Get The App

કોણ કોનો દીકરો ને કોણ કોની માતા નામ વગરના સંબંધો પણ સ્વર્ગસમા દેખાતા

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
કોણ કોનો દીકરો ને કોણ કોની માતા નામ વગરના સંબંધો પણ સ્વર્ગસમા દેખાતા 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- મારા પતિની આ નિશાની અનાથાશ્રમમાં ઠેબાં ખાઈને ઉછરે કે ભીખ માગીને જીવે એ મારાથી નહીં જોવાય. મારામાંથી અડધી રોટલી ખવડાવીને પણ એને મોટો કરીશ

અત્યારે શિયાળો છે, પણ આ વાત શ્રાવણના અંતિમ દિવસોની છે.

'તમારે ફરજિયાત રોકાઈ જવું પડશે.' ફલેટની બાલ્કનીમાંથી ઘનધોર અંધકાર વચ્ચે ધોધમાર વરસાદ વરસતો જોઈને પ્રીતિએ સંદીપ અને સંગીતા સામે જોયું. 'તમે આવ્યા કે તરત વરસાદ શરૂ થયો અને બે કલાકથી ગાંડોતૂર બનીને વરસે છે. આગળ ચાર રસ્તા ઉપર તમારું બાઈક ડૂબી જાય. એટલું પાણી ભરાયું હશે. સ્માર્ટ સીટી અને વિકાસની વાતો થાય છે. પણ વહીવટ વિદૂષક જેવો છે !'

એણે એના પતિ પરેશ સામે જોયું. 'હવે તમે આમને સમજાવો.'

સંદીપ પરેશથી દસેક વર્ષ નાનો હતો. ઓફિસમાં એ પરેશના હાથ નીચે કામ કરતો હતો. એની પત્ની સંગીતાને લઈને એ આ તરફ આવ્યો હતો. પરેશે આગ્રહ કરીને એ બંનેને જમવા માટે રોક્યાં હતાં અને વરસાદ તૂટી પડયો હતો. 'પ્રીતિ સાચું કહે છે.' પરેશે સમજાવ્યું.'ગયા સોમવારે મારે સ્કૂટર ત્યાં મૂકીને પાણી ખૂંદીને ઘેર આવવું પડેલું.'

'મારી બાનો સ્વભાવ તો તમે જાણો છો.' સંદીપે પરેશ સામે જોયું.'એ બાપડી રાહ જોઈને ભૂખી-તરસી બેઠી હશે.'

'એક કામ કર. તારો મોબાઈલ બગડી ગયો છે, તો અહીંથી ફોન કરીને એમને સમજાવી દે કે નીકળાય એવું નથી. સવારે આવી જઇશું.'

સંદીપે ઉભા થઈને ફોનનું રિસીવર ઉઠાવ્યું. વૃધ્ધ માતા સમજી શકે એ રીતે આખી પરિસ્થિતિ સમજાવી. એ વાત કરતો હતો ત્યારે સંગીતા પણ ઉભી થઈને એની પાસે પહોંચી ગઈ. સંદીપનો ખુલાસો પૂરો થયો પછી એણે રિસીવર સંગીતાને પકડાવ્યું. 'બા, તમને તકલીફ પડશે, પણ અહીંથી નીકળાય એવું નથી. ચાલીને રોડ સુધી જઈએ, તોય ત્યાંથી કોઈ રિક્ષાય ના મળે.'સંગીતાએ શાંતિથી સમજાવ્યું. 'ગેસ ઉપર ડબ્બામાં ભાખરી છે. ફ્રીઝમાં દૂધ છે. ફ્રીઝ ઉપર કેળાં અને સફરજન પડયાં છે. અમારી ચિંતા કર્યા વગર આરામથી જમીને સૂઈ જજો. કંઈ કામ હોય તો બાજુવાળા જસુબેનને બૂમ પાડીને બોલાવી લેજો.' એણે યાદ કરીને ઉમેર્યું.'ગયા મહિને એમને તાવ આવેલો ત્યારે આખી રાત જાગીને મેં એમને પોતાં મૂક્યાં હતાં, એટલે એમને હકથી બોલાવી લેજો. ઉભા ડબ્બામાં ગાંઠિયા અને ચવાણું પણ છે. આજની રાત જેમ તેમ કરીને રોડવી લેજો. સવારે પાણી ઉતરશે કે તરત અમે આવી જઈશું.'

એ જે રીતે સાસુને પ્રેમથી સમજાવતી હતી એ સાંભળીને પ્રીતિએ પરેશ સામે જોયું. વાત પૂરી કરીને સંદીપ અને સંગીતા પાછા સોફામાં ગોઠવાઈ ગયાં હતા.

'સંગીતા ખરા અર્થમાં સંદીપની અર્ધાગિની છે. અને સંદીપ સાચો માતૃભક્ત છે.' પત્નીના ચહેરા પરનો પ્રશ્નાર્થ વાંચીને પરેશે એને સમજાવ્યું.'સંદીપ એની બાની જે રીતે કાળજી રાખે છે એ આજના યુગમાં અસામાન્ય છે. ગયા વર્ષે એને પ્રેમોશન મળ્યું ત્યારે મેં એને ખૂબ સમજાવેલો, પણ બાને છોડીને છેક ભૂજ જવાની એની તૈયારી નહોતી એટલે એણે પ્રમોશન જતું કરેલું. પતિ પોતાની માતાની જે કાળજી રાખે છે. એ જોયા પછી સંગીતા પણ સાસુને સાચવે છે. આ માણસ ઓફિસમાં પણ આદર્શ માતૃભક્ત તરીકે ઓળખાય છે.' એમણે સંદીપ અને સંગીતા સામે જોયું. 'મારી વાત ખોટી છે ?'

બંનેએ હસીને સાહેબની વાતમાં સંમતિ આપી.

'છ મહિના અગાઉ એક કોમેડી કિસ્સો બનેલો.' પરેશે યાદ કરીને પત્ની સામે જોયું. 'ઓડિટની તૈયારી માટે રાત્રે ઓફિસમાં રોકાવાનું હતું. હોટલમાંથી જમવાનું મંગાવી લીધેલું અને બધાએ ફોન કરીને પોતાના ઘેર જાણ કરી દીધેલી. આ હીરો કામમાં એવો ગૂંચવાઈ ગયેલો કે ઘેર કહ્યું નહીં. નસીબજોગે એ દિવસે આ સંગીતા પિયર ગયેલી. ત્રણેક વાગ્યા સુધી કામ ચાલ્યું એ પછી બધા ઓફિસમાં જ સૂઈ ગયેલા... સવારે સાત વાગ્યે સંદીપના બા પડોશના બે યુવાનોને લઈને ચિંતાતુર ચહેરે ઓફિસમાં આવેલાં..'

હસીને આટલું કહ્યા પછી પરેશ ગંભીર બન્યો. 'સંદીપની બા તો સાક્ષાત દેવી છે. ત્રણ વર્ષ અગાઉ સંદીપની બંને કિડની ખરાબ થઈ ગઈ હોવાથી એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. એ વખતે આ બાએ સંગીતાનો આ ચાંદલો સલામત રાખેલો. કિડની આપવાનું કામ જોખમી છે, એ જાણવા છતાં હાથ જોડીને આ બા ડોક્ટરને કરગરતાં હતાં કે સાહેબ ! જરૂર પડે તો મારી બંને કિડની લઈ લો, પણ મારા દીકરાને બચાવી લો. એ વખતે સ્ટાફમાંથી ત્યાં હાજર હતા એ બધાની આંખ ભીની થઈ ગઈ હતી. અત્યારે મા-દીકરો બંને એક એક કિડની ઉપર જીવે છે ! રિયલી ગ્રેટ !'

ઓરડાનું વાતવરણ ભારેખમ બની ગયું. આવું તો દુનિયાની કોઈ સ્ત્રી ના કરી શકે. સંગીતાના અવાજમાં આદરભાવ સાથે સાચુકલી લાગણી છલકાતી હતી. ઘરમાં પણ એમની હાજરીનો જરાયે ભાર ના લાગે. બે ટાઈમ જમવાનું અને ત્રણ ટાઈમ ચા મળવી જોઈએ, બાકી કશી માથાકૂટ નહીં. ખરેખર ગયા ભવમાં મેં ખૂબ પુણ્ય કર્યા હશે, તે આવા સાસુ મળ્યાં !

ભારેખમ વાતાવરણને હળવું બનાવવા પરેશે પત્નીને માહિતી આપી. આ માતૃભક્તિની બીજી આદત પણ જાણવા જેવી છે. તરત હિસાબ ચૂકતે કરવાનો એનો સ્વભાવ છે. મારા ટેબલ ઉપર ચા પીધી હોય તો સાંજ સુધીમાં ગમે તેમ કરીને મને ચા ના પીવડાવે ત્યાં સુધી એને ચેન ના પડે. કોઈકનો જન્મદિવસ હોય અને એનો આઈસક્રીમ ખાધો હોય તો લગભગ એ આઇસક્રીમની કિંમતની પેન કે બીજી કોઈ ભેટ લાવીને પેલાને પકડાવી દે, ત્યારે જ એને શાંતિ થાય. કોઈના ઉપકારની ઉધારી એને જરાયે ના ગમે.

સહેજ વિચારીને પ્રીતિ હસી પડી એટલે સંગીતાએ પૂછ્યું. 'કેમ હસવું આવ્યું ?'

'તમારા મિસ્ટરની આ ખૂબી સાંભળીને.' પ્રીતિએ હસીને ખુલાસો કર્યો. 'આજે તમે અહીં જમ્યાં એટલે એ અમને વહેલામાં વહેલી તકે જમવા બોલાવવાનું વિચારતા હશેને ?' સંગીતાનો હાથ પોતાના હાથમાં જકડીને એણે ઉમેર્યું. 'ખાલી ગમ્મત કરું છું. અમારે જમવા નથી આવવાનું.'

'એવી અંચઈ ના ચાલે, મોટાંબેન, જમવા તો આવવું જ પડશે.' પરેશ અને પ્રીતિ સામે જોઈને સંદીપે તરત આમંત્રણ આપ્યું. આવતા રવિવારે અમારે ત્યાં જમવા આવવાનું છે. કોઈ બહાનું નહીં ચાલે. ભૂલ્યા વગર રવિવારે સવારથી આવવાનું છે.

'અરે ગાંડા, પ્રીતિ તો મશ્કરી કરતી હતી, એને સિરિયસલી નહીં લેવાની ! જાણે વેર વાળવાનું હોય એમ કોઈ કારણ વગર તું જમવા બોલાવે એ ના ચાલે.'

'કારણ છે.' સંદીપે તરત જવાબ આપ્યો.

'રવિવારે મારા બા બાપાનું ભેગું શ્રાધ્ધ છે, એટલે તો આમંત્રણ આપ્યું.'

એ જે બોલ્યો એ સાંભળીને પરેશ અને પ્રીતિએ તરત એકબીજાની સામે જોયું.

'બા-બાપાનું શ્રાધ્ધ ?' પરેશે આશ્ચર્યથી પૂછ્યું. તો પછી આ બા ?

' એ કથા માનવામાં ના આવે એવી છે.' સંદીપના અવાજમાં ભીનાશ ભળી. આ બાએ એમની કૂખેથી મને જન્મ નથી આપ્યો, એ છતાં સગી જનેતા કરતાં પણ વધુ પ્રેમથી મને જાળવ્યો છે. સાચું કહું છું, સાહેબ ! એક તરફ સાક્ષાત અંબાજીમાતા આવીને ઉભાં હોય તો પણ હું પહેલાં તો આ બાના ચરણે જ માથું ઝૂકાવું. સંસારની કોઈ સ્ત્રીના હૈયામાં ના હોય એટલી દયા, માયા અને કરૂણા મેં એની આંખોમાં જોઈ છે.

લાગણીશીલ બનીને એ અટકી ગયો એટલે પ્રીતિ બબડી. 'ગ્રેટ! સાવકી માતા આવો સ્નેહ આપે એ બહુ મોટી વાત છે !'

'આમ તો એ સાવકી મા પણ નથી.' ગળગળા અવાજે સંદીપે આગળ કહ્યું. આ બાનું નામ લીલા. મારા બાપા સ્કૂલમાં શિક્ષક હતા. લીલાબા સાથે એમનાં લગ્ન થયેલા. બે વર્ષ બહુ સુખેથી પસાર થયા પછી મારા બાપા મુક્તા નામની એક. શિક્ષિકાના પ્રેમમાં પડયા. લીલાબા ઘર રખ્ખું ગૃહિણી. સાવ ભોળી.. એના કાને વાત આવી ત્યાં સુધીમાં તો પેલા બંનેનું પ્રેમપ્રકરણ ખૂબ આગળ વધી ગયું હતું. મારા બાપાએ લીલાબાને છૂટાછેડા આપીને મુકતા સાથે લગ્ન કરી લીધાં !

સામી દિવાલ ઉપર જાણે દૃશ્યો દેખાતાં હોય એમ એ તરફ તાકીને સંદીપ ધીમા અવાજે બોલતો હતો. પરેશ અને પ્રીતિ સ્તબ્ધ બનીને સાંભળતાં હતાં. એ પછી મુકતાની કૂખે મારો જન્મ થયો. હું દોઢ વર્ષનો હતો ત્યારે સ્કુલમાંથી આબુ-અંબાજીનો પ્રવાસ ગોઠવાયેલો. પહેલી જ સીટ પર હું મુકતાના ખોળામાં બેઠેલો. ખેડબ્રહ્મા દર્શન પતાવ્યા પછી બસ ધમધમાટ આગળ વધતી હતી, એ જ વખતે એક ટ્રક ધડાકા સાથે અમારી બસ સાથે અથડાઈ, હું ઉછળીને બીજી તરફ ફેંકાયો. મુકતાબા અને મારા બાપાના ગળામાં ટ્રકનું પતરું ઘૂસી ગયું અને એ બંનેય ઓન ધ સ્પોટ.

લગીર અટકીને એણે બે ઘૂંટડા પાણી પીધું. 'મુક્તાને પિયરમાં કોઈ હતું નહીં. બાપાને એમના બે ભાઈઓ સાથે સંબંધ નહોતો રહ્યો. સાવ નિરાધાર દશામાં હું રડતો હતો ને ગામલોકો ગૂંચવાયા હતા. એ વખતે લીલાબાએ આવીને મારા માથે હાથ મૂક્યો અને વહાલથી ખેંચીને ખોળામાં બેસાડી દીધો ! આખું ગામ મોંઢામાં આંગળા નાખી ગયું. આવી મૂર્ખામી ના કરાય એવું ઘણાએ લીલાને સમજાવ્યું, પણ લીલા મક્કમ હતી. એકવાર તો એ મારો વર હતો..એણે રણકતા અવાજે ગામલોકોને એક જ જવાબ આપ્યો કે મારા પતિની આ નિશાની અનાથાશ્રમમાં ઠેબાં ખાઈને ઉછરે કે ભીખ માગીને જીવે એ મારાથી નહીં જોવાય. મારામાંથી અડધી રોટલી ખવડાવીને પણ એને મોટો કરીશ. પેલા બંનેને તો ઉપરવાળાએ એમના ગુનાની સજા આપી દીધી, પણ એમાં આ ફૂલનો શું વાંક ? જાત ઘસીને પારકાં કામ કરીને પણ લીલાબાએ મને ઉછેર્યો. 

પોતે ભૂખી રહીને મારા મોંમાં કોળિયાં મૂક્યાં. કાયદેસરનો કોઈ સંબંધ ના હોવા છતાં સગી મા કરતાંય વિશેષ વહાલથી મને મોટો કર્યો. એ દેવી માટે જીવ આપી દઉં તોય એનો ઉપકાર ક્યારેય નહીં ચૂકવાય.'

સંદીપે પરેશ અને પ્રીતિ સામે જોયું અને ભીના અવાજે ઉમેર્યું. 'સાહેબ ! સ્ટાફના અમુક તો માતૃભક્ત કહીને મારી મજાક ઉડાવે છે, પણ મને એની પરવા નથી. આવી માતાનું ઋણ તો સાત જન્મમાં પણ નહીં ઉતારી શકું.'

સંદીપ લાગણીશીલ બનીને બોલતો હતો. ઓરડાનું વાતાવરણ ફરીથી ભારેખમ બની ગયું હતું.

( શીર્ષક પંક્તિ: લેખક)