Get The App

આમાં ભગવાનનું માણસ કોણ, બોલો તો?

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
આમાં ભગવાનનું માણસ કોણ, બોલો તો? 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- બંનેએ બેલા સામે ધ્યાનથી જોયું. પછી અભિષેકને ગંભીરતાથી પૂછયું. 'બહુ રોકાવાનું તો નથીને? તમે સાવ ભોળા અને અજાણ્યાં છો એટલે પૂછયું કે રાત તો નથી રોકાવાનાને ?'

'વા તાવરણ વિચિત્ર છે એટલે ગાડી સાચવીને ચલાવજે..'  ઇલાબહેને દીકરા સામે જોયું. 'નોરતામાં વરસાદ પડયો છે, એ નવાઈ જેવું છે. ત્યાં ગામડાના રસ્તાં પણ તારા માટે અજાણ્યાં છે. તું  હાઈવે ઉપર ગાડી લઈને જાય છે, ત્યારે મનમાં સતત ઉચાટ રહ્યા કરે છે.'

'જરાય ચિંતા ના કરતી.' અભિષેકે હસીને માતાને સમજાવ્યું. 'એકલો હોઉં ત્યારે ક્યારેક મસ્તીમાં કારની સ્પીડ વધી જાય, પણ આજે તો મારો આખો પરિવાર સાથે છે, એટલે શાંતિથી ચલાવીશ.' અભિષેકે એની પત્ની બેલા સામે સ્મિત ફરકાવ્યું. બેલાના ખોળામાં આઠ મહિનાનો પિન્ટુ આરામથી ઊંઘતો હતો. એ બંને તરફ આંગળી ચીંધીને અભિષેકે ઇલાબહેન સામે જોયું. 'આ બંનેને સહીસલામત ઘેર પાછા લાવવાની મારી જવાબદારી સમજું છું. અહીંથી દૂર ક્યાં જવાનું  છે? માત્ર અઢી કલાકનો રસ્તો છે. રામપુર પહોંચીને તરત  ફોન 

કરીશ. બસ?'

'તારા દેવુકાકા તો તને જોવા માટે રીતસર તરસી રહ્યાં છે. એમનો કોઈ ફોન કે મોબાઈલ નંબર તો આપણી પાસે ક્યાંથી હોય? દસેક દિવસ અગાઉ ગામના સરનામે પોસ્ટકાર્ડ લખીને જાણ કરી હતી કે અભિષેક હવે બત્રીસ વર્ષનો થઇ ગયો છે અને લગ્ન કરીને એક છોકરાનો બાપ પણ બની ગયો છે. એની વહુ અને આઠ મહિનાના દીકરાને વતનનું ગામડું બતાવવા માગે છે એટલે એ  બંનેને લઈને ત્યાં આવવાનું વિચારે છે. કાગળમાં મેં આપણો ફોન નંબર લખ્યો હતો. પોસ્ટકાર્ડ વાંચીને એ તો હરખથી ગાંડા જેવા થઇ ગયાં હશે. તરત મને ફોન કર્યો ને કીધું કે ચોક્કસ મોકલો. મારા સ્વર્ગવાસી ભાઈના એકના એક દીકરાને જોવા માટે આંખો તરસી રહી છે. એ બહુ લાગણીથી કહેતાં હતાં કે આપણા કુટુંબનો એકનો એક વારસદાર વતનનું ઘર જોવા આવે એ તો મારું સદ્દભાગ્ય કહેવાય.'

ઇલાબહેનના અવાજમાં ભીનાશ ભળી. જૂની સ્મૃતિઓ યાદ કરીને બોલતી વખતે એ ગંભીર બની ગયાં. 'એકદમ ભગવાનના માણસ. સ્કૂલના પ્રિન્સિપાલ છે તોય જરાયે અભિમાન નહિ. સાવ સાદું જીવન. ઉંમરમાં તારા પપ્પાથી ચાર વર્ષ નાના, પણ સમજણ બહુ ઊંચી. ગાંધીજી જેવા સાચા સિદ્ધાંતવાદી. એમને આપણા માટે લાગણી ઘણી પણ સંજોગો એવા હતાં કે ગામ છોડયા પછી મેં કોઈ દિવસ એ દિશામાં જોયું નથી. ગામમાં ક્યારેય પગ મૂક્યો નથી.'  એમણે અભિષેક અને પુત્રવધૂ સામે જોઇને સમજાવ્યું.  'ક્યારેક ક્યારેક કોઈક સારા-માઠા પ્રસંગે ગામનું કોઈ મળી જાય ત્યારે ઊડતાં સમાચાર મળે એના ઉપરથી એમનાં વિશે છૂટક છૂટક જાણવા મળે. આપણે ગામ છોડયું, એ પછી બે વર્ષ બાદ એમણે લગ્ન કરેલાં પણ એમનાં જીવનમાં સુખ નહોતું લખાયેલું એટલે એમની વહુ, તારી કાકી ઘરમાં આવીને માંડ ચાર વર્ષ જીવી. એ દિવસથી એ એકલાં જ છે. એ ધૂળિયા ગામની નિશાળનાં છોકરાંઓ એ જ એમનો પરિવાર..'

ઇલાબહેનના અવાજની ગંભીરતા વધુ ઘેરી બની. 'ભગવાને મારી કસોટી કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. તું  એકાદ વર્ષનો હતો એ જ વખતે આભ તૂટી પડયું. નખમાંય રોગ નહોતો, ને તારા પપ્પા ગુજરી ગયાં. રાત્રે સૂતાં અને સવારે હું જગાડવા ગઈ ત્યારે આંખ જ ના ખોલી! મને અને તને રઝળતાં મૂકીને અચાનક એવી રીતે એ જતાં રહ્યાં કે હું સાવ ભાંગી પડેલી. એ વખતે તો હું માંડ અઠ્ઠયાવીસ વર્ષની. ભણતર ખાલી નવ ધોરણ સુધીનું એટલે શું કરવું એ કંઈ સૂઝે નહિ. બે દિવસ સુધી તો તને છાતીએ વળગાડીને રોયા કર્યું. તારો મામો તો તરત દોડતો આવીને  પડછાયાની જેમ પડખે ઊભો રહ્યો હતો. એમણે કહ્યું ને ત્રીજા દિવસે તને કાખમાં તેડીને એમની સાથે અહીં અમદાવાદમાં એમનાં ઘેર આવી ગઈ. બસ, એ દિવસે ગામ છોડયું એ છોડયું. અહીં મામાની ઓથ મળી ગઈ. એમની મદદથી તને ભણાવ્યો, ગણાવ્યો ને એન્જિનિયર બનાવ્યો. તારા પપ્પા અવસાન પામ્યાં એ પછી ત્રીજા જ દિવસે હું અહીં આવી ગઈ હતી અને એ કપરા કાળમાં તારા કાકાએ ટેકો નહોતો આપ્યો. એને લીધે તારા મામાને એમનાં ઉપર ભયાનક ગુસ્સો આવેલો અને એ કડવાશ આજેય અકબંધ છે મામાના મનમાં. મામાનો એટલો મોટો ઉપકાર છે આપણા ઉપર કે એમની ઈચ્છાની વિરુદ્ધ જઈને મારાથી એક ડગલુંય ના ભરાય, એટલે ઈચ્છા હોવા છતાં તારા લગ્નમાં કાકાને આમંત્રણ નહોતું મોકલ્યું. વાયા વાયા એમને ખબર પડી ત્યારે ખુબ દુ:ખી થઇ ગયા હતાં. ગામના મણીબા એક વાર રસ્તામાં ભેગા થઇ ગયેલાં,ત્યારે એમણે આ માહિતી આપેલી. કાકાએ તો વતનના ગામને જ કર્મભૂમિ બનાવી. એમને ગામનાં બાળકો ઉપર બહુ માયા. એ બધાને સારું શિક્ષણ મળે એ માટે એ ત્યાં જ રહ્યાં અને અત્યારે એમની સ્કૂલ આખા જિલ્લામાં એક નંબરની ગણાય છે. તારા કાકાને તો સરકાર તરફથી બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મળેલો છે.'

લગીર અટકીને ઇલાબહેને પૌત્ર તરફ નજર કરી. 'સાચું કહું? મારા મનમાં બીજી પણ એક વાત ઘૂંટાતી હતી. આપણો પિન્ટુ સાજો-માંદો રહ્યાં કરે છે. એટલે મનમાં લગીર વહેમ રહે છે. ગામના આપણા ઘરમાં એક પૂજાની ઓરડી છે. વર્ષોથી એ દાદાનું સ્થાનક જ કહેવાય છે. આપણા કુટુંબમાં કોઈ એવા પ્રતાપી પૂર્વજ થઇ ગયેલાં કે જેમની કૃપાથી આપણા પરિવાર ઉપર ક્યારેય મુશ્કેલી નથી આવી. એમના એ સ્થાનકની ઓથ છે, આપણા કુટુંબને.  નાની-મોટી તકલીફમાં એ દાદાનો દીવો માનીએ કે તરત સૌ સારા વાનાં થઇ જાય એટલી આસ્થા છે અમને બધાને દાદા ઉપર. લગ્ન પછી પણ તમે બંને ત્યાં ગયાં નથી. એટલે, મને થયું કે આ વખતે તમે ત્રણેય જઈને ત્યાં માથું ટેકવી આવો. પિતૃઓના આશીર્વાદની કૃપાથી બધું ઓલરાઈટ થઇ જશે. પિન્ટુને દાદાના દર્શન કરાવો. એકવાર દાદાના આશીર્વાદ મળશે એ પછી એની તબિયત ઘોડા જેવી થઇ જશે.' સહેજ વિચારીને એમણે ઉમેર્યું. 'વર્ષોથી કાકા જોડેનો સંબંધ પણ કપાઈ ગયો છે, એક આંટો મારી આવો તો એ એકલાં માણસને પણ સારું લાગશે. મારી વાત 

ખોટી છે, બેટા ?' અભિષેકે માથું હલાવીને મમ્મીની વાતમાં સંમતિ આપી અને બેલા પ્રવાસની તૈયારીમાં પરોવાઈ ગઈ.  

અમદાવાદથી અભિષેકે કાર સ્ટાર્ટ કરી. સવારે સાત વાગ્યે હવામાં ગુલાબી ઠંડક હતી અને હાઇવે ઉપર ખાસ ટ્રાફિક પણ નહોતો, એટલે અભિષેકને મજા પડી ગઈ. એ સડસડાટ ગાડી ચલાવતો હતો. પિન્ટુને ખોળામાં લઈને આરામથી બેસાય એ માટે બેલા પાછળની સીટ ઉપર બેઠી હતી.બગોદરા પછી કાર લોથલની દિશામાં ડાબી તરફ વળી.એ રસ્તો ખાડાટેકરાવાળો હતો, એ છતાં પિન્ટુની ઊંઘમાં ખલેલ ના પડે એની કાળજી રાખીને અભિષેક પૂરી એકાગ્રતાથી ડ્રાઈવિંગ કરતો હતો. બેલાની આંખ પણ ઘેરાતી હતી. ધંધુકા તરફ આગળ વધતી વખતે રસ્તામાં ફેદરાનું બોર્ડ દેખાયું અને નાનું ગામ નજરે પડયું એટલે અભિષેકે કારની સ્પીડ ઘટાડી. અહીંથી કાચા રસ્તે અંદર વળીને લગભગ ત્રીસ કિલોમીટર સુધી એ ઊબડખાબડ રસ્તા ઉપર જ કાર ચલાવવી પડશે એ ખબર હતી એટલે એ માટે એણે માનસિક તૈયારી કરી લીધી અને કારને કાચા રસ્તા તરફ વાળી. કાળજીપૂર્વક એ આગળ વધતો હતો. કાચા રસ્તાની બંને તરફ સુકાભઠ્ઠ ખેતરો નજરે પડતાં હતાં. ક્યારેક એકાદ મોટરસાઇકલ સામે મળે ત્યારે એને રોકીને અભિષેક રસ્તો પૂછી લેતો હતો કે જેથી ભૂલા ના પડાય. 'હવે માત્ર આઠેક કિલોમીટર જવાનું છે. મેક્સિમમ પંદર મિનિટમાં તો આપણાં ઘેર પહોંચી જઈશું.' બેલા સામે જોઇને અભિષેકે માહિતી આપી. 

એણે આવું કહ્યું એની દસેક મિનિટ પછી અભિષેકે ગાડી ઊભી રાખવી પડી. ખટાક દઈને અવાજ આવ્યો અને કાર અટકી ગઈ. કારની નીચે ઊતરીને બોનેટ ખોલ્યું તો ખરું પણ એને એમાં ઝાઝી સમજણ ના પડી. એણે આજુબાજુ નજર ફેરવી.રસ્તાની જમણી તરફ ખેતર હતું ત્યાં નાનકડી ઝૂંપડી હતી. બહાર ખાટલા ઉપર બેઠેલાં બે ખેડૂતો ઊભા થઈને એની પાસે જ આવી રહ્યાં હતાં. સાંઈઠેક વર્ષના એ બંને ગ્રામજનોના ચહેરા ઉપર ખાનદાની તરવરતી હતી. 'શું થયું, સાહેબ ?' એકે પૂછયું. 'એ જ સમજાતું નથી..' અભિષેકે લાચારીથી એમની સામે જોયું.  'સરસ ચાલતી હતી, એકદમ બંધ પડી ગઈ..'

'જરાય ચિંતા કર્યા વગર આરામથી આ ખાટલા ઉપર બેસો..' પેલાએ ધરપત આપી. 'મારો દીકરો કારીગર છે. એ ગામમાંથી ચા લઈને દસ-પંદર મિનિટમાં જ આવી જશે..' બીજો કોઈ ઉપાય નહોતો. જાગી ગયેલો પિન્ટુ એની ગોળમટોળ આંખો ફેરવીને આ નવા વાતાવરણને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. એને લઈને બેલા ખાટલા ઉપર બેઠી. અભિષેક એની પાસે ગોઠવાયો.બીજા ખાટલા ઉપર પેલા બંને વડીલો બેઠાં. એકે પૂછયું. 'આ બાજુ ક્યાં જવાનું, સાહેબ?' અજાણ્યાં માણસો સાથે વાત કરતી વખતે એકદમ ખુલ્લાં થઇ જવાની અભિષેકને આદત નહોતી. નોકરીને લીધે વારંવાર પ્રવાસ કરતી વખતે એ વધુ પડતો સાવચેત રહેતો. 'રામપુરમાં એક સંબંધીને ત્યાં જવાનું છે.'

'અમારા ગામમાં તો એકેએકને પૂરેપૂરા ઓળખીએ. કોને ત્યાં જવાનું છે ?'

'દિનુભાઈ માસ્તરસાહેબને ત્યાં..' 

પેલા બંનેએ તરત એકબીજાની સામે જોયું. પછી એ બંનેએ બેલા સામે ધ્યાનથી જોયું. પછી અભિષેકને ગંભીરતાથી પૂછયું. 'બહુ રોકાવાનું તો નથીને? તમે સાવ ભોળા અને અજાણ્યાં છો એટલે પૂછયું કે રાત તો નથી રોકાવાનાને ?'

હવે અભિષેક અને બેલાએ આશ્ચર્યથી ચમકીને એકબીજાની સામે જોયું. 'હું કંઈ સમજ્યો નહિ..' ગૂંચવાયેલો અભિષેક બબડયો.

તમે સીધાસાદા છો અને ગામમાં પહેલીવાર આવો છો એવું લાગ્યું એટલે વડીલ તરીકે તમને ચેતવવાની મારી ફરજ.. 'એ ભાઈના અવાજમાં સમજદારી છલકાતી હતી. 'આટલામાં સમજી જાવ..' 

'પ્લીઝ,' અભિષેક એકદમ સાવધ બની ગયો અને શબ્દો ગોઠવ્યાં. 'વડીલ, પ્લીઝ, જે વાત હોય એ ચોખ્ખેચોખ્ખી કહી દો. એ કંઈ અમારાં અડીને સગા નથી થતાં.તમારી વાતથી જરાય ખોટું નહિ લાગે..'

'એ દિનીયો માસ્તર ગામનો ઉતાર છે. એ નીકળે ત્યારે ગામનાં બૈરાં રસ્તો બદલી નાખે એટલો મેલી નજરવાળો હરામી છે..' એ વડીલ ગંભીરતાથી માહિતી આપી રહ્યાં હતાં. 'નિશાળની એકેય માસ્તરાણીને એણે છોડી નથી. સહાયક તરીકે નવી નવી આવે એની ગરજનો લાભ લઈને રોળી નાખે.'

'લગ્ન કર્યાં એ પછીયે એ લબાડ સખણો નહોતો રહ્યો..' બીજા વડીલે પણ મોં ખોલ્યું. 'એના લફંગાવેડાથી ત્રાસીને એની બૈરી બળી મરી તોય એ સુધર્યો નહિ. નાગાના કૂલે બાવળિયો ઊગ્યો એમ આઝાદ થઇ ગયો..'

બેલા આશ્ચર્યથી આંખો પહોળી કરીને સાંભળતી હતી. અભિષેક સ્તબ્ધ હતો.

'એ સાંઢની મથરાવટી મૂળથી જ મેલી..' પહેલા વડીલે કહ્યું. 'ભાભી તો માતા સમાન ગણાય.એ શેતાને તો સગા મોટા ભાઈનીય શરમ નહોતી રાખી. મોટો ભાઈ તો સાવ ભગવાનનો માણસ. મરતાંને મર ના કહે એવો ભોળિયો. એનો લાભ લઈને આ ભમરાળો ભાભી જોડે ચાલુ પડી ગયો હતો. એ કભારજાનો દીકરો એકાદ વર્ષનો હતો ત્યારે મોટાભાઈએ સગી આંખે એ બંનેને ઓરડામાં જોયાં.પછી તો એને શંકા પડી કે કદાચ આ દીકરોય મારો નહિ હોય. આવી દશામાં સજ્જન માણસ શું કરે? એ રાત્રે જ એ ઝેર પીને સૂઇ ગયો ! એ પછી પેલી ભમરાળી ક્યા મોઢે ગામમાં રહે? છોકરાને લઈને એ ભાગી ગઈ એના ભાઈને ઘેર!'

પેલા બંને હજુ બોલી રહ્યાં હતાં. આખી પૃથ્વી ગોળ ગોળ ઘૂમતી હોય એમ અભિષેક બે હાથ વચ્ચે માથું પકડીને બેઠો હતો. બેલા થીજી ગઈ હતી.