ઇન્ડિયન ટાઈમ .
- 'જોને, આ ઇન્ડિયામાં લોકો કલાક, દોઢ કલાક સમય આગળ પાછળથી કેવા ટેવાઇ ગયા છે ! આ ઇંડિયન ટાઈમ ખરો છે, કલાક દોઢ કલાકની તો અહીં કોઇને પડી જ નથી.'
'આ જે એર ઇન્ડિયાની ફ્લાઇટ એક કલાક લેઇટ છે, જેની યાત્રીઓ નોંધ લે' ન્યૂયોર્કના વખણ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર માઇક ઉપરથી આ જાહેરાત થતાં અવની ચમકી ગઈ. તેની સાથે ફક્ત દશ માસની બેબી અંશીને લઇને એકલી તેના ભાઈના લગ્ન માટે અમદાવાદ થઇને બોટાદ જઇ રહી હતી. ફ્લાઇટ સીધી દુબઈ થઇને અમદાવાદની હતી. ત્યાંથી ત્રણ કલાક પછી ભાવનગર મેલમાં બોટાદ પોતાના પિયરમાં લગ્ન માટે જવાનું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી કાલુપુર સ્ટેશન જવા માટે ત્રણ કલાકનો જ સમય હતો.
તેના પતિને જોબમાં રજા મળી નહી હોવાથી અવની તેની બેબી સાથે ઇન્ડિયા પહેલી વખત એકલી જઇ રહી હતી. તેનાપતિ પણ માઈકમાં આ જાહેરાત સાંભળીને ટેન્શનમાં આવી ગયા.
ફ્લાઇટ સવારે છ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચે પછી સવારે નવ વાગે ભાવનગર મેલનો ટાઈમ હતો. પણ જો તે ટ્રેન ચૂકી જાય તો નાની છોકરી સાથે સ્ટેશન પર ક્યાં બેસી રહેવું તેની ચિંતા બંનેને સતાવતી હતી.
તેના પતિએ કહ્યું, 'અવની, ચાલ જલ્દ ઇમિગ્રેશન ચેક કરાવી લે. અમદાવાદ એરપોર્ટથી નીકળી તરત જ ટેક્સી કરી લેજે, જો જે જરાય સમય બગડે નહિ, તેનું ખાસ ધ્યાન રાખજે.'
'આ અત્યારથી જ ઇંડિયન ટાઈમ મુજબ ફ્લાઇટ એક કલાક લેઇટ છે. પછી તો શું થશે ?' અવનીએ ચિંતાતુર થઇને કહ્યું.
બોર્ડિંગ પતાવીને પ્લેનની અંદર જઇ સીટ ઉપર ગોઠવાયા પછી એરહોસ્ટેસને બોલાવી અવનીએ કહ્યું, 'જલ્દી ફ્લાઇટ ઉપાડો, હજુ કેટલીવાર છે ?'
એરહોસ્ટેસ સમજાવતાં કહ્યું, 'મેડમ, એક કલાક મોડી ફ્લાઇટ સમય થતાં જ ઉપડશે, તમે ખોટી ચિંતા ના કરો.'
વિમાનમા અવની ઇંડિયન ટાઈમને ભાંડતી અને પોતાને પીરસાયેલ સુંદર ભોજન અને પીણાનો આનંદ પણ ટેન્શનમાં લઇ શકી નહિ. તેની સાથે દશ મહિનાની બેબી હતી. તેથી સમયસર ના પહોંચાય તો શું થશે એ વિચારે વિમાનમા અંધારું અને એરકન્ડિશન હોવા છતાં જરા પણ ઊંઘ ના આવી.
ફ્લાઇટ દુબઇ પહોંચી ત્યારે દોઢ કલાક લેઇટ હતી. સામી બાજુમાં ગેઇટ ઉપર અમદાવાદનું પ્લેન તૈયાર જ હતું. તે જલ્દી જલ્દી ત્યાં પહોંચી, પણ બોર્ડિંગ હજુ ચાલુ નહોતું થયું, ત્યાં તો સામે જ તેને બોટાદની બહેનપણી આકૃતિ મળી ગઇ, 'અરે આકૃતિ, તું ક્યાં જાય છે ? ક્યાંથી આવી ?'
'હું ન્યુયોર્કથી આવી છું અને આજ અમદાવાદની ફ્લાઇટમાં અમદાવાદથી બોટાદ ઘરે ભાવનગર મેલમાં જવાની છું.' આકૃતિએ જવાબ આપ્યો.
'શું વાત છે ? હું પણ એ જ રીતે બોટાદ પહોંચવાની છું. પણ જોને આ ફ્લાઇટ તો લેઇટ છે. ભાવનગર મેલ ચૂકી ન જવાય.' અવનીએ ચિંતાતુર થઇને ગુસ્સામાં કહ્યું.
અમદાવાદ જતી ફ્લાઇટના પ્લેનનું ક્લીનિંગ ચાલુ હોવાથી હજુ કલાક રાહ જોવાની હતી. તેથી બંને સખીઓ વાતે વળગી.
'જોને, આ ઇન્ડિયામાં લોકો કલાક, દોઢ કલાક સમય આગળ પાછળથી કેવા ટેવાઇ ગયા છે ! આ ઇંડિયન ટાઈમ ખરો છે, કલાક દોઢ કલાકની તો અહીં કોઇને પડી જ નથી.' અવની બોલી.
આકૃતિએ કહ્યું : આપણે ેંજી માં તો બધું સમયસર ચાલે. એકઝેટ નવ વાગે ટ્રેન ઉપડવાની હોય તો બરાબર નવે ઉપડે. અહીં ઇન્ડિયામાં બધું લોલમલોલ ચાલે છે.
'એટલે જ ઇંડિયન ટાઈમ બધે વગોવાય છે ને. મારે ઇન્ડિયામાં એક વખત મંત્રીના ભાષણમાં સાંજે છ વાગે જવાનું હતું. અમે બધા તો તડકામાં સાડા પાંચ વાગે લોકલાડીયા મંત્રીને સાંભળવા આવી ગયા હતા. પણ મંત્રીજી તો ટાઈમ થયો છતાં આવે જ નહિ ને ! બધા તડકામાં ગરમ થતાં બેસી રહ્યાં. છેક સાંજે સાડા સાત વાગ્યે મંત્રીજી પધાર્યા, છતાં લોકો શાંતિથી બેસી રહ્યાં. કોઈ ફરિયાદ નહીં, લોકો પણ ઇંડિયન ટાઈમથી ખરા ટેવાઈ ગયા છે નહિ !' અવનીએ પોતાનો ભૂતકાળનો ઇંડિયન ટાઈમનો અનુભવ કહ્યો.
'એલી, તેના કરતાં પણ અજબ કિસ્સો હું સંભળાવું છું અમારે પાંચ વરસ પહેલાં ઇન્ડિયામાં એક રિસેપ્શનમાં જવાનું હતું. સમય હતો સાંજના છથી નવનો. અમે બધાં સાંજે છ ને પાંચે સમયસર પહોંચી ગયા. મિત્રો સ્નેહીઓ એક પછી એક આવતા ગયા. પણ મૂળ વરઘોડિયાનો પત્તો જ નહિ. એ લોકો આવે નહિ ત્યાં સુધી બીજા બધાં ડીનર પણ કઇ રીતે ચાલુ કરે ? પૂછપરછ એક જ જવાબ મળે હમણા બ્યુટીપાર્લરથી આવી જશે બધાં અંદર ગુપસુપ કરે પણ શું થાય ?' આકૃતિએ કહ્યું.
'પછી શું, છેક રાત્રે પોણા નવે બન્ને આવ્યા પછી બધાયે વીશ કરી. ડિનર લીધું. છેવટે રાતના અગિયાર વાગી ગયા. શું થાય, ઇન્ડિયન ટાઈમ ખરો ને ?' અવનીએ જવાબ આપ્યો.
બન્ને સખીઓ હસવા લાગી. છેલ્લા ચાર વરસથી બન્ને ેંજી સેટલ થઇ હતી, એટલે ઇન્ડિયાની ભૂતકાળની વાતો વાગોળીને ઇન્ડિયન ટાઈમને વગોવી રહ્યાં હતાં.
દુબઇથી ફક્ત ત્રણ કલાકે અમદાવાદ આવવાનું હતું. પણ એરઇન્ડિયાની ફ્લાઇટ દોઢ કલાક લેઇટ હતી, ઇન્ડિયન ટાઈમ !
બન્ને બહેનપણી ટેન્શનમાં અમદાવાદનાં સરદાર પટેલ એરપોર્ટ પર બહાર નીકળી ત્યારે સવારના સાડા સાત વાગી ગયા હતા.
માંડમાંડ લગેજના બેલ્ટ પરથી બેગો ઉતારી, પાછી ઇમિગ્રેશનમા લાઈન ફક્ત બે જ બારીઓ ચાલુ હતી. અવની હવે ખરેખર ટેન્શનમાં આવી ગઈ. તેની બેબી પણ ઉજાગરા અને ભૂખથી કંટાળી હતી. તેણે બૂમ પાડી, 'ભાઈ જલ્દી કરોને, અમારે તરત જ ટ્રેન પકડવી છે.' પણ એને સાંભળવા કોણ નવરું હતું. એક જ જવાબ 'શાંતિ રાખો'.
એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે સવારના સાડા આઠ વાગી ગયા હતા. નવ વાગ્યાનો મેલ કઇ રીતે પકડાશે ?
આજ ચિંતામાં જલ્દી જલ્દી ટેક્સી કરી કાળુપુર સ્ટેશનનું ભાડું પણ મીટરને બદલે પાંચસો રૂપિયા સ્વીકારી લીધું. શરત એટલી કે જેમ બને તેમ જલ્દી પહોંચાડવાના.
ટેક્સીમાં સામાન મૂકી જલ્દી ભગાવવા કહ્યું. ડફનાળા પસાર કરી શાહીબાગ આવતા તો પોણા નવ વાગી ગયા. વહેલી સવાર હતી તેથી ટ્રાફિક ઓછો હતો, પણ દિલ્હી દરવાજાથી કાળુપુર ટ્રાફિકમાં ફસાયા.
અવની અને આકૃતિ બન્ને ટેક્સી ડ્રાઈવરને જલ્દી કરો જલ્દી કરોની બૂમો પાડી ટેક્સી દોડાવતા હતા, પણ ટેક્સી કાળુપુર સ્ટેશનની અંદર આવી, ત્યારે નવ ને પાંચ થઇ ગઇ હતી. બન્ને સખીઓએ આશા છોડી દીધી. હવે આજની રાત ક્યા પસાર કરવી તેની ચિંતા ચાલુ થઇ. અવનીએ કહ્યું, 'અંતે ઇન્ડિયન ટાઈમને લીધે આપણે મેલ પકડી નહિ શકીે, હવે શું કરવું છે ?'
આકૃતિએ કહ્યું, 'અંદર તો ચાલ, આ સિવાય બીજી કોઈ ટ્રેન બપોર કે સાંજે બોટાદ જતી હોય તો તપાસ તો કરીએ,' કુલી કરી બન્ને સ્ટેશનની અંદર પ્રવેશ્યા, ત્યાં માઇક ઉપર થતી જાહેરાત સાંભળી બન્ને ચમકી ગયા. 'યાત્રીઓ ધ્યાન આપો, ભાવનગર મેલ કલાક લેઇટ હોવાથી દશ વાગે પ્લેટફોર્મ નંબર નવ ઉપરથી ઉપડશે.'
આ સાંભળી બન્ને ખુશ થઇ ગયા. ઝડપથી પ્લેટફોર્મ નંબર નવ પર પહોંચી રીઝર્વ ડબ્બામાં ગોઠવાયા. નાની બેબી પણ દૂધ પીને સૂઈ ગઈ. હાશકારો અનુભવી અવની બોલી : 'બહુ સારું થયું. ઇન્ડિયન ટાઈમને લીધે મેઇલ પકડાઈ ગયો. થોડું ઘણું મોડું થાય તો એડજસ્ટ તો થવું જોઇએ ને ! અમેરિકામાં તો મિનિટે મિનિટે ટાઈમસર ચાલવાનું ? આપણે માણસો ઘડિયાળના ગુલામ થઇ યંત્રવત બની ગયા છીએ. આના કરતાં તો શાંતિવાળું માણસાઈથી ધબકતું ઇન્ડિયા અને ઇન્ડિયન ટાઈમ સારા.'
આકૃતિ આ સાંભળી છેલ્લા ચોવીસ કલાકથી ઇન્ડિયન ટાઈમને વગોવતી તેની બહેનપણી અવની સામે જોઈ તેણે પણ વિચાર્યું આ ઘડિયાળના કાંટે ચાલતી યંત્રવત જિંદગી કરતાં આપમેળે ચાલતી લાગણીસભર જિંદગી શું ખોટી ??
- હર્ષદ કામદાર