેલું.'
જમાઈ સુરેશકુમારના ઉલ્લેખથી જયાબહેનના ચહેરા પર અણગમો પથરાયો. વાત બદલીને એમણે કહ્યું, 'સંગીતા તો છેક બોપલ રહેવા ગઈ છે. એ લોકો આવે એ પહેલા મારા બંને ભાઈઓ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ડૉક્ટરોએ જાતજાતના ટેસ્ટ ફટાફટ કરીને કહી દીધું કે હાર્ટમાં બ્લોકેજ છે અને હાર્ટએટેક ચાલુ છે. ઓપરેશન કરીને સ્ટેન્ટ મૂકવા પડશે. આવી દશામાં આપણે તો હા પાડવા સિવાય બીજું શું કરી શકીએ ? મારા ભાઈઓએ એ જ વખતે હોસ્પિટલમાં સાડા ચાર લાખ રૂપિયા જમા કરાવી દીધા અને તરત સારવાર શરૂ થઈ ગઈ...'
જયાબહેનના અવાજમાં હળવાશ ભળી. 'ભગવાનની દયાથી જોખમ ટળી ગયું છે. ડૉક્ટરોએ કહી દીધું છે કે હવે ચિંતાની કોઈ વાત નથી. પરમ દિવસે તો કદાચ રજા પણ આપી દેશે.'
થોડી વાર પછી સવિતાબહેને રજા લીધી. જયાબહેને ઊભા થઈને ઊંઘતા પતિના મસ્તક ઉપર હાથ ફેરવ્યો અને પાછા આવીને સોફામાં આડા પડયા.
સંગીતા ટિફીન લઈને આવી. જયાબહેનની પાસે બેસીને એણે ટિફીન ખોલ્યું. ટેબલના ડ્રોઅરમાંથી પ્લેટ કાઢીને બધી વાનગીઓ એમાં મૂકી. જયાબહેને ચૂપચાપ જમી લીધું. ત્યાં સુધી એ દીકરી સાથે એક શબ્દ પણ બોલ્યા નહીં અને દીકરીએ પણ જનેતાની સાથે કોઈ વાત ના કરી !
'આ વધેલા રોટલી-શાક મૂકતી જા, એટલે સાંજે તારે ધક્કો નહીં...' સંગીતાએ જવાની તૈયારી કરી ત્યારે જયાબહેને આટલું કહ્યું.
'કાલે બાર વાગ્યે આવી જઈશ. તારે બીજું કંઈ મંગાવવું હોય તો કહે, લેતી આવીશ.' જયાબહેનની સામે જોઈને સંગીતાએ કહ્યું.
'એ તો હજુ ટૂરમાં જ છે ને ?...' જયાબહેનના અવાજમાં કડવાશની સાથે હડહડતો ધિક્કાર છલકાતો હતો. 'અહીં સસરો મરવા પડયો છે અને એ સાહેબને સહેજેય પરવા નથી ! નખમાં ય રોગ નહોતો એવા માણસને જમ જેવા જમાઈના પાપે એટેક આવી ગયો ! પૈસા પાછા આપવાની વાત તો બાજુએ રહી, ટૂર ટૂંકાવીને ખબર કાઢવા આવવાનું પણ એને ભાન નથી !'
એમને કશો જવાબ આપ્યા વગર સંગીતાએ ખાલી ટિફીન હાથમાં લીધું અને પલંગમાં સૂતેલા પિતા સામે નજર કરી. અત્યારે રતિભાઈ ઘેનની અસરમાંથી મુક્ત થઈ ગયા હતા. સંગીતાએ એમની સામે જોયું એટલે એ પણ દયામણી નજરે દીકરી સામે તાકી રહ્યા. ધીમા પગલે સંગીતા ઓરડામાંથી બહાર નીકળી ગઈ.
રતિભાઈએ ફરીથી આંખો બંધ કરી દીધી. હવે પાંચ વાગ્યા સુધી કોઈ આવવાનું નહોતું એટલે આરામ કરવા માટે જયાબહેન પણ સોફામાં આડા પડયા.
જયાબહેનની નાની બહેન સુધા મુંબઈ રહેતી હતી. એ પણ ખબર કાઢવા માટે આજે અમદાવાદ આવી હતી. સાંજે પાંચ વાગ્યે બંને ભાઈઓની સાથે એ હોસ્પિટલમાં આવી અને જયાબહેનને વળગીને થોડી વાર રડી. પછી ભાઈઓએ એને સમજાવ્યું કે હવે રડવાની જરૂર નથી. ડૉક્ટરે કીધું છે કે જયાબહેનનો ચૂડી-ચાંદલો હવે પચીસેક વર્ષસુધી અખંડ રહેવાનો છે !
અત્યારે રતિભાઈ જાગ્રત અવસ્થામાં હતા. 'આ મારી બેન છેક મુંબઈથી તમારી ખબર પૂછવા આવી છે...' રતિભાઈની સામે જોઈને જયાબહેને બળાપો કાઢ્યો. 'આ મારા ભાઈઓ બધા કામ પડતા મૂકીને દોડાદોડી કરે છે, હોસ્પિટલના સાડા ચાર લાખ રૂપિયા પણ એમણે રોકડા ભરી દીધેલા એ તો તમને ખબર છે ને ?'
એ પછી સહેજ અટકીને જયાબહેને સુધા સામે જોઈને આક્રોશ ઠાલવ્યો 'સુધા, એકની એક દીકરીને પરણાવી ત્યારે એવી આશા હતી કે જમાઈ સગા દીકરાની જેમ અમારી સંભાળ રાખશે, પણ આ જમાઈ તો અમારો જીવ લેવા બેઠો છે. એના પાપે જ આમને એટેક આવી ગયો છે! અમારા ફલેટમાં એક્સ્ટેન્શનની વાત લગભગ ફાઈનલ હતી. અમારા સિવાય બાકીના અગિયારે અગિયાર સભ્યોએ પાંચ પાંચ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા. સુધા, અમારી દશા તો તારાથી અજાણી ક્યાં છે ?'
ભૂતકાળ યાદ કરી ને જયાબહેને આગળ કહ્યું, 'તારા બનેવીને સાંઈઠ વર્ષની ઉંમરે રિટાયર થવાનું હતું. છપ્પન વર્ષની ઉંમરે એમણે સંગીતા માટે આ હીરો શોધી કાઢ્યો ! એકની એક દીકરી એટલે એના લગ્ન માટે એમણે બધું પ્રોવિડન્ડ ફંડ ઉપાડી લીધું. એ સિવાય બીજી કોઈ બચત તો હતી નહીં. રંગેચંગે ધામધૂમથી લગ્ન પતાવીને અમે રાજી થયેલા. એક વર્ષ પછી સંગીતા અને સુરેશકુમાર અમારે ત્યાં આવ્યા. ધંધાના વિકાસ માટે અમુક મશીન ખરીદવા છે એમ કહીને એમણે પાંચ લાખ રૂપિયા ઉછીના માગ્યા. સંગીતાએ કહ્યું કે આ રકમ અમે બે વર્ષમાં પાછી આપી દઈશું. દિકરી અને જમાઈ માગવા આવે તો ના કઈ રીતે પડાય ? તારા બનેવીએ એમના સ્ટાફની ક્રેડિટ સોસાયટીમાંથી લોન લઈને એમને પાંચ લાખ રૂપિયા આપી દીધા...'
જયાબહેનના અવાજમાં હડહડતો ધિક્કાર ઉમેરાયો. 'એ પછી તો પાંચ વરસ થઈ ગયાં, પણ એ રાક્ષસે એક રૂપિયો ય પાછો નથી આપ્યો! ફલેટમાં પાંચ લાખ આપવાના હતા એટલે સંગીતાને મેં ફોન કરીને ચારવાર યાદ કરાવ્યું, પણ પેલો પૈસા ના આપે તો બાપડી સંગીતા શું કરે ? ફલેટવાળા બધા સભ્યો ઉઘરાણી માટે એક સાથે અમારા ઘેર આવ્યા અને કહે કે રતુકાકા, એક તમારા માટે થઈને જ ફ્લેટનું કામ અટક્યું છે. વહેલી તકે પાંચ લાખ આપો એટલે એક્સ્ટેન્શનનું કામ શરૂ થાય... એ ઉચાટમાં જ તારા બનેવીની તબિયત લથડી. સંગીતાના લગ્ન વખતે રિટાયરમેન્ટ વખતે મળનારી રકમ ઉપાડી લીધેલી, ભાઈબંધો પાસેથી પણ ઉછીના લીધેલા. એ પછી એક વર્ષ પછી લોન લઈને એ બદમાશને પાંચ લાખ બાળેલાં- એટલે રિટાયર થયા પછી હાથમાં ખાસ કંઈ આવ્યું નહોતું. અત્યારે એમની કો-ઓપરેટિવ બેન્ક જે પેન્શન આપે છે એ એકમાત્ર આધાર છે. એ રકમમાં માંડ પૂરું થાય છે. સોસાયટીવાળા પાંચ લાખ માટે ઉઘરાણી કરતા હતા અને અમારે તો એ માટે જમાઈ પૈસા પાછા આપે એ એકજ આધાર હતો.
એ ટેન્શનમાં ને ટેન્શનમાં સાંજે જ એમને એટેક આવી ગયો. આપણા ભાઈઓ એટલા સારા કે એમણે હોસ્પિટલમાં આવીને પૈસા ભરી દીધા. પેલા પાંચ લાખની ઉપાધિ હતી એમાં આ ખર્ચો ઉમેરાયો - તોય જમાઈ જલસા કરે છે ને દીકરી બિચારી મનમાં ને મનમાં શોષવાય છે !'
જયાબહેન આક્રોશથી બોલતા હતા. સુધા અને બંને ભાઈઓ ચૂપચાપ સાંભળતા હતા.
પલંગમાં રતિભાઈ જાગ્રત હતા, પણ આંખો બંધ કરીને જયાબહેનનું જોરદાર ભાષણ સાંભળી રહ્યા હતા.
'તમે ઘરના છો એટલે તમને સાચી વાત કહેવાય, બાકી બધાને તો સીધીસાદી એટેકની જ વાત કહેવી પડે છે. જમ જેવો જમાઈ સસરાનો જીવ લેવા બેઠો છે, એવું લોકોને થોડું કહેવાય ?'
એ જ વખતે સંગીતા અને સુરેશ રૂમમાં પ્રવેશ્યાં. સુરેશને આવેલો જોઈને જયાબહેનની કમાન છટકી. વળી, અત્યારે તો એમના બે ભાઈઓ અને બહેન પણ પડખે ઊભા હતા, એટલે અત્યાર સુધી ધરબી રાખેલો ગુસ્સો વિરાટ વિસ્ફોટ બનીને બહાર આવ્યો.
'સુરેશકુમાર ! શું મોઢું લઈને તમે સસરાની ખબર કાઢવા આવ્યા છો ? સસરાને પાંચ લાખમાં ધૂતી લીધા પછી પાંચ વર્ષમાં એકેય રૂપિયો તમે પાછો આપ્યો નથી. ફ્લેટવાળાએ ઉઘરાણી કરી ત્યારે તમારા એકલા ઉપર આધાર હતો. સંગીતાને મેં ફોન કર્યો પણ તમે ફસકી ગયા, કોઈ જવાબ જ ના આપ્યો અને આ...'' પલંગમાં સૂતેલા રતિલાલ તરફ આંગળી ચીંધીને જયાબહેને તીણા અવાજે કહ્યું, '.... તમારા પાપે એમને એટેક આવી ગયો ! મારા ભાઈઓએ તાત્કાલિક પૈસા ના આપ્યા હોત તો મારો ચાંદલો ભૂંસાઈ જાત ! જવાબ આપો, સુરેશકુમાર ! પાંચ લાખ લીધા પછી તમને કંઈ શરમ જેવું છે કે નહીં ? ઘરડાં સાસુ-સસરાને હેરાન કરવામાં તમને મજા આવે છે ? સસરો ઉકલી ગયો હોય તોય તમને તો આનંદ જ થાત ને ?'
'હવે તું મૂંગી મરીશ ?' પલંગમાં અડધા બેઠા થઈને રતિભાઈએ એટલા મોટા અવાજે ત્રાડ પાડી કે રૂમમાં બધા સ્તબ્ધ થઈ ગયાં !
'જેમણે મારી નોકરી બચાવી અને જેલમાં જતો બચાવ્યો, એ જમાઈને તું આ રીતે ગાળો દે છે, એ મારાથી સહન નથી થતું...' રતિભાઈ ધૂ્રજતા અવાજે બોલતા હતા. 'વાંક મારો છે, છતાં દોષનો ટોપલો માથે ઓઢીને એ ચૂપચાપ ઊભા રહીને તારો લવારો સાંભળે છે, એ એમની ખાનદાની છે. મેં એમને વચનથી બાંધી લીધેલા છે, એટલે એમણે તો સંગીતાને પણ વાત નથી કરી...'
સુધા, જયાબહેન અને બંને ભાઈઓ સ્તબ્ધ થઈને આશ્ચર્યથી રતિભાઈ સામે જોઈ રહ્યા હતા. સંગીતાએ સુરેશનો હાથ પોતાના હાથમાં જકડી રાખ્યો હતો.
'બીજો એટેક આવે અને ઉપર જાઉં ત્યારે પાપનો ભાર લઈને નથી જવું એટલે અત્યારે ખુલ્લા મનથી કબૂલાત કરવામાં મને જરાયે શરમ કે સંકોચ નથી !'
બધાની સામે જોઈને રતિભાઈએ કબૂલાત કરી, 'સંગીતાના લગ્ન વખતે જિંદગીમાં પહેલી વાર બેન્કમાં નાનકડો ગફલો કરીને ચાર લાખ રૂપિયા ગૂપચાવી લીધેલા. રિટાયરમેન્ટમાં એક વર્ષ બાકી હતું ત્યારે અચાનક ઑડિટમાં એ ગફલો પકડાઈ ગયો. ઓડિટર અને મેનેજરે મને કેબિનમાં બોલાવીને કહ્યું કે આટલા વર્ષની નોકરીમાં તમારો રેકર્ડ એકદમ ચોખ્ખો છે, વળી દસ મહિના પછી તમે રિટાયર થવાના છો. એટલે જો કાયદેસરના પગલાં લઈએ તો તમે જેલમાં જશો અને નિવૃત્તિના કોઈ લાભ નહીં મળે. હું એમને કરગર્યો એટલે એમણે મારા પર મહેરબાની કરીને કહ્યું કે ચોવીસ કલાકમાં સાત લાખ રૂપિયા જમા કરાવી દો, તો બેન્ક તરફથી કોઈ એક્શન નહીં લેવાય...'
લગીર અટકીને એમણે બધાની સામે જોયું. 'એ મેનેજરે મને બચાવી લેવાનું વચન તો આપ્યું પણ તાત્કાલિક સાત લાખ લાવવા ક્યાંથી ? એ પણ આવા કારણથી ? સુરેશકુમાર પાસેથી પાંચ લાખ લેવાના હતા એટલે હું એમની પાસે ગયો અને નિખાલસતાથી બધી વાત કહી. એમણે દોડાદોડી કરીને આઠ કલાકમાં જ સાત લાખ રૂપિયા મારા હાથમાં આપી દીધા ! મેં એમને સોગન આપેલા કે આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. એમણે વચન આપેલું કે કોઈને જાણ નહીં કરું, ઇવન સંગીતાને પણ નહીં કહું...'
સહેજ અટકીને રતિભાઈએ જયાબહેન સામે જોયું, 'તારી જીભ પણ જબરી છે ! જે માણસના તારે પગ પકડવા જોઈએ, એને તું જેમ ફાવે એમ બોલે છે. એ સાંભળીને હૈયામાં શારડી ફરતી હોય એવું લાગતું હતું. દોષ મારો હતો અને તું એને સજા આપી રહી હતી, એટલે નાછૂટકે આ હાલતમાં પણ કબૂલાત કરવી પડી. હવે સાંભળ. આ આપણો જમાઈ જમ નથી, દેવદૂત છે ! સમજણ પડી ?'
જયાબહેન નીચું જોઈને ઊભા હતા. સુધા અને બંને ભાઈઓ આદરભાવથી સુરેશ સામે જોઈ રહ્યા હતા. સંગીતાએ સુરેશનો હાથ વધુ જોરથી જકડી રાખ્યો હતો.


