Get The App

વીતી ગયું એ વાતનો ક્યાં ભાર છે લોહીના સંબંધનો સંસાર છે !

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
વીતી ગયું એ વાતનો ક્યાં ભાર છે લોહીના સંબંધનો સંસાર છે ! 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- આશાભર્યો ભાણિયો ઉછીના પૈસા લેવા આવ્યો હતો, તેં ના પાડીને એની જિંદગી બરબાદ કરી નાખી... ભાઈ-ભાભી, આજથી આપણો સંબંધ પૂરો ! જીવીશ ત્યાં સુધી તારા આંગણે પગ નહીં મૂકું...

''મ નેય સ્વમાન વહાલું છે, ફૈબા ! રોટલાના ટૂકડા માટે પૂંછડી પટપટાવે એવી રીતે જીવવાની અમુકને આદત હોય છે, પણ હું તો જુદી માટીની બનેલી છું ! નાક ઉપર માખી પણ બેસવા ના દઉં એવી ખુદ્દાર છું. મોટો ભાઈ છે, તો શું થયું ? એના ઘરના નળિયાં ભલે સોનાના હોય, પણ મારું માન ના જળવાય ત્યાં ક્યારેય પગ ના મૂકું...''

એક શ્વાસે આટલું બોલવાની સાથે જ હૃદયમાં કડવાશનો ઉભરો છલકાયો હોય એમ શોભનાબહેન અટક્યાં. પોતે જે ઉભરો ઠાલવ્યો એ સાંભળીને નિમુફૈબા ઉપર શું અસર થઇ છે એ જોવા માટે એ નિમુફૈબા સામે તાકી રહ્યાં. પંચાવન વર્ષની ઉંમરે શોભના બહેનનું શરીર લગીર સ્થૂળ હતું. ધોળા વાળની અંબોડી વાળી હતી. ખાટલા પર પાસે બેઠેલા નિર્મળાબહેન ઉર્ફે નિમુ એમનાં સગા ફૈબા હતાં. પાંસઠ વર્ષની ઉંમરે પણ એમનું શરીર સાગના સોટા જેવું એકવડું હતું. દસેક વર્ષના અંતરાલ પછી ફૈબા ભત્રીજીના ઘેર આવ્યાં હતાં.

''ફૈબા, તમને તો અમારા બંને ઉપર એક સરખી લાગણી હોવી જોઇએ. અત્યારે જયંતીભાઈનો સમય જોરદાર ચાલે છે, એટલે તમે એકલાં નહીં, બધાં સગાં વહાલાં એમની પાછળ પાછળ ફરે છે. હું ય અનાજ ખાઉં છું ફૈબા, બધી સમજ પડે છે મને. સાચી વાત એમના મોઢે કહેવાની કોઈનીયે હિંમત નથી. જાણે મારી એકલીનો વાંક હોય એ રીતે વારાફરતી આવીને બધા મને સમજાવ્યા કરે છે... એકનો એક ભાઈ છે, એની જોડે આવા અબોલા ના રખાય... મને આવું કહે છે પણ ત્યાં ભાઈ-ભાભીને સમજાવવા કોઈ જતું નથી... અલ્યા, નાનીબેનને આવો અન્યાય ના કરાય... એટલું ત્યાં જઇને કોઈ કહેતું નથી !..''

'અહીં તારી ભૂલ થાય છે, શોભના !' અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલા ફૈબાએ મૌન તોડયું. 'આ તારી નિમુ-ફૈબા બીજા બધા જેવી નથી. કાણાને કાણો કહેવામાં મને જરાયે શરમ ના અડે. મારી તકલીફ એ છે કે હું અહીં રહેતી નથી. આઠ દસ વર્ષે માંડ એકાદવાર કલકત્તાથી અહીં આવવા મળે. એમાંય ચાર-પાંચ દિવસ તો અમદાવાદમાં જ બધા સગાંઓને મળવામાં જતા રહે. એ છતાં, આ વખતે નક્કી કરેલું કે રતનપુર જઇને જયંતી અને શોભનાને મળવું છે, એટલે ટેક્સી કરીને આવી ગઇને ?...' ફૈબાએ શાંતિથી સમજાવ્યું. 'જયંતી તારાથી મોટો છે એટલે પહેલાં એને ઘેર ગઈ. હું બોલીશ એના ઉપર તને વિશ્વાસ નહીં બેેેસે, એ છતાં સાંભળ... જયંતીનો કાન પકડીને કીધું કે અલ્યા ડોબા, તમે મા-જણ્યા સગા ભાઈ બેન આવા ખોબા જેવડા ગામમાં રહો છો, અને તો ય એકબીજાની જોડે બોલવાનો સંબંધ પણ નથી, એ શોભે છે તને ? બાપડી શોભના તો બધી રીતે તારાથી નાની છે. એનામાં ધારો કે અક્કલ ના હોય, પણ મોટા ભાઈ તરીકે તારામાં અક્કલ નથી ? હરીફરીને આખી દુનિયામાં એક બેન છે તારે ને તોય એનાથી આવો જુદારો કેમ રાખે છે ?..'

એક સાથે આટલું બોલીને એ લગીર અટક્યાં. ખાટલા ઉપર શોભનાની નજીક સરકીને એના માથે હાથ મૂક્યો. 'માથે રાત જેવું ધાબું છે, બેટા, જરાય ખોટું નહીં બોલું. આ જ શબ્દો બોલીને એને તતડાવી નાખેલો...'

'પછી ? પછી એણે શું જવાબ આપ્યો ?' ફૈબાએ આવું કહ્યું હશે એવો શોભનાને વિશ્વાસ હતો એટલે પ્રશ્ન પૂછીને એ જિજ્ઞાસાથી તાકી રહી.

''હજુ સાંભળ... મેં તો એને એ પણ સંભળાવ્યું કે તું અહીં ગામમાં નગરશેઠ બનીને રોલો પાડે છે અને શોભનાનો દીકરો-તારો એકનો એક ભાણિયો અમદાવાદની કોઈ ફેકટરીમાં મજૂરી કરે છે એ શોભે છે તને ?... ફૈબા તરીકે હજુ મારી ધાક છે એટલે એને આવો દબડાવ્યો ને એણે મૂંગા મોઢે સાંભળી લીધું. એની બૈરી તો રીતસર ડઘાઈ ગઈ હતી. આવી રીતે સપાટો બોલાવી દઈશ એવી એમને ધારણા નહોતી...''એમણે સહાનુભૂતિથી પૂછ્યું. ''અલી, તારો છોકરો તો ભણવામાં એક્કો હતો. તેં એને આગળ ભણાવ્યો કેમ નહીં ?''

કોઇએ દુ:ખતી રગ ઉપર હાથ મૂક્યો હોય એમ શોભનાનો ચહેરો ઢીલો થઇ ગયો, અને અવાજમાં પીડા ભળી. 'ફૈબા, દસ વર્ષ પહેલાં તમારા જમાઈ દેવલોક પામ્યા એ પછી અમે મા-દીકરો કઇ રીતે જીવીએ છીએ, એ મારું મન જાણે છે. પાંચ વર્ષ પહેલાં પંકજ-મારો દીકરો - બારમું ધોરણ પાસ થયો ત્યારે તાલુકાની હાઈસ્કૂલમાં એનો પહેલો નંબર હતો. આગળ ભણ્યો હોત તો અત્યારે એન્જિનીયર થઇ ગયો હોત, પણ દર વર્ષે ફીના સવા લાખ રૂપિયા લાવવા ક્યાંથી ? મારા ને જયંતીભાઈના સંબંધો પણ ત્યારથી જ વણસ્યા...' એ કડવી સ્મૃતિ યાદ કરતી વખતે શોભનાનો અવાજ વધુ ઢીલો થઇ ગયો. ''હું તો મોટાભાઈની રગેરગ જાણું એટલે સોનાની જાળ પાણીમાં નાખવાની મૂર્ખામી ના કરું, પણ પંકજને આગળ ભણવાની હોંશ હતી એટલે બાળકબુધ્ધિથી એણે વિચાર્યું કે જયંતીમામા આખા તાલુકામાં વ્યાજે પૈસા ફેરવે છે અને કરોડપતિ છે એટલે મદદ કરવાની ના નહીં પાડે. મારી અનિચ્છા હતી, એ છતાં એ મને પરાણે સાથે લઇ ગયો. એણે કહ્યું કે મામા, લૉન તરીકે દર વર્ષે ફીના પૈસા તમે આપજો. કમાતો થઇશ એ પછી વ્યાજ સાથે એ પૈસા પૂરેપૂરા ચૂકવી દઈશ.''

જયંતીભાઈ અને ભાભીએ ચોખ્ખી ના પાડી એટલે પંકજની કમાન છટકી. એમના ફળિયામાં જોરથી થૂંકીને કહ્યું કે ચૂલામાં જાય તમારા પૈસા ! તેલ લેવા ગયું ભણવાનું! ગામના નારણ પટેલના જમાઈની અમદાવાદમાં ફેકટરી છે તાકડે એ ગામમાં આવેલા. પંકજે એનો હાથ પકડી લીધો. આજે પાંચ વર્ષથી એ ત્યાં નોકરી કરે છે. એ દિલદાર માણસે છોકરાનું હીર પારખીને ફેકટરીમાં રહેવાની પણ સગવડ કરી આપી છે..' સહેજ અટકીને શોભનાએ ભીના અવાજે ઉમેર્યું. 'એ દિવસે પંકજ તો ગુસ્સે થઇને મામાની ડેલીમાંથી તરત નીકળી ગયો હતો. લગીર રોકાઈને મેં અંદરની ભીંતે બા-બાપાના ફોટાના દર્શન કર્યા. વર્ષોથી મનમાં ઘૂંટાતું હતું પણ બોલી નહોતી, એ બધુંય શાંતિથી સંભળાવી દીધું... કહ્યું કે ભાઈ, તને આ ડેલી અને પૈસા બધું ય બાપાના વારસામાં મળ્યું છે. તારા બનેવી ગુજરી ગયા પછી એકેય દિવસ તેં મારી ને પંકજની સંભાળ રાખી નથી. બાપાની મિલકતમાં આમ તો મારોય અડધો હિસ્સો ગણાય, તું એ ઓળવી ગયો એની સામે મારે કોઈ ફરિયાદ નથી, પણ આજે તેં જે વર્તન કર્યું, એ બદલ હું તને માફ નહીં કરું. આશાભર્યો ભાણિયો ઉછીના પૈસા લેવા આવ્યો હતો, તેં ના પાડીને એની જિંદગી બરબાદ કરી નાખી... ભાઈ-ભાભી, આજથી આપણો સંબંધ પૂરો ! જીવીશ ત્યાં સુધી તારા આંગણે પગ નહીં મૂકું... બસ આટલું કહીને સડસડાટ નીકળી ગઇ હતી...'

શોભનાએ ભીની આંખે ફૈબા સામે જોયું. ''બસ, એ પછી આજની ઘડી ને કાલનો દિ... એ દિશામાં જોયું પણ નથી. ફૈબા, તમે તો સમજદાર છો. મને કહો કે આ જે કંઇ બન્યું એમાં મારો કોઈ વાંક ગુનો ખરો ? બાપાના વારસામાં મને જરાયે રસ નથી, પણ એ દિવસે મારા દીકરાને ભણવા માટે ઉછીના પૈસા આપવાની પણ ના પાડી એટલે ઉશ્કેરાઈને એનો ઉલ્લેખ કરેલો. બાકી મારે એ પૈસા તો ગાયની માટી બરાબર છે. વર્ષે એક વાર ભાઈ સાડલો અપાવે અને વાર-તહેવારે હસીને બોલાવે, એનાથી વિશેષ કોઈ બહેનને કશું ના જોઇએ... '' ભીના અવાજે એણે ઉમેર્યું. 'લોહીના સંબંધમાં આવી ચાલબાજી ના ચાલે, ફૈબા ! જરૂરિયાતવાળો કરગરતો હોય અને તમારી પાસે શક્તિ હોવા છતાં તમે ના પાડો - એ તો તમારી હેવાનિયત કહેવાય.. હશે.. જેવી જેની સમજ...!'

ભત્રીજીની આંખ લૂછીને ફૈબાએ સાંત્વના આપીને ભારે હૈયે વિદાય લીધી. એ પછી બરાબર દોઢ વર્ષે એમણે ટ્રેનને બદલે પ્લેનમાં અમદાવાદ દોડી આવવું પડયું. એરપોર્ટથી રિક્ષામાં બેસીને એ સીધા કિડની હોસ્પિટલ પહોંચ્યાં. જયંતીની બંને કિડની ફેઇલ થઇ ગઇ હતી અને ડાયાલિસિસસ ઉપર એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. હોસ્પિટલ પહોંચ્યા પછી એમને એ સમાચાર મળ્યા એ જાણીને એ સીધા સ્પેશિયલ રૂમમાં ધસી ગયાં.

''શોભના ! દુનિયામાં કોઈ ના કરે એવું તેં કરી બતાવ્યું...'' શોભનાના પલંગ પાસેના સ્ટૂલ પર બેસીને ફૈબા ભીની આંખે બબડતાં હતાં. ''સગપણમાં અને ઉંમરમાં તારાથી મોટી છું, એ છતાં તારા પગે પડવાનું મન થાય છે...'' લાગણીના ધસમસતા પૂરમાં એમનું ગળું રૃંધાયું અને એ આગળ બોલી ના શક્યાં.

'ફૈબા ! એના આંગણે પગ નહીં મૂકવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી, એ તો જીવીશ ત્યાં સુધી પાળીશ...' શોભનાએ ફિક્કું હસીને સમજાવ્યું. 'આખા ગામમાં ચોરે અને ચૌટે એ જ ચર્ચા થતી હતી કે જયંતીશેઠ હવે પાંચ-છ દિવસના જ મહેમાન છે. પાણીની જેમ પૈસા વાપરવા છતાં કોઇની કિડની મેચ નહોતી થતી... અચાનક એક સવારે ભાભીએ ઘેર આવીને રડતાં રડતાં મારા પગ પકડયાં. 

કહે કે શોભનાબેન, મારો ચાંદલો બચાવવાનું હવે તમારા હાથમાં છે... એ ધૂ્રસકે ધૂ્રસકે રડતી હતી. એનો ખંભો પકડીને એને ઊભી કરી. એના આંસુ લૂછીને કહ્યું કે ચિંતા ના કર, હું હજુ જીવતી છું એન મા જણ્યા ભાઈ માટે મારાથી થશે એ બધું કરીશ. રડ નહીં, હું છું ને ?'

એની સાથે અહીં આવી ગઈ. ડૉક્ટરોએ બધા ટેસ્ટ કરીને વધામણી આપી કે બહેનની કિડની મેચ થાય છે, મેં તરત ફોર્મમાં સહી કરી આપી.

પંકજ પણ હોસ્પિટલે દોડી આવ્યો હતો. એ તો રીતસર અકળાયેલો હતો. કરોડપતિ મામાએ વ્યાજે ઉછીના પૈસા આપવાની ના પાડી હતી, એમના માટે થઇને તું તારા જીવનું જોખમ શા માટે લે છે ? મનમાં ડંખ હતો એટલે એ મારા ઉપર ગુસ્સે થઇ ગયેલો. દીકરા તરીકે એને મારી તબિયતની ચિંતા હતી.

મેં એને સમજાવ્યું કે દીકરા ! તારો બાપ મરી ગયો તોય અડીખમ રહીને તારી આ માએ તને મોટો કર્યો છે. એક કિડનીથી જીવવમાં મને કોઈ તકલીફ નહીં પડે.. તું જ કહે કે સગો મોટો ભાઈ આપણી આંખ સામે જીવવા માટે ઝઝૂમતો હોય, તો એને મરવા થોડો દેવાય ? લોહીના સંબંધમાં આપણી પાસે શક્તિ હોય તો આપીને રાજી રહેવું,બેટા ! કોણે શું કરેલું એન શું ના કરેલું એ બધા હિસાબ - કિતાબના ચોપડાં આવા સમેય ઉઘાડવાના ના હોય, દીકરા !

પંકજની રગમાં આમ તો મારું જ લોહી છે ને ? એટલે એના બખાળા પણ એણે બંધ કરી દીધા. ફૈબા ! લોહીના સંબંધમાં હિસાબની હેસિયત કેટલી ? એની શક્તિ હતી, તોય એણે મદદ નહોતી કરી, એ વાત વિસારીને મારી શક્તિ હતી એટલે કિડની આપી દીધી !

અઠવાડિયા પછી રજા આપશે એ પછી એ એના ઘેર એન હું મારા ઘેર... વચનની પાક્કી છું એટલે એની ડેલીમાં પગ નહીં મૂકું.. હા... એને આવવું હોય તો મારા ઘરના બારણાં ખુલ્લાં છે, ફૈબા !...

શોભના રણકતા અવાજે બોલીત હતી. નિમુ ફૈબા ભીની આંખે એના ચહેરા પર ઝળકતા તેજ સામે તાકીને મનોમન વંદી રહ્યાં હતાં.

(શીર્ષક પંક્તિ : લેખક)