Get The App

KBC = કોન બનેગા કોરોનાપતિ ?

- સ્માઈલરામ- સાંઈરામ દવે

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
KBC = કોન બનેગા કોરોનાપતિ ? 1 - image


બો લીવુડના મહાનાયકને મહામારીનો મહાનાયક વળગ્યો છે. અમિતાભ બચ્ચન જે બોલીવુડની જીવતી જાગતી દંતકથા છે. ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થનાર માણસ છે બચ્ચન. અને ૭૭ વર્ષે ગગા કરતા જાજુ કામ કરનાર બાપુજી છે બચ્ચન. ઢીચકુકડા જયા ભાભી સાથેનો તેનો સુખી સંસાર બતાવે છે કે બચ્ચન બદ - ચલન નથી.

કવિ હરિવંશરાય બચ્ચનની શ્રેષ્ઠ કૃતિ કઈ ? આવું જયારે જયારે હિન્દીના શિક્ષકો પૂછે છે ત્યારે વિદ્યાર્થીઓ 'મધુશાલા' ને બદલે અમિતાભ બચ્ચન જ જવાબ આપે છે. કારણકે આ એંગ્રીયંગમેન બોલીવુડનો શહેનશાહ છે. જે 'મર્દ', 'અગ્નિપથ' ના રસ્તે ધગધગતા 'શોલે' ઉપર 'ખુદા ગવાહ' રાખીને ચાલી બતાવે છે એ 'નમકહલાલ' '૧૦૨ નોટ આઉટ' રહીને પોતાના ચાહકોની 'સરકાર' બનાવે છે. અમિતાભ બચ્ચન બોલીવુડની દુનિયાનો 'એકલવ્ય' છે, 'અજુબા' છે 'જાદુગર' છે. જેનું 'બોલ બચ્ચન' આપણને 'કભી ખુશી કભી ગમ' સાથે 'આનંદ' આપે છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' દ્વારા જે પોતાની છમ્ભન્ કંપનીમાં ભયંકર નુકસાની વેંઠી 'નિશબ્દ' બની જાય છે. અને ચા પણ દૂધ વગરની અને 'ચીનીકમ' પીને  દિવસો વિતાવે છે.

ફરી એ 'શાન'થી બેઠો થાય છે અને દિવસની અઢાર અઢાર કલાક 'કુલીની' જેમ કામ કરે છે ને જુવાનીયા'વને સંદેશ આપે છે કે 'બુઢા હોગા તેરા બાપ !'

પોતાના દેણાની 'દિવાર' મહેનતનાં 'ત્રિશુલ'થી તોડી પાડે છે. વિપરિત પરિસ્થિતિની સામે જે 'ગુલાબો સીતાબો'ના પાત્રની જેમ લડયો છે. બચ્ચન બાબુ 'સૂર્યવંશમ' બની અને સાત દાયકાથી ઝળકે છે. તમે હોસ્પીટલાઈઝ થયા તો જાણે આખું બોલીવુડ 'બ્લેક' થઈ ગયું છે. ઝટ કોરોનાની 'જંજીર' તોડો નહીંતર બોલીવુડ 'બાગબાન'ની જેમ અનાથ થઈ જાશે.

મારા જેવડી આખી એક પેઢી માટે બોલીવુડનો પર્યાય એટલે બચ્ચન. ૨૦૦૧ની સાલમાં મારી 'ચમન બનેગા કરોડપતિ'ની ઓડિયો કેસેટ શિવ સ્ટુડિયોમાં બહાર પડી હતી. અસ્સલ કાઠિયાવાડી ચમન બચ્ચનને ગોટે ચડાવીને કરોડ રૂપિયા કેવી રીતે મેળવે છે એની ફેફસાફાડ કોમેડી લોકોએ ખુબ સ્વીકારી હતી. આ એક ઓડિયો થકી વિશ્વભરના હાસ્યપ્રેમીઓના દ્વાર મારા માટે ખુલ્યા હતા. આજે વીસ વરસ બાદ બચ્ચન સાહેબ જો 'કૌન બનેગા કોરોનાપતિ' નામના મારા સાવ હાથે બનાવેલા શોમાં આવે તો હોટસીટ પર બેસાડીને હું એને શું પૂછું ? લ્યો વાંચો નકરી નુકસાની કરતો અતુલનો કોરો ધાકોડ કડકો કાર્યક્રમ 'કૌન બનેગા કોરોનાપતિ'ના મારા સવાલો અને બચ્ચનબાપુના ગુજરાતી જવાબો:-

સાંઈરામ: એ રામ રામ સંધાય ડાયરાને ! આમ તો આ કોરોનાથી ફાટી પડયા હોવાથી આપણાં આ કાર્યક્રમમાં બહું કોઈ  આવતુ નથી. પણ આજ અતુલ રેખાભાભીની લાગવગ લગાડી અમિતાભભાઈ હરિભાઈ બચ્ચનને આ કડકા કાર્યક્રમ 'કૌન બનેગા કોરોનાપતિ'માં લઈ આવ્યો છે. તો તમે સંધાય થોડી ઘણી તાળીયુ નો વગાડો તો શોની ને બચ્ચનની બે'યની આબરૂ જાહે માટે વધાવો અમિતાભ બચ્ચન 

(બચ્ચન હોટસીટ પર ગોઠવાય જાય છે)

સાંઈરામ: તો બચ્ચનબાપુ આખું લોકડાઉન ઘરમાં જ પુરાણા તો'ય આ કાળમુખો કોરોના કેવી રીતે અડી ગયો તમને ?

બચ્ચન: હવે એમાં એવું છે સાંઈભાઈ ! કે મારો ડબ્બો ડબીંગ કરવા ગયો એમાં હું ડબે પુરાઈ ગયો.

સાંઈરામ: ઓ હો ! તમારે ને જીતુદાદા (જીતેન્દ્રકુમાર)ને દીવા વાંહે અંધારુ છે કાં ?

બચ્ચન: ના, ના એમ તો તુષારકપુર કરતાં તો મારા અભિષેકે જાજી ફિલ્મુ કરી છે ને અભિને ડાયલોગ બોલવા પણ મળ્યા છે !

સાંઈરામ: રાઈટ સરજી ! કોવિડ ૧૯માં તમારો અનુભવ કેવો રહ્યો ?

બચ્ચન: બહુ કફ વાળો.

સાંઈરામ: ઓ.કે. સર ! હોસ્પીટલમાં તમને ટીફીન દેવા કોણ આવતુ' હતું ? ભાભી કે પૂર્વભાભી ?

બચ્ચન: હા હા હા...! સાંઈભાઈ તમે પણ ગલઢે ગડપણ ઘર ભંગાય એવા સવાલો શું કામ પૂછો છો ?

સાંઈરામ: ના સર ! પ્લીઝ કયોને ! વોટ્સેપમાં બે'ય ભાભીયુના ફોટા બહુ ફર્યા છે.

બચ્ચન: દરેક પરણેલા પુરુષને ટીફીન તો પત્ની જ આપવા આવતી હોય પણ પુરુષ જમતી વખતે પ્રેમીકાની દાળ સંભારતો હોય.

સાંઈરામ: નાઈસ આન્સર બચ્ચનજી ! તમારી તબિયત કોરોનામાં કેવી રહેતી હતી ?

બચ્ચન: હું પણ મારી તબિયત માટે જુદી જુદી ન્યુઝ ચેનલો જ જોતો' તો ! એ પ્રમાણે તબિયત સારી હતી...

સાંઈરામ: આપણે ગેમ શરુ કરીએ એ પહેલા કૈક આપના અંદાજમાં કોવિડ ૧૯ વિશે...

બચ્ચન: આજ ખુશ તો બહોત હોંગે તુમ હાય...! જીસને કભી કોરોનાકા ગોબરા ફોટો તક નહીં દેખા થા વો માસ્ક પહેનકે નાણાવટીમેં એડમીટ હો ગયા હૈ...! આજ ખુશ તો બહોત હોંગે તુમ હાય...!

(ગેમ શરુ થાશે પણ આવતા બુધવારે તમે જો પોઝીટીવ ન હો તો જરૂર વાંચજો.) સાંઈરામના સ્માઈલરામ 

ઝટકો:

ચિત્તની ઈચ્છાપૂતનું નામ સમાધાન નથી. 

- આચાર્ય શંકર - વિવેક ચૂડામણિ

Tags :