Get The App

માથાના દુખાવાના 11 પ્રકાર, તેના કારણો અને લક્ષણો

- આરોગ્ય ગીતા .

- માથાનો દુખાવો જેમ સ્વતંત્ર-એક રોગરૂપે હોય છે તેમ કેટલાક રોગોમા એ લક્ષણરૂપે પણ જોવા મળે છે

Updated: Jul 14th, 2020

GS TEAM


Google News
Google News
માથાના દુખાવાના 11 પ્રકાર, તેના કારણો અને લક્ષણો 1 - image


આ યુર્વેદની દ્રષ્ટિએ શિરઃશૂલ એટલે કે માથાના દુખાવાના કુલ અગિયાર પ્રકાર પાડવામાં આવ્યા છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણ અલગ-અલગ દોષથી થતા સ્વતંત્ર ત્રણ પ્રકાર. ત્રણે દોષના સંયુક્ત પ્રકોપથી થતું ત્રિદોષ જ શિરઃશૂલ, મગજમાં દોષો વધી જવાથી, પાક થવાથી કે સડાના કારણે તેમા જીવાત પડવાથી થતો દુખાવો તે કૃમિજ શિરઃશૂલ. લોહીની દ્રષ્ટિ થવાથી થતું ક્ષય જ શિરઃશૂલ. આ સાત પ્રકાર ઉપરાંત એક 'સૂર્યાવર્ત' નામનો દુખાવો પણ થાય છે જે સૂર્યોદય થતાની સાથે જ ધીમે ધીમે શરૂ થાય છે, બપોરે ખૂબ જ વધે છે અને જેમ જેમ સાંજ ઢળી જાય એમ ઘટતો જાય છે. 


લોકો આ પ્રકારના દુખાવાને 'અધાશીશી' તરીકે ઓળખે છે. પણ તે બરાબર નથી. આધાશીશીમાં માથાનો ડાબો કે જમણો એમ કોઈ એક ભાગ પકડાય છે, અને દુખ્યા કરે છે. આયુર્વેદમાં આને 'અર્ધાવભેદક' અને અંગ્રેજીમાં 'માઈગ્રેન' કહે છે. આ સિવાય 'અનંતવાત' અને 'શંખક'નામનો માથાનો દુખાવો લગભગ અસાધ્ય ગણાય છે અથવા તો મુશ્કેલીથી મટે છે.

આ દરેક પ્રકારના માથાના દુખાવાના શાસ્ત્રકારોએ અલગ અલગ કારણો ગણાવ્યા છે. પણ એટલો બધો વિસ્તાર ન કરવાં એ બધામાં જે સર્વ સામાન્ય છે તેવા કારણોનીજ અહીં વાત કરીશું.

આયુર્વેદની દ્રષ્ટિએ માથાના દુખાવાનું એક મહત્વનું કારણ છે વેગાઅવરોધ, ઝાડો, પેશાબ, વાછૂટ, છીંક, બગાસુ, ઊંઘ, ભૂખ વગેરે ને કુદરતી વેગ અથવા તો ઈચ્છા માણસ માત્રામાં હોય છે. તેને કોઈને કોઈ કારણોસર રોકવામાં આવે તો તેનાથી વાયુનો કાયમી પ્રકોપ થાય છે અને આગળ જતાં એમાંથી કાયમી કબજિયાત કે માથાના દુખાવો થઈ શકે છે.

આયુર્વેદની દ્રષ્ટિએ દુઃખ કે લાગણીના અતિરેકમાં વ્યક્તિ રડી પડે તો એ કુદરતી છે. એ બાળક હોય, પુરુષ હોય કે સ્ત્રી પણ એણે રડી લેવેું જોઈએ. આપણે બાળકને રડતું બંધ કરવા ખૂબ જ બીક બતાવીએ છીએ પણ એક રીતે આ ખોટું છે. અંદરથી સહજ રીતે આંસુ આવતા હોય તો તેને રોકવા ન જોઈએ. ઘણા લોકો પોતે શક્તિશાળી છે એવું બતાવવા અંદરથી આવતા આંસુને રોકે છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ રીતે આવતા આંસુ કે રૂદનના વેગને રોકવો એ પણ વાયુને વધારનાર અને એ રીતે માથાના દુખાવો કે શદી જેવા વ્યાધિને નોતરનાર છે.

રાતના વધુ પડતા ઉજાગરા પણ આગળ જતાં વાયુને વધારી શિરઃશૂલનું નિમિત્ત બની શકે છે. એ જ રીતે દિવસે ઊંઘવાની આદત પણ માથામાં ભારેપણું તથા દુખાવો કરવામાં કારણભૂત બની શકે છે. ધૂળ, ધૂમાડો કે એકધારો માથા પર ઠંડો પવન લાગવો, ખુલ્લા માથા પર સખત તડકો પડવો, વાદળછાયું વાતાવરણમાં કાયમ બહાર ફરવાનું થતું હોય તો તેવી વ્યક્તિને લાંબા ગાળે માથાનો દુખાવો થઈ શકે છે.

કુલરની હવામાં જે ભેજ હોય છે તે પણ શરદી અને માથાનો દુખાવો કરી શકે. પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય એવા વાતાવરણમાં રહેવાથી, અતિશય દુર્ગંધ આવતી હોય એવી જગ્યામાં વધુ સમય રહેવાથી, ઊંચે ઊંચેથી અને વધુ પડતું બોલવાથી, અતિશય ઠંડુ હોય એવું પાણી પીવાથી, દાઢ સડી ગઈ હોય કે કાનમાં દુખાવો થતો હોય તેવી પરિસ્થિતિમાં માથાનો દુખાવો થઈ શકે છે.

જે લોકો દહીં જેવા ખાટાં કે આથો લાવીને તૈયાર થતા પદાર્થો વધુ પ્રમાણમાં ખાય છે. તેને અમ્લપિત્તના કારણે માથુ દુઃખી શકે છે . એ જ રીતે વારંવાર ભારે ખોરાક ખાવાથી, શરીરમાં અને માથામાં કફ કે 'આમ' વધી જવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. અતિ મૈથુન અથવા જાતીય જીવનના અતિરેકથી પણ લાંબાગાળે માથાનો દુખાવો ઘર કરી શકે છે.

વધુ પડતા ઉપવાસ, એકટાણાં, અતિપ્રવાસ, ક્રોધ, તડકો, મદ્યપાન, આળસુ અને બેઠાડુ જીવન તથા કાયમ અપચો રહેતો હોય તેવી સ્થિતિમાં પણ માથાનો દુખાવો થઈ શકે. જે લોકોને કાયમી કબજિયાત રહેતી હોય તેમને  પણ માથાનો દુખાવો થવાની શક્યતા ખરી. ચશ્માના નંબર વધી ગયા હોય અને પોતાને ખ્યાલ પણ ન હોય તેવી સ્થિતિમાં કેટલાક લોકોને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. 

માથાનો દુખાવો જેમ સ્વતંત્ર-એક રોગરૂપે હોય છે તેમ કેટલાક રોગોમા એ લક્ષણરૂપે પણ જોવા મળે છે. જેમ કે અમ્લપિત્ત એટલે કે એસિડિટીના દરદીને વારંવાર માથાનો દુખાવો થતો હોય છે. દહીં, છાશ જેવા ખાટા પદાર્થો કે હાંડવો, ઢોકળા, ખમણ જેવા આથાવાળા પદાર્થો ખાવાથી એસિડીટીના દરદીને માથું દુખવા લાગે છે અને ખાટી -કડવી ઊલટી થાય પછી જ દુખાવો મટે છે. એ જ રીતે વર્ષો જૂની કાયમી કબજિયાત હોય તેવી વ્યક્તિને પણ અવારનવાર માથું દુખતું હોય છે. લો બીપી કે હાઈ બીપીના દરદીને પણ માથું દુખી શકે છે.

જૂની શરદી અને સાયનસના દરદીને પણ માથામાં ભારેપણું અને દુખાવો થઈ જવાથી માથામાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતો નથી. મોંથી શ્વાસ લેવો પડે છે. આ રીતે માથાના ભાગમાં કફ ભરેલો રહેવાથી અવરોધના કારણે લોહી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. એજ રીતે પ્રાણવાયુ શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં મળતો નથી પરિણામે માથું ભારે રહે છે અને દુખ્યા કરે છે. સખત તાવ હોય તેવી સ્થિતિમાં અને ખાસ કરીને મલેરિયાના તાવમાં તો માથું ખૂબ જ દુખે છે. ચશ્માના નંબર વધી ગયા હોય તેવી વ્યક્તિને પણ માથું દુખે છે. અને તે નંબરવાળા ચશ્મા પહેરવાથી દૂર થાય છે. 

ઘણી બહેનોને માસિકની પ્રવૃતિ વખતેની ખાસ ફરિયાદોમાં માથાનો દુખાવો પણ એક મુખ્ય ફરિયાદ હોય છે. સતત ભૂખ્યા રહેવાથી ને એકધારા ઉજાગરા કરવાથી પણ માથું દુઃખે છે. કાયમ અપચો રહેતો હોય અને ખાધેલો ખોરાક બરાબર પચતો ન હોય તેવા વ્યક્તિને પણ માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે.

આવી સ્થિતિમાં એકલી પેઈનકીલર (દર્દશામક) ટીકડી લેવાથી કાયમી પરિણામ મળતું નથી. આ રીતે તો મગજના જ્ઞાાનતંતુઓ બહેરા અને શિથિલ થઈ જવાની શક્યતા છે. આથી માથાનો દુખાવો કયા પ્રકારનો છે ? સ્વતંત્ર રોગ રૂપે છે. કે અન્ય કોઈ રોગના લક્ષણ રૂપે. એ જાણી એના મૂળગામી ઉપચાર કરવા જોઈએ. 

Tags :