Get The App

ઈન્સ્ટાની આત્મકથા .

- સ્માઈલરામ- સાંઈરામ દવે

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News

- કસોટીના આ કપરા કાળમાં દરેક કલાના અને શબ્દના ઉપાસકે યાદ એ રાખવાનું છે કે કલાકારો સોશ્યલ મીડીયા થકી નથી... 

ઈન્સ્ટાની આત્મકથા      . 1 - image

કો રોના અને લોકડાઉનના દામ્પત્ય જીવનના પરિણામે 'ઈન્સ્ટાગ્રામ લાઈવ' નામનું એક સંતાન વરર્ચ્યુલ હોસ્પીટલમાં લાઈક નામની નર્સની સાક્ષીએ જન્મી ચુક્યું છે. આ સંતાન રૂપે-રંગે તેના માતા-પિતા જેવું નથી દેખાતું. પરંતુ આ બાળકના તોફાન દિન પ્રતિદીન વધતા જાય છે. 'ઈન્સ્ટાગ્રામ લાઈવ' નામના શિશુની સંભાળ લેવા ગમે તે મામા-માસી ગમે તે ખૂણામાંથી ગમે ત્યારે લાઈવ થઈ જાય છે. વળી આ લાલનપાલનમાં ગવાતા ગીતો-ફિલ્મગીતો-શાયરીઓ કે જોક્સ જગત આખું સાંભળી શકે છે. 

થોડા સમય પહેલા આપણે આપણાં જીગર મિત્રને કહેતા કે હાલને આપણે ચા પીએ ! હાલને ફિલ્મ જોઈએ ! એવી જ રીતે હવે બે મિત્રો અથવા તો કલાકાર મિત્રો એકબીજાને કહે છે, 'હાલને આપણે લાઈવ થઈએ...!' કેવો સમય આપ્યો કોરોનાએ કે તમે જીવતા હો છતા તમારે લાઈવ થાવુ પડે. 'ઈન્સ્ટાગ્રામ લાઈવ' નામના બાળકે જ્ઞાાતિ-જાતિ-ધર્મ કે કેટેગરીની તમામ ભીંતોને ભાંગી નાંખી છે. નાનપણમાં આપણને યોગ્ય જોડકું જોડવાના પાંચ માર્ક પુરા મળતા. પણ આ લાઈવે તો ગમે તેને ગમ્મે તેની સાથે જોડી દીધા છે. અત્યાર સુધી કાર્યક્રમોમાં તમે બે હાસ્યકલાકારોની જુગલબંધી માણતા, બે ગાયકોની જુગલબંધી કે બે કવિ કે લેખકોને સાથે માણતા. પરંતુ આ 'ઈન્સ્ટાલાઈવ' ના ઉછેરમાં તો લેખક હાસ્યકાર સાથે, ગાયિકાબેન લેખક સાથે, ને પાર્શ્વગાયક પાર્શ્વતબલચી (?) સાથે પણ સંગત કરી લ્યે છે. 

મારી જેવા મોઢાના મોળા કેટલાય કલાકારોએ તો બે ચાર હાલરડાં ગાઈને આ બાળકને ઈશ્વર ભરોસે મુકી ઘોડિયુ જ સંકેલી લીધુ છે. જેના જેના ઘરમાં હારમોનીયમ હતા એ તમામ લોકોએ 'ઈન્સ્ટાલાઈવ' કરવાની હિંમત કરી લીધી છે. અમુક બહેનોને હારમોનીયમ નહોતું આવડતું તો'ય એમણે બે સૂર દબાવીને પણ હાલરડાં ગાયે રાખ્યા. 

અતુલના હઠાગ્રહના લીધે હું અને અતુલ પણ 'ઈન્સ્ટાલાઈવ' થયા. હવે અતુલના ફોનમાં કવરેજનો જૂનો પ્રોબ્લેમ છે. (રેગ્યુલર બિલ ભરે છે છતાં'ય.) હવે આશરે છસ્સો જણા અમને બપોરે ચાર વાગ્યે લાઈવ જોતા હતા. છસ્સોનો આંકડો જાણીને પહેલા તો હું રાજી થયો પછી તરત જ મને વિચાર આવ્યો કે બપોરે ચાર વાગ્યે ત્રણ મિનિટમાં છસ્સો જણા જોડાય એ માત્ર અમારા નામનો પ્રતાપ જ નથી પરંતુ કેટલા બધા લોકો બેરોજગાર છે એનું પણ પ્રમાણ છે. પણ કવરેજના પ્રોબ્લેમને લીધે થયું એવું કે હું જેવી જોક્સ શરુ કરુ ત્યાં પંચ વખતે જ કવરેજ ડાઉન થતાં જોક્સના એન્ડમાં પેલું મોબાઈલનું ચકરડું ફર્યા જ કરે. ચાર જોક્સમાં કવરેજ ઈશ્યુ થયો એમાં ચારસો જણા ઓછા થઈ ગયા. 

આ પામર મનુષ્યોને ચાર જ મીનીટમાં 'હા મોજ હા' કે '

વાહ ભાઈ વાહ' લખીને સ્વર્ગે સીધાવી જવું હતું તો આ લોકો આવ્યા હતા શા માટે ? આખું એક ટોળું ચાલુ પ્રોગ્રામમાં સડાક કરતું ઉભુ થઈને પાછલા બારણે મને આવેદનપત્ર આપવા આવી ગયું હોય એવી ફીલીંગ આવી. તોય મને તુલસીદાસજીની ચોપાઈ યાદ આવી કે  'ધીરજ ધર્મ મિત્ર અરૂનારી, આપતકાલ પરખીયે ચારી'.

પછી અતુલે એક બે વાત કરી પણ એ બે વાતુ બીજા સો જણાને ઓનલાઈન ભરખી ગઈ. છસ્સો ચાહકોથી શરુ થયેલો પ્રસન્ન વાર્તાલાપ હવે સો જણાની હાજરી ઉપર ઉભો હતો. પરિસ્થિતિને જોતા અતુલે દડો મારા ખોળામાં નાંખ્યો કે સાંઈરામ મેઘાણીનું એકાદ ગીત જવા દો !

મેઘાણીનું ગીત મેં શરુ તો કર્યું પણ મેઘાણીના નામે ઘાણી થઇ. મોર બની થનગાટ ને બદલે 'ઘનઘોર બની રઘવાટ કરે' જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ને મારા મોરના પીંછા ખરી ગયા. કારણકે ગીતના એકાદ અંતરા પછી હવે ઈન્સ્ટાગ્રામ પર માત્ર ચૌદ લોકો જ શેષ સજીવન રહ્યા હતા. 

જેણે ઉપસ્થિતિ ટકાવી અને મારી અને મેઘાણીની રીતસર લાજ રાખી હતી. મનોમન કોરોનાને બેફાટ ગાળો ભાંડી કે નખ્ખોદ જાય તારું સાલ્લા કોરોના...! આ ચૌદ લોકો તો જનરલી અમારા ડાયરામાં સ્ટેજ ઉપર વાંહે બેઠા હોય છે પણ લોકડાઉનના પાપે આ ઈન્સ્ટાલાઈવમાં ચૌદ જણાને ચોંટાડવા ને બતાડવા મારે કલા રજુ કરવી પડે છે હે રામ ! શું સમય આવ્યો છે ? મોર બની થનગાટ સાથે જ આ લાઈવ પ્રોગ્રામને એન્ડ આપી દઉ એવું મનોમન હજુ હું વિચારુ છું તો'ય પાછો પડે તો તો અતુલ શેનો ? અતુલ આદુ ખાઈને વાંહે પડયો કે વાહ સાંઈ, સાંઈ હવે એકાદ છેલ્લી બહારવટીયાની વાત માંડો પછી કસુંબીનો રંગ કરજો. બહારવટીયાને મેં જેવો ઘોડા ઉપર બેસાડયો એ ભેગા ભડકીને ચૌદમાંથી સાત વ્યૂઅર ભાગ્યા. અને મેં બહારવટીયાને ઘોડા ઉપર જ રાખીને કાંઈક કવરેજમાં પ્રોબ્લેમ છે એમ કહીને 'ઈન્સ્ટાલાઈવ' નું હાલરડું વચ્ચેથી કાપી નાંખ્યુ. છસ્સો ચાહકોથી શરુ થયેલી આ યાત્રા સાત શ્રોતાઓ પર આવીને અટકી ગઈ. લાઈવ કટ કર્યું ત્યાં અતુલ રણક્યો કે ભાઈ કાં વાત કાપી નાંખી ? બહારવાટીયાની ખાનદાનીનો પ્રસંગ તો પૂરો કરવો હતો ? મેં કહ્યું અતુલ, સાત જણા સાંભળતા હોય ત્યાં ખાનદાનીની નહીં, ફુલદાની અને મચ્છરદાનીની વાત કરાય. મને ખાનદાનીમાંથી ભરોસો ન ઉતરી જાય ને એટલે મેં લાઈવ કાપી નાંખ્યુ. 

'ઈન્સ્ટાલાઈવ' નામનું આ બાળક હજુ તો શિશુઅવસ્થામાં છે તો'ય ઉપાડા લ્યે છે. માતાજી આને સાજુ નરવુ રાખે. આ લેખમાં જે પ્રસંગ મારા અને અતુલના નામે નોંધેલો છે તે પ્રસંગ તમે ગુજરાતના કોઈપણ ગાયક-હાસ્યકાર-કવિ કે લેખકના નામ સાથે ફરીથી વાંચી શકો છો. કસોટીના આ કપરા કાળમાં દરેક કલાના અને શબ્દના ઉપાસકે યાદ એ રાખવાનું છે કે કલાકારો સોશ્યલ મીડીયા થકી નથી... યાદ રાખજો કલાકારો છે તો સોશ્યલ મીડીયા છે...! ફોલોઅર અને વ્યૂઅર્સના આંકડાની માયાજાળમાં કલાની સાધના ગોટે ન ચડી જાય તેવી દરેક સાધકને સાંઈકામના સાથે સાંઈરામના સ્માઈલરામ.

ઝટકો 

મોક્ષમાં જોઈન્ટ એકાઉન્ટ ના હોય.

Tags :