નેટીજન .
- સ્માઈલરામ- સાંઈરામ દવે
।। નેટીજન તો તેને કહીયે જે નેટના ચડે રવાડે રેત
સદાય સોશ્યલ મીડીયે રાચે સમય સતત જે બગાડે રે ।।
અર્થાત, આશરે દસેક હજાર વર્ષ જૂની એક કવિતાની હસ્તપ્રતો સોરી નેટપ્રતો હાથમાં લાગી છે. આમા કવિ જગતને સ્પષ્ટ આ નિર્દેશ આપે છે કે ભારતમાં હવે સીટીજનની સંખ્યા ઘટી રહી છે અને 'નેટીજન'ની સંખ્યા વધી ગઈ છે. સીટીજન સમાજની ચિંતા કરે છે જયારે નેટીજન હંમેશા સમાજની ચિંતા વધારે છે. સીટીજન હંમેશા તમામ જ્ઞાાતિઓનું અને સૌની શ્રદ્ધાનું સન્માન કરે છે. જયારે નેટીજન નેટના ઉંધા રવાડે ચડેલા હોવાથી પોતાની જ્ઞાાતિના પોકળ મહિમા મંડનમાં રાચે છે તેમાં પળેપળ બીજાની શ્રદ્ધા ઉપર બુલડોઝર ફેરવતો નજરે ચડે છે. સીટીજન હવાને વૃક્ષો વચ્ચે શ્વાસ લ્યે છે જયારે નેટીજન નેટના ડેટા અને ફ્રી વાઈફાઈ વચ્ચે શ્વસે છે. સીટીજન અર્થોપાર્જન ઉપરાંત સમાજ સેવા કરે છે, જયારે નેટીજન કશું કમાતો ન હોવાથી સમાજ સેવા કરનારાઓની પણ પીદૂડી કાઢતો ફરે છે. (પીદૂડી શબ્દના યથાર્થ ભાવાર્થ માટે સુજ્ઞા શ્રોતાઓએ કોઈ પરંપરાગત કાઠિયાવાડીનો સંપર્ક કરવો ગુગલમાં 'પીદૂડી' સર્ચ કરશો તો ગંજીપત્તાની 'દુડી' જડશે. છતાં બહુ મથશો તો ગુગલની પણ પીદૂડી નીકળી જાશે.) આમ સીટીજન ઘરમાં રહે છે જયારે નેટીજન એક્ચ્યુલી ઘરમાં રહેતો હોવા છતાં વરર્ચ્યુંલ વર્લ્ડની દિવાલો પર ખીંટીયે ટીંગાયેલો રહે છે
।। ફેસબુક ઈન્સ્ટા કે ટ્વીટરમાં સુતા ઝઘડા જગાડે રેત
બળી બળી ખાખ થયેલી રાખમાં ફરી ફરી આગ લગાડે રે ।।
અર્થાત અહીં કવિ મામક રીતે એવું કહેવા માંગે છે સીટીજનને મોસ્ટલી એક જ પત્ની હોય છે.
જયારે નેટીજન બહુ પત્નીત્વપ્રથા ધરાવતો હોય છે. વરર્ચ્યુલ વર્લ્ડ ઉપર તે ફેસબુક - ટ્વીટરત ઈન્સ્ટાગ્રામ, વોટ્સેપ, ગુગલ ડયુ, સ્કાઈપી, ટેંગો, સ્નેપચેટ કે ઝુમ જેવી કેટલીય પત્નીઓ અને ઉપપત્નીઓ સાથે લગ્નગ્રંથીથી નહીં પરંતુ કટુતા ગ્રંથીથી જોડાયેલો હોય છે. નેટીજનને દસેય દિશામાંથી નેગેટીવ પવન જ વાયે રાખે છે. જેથી તેનું પરિણામ પોઝીટીવ નથી આવતું અને રિપોર્ટ પણ. નેટીજનોની પોસ્ટમાં શબ્દોનું પેટ્રોલ એટલું જલદ હોય છે કે એ એકાદ પોસ્ટથી લીલીછમ ધ્રોકડ જેવી જ્ઞાાતિને હાથલીયા થોર જેવી ચીતરી મારે છે. શ્રદ્ધાના આશ્રયસ્થાન જેવા મંદિરો અને સંપ્રદાયોને શૈતાની કારખાના તરીકે વર્ણવી જાણે છે. સ્મશાનમાં કોઈ બળેલા પુરુષની રાખ ઉપર કોઈ નેટીજન જો પોસ્ટનું પીંડદાન કરે તો એ પિતૃનો આત્મા આગળ બોત્તેર જન્મ સુધી ભટકતો રહે છે. ફાયરપ્રુફ ગ્લોઝ પહેરીને, છભ ઓફિસમાં બેઠા બેઠા ઠરેલા ઓઘા (ગુગલમાં ન શોધતા નહીંતર ગુગલવાળા પણ ઓઘો સળગાવશે.) વારંવાર સળગાવવામાં નેટીજનને સ્વર્ગનું સુખ અનુભવાય છે.
।।વક્તાઓને શોધી શોધી ભૂલ તેની ચીંધાડે રેત
માફી મંગાવે સૌ મોટાને ઈગો સડેલો ઉગાડે રે ।।
અહીં કવિનો ભાવાર્થ બહુ સ્પષ્ટ છે કે, શ્રોતાઓ બે ભાગમાં વહેંચાયેલા હોય છે. એક જે વક્તાને આદરપૂર્વક સાંભળે છે અને પોતાને યોગ્ય લાગે એટલું વક્તવ્ય જીવનમાં છાનુમુનું ઉતારી લ્યે છે. જયારે બીજા પ્રકારના શ્રોતાઓ તો વક્તાની ભુલું કાઢવા જ પ્રોગ્રામ રાખે છે. ડાયરો, લેક્ચર્સ, સેમીનાર, કથા કે અંગત ફોનના ઓડિયો વાર્તાલાપમાં કયો વક્તા પોતાની જ્ઞાાતિ કે ધર્મ કે દેવી દેવતા વિરુદ્ધ બોલ્યો તેનું સ્કેનર લઈને બેઠા હોય છે.
આ બીજા પ્રકારના શ્રોતાઓને કળિયુગમાં નેટીજન કહેવાય છે. વક્તાની માફીના વિડીયોરૂપી પાણી પાઈને આવા નેટીજનના સડેલા ઈગો વટવૃક્ષ બને છે.
।।લાઈકું આપી લાડી ફસાવે ફોગટ સ્નેહ સુંઘાડે રેત
શબની સાથે સેલ્ફી પાડી, નિર્લજ સૌને દેખાડે રે ।।
અમુક નાલાયક નેટીજન પોતાની પત્ની તથા ઉપપત્ની (એટલે કે તમામ સોશ્યલમીડીયા પ્લેટફોર્મ)નો સહારો લઈ નિર્દોષ કન્યાઓને ફોસલાવે છે એવું કવિનું સ્પષ્ટ માનવું છે. પંચાવન વરસના કેટલાક ભૂખ્યા શિયાળીયા જેવા નેટીજન પોતાનો વીસ વરસનો ફોટો ફેસબુક એકાઉન્ટમાં રાખી ઓગણીસ વરસની કન્યા સાથે હોંશે હોંશે ચેટીંગ કરે છે. ત્રણેક મહિનાની અથાગ મહેનત અને ઉજાગરા બાદ એ કન્યા બાજુની સોસાયટીના બોત્તેર વર્ષના કરશન કાકા નીકળે છે. ત્યારે નેટીજન અંદરથી ઘવાય જાય છે પણ તેને લોહી નીકળતું નથી. પણ તેને એનોરેક્ટલ પીડા થાય છે. સ્મશાન યાત્રામાં શબ સાથે હસતાં મોઢે સેલ્ફી લેતા કેટલાંક નેટીજન ચાર્લી ચેપ્લીન કે લોરેન હાર્ડીની ભટકતી આત્મા જેવા કવિને ભાસે છે. નવા નવા પાત્રો સાથે નવી નવી રીતે ફ્રેન્ડશીપ કરવાની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ ધરાવનારા કેટલાય નેટીજનોએ પોતાનું બેંકબેલેન્સ ઓછું કર્યાનું પણ કવિએ ઘણીવાર નોંધ્યું છે.
।।વાઇરલ થાવા ચડે માંચડે, બાળે બધાને નિંભાડે રેત
જીવન લક્ષ્ય ફોલોઅર જેનું હાજરી નોંધવા રંજાડે રે ।।
કવિ અહીં નેટીજનના પરંપરાગત લક્ષણો નોંધે છે કે વાઈરલ થવુ અને કોઈપણ ભોગે વાઈરલ થવુ એ નેટીજનનો એકમાત્ર સ્વભાવ છે. ઘણીવાર તો ઘરના સ્વજનો પણ જેને ગંભીરતાથી નથી લેતા હોતા એવા કેટલાક આખર તારીખમાં અવતરેલા નેટીજન સોશ્યલ મીડીયાના માંચડે ચડી 'કૂકડાની જેમ' બેસૂરી બાંગ પોકારે છે. વિવાદોના ધ્રાણ ઘનપદાર્થો ગોળ વાળી વાળી સોશ્યલ મીડીયાની દીવાલે ચોંટાડી ફોલોઅર વધારવાનું નિત્યકર્મ નેટીજનો સદૈવ આચરે છે.
।।મોબાઈલ પ્રભુને ભજતાં જેના કુળ એકોત્તેર ડુબાડે રેત
કહે 'સાંઈરામ' તેનું ડાચુ ભાળો તો કોઈ તમને ના જમાડે રે ।।
હવે આ અંતિમ ચરણમાં કવિ શું કહેવા માંગે છે એ જો તમને સમજાણું ન હોય તો તમારી આસપાસના કોઈ સુજ્ઞા સીટીજનને પૂછી લેવું. અને હા, આડોશ પાડોશમાં વસતા આવા નેટીજનના સંક્રમણથી બચજો કારણકે કોરોનામાં પણ દર્દી મરી જાય છે જયારે નેટીજન નામક રોગથી માણસ મરતો નથી આજીવન અધમૂઓ થઈ જાય છે. માટે ઓલ ધ બેસ્ટ સીટીજન્સ. સાંઇરામના સ્માઈલરામ
ઝટકો:
ઝીનપીંગ ઉપર શીંગડા, અને ભીંગડા થાશે લાલ,
આ ચીનડું ચીંથરેહાલ, ચીસું પાડશે ચીનાઉત.