- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- શિલ્પાના ડોમિનેટિંગ સ્વભાવને લીધે એને એના પતિ સાથે કાયમ માથાકૂટ ચાલતી હતી, પરંતુ આ વિશે બા-બાપાએ અમને લગીર પણ અણસાર નહોતો આપ્યા
''લે ખકસાહેબ ! તમે તો જાતજાતની વાર્તાઓ લખો છો, પણ મારી વાત સાંભળો. વૃદ્ધ માતા-પિતાને દીકરો હડધૂત કરતો હોય - અન્યાય કરતો હોય, એવી તો અનેક વાર્તાઓ તમે અને બીજા લેખકોએ લખી છે, પણ મારી કહાણી સાવ ઊંધી છે ! એક જ વિચાર મનમાં ઘૂમરાય છે કે કોઈ પણ જાતના વાંક-ગુના વિના મા-બાપ સગ્ગા દીકરાને દુશ્મન જેવી સજા શા માટે આપી રહ્યાં હતાં ? આવી મા ? બાપ પણ સાવ આવો ? અમારી કથાનો અંત કેવો આવશે એ કંઈ સમજાતું નથી. હું બોલું એ તમામ પ્રસંગો એક પછી એક સાંભળીને પહેલાં એ કહો કે આમાં મારી ભૂલ ક્યાં છે ?''
પિસ્તાળીસ વર્ષના એ યુવાનના અવાજમાં વેદનાની સાથે સચ્ચાઈનો રણકાર હતો. એ પારખીને એની વ્યથાભરેલી કથા સાંભળવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. માથું હલાવીને મેં સંમતિ આપી અને એણે આગળ બોલવાનું શરૂ કર્યું.
''મારા બાપાને સરકારી નોકરી હતી. એમાંથી બચત કરીને જીવરાજપાર્ક જવાના રસ્તે મલાવ તળાવવાળી ગલીમાં એમણે ટેનામેન્ટ બનાવેલું. બે સંતાનમાં હું મોટો અને મારાથી બે વર્ષ નાની બહેન શિલ્પા. અભ્યાસમાં અમે બંને ભાઈ-બહેન ખૂબ હોંશિયાર, કાયમ પહેલો નંબર આવે.
હું એમ.કોમ. થયો એ જ વર્ષે મને સરકારી કોર્પોરેશનમાં નોકરી મળી ગઈ. એને લીધે તરત જ મારા માટે કન્યાની શોધ શરૂ થઈ. મારું સગપણ નક્કી થયું. પી.ટી.સી. પાસ ઉષાની વૈચારિક સમજ ખૂબ સારી અને એનું કુટુંબ પણ ખાનદાન. આનાથી વિશેષ શું જોઈએ ?
એ સમયે શિલ્પા પણ અંગ્રેજી સાથે એમ.એ. થઈ ગઈ. એના માટે સંસ્કારી અને પૈસાપાત્ર મુરતિયો બા-બાપાએ શોધી કાઢ્યો. એ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. એ પરિવાર વડોદરા રહેતો હતો.
બાપા અને બા સાથે મારે સંવાદનો સંબંધ નાનપણથી જ સાવ ઓછો. મને આમેય બોલવાની ટેવ સાવ ઓછી. બાપા શું કમાય છે, એમની બચત કેટલી છે, ક્યાં રોકાણ કરેલું છે - એવી કોઈ ચર્ચા આજ સુધીમાં ક્યારેય મારે એમની સાથે નથી થઈ. શિલ્પા તો સતત બા-બાપા સાથે વાતોમાં જ તલ્લીન રહેતી હતી. હું કોલેજમાં ભણતો હતો ત્યારે પણ બા-બાપા શિલ્પાની સાથે જ વાતો કર્યા કરે. હું ઘરમાં હોવા છતાં જાણે મારું તો અસ્તિત્વ જ ના હોય એ રીતનું એમનું વર્તન જોઈને હું મૂંઝાતો. બા કે બાપા સાથે કંઈક બોલવા જાઉં તો વચ્ચે જ શિલ્પા ડબડબ કરીને મારી વાત કાપી નાખે અને મારે મૂંગા થઈ જવું પડે. એ ત્રણેયનું આવું વર્તન જોઈને મેં મારી રીતે રસ્તો શોધી લીધો હતો. સવારે સાત વાગ્યે જ ટિફિન લઈને ઘરમાંથી નીકળી જતો હતો. યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ઘૂસી જતો હતો. સાંજે ઘેર આવવાની પણ ઈચ્છા ના થાય એવી દશામાં જીવતો હતો. યુનિવર્સિટીથી આવીને અમારી સોસાયટીની બહાર રોડ ઉપર એક મંદિર છે. એના ઓટલા પર એકાદ કલાક બેસીને વિચારતો કે બા-બાપા કે બહેન - કોઈ મારી સાથે બોલતું નથી - તો પછી ઘેર જઈને કરવાનું શું ? મારી તો જાણે કોઈ ગણતરી જ નહોતી એ દશામાં બીજું કરવાનું શું ?
અમારા લગ્ન થયાં ત્યારે મારી પત્ની ઉષાને પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ હતી, પરંતુ એનું પોસ્ટિંગ ધંધૂકા પાસેના એક નાનકડા ગામડામાં થયેલું. એણે નોકરી તો સ્વીકારી લીધી, પણ છેક ત્યાંથી રોજ અપડાઉન કરવાનું એનું ગજું નહોતું. એને એ તકલીફમાંથી ઉગારવા માટે હું ત્યાં ગામડામાં ગયો અને મેં અપડાઉન શરૂ કરી દીધું. ગામડાના એ નાનકડા ઘરમાં અમે સંસાર શરૂ કર્યો. ત્યાંથી રોજ અમદાવાદ અપડાઉન કરવામાં મને મુશ્કેલી તો પડતી હતી પરંતુ એ ચાર વર્ષના સમયગાળામાં સૌથી મોટો ફાયદો એ થયો કે ગામડે રહેવાથી અમે ખાસ્સી બચત કરી શક્યાં.
શનિ-રવિની રજામાં અમે અમદાવાદ આવીએ ત્યારે શિલ્પા પણ એના સાસરે વડોદરાથી અમદાવાદ આવી જ ગઈ હોય. બા અને બાપા સતત એની જ સરભરામાં રોકાયેલાં હોય. બિચારી ઉષા કામ કરીને તૂટી મરે અને એ ત્રણેય આરામથી વાતોના તડાકા માર્યાં કરે ! ઘરમાં અમારું જાણે કોઈ સ્થાન જ ના હોય એ રીતે અમારી ઉપેક્ષા કરવામાં આવે. સતત અવહેલનાની પીડા ભોગવવી પડે એ છતાં, ઉષાની સમજદારી અને જતું કરવાની ભાવનાને લીધે ક્યારેય ઝઘડો નથી થયો.
શિલ્પાના ડોમિનેટિંગ સ્વભાવને લીધે એને એના પતિ સાથે કાયમ માથાકૂટ ચાલતી હતી, પરંતુ આ વિશે બા-બાપાએ અમને લગીર પણ અણસાર નહોતો આપ્યો જરાયે વાત નહોતી કરી.
પુત્રના જન્મ પછી શિલ્પા પિયર આવે ત્યારે તો ઘરમાં ઉત્સવ હોય એવું લાગે. બા-બાપા શિલ્પાને મહારાણીની જેમ રાખે અને ભાણિયો જાણે રાજકુંવર ! ભાઈ તરીકે મને એનો લગીર પણ વાંધો નહોતો, પણ મારે ત્યાં પુત્રનો જન્મ થયો એ પછી એના પ્રત્યે બાનું વર્તન જોઈને ઉષાની આંખમાં ઝળઝળિયાં આવી જતાં. પરિસ્થિતિ અસહ્ય બને ત્યારે ક્યારેક એ મને ભીની આંખે પૂછતી કે બા આવો વેરો-આંતરો કેમ કરે છે ? એના આ સવાલનો જવાબ એને મારી ભીની આંખ જોઈને મળી જતો !
ટ્રાન્સફર માટે અરજીઓ કરેલી એટલે સાણંદ પાસેના ગામમાં ઉષાની બદલી થઈ ગઈ. હવે ત્યાં એ અપડાઉન કરી શકે એવી સવલત હતી, એટલે સામાન સમેટીને અમે ઘેર આવ્યાં. શિલ્પા એ વખતે અમારે ત્યાં જ હતી. શિલ્પાને એના પતિ સાથેનો ઝઘડો વધીને વાત છૂટાછેડાની તૈયારી સુધી પહોંચી હતી, પણ બા-બાપાએ અમને અંધારામાં જ રાખ્યાં હતાં. પતિ સાથે રહેવું નહોતું એટલે શિલ્પાએ નોકરી માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. એને ભાવનગરની એક કોલેજમાં ટેમ્પરરી નોકરી મળી ગઈ અને એ ભાવનગર જવાની છે, એની ખબર પણ અમને તો એની વિદાયના આગલા દિવસે જ પડી ! પોતાની બેગ લઈને એ ભાવનગર ગઈ અને એના દીકરાને અહીં બા-બાપાએ જ રાખ્યો.
શિલ્પા ગઈ એ પછી જેમ અર્જુનને પંખીની આંખ જ દેખાતી હતી એમ બા-બાપા ચોવીસેય કલાક ભાણિયામય બની ગયાં હતાં. મારે ત્યાં બીજા દીકરાનો જન્મ થયો, પરંતુ બેમાંથી એકેયને દાદા-દાદીનું વહાલ ના મળ્યું. ઉષાને નોકરી માટે જવું પડે, એટલે વહેલી ઉઠીને શક્ય એટલાં બધા કામ પતાવીને એ દોડાદોડી કરે. રસોડું બા સંભાળે. બાળકોના ભોજનમાંય વેરો આંતરો. કેરીની સિઝનમાં બા ભાણિયા માટે કેરી લાવે, પણ મારા બંને દીકરાઓ ટટળીને જોઈ રહે ! ભાણિયાને જે જોઈએ એ કાચી સેકન્ડમાં મળી જાય, અને મારા દીકરાઓ ઓશિયાળા બનીને તાકી રહે. નાના દીકરાએ એકવાર જીદ કરી કે મારે દાદા-દાદી સાથે ઊંઘવું છે. એ હોંશે હોંશે એમના ઓરડામાં ગયો અને ભાણિયાની બાજુમાં જગ્યા કરીેને ગોઠવાઈ ગયો. પણ બા-બાપાએ એને ધમકાવીને કહ્યું કે અહીં તારા માટે જગ્યા નથી. ભાગ અહીંથી ! દીકરો રડતો રડતો પાછો આવ્યો ત્યારે અમારા પર કેવું વીત્યું હશે ?
આવી પરિસ્થિતિ હતી, એ છતાં હું તો આ ઘરને મારું જ ઘર માનતો હતો. અમારી બચત સાફ કરીને ઉપર બીજો માળ ખેંચાવ્યો, કમ્પાઉન્ડ અપ ટુ ડેટ કરાવ્યું અને આખા ઘરમાં પાકો કલર કરાવ્યો. તમામ બચત ઘરના રિનોવેશનના કામમાં હોમી દીધી.
ભાવનગરથી શિલ્પા રોજ બા-બાપા સાથે ટેલિફોન ઉપર વાત કરતી. એમની વાતોમાં તો અમારો ઉલ્લેખ પણ નહોતો થતો. વધુ પડતા લાડકોડથી અને અમારા પ્રત્યેના બા-બાપાના વર્તનને જોઈને ભાણિયાના કુમળા મગજ ઉપર અવળી અસર પડેલી. આ આખું ઘર મારું છે અને આ લોકો સાવ નક્કામા છે, એવું એ માનતો હતો.
એક દિવસ ફ્રીઝ ખોલવાની કે અંદર કંઈક મૂકવાની બાબતમાં ભાણિયાએ મારા બંને દીકરાઓ સાથે ઝઘડો કર્યો. સાંજે અમે ઘેર આવ્યા ત્યારે જૂના ફ્રીઝની સાથે એક નવું ફ્રીઝ જોઈને અમને નવાઈ લાગી.
આ નવું ફ્રીઝ અમારા માટે છે... બાના અવાજમાં ઠંડી ક્રૂરતા હતી... જૂનું ફ્રીઝ તમે ઉપર લઈ જાવ. અત્યારે તમારી રસોઈ બનાવી છે, કાલ સવારથી તમે તમારી રીતે ઉપર રસોડું ચાલુ કરી દેજો... ! બાનો આ આદેશ સાંભળીને ઉષા મારી સામે તાકી રહી. આઘાતનો આંચકો પચાવીને મેં દોડાદોડી શરૂ કરી. ઘરમાં જે દશામાં અમે જીવતાં હતાં એ અનુભવ પછી બા-બાપાને સમજાવવા માટે નિરર્થક
મહેનત કરવાની કોઈ જરૂર નહોતી. મિત્રોની મદદથી ગેસ અને જરૂરી વાસણ લાવીને બીજા દિવસથી અમે અમારું રસોડું શરૂ કરી દીધું.
શિલ્પાનું ભાંગેલું લગ્નજીવન ફરીથી સંધાય એ માટે બાપા વારંવાર વડોદરા જઈને જમાઈને મળતા હતા. શિલ્પાની પણ કદાચ એવી જ ઈચ્છા હશે અને એ ભાવનગરથી કંટાળી હશે એટલે એ બાપાને વડોદરા મોકલતી હશે એવી મારી ધારણા હતી. એ દરરોજ ફોન ઉપર બા-બાપા સાથે વાત કરતી હતી, પણ ભાઈ-ભાભી શું કરે છે એટલું પણ એ પૂછતી નહોતી. અમારી સાથે વાત કરવાનો તો કોઈ સવાલ જ નહોતો !
બાપાની સમજાવટ કદાચ કામમાં આવી હશે. શિલ્પા ભાવનગર છોડીને પાછી અમારા ઘરમાં - અમારું લોહી પીવા - આવી ગઈ. હવે એ રોજ એના પતિ સાથે પણ ટેલિફોન પર વાત કરતી હતી.
શિલ્પાના આવ્યા પછી દસેક દિવસે બા-બાપાએ ધડાકો કર્યો... તમારે અહીં રહેવાનું નથી. ક્યાંક બીજે ઘર શોધી લો ! એમણે આવું કહ્યું એ સાંભળીને હું ને ઉષા રડી પડયા. અત્યાર સુધી શાંતિથી સહન કર્યા પછી મેં મોં ખોલ્યું અને એમને પૂછ્યું કે અમે ક્યાં જઈએ ? અમારી જે કંઈ બચત હતી એ વાળીઝૂડીને આ ઘરમાં નાખી દીધી છે. એ વખતે તો સસ્તામાં ફલેટ મળતા હતા, ધાર્યું હોત તો એ વખતે ઘરનું રિનોવેશન કરાવવાને બદલે અમે ફલેટ ખરીદી શક્યા હોત... મને જવાબ આપો, આ ઘર ઉપર અમારો કોઈ હક નથી ?
મને જવાબ આપતી વખતે જાણે બાપાના મોઢામાંથી અંગારા વરસતાં હોય એવું મને લાગ્યું. એમણે પૂરી નફટાઇથી મને કહી દીધું... ના... જરાયે હક નથી... આ આખું ઘર હું શિલ્પા અને ભાણિયાને આપી દેવાનો છું. બસ ? આ મારો નિર્ણય અફર છે !... એ રાત્રે અમે ખૂબ રડયાં.
હવે આ ઘરમાંથી ક્યારે જાવ છો ? બા-બાપા દિવસમાં દસ વાર અમને પૂછતાં હતાં. શિલ્પા અમને કહેતી નહોતી, પણ બા-બાપાને ચાવી ચડાવતી હતી. એનો પતિ પણ થોડા થોડા દિવસે અહીં આવી જતો હતો.
દસ દિવસમાં જ મેં ભાડાનું મકાન શોધી કાઢ્યું. અમે સામાન ફેરવી રહ્યાં હતાં એ દિવસે પણ એમણે અમને જમવાનું નથી પૂછ્યું !
આજે એ વાતને આઠ વર્ષ વીતી ગયાં છે...
- આટલું બોલીને એ લગીર અટક્યો. આગળ બોલતી વખતે એના અવાજનો રણકાર અલગ હતો.
''માત્ર એક કિલોમીટર જ દૂર અમારું ઘર છે, એ છતાં બા, બાપા કે શિલ્પાએ આ આઠ વર્ષમાં અમારા ફલેટમાં પગ નથી મૂક્યો. ક્યારેય ફોન પણ નથી આવ્યો... હવેના ઘટનાક્રમની વાત સાવ અલગ છે, સાહેબ ! એ દિશામાં હું તો આ આઠ વર્ષમાં ક્યારેય ગયો પણ નહોતો. ગયા અઠવાડિયે એ ગલીના છેડે આવેલ રેસ્ટોરન્ટમાં એક મિત્રની પાર્ટી હતી એટલે ત્યાં જતી વખતે મેં માત્ર જિજ્ઞાસાથી જૂના ઘર ઉપર નજર ફેરવી. એ બંધ હતું એટલે મને આશ્ચર્ય થયું. ત્યાં જઈને બાઇક પાર્ક કરીને મેં જોયું તો ઘરના દરવાજે લોખંડી તાળું અને બેન્કનું સીલ હતું !
મને જોઈને અમારા પાડોશી ગંગાબા બહાર આવ્યાં. એમને મારા ઉપર સાચી લાગણી હતી. બેટા, તું ગયો એ પછી શિલ્પાડીએ તારા બાપાને ભોળવીને ભૂંહાડિયો વાળી નાખ્યો !... ગંગાબાએ જાણકારી આપી. એના ધણીમાં આવડત નહોતી, તોય એણે નોકરી છોડીને દવાની ફેકટરી નાખી. તારા બાપાએ આ ઘર તો શિલ્પાડીના નામે કરાવી નાખ્યું હતું. તારા બાપાએ એમની બધી બચત દીકરી-જમાઈને આપી દીધી અને ઠનઠન ગોપાલ થઈ ગયા. ફેક્ટરી કરવા માટે આ ઘર ગીરો મૂકીને બેન્કમાંથી મસમોટી લોન લીધી શિલ્પાડીએ ! વેતો હતો નહીં એટલે ત્રણ જ વરસમાં ફેકટરી બંધ થઈ ગઈ અને બેન્કવાળાએ આ ઘરનો કબજો લઈ લીધો છે ! અત્યારે શિલ્પાડીનો વર વટવાની કોઈક ફેક્ટરીમાં નોકરો કરે છે અને તારા બા-બાપા દીકરી-જમાઈના આશરે વટવા-ગેરતપુર બાજુ ક્યાંક ભાડાના નાનકડા મકાનમાં રહે છે !....
એમની વાત સાંભળીને મારું હૈયું ભારે થઈ ગયું. દીકરી-ભાણિયાના મોહમાં અંધ બનેલા મા-બાપે પુત્રના પરિવારની કદર ના કરી અને અંતે પોતે પણ બેહાલ થઈ ગયા !
(શીર્ષક પંક્તિ : લેખક)


