Get The App

માર્ગમાં ક્યારેક એવું થાય છે કોઇ ચહેરો યાદ આવી જાય છે

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
માર્ગમાં ક્યારેક એવું થાય છે કોઇ ચહેરો યાદ આવી જાય છે 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- શુભદાએ ચોંકીને પુસ્તક બંધ કરીને આશ્ચર્યથી સુકેતુ સામે જોયું. 'અંકલ, તમને કઈ રીતે ખબર? તમે ઓળખો છો મારા પપ્પાને?'

'સ વારની ફલાઈટમાં મુંબઈથી અમદાવાદ આવી ગયો છું. અહીંના થોડાં કામ પતાવીને એક વાગ્યાની વોલ્વોમાં ટિકિટ બૂક કરાવી દીધી છે...' પચાસ વર્ષનો સુકેતુ વ્યાસ મોબાઈલ ઉપર પોતાના બાળગોઠિયા અનિલ ગણાત્રા સાથે વાત કરી રહ્યો હતો. '.... સાડા પાંચ વાગ્યે રાજકોટ પહોંચીશ. તું લીમડા ચોક મને લેવા આવજે.' અનિલે ખુશ થઈને હા પાડી અને સુકેતુએ મોબાઈલ ખિસ્સામાં મૂક્યો.

પાલડીથી ટ્રાવેલવાળા નાની બસમાં બધા પેસેન્જરોને વારાફરતી હાઈવે પર લઈ ગયા. વોલ્વો ત્યાં ઊભી હતી. બધા પેસેન્જરો ધીમે ધીમે અંદર ગોઠવાઈ રહ્યા હતા. સુકેતુની જોડેની સીટનો પેસેન્જર સવા વાગ્યા સુધી આવ્યો નહોતો, એટલે એ સીટ ખાલી જ રહી અને વોલ્વો ઉપડી ગઈ.

અર્ધો કલાક પછી છેક આગળની લેડિઝ સીટ પર ધમાલ થઈ ગઈ. ટ્રાવેલ્સની જે બસો સૌરાષ્ટ્ર તરફ જતી હોય છે, એમાં એકલી મહિલાને કોઈ પુરુષની જોડેની સીટ નથી અપાતી. એવી બે સ્ત્રીઓ હોય તો એમને જોડાજોડ સીટ અપાય છે. પચાસેક વર્ષની મહિલાની પાસેની સીટ ચોવીસેક વર્ષની યુવતીને આપી હતી. એ મહિલા ઘેરથી દાબીદાબીને જમીને આવી હશે એટલે એણે એવી જબરજસ્ત ઉલટી કરી કે પાસે બેઠેલી યુવતી ચીસ પાડીને ઊભી થઈ ગઈ. એની આખી સીટ ખરડાઈ ગઈ હતી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

એ યુવતીની પાસે આવીને કંડકટરે કહ્યું કે વાંધો ન હોય તો પાછળ સોળ નંબરની સીટ પર વડીલની જોડે બેસી જાવ. એ યુવતી બેગ લઈને આવી અને સહેજ સંકોચાઈને સુકેતુની પાસે બેઠી. 'આરામથી બેસ, બેટા, અને આ બેગ પગ પાસે સરખી રીતે ગોઠવી દે, તો તને બેસવામાં તકલીફ નહીં પડે.'

'થેંક્યુ અંકલ...' સુકેતુ સામે આભારવશ નજરે જોઈને એ ધીમેથી બોલી અને વ્યવસ્થિત રીતે બેગ ગોઠવી. બેગ ગોઠવતાં અગાઉ એમાંથી એક પુસ્તક કાઢીને એણે પૂરી એકાગ્રતાથી એ વાંચવાનું શરૂ કર્યું. પુસ્તક ઉપર ખાખી પૂંઠું ચડાવેલું હતું અને એના ઉપર મોતીના દાણા જેવા અક્ષરે જે નામ લખેલું હતું, એ સુકેતુએ જોઈ લીધું. એ નામ જોયા પછી સુકેતુએ ધ્યાનથી એ યુવતી સામે જોયું. લંબગોળ ચહેરામાં વિશાળ કપાળ, પાતળું નાક, ચપોચપ ઓળેલા કાળા ભમ્મર વાળ અને મંદિરના ગર્ભગૃહના દીપકની નિષ્કંપ જ્યોતિ જેવી નિર્મળ પારદર્શક આંખો...

'શુભદા જે. દવે...' નામ વાંચ્યા પછી સુકેતુ અનાયાસે જ બબડયો એટલે એ યુવતી-શુભદાએ સહેજ ચમકીને એની સામે જોયું. એણે સામે જોયું એટલે સુકેતુએ હળવેથી પૂછ્યું, 'શુભદા જે. દવે... એમાં જે એટલે જયંત ?'

હવે શુભદાએ ચોંકીને પુસ્તક બંધ કરીને આશ્ચર્યથી સુકેતુ સામે જોયું. 'અંકલ, તમને કઈ રીતે ખબર ? તમે ઓળખો છો મારા પપ્પાને ?'

'અઠ્ઠેગઠ્ઠે' સુકેતુએ હસીને કહ્યું. 'ક્યારેક આ રીતે આકસ્મિક કરેલી ધારણા ચમત્કારિક રીતે સાચી પડી જાય છે...' આશ્ચર્યથી તાકી રહેલી શુભદા સામે જોઈને એણે ઉમેર્યું. 'હવે તારા દાદા-જયંતભાઈના પપ્પાના નામનો પહેલો અંગ્રેજી અક્ષર બોલ. અઠ્ઠેગઠ્ઠે એમનું નામ પણ કહીશ.'

'આઈ કાન્ટ બિલિવ, એ છતાં, લેટ મી ટેસ્ટ. એમનું નામ અંગ્રેજી 'એ' અક્ષરથી શરૂ થતું હતું.'

'એ મિન્સ..' અર્ધી મિનિટ વિચારીને સુકેતુએ શુભદા સામે જોયું. 'આઈ એમ નોટ શ્યૉર, પણ તારા દાદાનું નામ અંબાલાલ હોવું જોઈએ.'

'ગ્રેટ ! તમે જાદૂગર છો, અંકલ ?' આંખો પહોળી કરીને શુભદા મુગ્ધભાવે સુકેતુ સામે તાકી રહી હતી. 'યા તો તમને અમારા આખા ફેમિલીનો પરિચય છે અથવા તમે ગ્રેટ જાદૂગર છો !'

'ટાઈમપાસ માટે તર્ક લડાવ્યો, એમાં તું માને છે, એવું કંઈ નથી.' સુકેતુએ સમજાવ્યું. 'તું તેવીસ-ચોવીસની છે, એટલે તારા પપ્પાની ઉંમર પચાસેક વર્ષની હોય. એ સમયે બ્રાહ્મણ જ્ઞાતિમાં જે નામો પ્રચલિત હોઈ શકે એ વિચારીને એક નામ કહી દીધું. તારા દાદાનું નામ તો સો વર્ષ અગાઉનું હોય એ રીતે વિચાર્યું અને બંને વખત મારી ધારણા સાચી પડી...'

આટલું કહીને સુકેતુએ હસીને ઉમેર્યું, 'હવે તને વાંચવામાં ડિસ્ટર્બ નહીં કરું. મારે પણ રાતનો ઉજાગરો છે. તું શાંતિથી વાંચ. હું આરામથી ઊંઘી જઈશ.'

સુકેતુએ સહેજ પગ લંબાવ્યા અને આંખો બંધ કરી. શુભદાએ વાંચવાનું શરૂ કર્યું પરંતુ હજુય એના મનમાં આશ્ચર્ય છવાયેલું હતું.

લીમડા ચોકમાં વોલ્વો ઊભી રહી ત્યારે સુકેતુને લેવા અનિલ ગણાત્રા હાજર હતો. શુભદાનેલેવા માટેકોઈ વડીલ આવેલા હતા એ સુકેતુએ જોયું.

બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે કાલાવડ રોડ ઉપર મહિલા હાઈસ્કૂલમાં વાઈસ પ્રિન્સિપાલ માટેના ઈન્ટરવ્યૂ હતા. બાવીસ ઉમેદવારો ઉચાટ સાથે વિશાળ ઓરડામાં બેઠા હતા. જે ઉમેદવાર ઈન્ટરવ્યૂ આપીને બહાર આવે એને બીજા બધા પૂછતા હતા કે અંદર શું પૂછે છે ? અંદરની ઓફિસમાં વિશાળ ટેબલની સામે ત્રણ જણા બેઠા છે. એમાંથી જમણી બાજુબેઠેલો આપણા સર્ટિફિકેટસ્ જોઈને બાકીના બંનેને જાણકારી આપે છે. ડાબી બાજુ બેઠેલો શિક્ષણને લગતા સવાલ પૂછે છે... એ બંને કરતાં વચ્ચે બેઠેલા માણસનું વજન જ વધારે પડે છે. બધી સત્તા એના હાથમાં જ હોય એવું લાગે છે.. આટલી જાણકારી બાકીના બધા ઉમેદવારોને મળી ચૂકી હતી.

તેરમા ઉમેદવાર તરીકે પટાવાળો શુભદાનું નામ બોલ્યો. હાથમાં સર્ટિફિકેટસ્ની ફાઇલ લઈને શુભદા આત્મવિશ્વાસથી આગળ વધી.

'મે આઈ કમ ઈન, સર ?' આટલું બોલીને એ ઑફિસના બારણે ઊભી તો રહી, પરંતુ સામે વચ્ચે બેઠેલા સુકેતુને જોઈને એનું મોં આશ્ચર્યથી ખૂલી ગયું. 'ઓહ ગોડ ! વોટ આ પ્લેઝન્ટ સરપ્રાઈઝ ! અંકલ ! તમે અહીં ? રિયલી, યુ આર ગ્રેટ મેજિશિયન !'

પોતે ઈન્ટરવ્યૂ આપવા આવી છે એ ભૂલીને શુભદાથી આવું બોલાઈ ગયું એટલે સુકેતુએ હસીને ટકોર કરી, 'તું ઈન્ટરવ્યૂ આપવા આવી છે કે ઈન્ટરવ્યૂ લેવા ?'

'ઓહ સોરી ! આઈ એમ એક્સ્ટ્રિમલી સોરી !' બંને હાથે કાનની બૂટ પકડીને શુભદાએ માફી માગી. પછી હાથ જોડીને ઊભી રહી એટલે જમણી બાજુ બેઠેલાએ એને ખુરસીમાં બેસવા ઈશારો કરીને સર્ટિફિકેટસ્ની ફાઈલ માગી.

'શુભદા જયંતભાઈ દવે...' પેલાએ ફાઈલ જોઈને બાકીના બંનેને માહિતી આપી. 'બી.એ. વિથ ઇંગ્લીશ અને એમાં બે ગોલ્ડમેડલ સાથે યુનિવર્સિટીમાં ફર્સ્ટ. એમ.એ. વિથ ઇંગ્લીશ, ફર્સ્ટ ક્લાસ. બી.એડ્. વિથ ડિસ્ટિંગ્શન અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ...' આટલું કહીને એણે એ ફાઈલ સુકેતુ તરફ ખસેડી. શુભદાની શૈક્ષણિક લાયકાત જોયા પછી ડાબી બાજુ બેઠેલા સજ્જને વધુ પ્રશ્નો ના પૂછ્યા અને હવાલો સુકેતુને આપ્યો.

'બી.એ. અને એમ.એ.માં તમારી લાયકાતના આધારે તમે લેક્ચરર કે પ્રોફેસરની જોબ માટે પણ પ્રયત્ન કરી શક્યા હોત..' સુકેતુએ પૂછ્યું, '... તો પછી આ હાયર સેકન્ડરી સ્કૂલમાં અરજી કરવાનું કોઈ કારણ ખરું ?'

'કારણ થોડું અંગત કહેવાય એવું. આર્થિક અવદશા...' ઊભા થઈને જવાબ આપતીવખતે શુભદાના ભીના અવાજમાં વેદના છલકાતી હતી. 'હમણાં જે કમોસમી જોરદાર વરસાદ આવ્યો એમાં મારા પપ્પાના સ્કૂટરને અકસ્માત થયો. રોડના ડિવાઈડર સાથે માથું અથડાયું અને એ ઓન ધ સ્પોટ..'

સહેજ અટકીને એણે સામે બેઠેલા ત્રણેયની સામે જોયું. 'પપ્પાની સાથે આવકનું પણ અવસાન થયું. મારે અને મમ્મીને જીવવા માટે પૈસા તો જોઈએને ? એક દૂરના મામા અહીં રાજકોટમાં રહે છે, એમણે ધ્યાન દોર્યું કે તરત અરજીકરી. પ્રોફેસરની નોકરી તો ક્યારે મળે એ શી ખબર ? અહીં સિલેક્ટ થઈશ તો મમ્મીને અહીં બોલાવી લઈશ.'

હાથ જોડીને બધાને નમસ્કાર કરીને એ ઊભી જ રહી. 'બધા માટે જમવાની વ્યવસ્થા કરી હોવાથી બધાને રોકાવાનું કહ્યું છે..' જમણી બાજુવાળાએ સૂચના આપી. 'બહાર બેસજો..'

શુભદા બહાર ગઈ ત્યારે સુકેતુ વિચારમાં ડૂબી ગયો હતો.

***

રાત્રે અનિલ ગણાત્રાના ઘેર જમ્યા પછી અનિલ અને સુકેતુ સોફા પર બેઠા હતા. અનિલની પત્ની અલકા આઈસક્રીમના ત્રણ બાઉલ લઈને આવી, અને એ બંનેને આપીને પોતે પણ સામે સોફા પર ગોઠવાઈ ગઈ.'અમારા શ્રીમતીજીને આ ઉંમરે આઈસક્રીમનો અને પ્રેમલા-પ્રેમલીની વાર્તાઓ વાંચવાનો જબરો શોખ છે..' સુકેતુને આટલું કહ્યા પછી અનિલે અલકા સામે જોયું... 'આ સુકેતુના બાપાનો રાજકોટમાં વટ હતો. આ હાઈસ્કૂલની એમણે જ શરૂઆત કરાવેલી અને જીવ્યા ત્યાં સુધી એના ટ્રસ્ટી રહેલા...' એ પછી એણે હસીને ઉમેર્યું, 'આ મારો દોસ્તાર દેવદાસની ઝેરોક્સ કોપી છે. ચોવીસ વર્ષની ઉંમરે પ્રેમમાં પછડાટ ખાધા પછી આજ સુધી એકલો જ રહ્યો છે ! અમદાવાદ છોડીને મુંબઇમાં કારોબાર જમાવ્યો દોમદોમ સાહ્યબી છે, અનેક કન્યાના મા-બાપ એને કરગરી ગયેલાં, પણ પેલીની યાદમાં એ હજુ સુધી ઝૂર્યા કરે છે. સહુ સગાં-સંબંધીઓને બહુ વિવેકથી ના પાડી દીધેલી અને એકલા રહેવાનું જ  સ્વીકારી લીધું !

'ગ્રેટ !...' અલકાએ સુકેતુ સામે જોઈને કહ્યું, 'હું બીજો આઈસક્રીમ લઈને આવું છું, પણ તમારી પ્રેમકહાણી તમારા મોઢે જ સાંભળવી છે. પ્લીઝ, ના નથી કહેવાની...'

આટલું કહીને એ ઝડપથી ઊભી થઈને ફ્રીઝમાંથી ત્રણેય બાઉલ્સ ફરીથી ભરીને લઈ આવી. સુકેતુ અને અનિલના હાથમાં આઈસક્રીમ આપ્યા પછી એ આશાભરી નજરે સુકેતુ સામે જોઈ રહી.

'સુકેતુભાઈ ! આટલાં વર્ષે પહેલી વાર અમારા ઘેર આવ્યા છો, તો મને નિરાશ ના કરતા. હૈયું ખોલીને વાત કરશો, તો તમારું મન પણ હળવું થશે. પ્લીઝ, મારું કહ્યું માનવું પડશે...'

અલકા આગ્રહ કરતી હતી. સુકેતુની આંખ સામે ભૂતકાળના દ્રશ્યો છલકાઈ રહ્યાં હતાં.

(આવતા બુધવારે વાર્તા પૂરી થશે.)