- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- સમયનું ચક્ર ઝડપથી ઘૂમી રહ્યું હતું. અગાઉ વાર-તહેવારે બાબુ અને લીલા મોટાભાઈને યાદ કરતા પણ હવે એ બંને પોતપોતાના સંસારમાં પરોવાઈ ચૂક્યા હતા
એ સમયે અમદાવાદની વી.એસ.-વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો દબદબો હતો. સારી અને સસ્તી સારવાર માટે ગુજરાતભરમાંથી દર્દીઓ અહીં આવતાં હતાં. દર્દીઓની સાથે આવેલા સ્વજનોને લીધે હોસ્પિટલનું આખું પરિસર પણ ધમધમતું લાગતું હતું.
જનરલ વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ હતી, એટલે પાછળથી આવેલા દર્દીઓને પલંગને બદલે ફરસ પર ગાદલું નાખીને પ્રવેશ અપાયો હતો. તાલુકા લેવલના ગામેથી આવેલા કાળીદાસને છેલ્લા સ્ટેજનો ટી.બી. હતો. સાવ સૂકલકડી શરીર કાળુંભઠ્ઠ થઈ ગયું હતું. એ ગાદલા પર સૂતા હતા અને એમનો અઢાર વર્ષનો દીકરો ચંદુ ચિંતાતુર બનીને એમની પાસે બેઠો હતો.
પચાસ વર્ષના કાળીદાસે ચંદુને પૂછ્યું, 'તું જમ્યો ?'
પિતાને બોલવામાંય શ્રમ પડે છે, એની ચંદુને ખબર હતી. એ આગળ બીજી વિગત પૂછે એ અગાઉ એણે પૂરેપૂરી જાણકારી આપી દીધી.
'અહીં પાછળ જ ગોપી ડાઈનિંગ હોલ છે. સાડા ત્રણ રૂપિયામાં મસ્ત જમાડે છે. માલિક દામુભાઈ પણ દિલદાર છે. મેં આપણી દશાની વાત એમને કરી તો તરત કહી દીધું કે તું સાડા ત્રણને બદલે ત્રણ રૂપિયા આપજે. બપોરે બે વાગ્યે જ જાઉં છું, એટલે દાબીને સવાર-સાંજનું ભેગું જ પતાવી દઉં છું. એ પછી સાંજે તમને હોસ્પિટલમાંથી આપે, એમાંથી તમે જે પડયું મૂકો છો, એ ઝાપટી લઉં છું. તમે મારી ચિંતા ના કરતા.'
'ચિંતા તો લીલકી અને બાબુડિયાની થાય છે. આપણે બંને અહીં અને ગામમાં એ બંને એકલાં. એમને કોઈ તકલીફ તો નહીં હોય ને ?' 'ત્યાં પાડોશીઓ સારા છે.' ચંદુએ પિતાને ધરપત આપી. 'ઘરકામમાં લીલકીને કંઈ કહેવાપણું નથી. બાબુ પણ સમજદાર છે. તમે જલ્દી સાજા થઈ જાવ, એટલે આપણે ય ઘર ભેગાં થઈ જઈએ.'
'આ વખતે સાજા થવાય એવું નથી લાગતું. કાલે ડૉક્ટર તને કહેતા હતા એ મેં સાંભળ્યું હતું. ગણતરીના દિવસો બાકી છે, એ હું જાણું છું.'
આંખમાં ઝળઝળિયાં સાથે કાળીદાસ આગળ બોલવા ઇચ્છતા હતા, પણ ખાંસી આવી અને લોહીનો ગળફો પડયો. એ રાત્રે જ કાળીદાસની તબિયત વધારે લથડી. લોહીની ઉલટી થયા પછી એમને મૃત્યુનો અણસાર આવી ગયો. 'ચંદુ, ગમે તેવો વખત આવે તો પણ મારી વાત યાદ રાખજે....' કાળીદાસ ધૂ્રજતા અવાજે ચંદુ પાસે વચન માગી રહ્યા હતા. 'સાત વર્ષ પહેલા તારી બા ગુજરી ગઈ, એ પછી તમારી મા અને બાપા બનીને તમને ત્રણેયને ઉછેર્યાં છે. તમને ક્યારેય મા ની ખોટ વરતાવા નથી દીધી. હવે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મારી આંખ મીંચાય એ પછી બાબુ અને લીલકીની જવાબદારી તારી માથે....' એમણે ભીની આંખે દીકરાના હાથ પોતાના હાથમાં જકડી લીધા. 'મને વચન આપ કે એ બંનેની તું સંભાળ રાખીશ.'
બાપાના ઊંડી ઊતરી ગયેલી આંખોમાં આંખો પરોવીને ઝળઝળિયાં સાથે ચંદુએ વચન આપ્યું. 'તમારો દીકરો છું, બાપા ! તમારી જેમ મા અને બાપ બનીને બાબુ અને લીલકીનું ધ્યાન રાખીશ. એ બંનેને જમાડયા પછી જ મોંઢામાં કોળિયો મૂકીશ.' કાળીદાસે શ્રદ્ધા અને વિશ્વાસથી ચંદુ સામે જોયું. એ પછી એકાદ કલાકમાં જ દેહ છોડી દીધો.
તાલુકાની જનતા સહકારી બેન્કની સ્થાપના થઈ એ દિવસથી કાળીદાસ એમાં પટાવાળાની નોકરી કરતો હતો. નખશિખ પ્રામાણિક અને ગાય જેવો રાંક. એની બધી સારપનો ચંદુને વારસો મળ્યો હતો. અવસાનની જાણ થઈ એટલે બેન્કના કર્તાહર્તાઓની મિટિંગ મળી. 'બિચારા કાળીદાસે આખી જિંદગી બેન્કની સેવામાં ખર્ચી નાખેલી. એનો મોટો દીકરો ચંદુ અઢાર વર્ષનો છે. નવમું ધોરણ પાસ છે. બાપની જગ્યાએ એને રહેમરાહે નોકરી આપવી જોઈએ.'
બધા શ્રેષ્ઠીઓએ સંમતિ આપી અને જનતા બેન્કના પટાવાળા તરીકે ચંદુ જોડાઈ ગયો.
ચંદુથી નાનો બાબુ પંદર વર્ષનો હતો અને બહેન લીલકી ઉર્ફે લીલા તેર વર્ષની. સવારે પાંચ વાગ્યે ઉઠીને ચંદુ રસોઈ શરૂ કરી દેતો. બાબુ કોલેજના પહેલા વર્ષમાં હતો. એણે મોટાભાઈને કહ્યું કે ભણવાનું છોડીને હું પણ નોકરી શોધી કાઢું. ચંદુએ એને પ્રેમથી ધમકાવી આદેશ આપ્યો કે હું બેઠો છું. તમે બંને ભણો. લીલકી નવમા ધોરણમાં અને સવારની સ્કૂલ હતી. પૂરી જવાબદારીથી એણે સાંજની રસોઈ અને ઘરકામ સંભાળી લીધું. બાપાની જૂની સાઈકલ લઈને ચંદુ સાડા નવ વાગ્યે બેન્કમાં હાજર થઈ જતો હતો.
સમય વહેતો રહ્યો. કાળીદાસનું મૃત્યુ ટી.બી.થી થયું હતું. એમના દૂબળા-પાતળા દેહનો વારસો ચંદુને મળ્યો હતો. બાબુ અને લીલાને રૂપાળી માતાનું દેહ સૌંદર્ય મળ્યું હતું. દસ વર્ષના સમયમાં કરકસરથી ઘર ચલાવીને ત્રણેય ભાંડરડાં સુખેથી રહેતાં હતાં. કાલાં-કપાસની સિઝનમાં મોડી રાત સુધી ત્રણેય ભાઈ-બહેન કાલાં ફોલીને કમાણી કરતાં હતાં. ચંદુ માટે બે-ત્રણ જગ્યાએથી લગ્ન માટે કહેણ આવ્યું હતું. નાના ભાઈ-બહેનને જમાડીને પછી જ મોઢામાં કોળિયો મુકીશ એવું બાપાને જે વચન આપ્યું હતું એ ચંદુ ભૂલ્યો નહોતો. કન્યાપક્ષવાળાઓને એણે વિવેકથી ના પાડી દીધી.
જ્ઞાતિનું એક ઘર વીરમગામમાં હતું. દૂધ અને દૂધની મિઠાઈઓના ધંધામાં સારી કમાણી હતી. એકનો એક દીકરો સુધીર દુકાન સંભાળતો હતો. એ મેટ્રિકથી આગળ ભણ્યો નહોતો, એટલે ભણેલી કન્યાઓ એ ઘરમાં આવવા તૈયાર નહોતી. કોઈ શુભેચ્છક સગાએ લીલા તરફ આંગળી ચીંધીને જણાવ્યું કે તેવીસ વર્ષની રૂપાળી અને સંસ્કારી છોકરી ઘરકામમાં પણ હોંશિયાર છે. સુધીરના મા-બાપ વીરમગામથી આવ્યા અને લીલાને પસંદ કરી લીધી. સગપણ થયું એ દિવસે ચંદુ બેહદ ખુશ હતો. બધી બચત સાફ કરીને લીલાને પરણાવી. એ દરમ્યાન સુધીરના કુટુંબીજનોની નજરમાં બાબુ પણ વસી ગયો હતો. છ ફૂટ ઊંચો બી.કોમ. થયેલો મુરતિયો હજુ કોઈ કામધંધો નહોતો કરતો, એ એક માત્ર ખામી હતી.
પોતાની કામ કરવાની આવડત અને સમર્પણની ભાવનાથી લીલાએ સાસરીમાં સ્થાન જમાવી દીધું. સુધીરનો કારોબાર સારો ચાલતો હતો. વીરમગામ ઉપરાંત સુરેન્દ્રનગરમાં દુકાન કરવાનું એ વિચારતો હતો. આમેય લગ્નગાળામાં દર અઠવાડિયે સુરેન્દ્રનગરમાંથી શ્રીખંડ અને મઠાના ઑર્ડર તો મળતા જ હતા. લીલાએ બાબુ માટે સૂચન કર્યું અને સુધીરે પ્રેમથી બાબુને બોલાવી લીધો. બે મહિના સુધી વીરમગામમાં પોતાની સાથે રાખીને ધંધા માટે તૈયાર કરી દીધો અને પછી સુરેન્દ્રનગરમાં દુકાન ખોલીને બાબુને ત્યાંનો કારોબાર સોંપી દીધો. અઢાર-વીસ કલાક સુધી ખડેપગે મહેનત કરીને દોડાદોડી કરવાની બાબુની આવડત હતી એટલે શ્રીખંડ, મઠો, બરફી અને પેંડાનો કારોબાર બંને સ્થળે જામી ગયો. સુધીરના જે સગાએ બાબુને નજરમાં રાખ્યો હતો, એમણે હવે મોં ખોલ્યું અને બાબુના લગ્ન નક્કી થઈ ગયા.
બેન્કમાંથી મળતી હતી એ તમામ લોન ઉઠાવીને ચંદુએ હોંશે હોંશે બાબુની જાન જોડી. લગ્ન પછી ચારેક દિવસ રોકાઈને બાબુ એની પત્ની સાથે સુરેન્દ્રનગર પહોંચી ગયો.
લીલા એના બાળકો સાથે વીરમગામમાં ખુશ હતી. બાબુ એની પત્ની સાથે સુરેન્દ્રનગરમાં જલસા કરતો હતો. અહીં ચંદુ સાઈકલને પેડલ મારતો હતો અને જાતે ભાખરી-શાક બનાવતો હતો. બધી કપાત પછી હાથમાં જે નાનકડી રકમ આવતી હતી એમાં એ રોળવી લેતો હતો. માથાના વાળ ધોળા થઈ ગયા હતા. હવે કોઈ કન્યાવાળા આંગણે ફરકતા નહોતા. એક આંખે તકલીફવાળી એક સ્થૂળ કન્યાના મા-બાપે વાત ચલાવી,પણ ચંદુના શરીરનો બાંધો જોઈને કોઈકે એમના કાનમાં ફૂંક મારી કે એનો બાપ ટી.બી.માં મરી ગયેલો અને આ પણ ટી.બી. પેશન્ટ જેવો જ લાગે છે ! વાત પડી ભાંગી. ચંદુને એનો કોઈ હરખ-શોક નહોતો. સમયનું ચક્ર ઝડપથી ઘૂમી રહ્યું હતું. અગાઉ વાર-તહેવારે બાબુ અને લીલા મોટાભાઈને યાદ કરતા પણ હવે એ બંને પોતપોતાના સંસારમાં પરોવાઈ ચૂક્યા હતા.
ઇ.સ. ૨૦૧૪માં ચંદુ સેવાનિવૃત્ત થયો એ પછી એક અઠવાડિયું સુરેન્દ્રનગર બાબુને ઘેર ગયો હતો. મોટાભાઈને હવે કાયમ માટે પોતાની સાથે રાખવાની બાબુની ઇચ્છા હતી, પરંતુ એની બૈરીએ બહાર બેઠેલા ચંદુને સંભળાય એ રીતે ઘાંટો પાડીને કહી દીધું કે રિટાયર થયેલા ડોસાનો ઢસરડો કરવાનું મને નહીં ફાવે, તમારે એમને રાખવા હોય તો હું પિયર જતી રહીશ ! દસ જ મિનિટમાં ચંદુ બેગ ભરીને બહાર નીકળી ગયો. લાચાર બાબુ બે હાથ જોડીને માફી માગવા સિવાય કંઈ કરી ના શક્યો. લીલા એની બે દીકરીઓને પરણાવવા માટે દોડાદોડીમાં વ્યસ્ત હતી. ચંદુ ઘરની ચાર દીવાલો વચ્ચે એકલો દિવસો પસાર કરતો હતો. તબિયત બગડયા પછી પણ ચંદુએ એકલા રહેવાનું જ મનથી નક્કી કરી લીધું હતું. મનથી ભાંગી પડેલા માણસને મૃત્યુ બહુ ઝડપથી સ્પર્શી લે છે.
ઇ.સ. ૨૦૧૬ ની દિવાળીની આસપાસની વાત છે. ઘરમાંથી વાસ આવતી હતી એટલે પાડોશીઓએ લીલા અને બાબુને જાણ કરી. બંને આવી પહોંચ્યાં. બારણાં તોડીને ઘરમાં ગયાં. રૂમની વચ્ચોવચ્ચ લાકડાની જૂની ખુરસીમાં બેઠા બેઠા જ મૃત્યુ પામેલા ચંદુની આંખો ખુલ્લી હતી. એ આંખોમાં નાના ભાઈ કે બહેન પ્રત્યે કોઈ ફરિયાદ નહોતી !
(શીર્ષક પંક્તિ : લેખક)


