Get The App

એક અજાણ્યા પાસે તું તો જાસૂસ થઈને આવ્યો દીકરી શું છે એનો સાચો અર્થ એણે સમજાવ્યો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
એક અજાણ્યા પાસે તું તો જાસૂસ થઈને આવ્યો દીકરી શું છે એનો સાચો અર્થ એણે સમજાવ્યો 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક

- 'આપ આ ગૌરવ ગાંધી વિશે જે કંઈ જાણતા હો એ કહી દો, માણસો કેવા છે અને ઘર કેવું છે એ વિશે સાચેસાચો અભિપ્રાય આપો... દીકરીના બાપ તરીકે આટલી મદદ માગું છું... પ્લીઝ...'

આ ગળના ચાર રસ્તા પાસે હનુમાનનું મંદિર દેખાયું એટલે લલિતે સ્કૂટર ધીમું પાડયું. આંખો ઝીણી કરીને સામેના મકાનો ઉપર નજર ફેરવી. ફ્લેટના નામ વાંચવાની જરૂર નહોતી. બેઠા ઘાટના બંગલાઓ ને ચોખ્ખીચણાક સોસાયટી દેખાઈ. એના વર્ષો જૂના ઘસાયેલા બોર્ડ ઉપર નજર પડી અને એમાં અશોક શબ્દ વાંચીને એની આંખ ચમકી. બપોરે દોઢ વાગ્યે ટ્રાફિક સાવ પાંખો હતો. અઠ્ઠાવન વર્ષની ઉંમરે લલિતની તંદુરસ્તી સારી હતી. એ સોસાયટીના ગેટ પાસે સ્કૂટર લઈ જઈને એણે બે મિનિટ વિચાર્યું. આગળના બે-ત્રણ બંગલામાં જો કોઈ વડીલ પુરુષ કે સ્ત્રી મળી જાય તો બહુ સરળતાથી કામ પતી જાય. જિંદગીમાં પહેલી વાર એ આવું જોખમ લઈ રહ્યો હતો, એટલે મનમાં લગીર ફફડાટ હતો. આમાં કંઈ ખોટું નથી... એણે પોતાની જાતને હિંમત આપી.... દીકરીની જિંદગીનો સવાલ છે એટલે બાપ તરીકે આટલું સાહસ તો કરવું જ પડે.

'વાહ લલિતલાલ વાહ !... તારું નસીબ જોર કરે છે !...' પહેલા જ બંગલા ઉપર નજર પડી એટલે એ હરખથી બબડયો. બંગલાના ઓટલા પર જૂનવાણી શૈલીનો સીસમનો હિંચકો અને પિત્તળની સાંકળ હતી. હિંચકા ઉપર પાંસઠ વર્ષના એક વૃધ્ધ સફેદ ઝભ્ભો-લેંઘો પહેરીને આરામથી ઝૂલતા હતા. ગોરા રંગના એ વૃધ્ધના ચહેરા ઉપર સ્મિત ફરકતું હતું. એમનો સૌમ્ય ચહેરો જોઈને લલિતને ખાતરી થઈ કે આ સજ્જન સાચી માહિતી આપશે. અસીમ આશા સાથે લલિત આગળ વધ્યો. બંગલાના ગેટ પાસે સ્કૂટર ઊભું રાખીને લોક કર્યું. સ્કૂટરની ચાવી ખિસ્સામાં મૂકીને એ હિંચકા તરફ આગળ વધતો હતો ત્યારે પેલા વડીલ આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા હતા.

એ વડીલ એટલે મુનશીકાકા. આકાશવાણીના સ્ટેશન ડાયરેકટરના પદેથી નિવૃત્ત થયા હતા. નાગર તરીકે હિંચકાની આદત. સવારે અખબારો લઈને બેસે. અત્યારે બપોરે જમ્યા પછી સૂડી-સોપારી લઈને બેસે. સાંજે ચા પીધા પછી ફરીથી સૂડી-સોપારી સાથે હિંચકા પર બેસીને સોસાયટીમાં આવતા-જતા લોકો સાથે બે ઘડી ગમ્મત કરવાની આદત. નિવૃત્તિની પળે પળ આનંદમાં વિતાવતા હતા.

ઓટલો ચડીને લલિત એમની સામે જઈને ઊભો રહ્યો એટલે મુનશીકાકાએ હસીને પૂછ્યું. 'બોલો સાહેબ, આપની શું સેવા કરું ?' એમના હાથમાં કાતરેલી સોપારી તૈયાર હતી. એ હથેળી એમણે લલિત સામે ધરી. 'લેશો ?'

ભરબપોરે લલિતને તો તરસ લાગી હતી. સરસ મજાની કાતરેલી સેવર્ધન સોપારી સામે નજર કરીને એણે મુનશી સામે જોયું. 'પહેલાં એક ગ્લાસ પાણી મળશે ? પ્લીઝ...'

'વિદ્યાગૌરી, પાણી આપશો ?'' મુનશીએ અંદરના ઓરડા સામે જોઈને ટહૂકો કર્યો. બીજી જ મિનિટે ટ્રેમાં પાણીના બે ગ્લાસ લઈને વિદ્યાબહેન ત્યાં આવ્યાં. અનાયાસે જ લલિતે બે હાથ જોડીને એમને વંદન કર્યા.

'આ ભાઈની ઓળખાણ ના પડી...' પતિ સામે જોઈને વિદ્યાબહેને કહ્યું.

'ઓળખાણ તો મને ય નથી પડી...' મુનશી હસી પડયા. 'હું એમને નથી ઓળખતો. એ આવ્યા. મેં સોપારી ધરી તો એમણે પાણી માગ્યું એટલે મેં તમને બોલાવ્યાં.... ધેટ્સ ઑલ !'

'આપને કદાચ અવિવેક જેવું લાગ્યું હોય તો માફ કરજો, સાહેબ !' લલિતે વિનમ્રતાથી કહ્યું. 'આપને જોઈને પહેલી જ નજરે લાગ્યું કે આપ મદદ કરશો... એ આશા સાથે જ અંદર આવી ગયો...' મુનશીની હથેળીમાંથી થોડી સોપારી લઈને લલિતે મોંમાં મૂકીને પૂછ્યું. 'આપ અહીં કેટલા સમયથી રહો છો ?'

સહેજ આશ્ચર્યથી લલિત સામે જોઈને મુનશીએ કહ્યું, 'આ બંગલા બન્યા ત્યારે સૌથી પહેલો હું રહેવા આવ્યો હતો. એ વખતે તો આજુબાજુમાં ખેતર હતાં, ધોળા દિવસેય બીક લાગે એવો આ એરિયા હતો...'

એમનો જવાબ સાંભળીને સામે ઊભેલા લલિતના ચહેરા પર ઉત્સાહ છવાયો.

'બેસોને...' મુનશીએ સામે પડેલી ખુરસી તરફ ઈશારો કરીને કહ્યું એટલે લલિત ખુરસી પર ગોઠવાયો. ખાલી ગ્લાસ લઈને વિદ્યાબહેન અંદર ગયાં.

'આજકાલના છોકરાંઓ એવી ઉપાધિમાં મૂકી દે છે કે વાત ના પૂછો...' લલિતે હળવે રહીને મોં ખોલ્યું. 'સાહેબ, નોકરિયાત માણસ છું. સંતાનમાં એકની એક દીકરી છે. દીકરી ભણવામાં ય બહુ હોંશિયાર અને ઘરકામમાં પણ કંઈ કહેવું ના પડે એવી કામગરી. એ બી.કોમ. થઈને એક કંપનીમાં નોકરી કરે છે. હું અને એની મા એના માટે મુરતિયો શોધીએ એ અગાઉ એણે ધડાકો કર્યો. એણે અમને કહ્યું કે તમારે મુરતિયો શોધવાની જરૂર નથી, મેં નક્કી કરી નાખ્યું છે ! ઑફિસમાં એની જોડે જ નોકરી કરતા છોકરા સાથે બેન પ્રેમમાં પડયા છે. મેં એને ફોસલાવી ફોસલાવીને જેવું-તેવું નામ-સરનામું જાણી લીધું. બાપ તરીકે મને તો દીકરીના ભવિષ્યની ચિંતા હોય ને ? ઘર કેવું છે અને માણસો કેવા છે એ જાણ્યા વગર દીકરીને કૂવામાં થોડી ધકેલાય ?....'

લાગણીશીલ બનીને એક સાથે આટલું બોલીને લલિતે મુનશી સામે જોયું. 'આમ તો છોકરી ડાહી છે, સમજદાર છે, સારા-ખરાબની પરખ પણ છે. એ છતાં, આ ઉંમરનો કોઈ ભરોસો નહીં...'

આગળ બોલતી વખતે લલિતના અવાજમાં ગંભીરતા ભળી. 'સાહેબ, તમારી સોસાયટીમાં ચાલીસ નંબરમાં કોઈ ચીમનભાઈ ગાંધી રહે છે. એમનો દીકરો ગૌરવ... અમારી દીકરીએ એને પસંદ કર્યો છે...' આંખોથી જ કરગરીને એણે મુનશીને કહ્યું. 'આપ આ ગૌરવ ગાંધી વિશે જે કંઈ જાણતા હો એ નિખાલસતાથી કહી દો, સાહેબ ! માણસો કેવા છે અને ઘર કેવું છે એ વિશે સાચેસાચો અભિપ્રાય આપો... દીકરીના બાપ તરીકે આટલી મદદ માગું છું... પ્લીઝ...'

મુનશી વિચારમાં ડૂબી ગયા હતા. હાથમાંથી સૂડી-સોપારી બાજુ પર મૂકીને એ લલિતના દયામણા ચહેરા સામે તાકી રહ્યા હતા.

'સાહેબ ! જે હોય એ ચોખ્ખેચોખ્ખું કહેજો. આપનું નામ ક્યાંય વચ્ચે નહીં આવે એટલો વિશ્વાસ રાખજો.'

'ગૌરવ ગાંધી...' મુનશી બબડયા. પછી લલિત સામે જોયું. 'સહેજ ઊંચો છે, બાઈક રાખે અને લેટેસ્ટ મોબાઈલ રાખે છે... એ જ  ને?' 'એ જ હશે...' લલિતે કહ્યું, 'મેં એને ક્યાં જોયેલો છે ? મને તો કંઈ ખબર નથી. તમારા ભરોસે જ આવ્યો છું.' 'જલસા કરો...' મુનશીએ હસીને કહ્યું. 'ગૌરવ સ્ટ્રેઇટ ફોરવર્ડ છોકરો છે. કોઈ વ્યસન નથી. અહીંથી પસાર થાય ત્યારે ઊંચી આંખ કરીને તાકતો પણ નથી. એના ઘરમાં પણ કંઈ કહેવાપણું નથી. ચીમનભાઈ અને એમના મિસિસ પણ એકદમ શાંત સ્વભાવના છે. એ ભલાં ને એમનું કામ ભલું. શાંત અને ગભરૂ માણસો છે. તમારી દીકરી એ ઘરમાં રાજ કરશે...'

એ રણકતા અવાજે બોલતા હતા અને લલિત બે હાથ જોડીને આભારવશ નજરે એમની સામે તાકી રહ્યો હતો. એ જોઈને મુનશીને લાગ્યું કે આ માણસ હમણાં જ ઊભો થઈને એમના પગ પકડી લેશે !

'સાહેબ ! કઈ રીતે તમારો આભાર માનું એ સમજાતું નથી...' હાથ જોડેલી દશામાં જ લલિત ઊભો થયો. 'ખરેખર, મારા મનમાં મૂંઝવણ હતી તે તમે એક ઝાટકે ઊડાડી નાખી. મારો બોજ હળવો કરી નાખ્યો તમે ! થેંક્યુ શબ્દ તો બહુ નાનો પડે છે, સાહેબ !'

'મારી વાત હજુ પૂરી નથી થઈ. બેસી જાવ !' મુનશીનો સત્તાવાહી અવાજ સાંભળીને લલિત ગૂંચવાયો. તરત પાછો ખુરસીમાં બેસી ગયો.

'મેં આટલું કહ્યું ને તમે રાજી રાજી થઈ ગયા...' લલિતની આંખોમાં આંખો પરોવીને મુનશીએ આગળ કહ્યું, 'સામાન્ય રીતે કોઈ છોકરા વિશે અભિપ્રાય આપવાનો હોય ત્યારે વ્યવહારૂ લોકો આવા શબ્દોનો જ ઉપયોગ કરતા હોય છે. પરિસ્થિતિ સાવ અલગ હોય તો પણ કોઈકને ભાલે ભરાવવા માટે લોકો આવું જ કહી દેતા હોય છે.. મારી વાત સમજાય છે ?'

લલિતે આખી જિંદગી કારકૂની કરી હતી, અને હજુ એ ગૂંચવાડામાં જ હતો. વિમાસણમાં મૂકાઈને ગૂંચવાડા ભરેલી નજરે એ મુનશી સામે તાકી રહ્યો.

'સાચી વાત જુદી છે, સાહેબ !' મુનશીનો અવાજ એકદમ ગંભીર બની ગયો. 'આ ગૌરવ તો છાપેલા કાટલા જેવો છે. કૉલેજમાં હતો ત્યારે કોઈ છોકરીના લફરામાં છોકરીના ભાઈઓએ એના ટાંટિયા ભાંગી નાખ્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલો એટલે બે વર્ષ ઘેર બેસી રહેવું પડેલું. આ અગાઉ જ્યાં નોકરી કરતો હતો ત્યાં પૈસાનો લોચો મારેલો એટલે શેઠે કાઢી મૂકેલો...'

દુઃખદ આશ્ચર્યથી લલિતની આંખો પહોળી થઈ ગઈ હતી. એ રીતસર હબકી ગયો હતો. મુનશી આગળ બોલી રહ્યા હતા.

'એનો બાપ ચીમન તો આખી સોસાયટીમાં ચીમન ચોર તરીકે જ ઓળખાય છે. માણેકચોકમાં વાસણની દુકાન હતી. બેન્કોનું અને લોકોનું કરી નાખ્યું અને દેવાળું કાઢ્યું !...'

સહેજ અટકીને મુનશીએ નગીનના ગભરાયેલા ચહેરા સામે જોયું. '... અને ગૌરવની મા વિશે તો વાત કરવા જેવું જ નથી. બધી વાતે પૂરી છે, એટલામાં સમજી જાવ. એનાં અપલક્ષણોની વાત કરવામાં તો આપણી જીભને પણ પાપ લાગે એવી એ બાઈ છે...' એમણે નિરાશાથી માથું ધૂણાવ્યું. 'ભાઈ, સોરી ટુ ઈન્ફોર્મ... તમારી દીકરી ડફોળ છે. સાવ ખોટ્ટા અને નક્કામા માણસની જાળમાં ફસાઈ ગઈ છે..'

પરસેવે રેબઝેબ લલિત જે રીતે બે હાથ વચ્ચે માથું પકડીને બઠો હતો એ જોઈને મુનશીએ અંદરના ઓરડા તરફ નજર કરી.

'સાંભળો છો ? જલ્દી લીંબુપાણી લાવો...'

વિદ્યાબહેન લીંબુનું શરબત લઈને આવ્યાં. નગીનના હાથમાં ગ્લાસ પકડાવીને એમણે પ્રશ્નાર્થ નજરે પતિ સામે જોઈને પૂછ્યું.

 'અચાનક આ ભાઈને શું થઈ ગયું ?'

'બેસ...' મુનશીએ પત્નીને કહ્યું. નગીનનું ગળું સૂકાતું હતું. એક ઘૂંટડે એ શરબત પી ગયો. જબરજસ્ત આઘાતથી એ થથરી ગયો હતો.

'આ સાહેબની છોકરી એક છોકરા સાથે પ્રેમમાં પડી છે...' મુનશીએ પત્નીને સમજાવ્યું. 'બંને સાથે નોકરી કરે છે એટલે પરિચય વધ્યો હશે. બંનેને એકબીજાનો સ્વભાવ ગમ્યો હશે એટલે એમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. દીકરી એટલી ડાહી કે પેલાની સાથે સીધી ભાગી જવાને બદલે એણે મા-બાપને વાત કરી. દીકરી સમજદાર છે, સંસ્કારી છે - એ જાણવા છતાં આ સાહેબ એમનું ખખડી ગયેલું સ્કૂટર લઈને જેમ્સ બોન્ડની જેમ છોકરાની જનમકુંડળી શોધવા નીકળ્યા !...'

એમણે વેધક નજરે ગૂંચવાયેલા લલિત સામે જોયું. 'તમે મને ઓળખો છો ? મારા નામનીયે તમને ખબર નથી તોય મારા અભિપ્રાયના આધારે તમારી દીકરીનું ભવિષ્ય નક્કી કરશો ? મારી વાત શાંતિથી સમજો.'

લગીર અટકીને એમણે રણકતા અવાજે કહ્યું, 'ધારો કે એ છોકરો મવાલી હોય અને હું એનો સગ્ગો મામો હોઉ તો હું તમને શું કહેતો ? બીજી રીતે વિચારો... છોકરો ઉત્તમ છે. પરિવાર ખૂબ સંસ્કારી અને ઉમદા છે. એ છતાં, મારે અને એ છોકરાના બાપને કોઈક વાતમાં અંટસ પડી ગઈ હોય તો હું લાગ જોઈને ઘા મારી દઉંને ?....'

મુનશીએ ઊભા થઈને હળવેથી લલિતના ખભે હાથ મૂકીને ઊભો કર્યો અને પોતાની પાસે હિંચકા પર બેસાડયો.

'જો ભાઈ, મારી વાત ખૂબ શાંતિથી સાંભળ. મેં જે કહ્યું એ બધુંય ભૂલીને સાવ નિર્મળ મનથી તારી દીકરી વિશે વિચાર...' મુનશીના વાત્સલ્યભર્યા અવાજમાં સાચી લાગણી છલકાતી હતી. 'બાપ તરીકે તારી ચિંતા વ્યાજબી છે એ છતાં આવી રીતે આડેધડ દોડીને માહિતી ના મેળવાય, મારા ભાઈ ! જે દીકરીને પચ્ચીસ-છવ્વીસ વર્ષ સુધી આપણે ઉછેરી હોય એના સંસ્કાર અને એની નિર્ણયશક્તિ ઉપર થોડીક શ્રધ્ધા રાખવી પડે. એ છોકરાને ઘેર બોલાવીને એની સાથે વાત કરવાની.

વીસેક મિનિટ એ તમારી સાથે વાત કરે તો એના ઉપરથી જ જજમેન્ટ તો બાંધી શકાયને ?...

એમણે નગીનના ખભે પ્રેમથી ટપલી મારી અને હસીને કહ્યું, 'હવે છેલ્લી વાત સાંભળી લો, ભાઈ ! આ અશોક પાર્ક સોસાયટી છે અને એમાં બત્રીસ જ બંગલા છે. અહીં ચાલીસ નંબર છે જ નહીં. આ જ બિલ્ડરે સામેના ભાગમાં અશોકનગર બાંધેલું છે. એમાં પચાસેક ટેનામેન્ટ છે અને એ પણ હનુમાનજીના મંદિરની પાસે જ છે. તમારાવાળા ગૌરવભાઈ ગાંધી ત્યાં રહેતા હશે, પણ મારે એ લોકો સાથે કોઈ પરિચય નથી... હવે ત્યાં જઈને તપાસ કરવી કે નહીં એ તમારી મરજી !'

લલિત શું બોલે ? બે હાથ જોડીને એણે મુનશી દંપતીને પ્રણામ કર્યા. સ્કૂટર ચાલુ કરીને અશોકનગરને બદલે પોતાના ઘર તરફ મારી મૂક્યું.

(શીર્ષક પંક્તિ : લેખક)