- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
ભાવનગરથી સિત્તેરેક કિલોમીટર દૂર દરિયાકિનારે ગોપનાથ મંદિરની ધર્મશાળામાં નવોદિત લેખકો-કવિઓ માટેની શિબિરમાં સંચાલક પાઠકજી બોલી રહ્યા હતા અને બાર યુવકો અને આઠ યુવતીઓ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.
'વાર્તા લખો ત્યારે તદ્દન સરળ ભાષામાં ઘટનાની ગૂંથણી કરશો, તો એ વંચાશે. તમારી પાસે શબ્દો છે. પાત્રો શોધીને કાન સરવા રાખીને એમની કથા સાંભળો. દરેક વ્યક્તિ પાસે એક વાર્તા હશે...'
બધા માટે ચા આવી એટલે પાઠકજી અટક્યા. વીસેક શિબિરાર્થીઓ સામે જોઈને એમણે સૂચના આપી. 'આવતીકાલે સવારની બેઠક હોલમાં નથી. તમારા ગૃપ સાથે ઇચ્છા હોય તો તળાજા સુધી ફરીને વાર્તા માટેનું પાત્ર શોધો. સાંજના સેશનમાં દરેક ગૃપમાંથી કોઈ એકે બોલવાનું રહેશે. તમારા પાત્રની જિંદગીના પ્રસંગ ઉપરથી કઈ રીતે વાર્તા બની શકે એની ચર્ચા કરીશું.'
'અમે બધી લેડિઝ તળાજા જઈશું.'
ઉષાની કવિતાઓ નિયમિત રીતે પ્રસિદ્ધ થતી હતી, એટલે યુવતીઓની એ નેતા હતી.
'સરસ...' પાઠકજીએ હસીને કહ્યું. 'આ ભાઈઓમાંથી પણ કોઈને આવવું હોય તો તમારી સાથે લઈ જજો.'
'પાત્ર શોધવાના બહાને બહેનોએ શોપિંગનો પ્લાન બનાવ્યો છે !' રાજેન્દ્રે કહ્યું અને બધા હસી પડયાં.
રાજેન્દ્ર, અશોક અને વિભાકરની વાર્તાઓને લીધે શિબિરમાં એમનું સ્થાન મોભાદાર હતું. બીજા દિવસે સવારે શિબિરમાં ચા-નાસ્તો પતાવીને એ ત્રણેય બહાર નીકળ્યા. ગોપનાથ એકદમ શાંત સ્થળ હતું. મંદિરની બહાર ચા ની કિટલી હતી. ત્રણેય ચાના શોખીન હતા એટલે એમને જોઈને ગણેશે પ્રાઈમસ ફાસ્ટ કરીને પૂછ્યું, 'આજે ભણવાનું નથી ?'
'આજે તારી વાર્તા લખવાની છે.' અશોકે કહ્યું. 'ફટાફટ તારી કહાણી બોલવા માંડ.'
ગણેશ હસી પડયો. 'મારી વાર્તા કોઈ વાંચશે નહીં...' કંઈક અચાનક યાદ આવ્યું એટલે એણે ઉત્સાહથી ઉમેર્યું. 'ખરેખર સ્ટોરી લખવી હોય તો દીવાદાંડી પાસે જાવ. બે-અઢી વર્ષથી એક ગાંડો ત્યાં પડયો રહે છે. બે ટાઈમ મંદિરમાં આવીને જમે છે, બાકી ત્યાં બેસી રહે છે. ક્યારેક માંગીને ચા પીવે છે. તમે ચા લઈને જશો તો એ રાજી થઈ જશે.'
વીસેક મિનિટ ચાલીને એ લોકો દીવાદાંડી પાસે પહોંચ્યા. બ્રિટિશરોએ બનાવેલી દીવાદાંડી અત્યારે ખંડેર બની ચૂકી હતી. એના પાછળના ઓટલા પર ત્રીસેક વર્ષનો એક યુવાન લાંબો થઈને સૂતો હતો. એક સમયે અત્યંત રૂપાળો અને હટ્ટોકટ્ટો હશે, પણ અત્યાકે અકાળે વૃદ્ધ જેવો દેખાતો એ યુવાન એકદમ ચોંકીને ઊભો થઈ ગયો.
'ગુડ મોર્નિંગ...' એની પાસે બેસીને અશોકે પ્લાસ્ટિકની કોથળીમાંથી ચા કાઢીને કપ એની તરફ લંબાવ્યો. 'લેખક છીએ, એટલે ચાવાળા ગણેશે તમને મળવાનું કહ્યું.'
પેલાએ ચાનો કપ હાથમાં લઈન ત્રણેની સામે જોયું. 'મારી કહાની ?...' ફિક્કું હસીને એણે ઉમેર્યું. 'ગણેશ દયાળુ છે. ચા સારી બનાવે છે, પણ લોકોને બેવકૂફ બનાવે છે. એ આજે ખબર પડી !'
ત્રણેય એકબીજાની સામે જોઈ રહ્યાં. આ માણસ ચાલાક છે, શબ્દોની રમત આવડે છે !
'અહીં એકલા કંટાળો નથી આવતો ?' રાજેન્દ્રે વાત બદલીને પૂછ્યું.
'હું ક્યાં એકલો છું ?' એણે દરિયા તરફ હાથ લંબાવ્યો. 'આ આખા દરિયાનો હું માલિક છું. આ રેતી, માછલીઓ, કરચલા, ચાંદ-સૂરજ-તારાઓ એ બધું ય છે ને ? દગાખોર ઇન્સાન કરતાં આ બધાની સોબત સારી...'
આગળ બોલતી વખતે એના અવાજમાં પીડા ભળી. '... મસ્ત જિંદગી હતી, પણ એક લટકાળીએ મારી લાઈફ બરબાદ કરી નાખી...' એ લાઈન પર આવ્યો. 'ભાગીને અહીં આવ્યા પછી આજે પહેલી વાર મોં ખોલી રહ્યો છું....' એણે પગ લંબાવ્યા. એની નજર દરિયા સામે સ્થિર હતી.
'મારું નામ રઝાક. પાંચ ભાઈ-બહેનમાં હું સૌથી મોટો. ઘરની હાલત એવી હતી કે સ્કૂલમાં પહેલો નંબર આવતો હતો, તોય આઠમું ભણીને કમાવા માટે અલંગ પહોંચી ગયો. ત્યાં મજૂરી શરૂ કરીને ધીમે ધીમે વેલ્ડિંગમાં માસ્ટરી મેળવી. પાછો ભાવનગર આવીને એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો, પણ એક લડકીના ચક્કરમાં વાટ લાગી ગઈ. ખુદા કસમ ! આજની તારીખમાં પણ એનું નામ ખબર નથી !'
જીંથરા જેવા વાળમાં આંગળીઓ ફેરવીને એણે યાદ કર્યું. 'ફેક્ટરીના ગેટ પાસે બેસીને હું વેલ્ડિંગ કરતો હતો, એ વખતે એ સામેથી આવી. જાણે જમાનાથી ઓળખતી હોય એ રીતે હેરતથી આંખો પહોળી કરીને મારી સામે તાકી રહી. માશાઅલ્લાહ ! કયામત લાવે એવું એનું રૂપ હતું, અને પાગલ બનાવી દે એવી એ આંખો !'
આકાશમાં જાણે એ રૂપસુંદરી દેખાતી હોય એમ એ તરફ તાકીને એ બોલતો હતો. 'એના હાથમાં કિતાબો જોઈને લાગ્યું કે એ કોલેજમાં ભણતી હશે. એ જતી રહી પણ મારી ઉંઘ લેતી ગઈ. રાત્રે ખ્વાબમાં એનો રૂપાળો ચહેરો દેખાયા કરે. બીજા દિવસે પણ એ જ સમયે એ મારી પાસેથી પસાર થઈ ત્યારે એ જ રીતે તાકી રહી. ત્રીજા દિવસે બનીઠનીને હું એની રાહ જોઈને બેઠો. તમે માનશો, સાહેબ ? મારી સામે જોઈને એણે મોં મલકાવ્યું ત્યારે તો નાચવાનું મન થતું હતું !'
ઊંડો શ્વાસ લઈને એ અટક્યો ત્યારે ત્રણેય શ્રોતાઓ જિજ્ઞાસાથી એની સામે તાકી રહ્યા હતા. 'બસ, પછી તો એ રોજ મારી સામે મલકે. મને તો જાણે જન્નતનો અહેસાસ થતો હતો. બે મહિના આ સિલસિલો ચાલ્યો. એ પછી મારી હિંમત ખૂલી. હું પણ એની સામે હસ્યો. નવાઈ લાગી હોય એમ એ તાકી રહી. મને ફફડાટ હતો કે હવે શું થશે ? પણ એ આવી. હસીને મારી સામે જોયું. હું પણ હસ્યો. એ ફરીથી હસીને જતી રહી ! મારા આખા બદનમાં ઝણઝણાટી થતી હતી. બેટે રઝાક ! મેં મારી જાતને સમજાવ્યું. આ અગનખેલ અહીંથી અટકાવી દે. એ કોલેજમા ભણતી હિન્દુ છોકરી અને તું આઠમું ધોરણ પાસ ગરીબ મુસલમાન ! પણ એ આગ અટકાવવાનું મારું ગજું નહોતું ! અભિમાન નથી કરતો, પણ એ વખતે હું રિશીકપૂર જેવો દેખાતો હતો, એટલે ફાંકો હતો કે વાત આગળ વધશે ! પાંચ મહિના સુધી સબરથી કામ લીધું. સામસામે હસવાથી વાત આગળ વધતી નહોતી. રવિવારે હિંમત કરીને લવલેટર લખ્યો, એમાં સાજે ઘોઘાસર્કલ પાસેની એક હોટલમાં મળવાનું લખ્યું. સોમવારે એ આવી કે તરત ઊભો થઈને એની પાસે ગયો. મેં કાગળ લંબાવ્યો. આ શું છે ? એણે તેવર બદલીને પૂછ્યું. લવલેટર... મેં ધીમેથી કહ્યું. ઘેર જઈને વાંચજે અને સાંજે આવી જજે... એ બેવકૂફ ચીસ પાડીને ફસડાઈ પડી ! છેલ્લા દસેક દિવસથી મારો શેઠ મારું નિરીક્ષણ કરી રહ્યો હતો અને એણે આજુબાજુના દુકાનવાળાને પણ મારા આ ચક્કરની વાત કરેલી. પેલીએ ચીસ પાડી એની સાથે જ બધા દોડી આવ્યા. બાજુની દુકાનવાળા દરબારે મારા હાથમાંથી પ્રેમપત્ર ઝૂંટવીને જાહેરમાં વાંચ્યો. વીસ માણસના ટોળા વચ્ચે ઘેરાઈને હું ઊભો હતો, અને પેલી સરકી ગઈ હતી. હવે અહીં દેખાઈશ તો મારી નાખીશ... દરબારે ધમકી આપી અને બધા તૂટી પડયા. થાક્યા ત્યાં સુધી મને ઝૂડતા રહ્યા. લોહીલુહાણ હાલતમાં પાંચ કલાક સુધી રોડ ઉપર પડયો રહ્યો. આ શું બની ગયું એ દિમાગને સમજાતું નહોતું. માંડમાંડ બેઠો થયો. એક છકડાવાળાને દયા આવી. અહીં આવી ગયો. સોચા થા, ક્યા હો ગયા ?...'
લગીર અટકીને એણે ત્રણેયની સામે જોયું. 'એ પરીના મનમાં શું હતું એ આજેય સમજાયું નથી. કોઈ ગુનો નહોતો કર્યો, એ છતાં સજા મળી. જીવતી લાશની જેમ દિવસો ટૂંકા કરું છું !' એણે હાથ જોડયા. 'મારી કહાની લખો તો એમાં એગાંડીને પૂછજો કે એણે આવું કેમ કર્યું ? રઝાકનો કસૂર શું હતો ?... મગજ ભારે થઈ ગયું છે, પ્લીઝ, તમે ભાગો અહીંથી...'
ત્રણેય ઊભા થઈને પાછા આવી ગયા. સાંજની બેઠકમાં પાઠકજીએ ઊઘરાણી શરૂ કરી. 'લેડિઝ ફર્સ્ટ ! તળાજામાં તમે શું કર્યું એ સંભળાવો, ઉષાબહેન !'
ઉષા ઊભી થઈ. 'મારા પછી બધા ગૃપને પણ બોલવાનું છે એટલે મારી વાત ટૂંકમાં પતાવીશ. અમે તળાજાની બજારમાં એક બંગડીની દુકાનમાં ગયેલા, ત્યાં જ એનો પરિચય થયો. એ યુવતીના લગ્ન છ મહિના અગાઉ જ થયા હતા. એનું પિયર ભાવનગરમાં છે. આવતા અઠવાડિયે રક્ષાબંધનનો તહેવાર હોવાથી બંગડીવાળાએ રાખડી માટેનું પણ કાઉન્ટર રાખ્યું હતું. બીજા ગ્રાહકને રાખડી બતાવતી વખતે દુકાનવાળાએ એ યુવતીને પણ રાખડીઓ બતાવી, ત્યારે એ યુવતીની આંખમાં ઝળહળિયાં છલકાઈ ઉઠયાં. એ જોઈને અમે એની સાથે વાત શરૂ કરી.
અમારી સાથે વાત કરતી વખતે એના ભીના અવાજમાં પારાવાર પસ્તાવાની પીડા છલકાતી હતી. આખી વાત કહેતી વખતે તો એ રીતસર રડી પડી. ઉષા યાદ કરીને શબ્દો ગોઠવતી હતી. 'મારો એકનો એક ભાઈ હતો... એણે અમને કહ્યું.
દેખાવમાં રિશીકપૂર જેવો સોહામણો મારો ભાઈ બાઈકના અકસ્માતમાં ગુજરી ગયો હતો. એના આઘાતથી એ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. એ દરમિયાન કોલેજથી આવતી વખતે એની આંખ ચમકી ઉઠી. અદ્દલ એના ભાઈ જેવો જ દેખાતો એક યુવાન વેલ્ડિંગ કરતો હતો ! આબેહૂબ એવો જ ચહેરો જોઈને એનું મગજ ચકરાઈ ગયું. આંખો ફાડીને આશ્ચર્યથી એ પેલાની સામે તાકી રહી. હૈયામાં ના સમજાય એવી લાગણી છટપટી ઊઠી. ભાઈ જેવા જ દેખાતા એ યુવાન સામે એણે હર્ષથી સ્મિત
ફરકાવ્યું. બસ, પછી તો રોજ કોલેજથી આવતી વખતે એ પેલાની સામે મલકે. સગો ભાઈ જ જાણે પાછો આવી ગયો હોય એમ એનો આ સ્મિતનો વ્યવહાર ચાલુ રહ્યો અને એ પાંચ-છ મહિનામાં આ નિત્યક્રમથી એની હતાશા દૂર થઈ ગઈ.
પરંતુ આ ભોળીએ સ્વપ્નમાં પણ વિચાર્યું ના હોય એવું બન્યું. રિશીકપૂર જેવો એ યુવાન એવું માની બેઠો કે આ છોકરી મારા ઉપર ફિદા થઈ ગઈ છે ! એણે તો પ્રેમપત્ર આપીને એને હોટલમાં મળવા બોલાવી ! આ બિચારી તો ચીસ પાડીને ફસડાઈ પડી. કમનસીબે એ છોકરો મુસ્લિમ હોવાથી આજુબાજુના લોકોએ આ વાતને જુદો રંગ આપ્યો અને પેલાને રોડ ઉપર જ મારી મારીને અધમૂવો કરી નાખ્યો ! લોકોના માર અને મારી નાખવાની ધમકીની બીકને લીધે એ ગામ છોડીને ભાગી ગયો !'
સહેજ અટકીને બધાની સામે જોઈને ઉષાએ આગળ કહ્યું. હવે બોલતી વખતે એના અવાજમાં ભીનાશ ભળી હતી. 'એ વાતને આજે અઢી વર્ષ થઈ ગયાં, એ છતાં એ બાપડાનો કોઈ અતોપતો મળ્યો નથી. અત્યારે પારાવાર પીડા અને પસ્તાવાની સાથે એ યુવતીને પોતાની ભૂલ સમજાય છે. માત્ર બે મિનિટ ત્યાં ઊભા રહીને એણે લોકોની સામે સચ્ચાઈ સ્વીકારી હોત કે આ છોકરો વ્હેમમાં રહ્યો એમાં એનો કોઈ વાંક નથી, ભૂલ મારી છે, મેં જ મલકીને સ્મિત કરેલું એમાંથી આ પળોજણ થઈ... એણે બધા સામે ભૂલ સ્વીકારી હોત તો એ બાપડાએ મરણતોલ માર ખાઈને બદનામી ઓઢીને ભાગવાની જરૂર ના પડતી...'
ઉષા બોલતી હતી. બધા શાંતિથી સાંભળતાં હતાં. રાજેન્દ્ર, અશોક અને વિભાકર એકબીજાની સામે તાકી રહ્યા હતા !
(શીર્ષક પંક્તિ : લેખક)


