લોકડાઉનના લાભાલાભ .
સ્માઈલરામ - સાંઈરામ દવે
નવરાધૂપ જેઠાલાલો ઘરમાં સાવ શાંત ચિત્તે ડાહ્યા ડમરા થઈને બેઠા છે કારણ કે બબીતાઓએ જેઠીયાઓને બ્લોક કરી દીધા છે. મહાકારણ એ કે અય્યરો પણ ઘરે જ છે. અફેર બધા શાંત પડી ગયા છે.
કોરોના મહામારીને લીધે આખા દેશની કુંડળીમાં પરિવાર યોગ આવી ગયો. કુંડળીના બારે બાર ખાનામાં ગ્રહોની જગ્યાએ સ્વજનો ગોઠવાઈ ગયા. પટ્ટાવાળાથી માંડી અને પરધાન સુધી બધા ઘરમાં જ નજરકૈદ થઇ ગયા ટૂંકમાં આખી દુનિયા ઘરભેગી થઇ ગઈ.
'વસુધૈવ કુટુંબકમ' સંસ્કૃતનું આ સૂત્ર લાખો વર્ર્ષોથી બોલાતું આવે છે. કોરોનાને લીધે સૌ પ્રથમવાર આખી દુનિયાએ તેની બહુ મોટી કિંમત ચૂકવી છે. સમગ્ર વિશ્વ મારો પરિવાર છેત આ સૂત્ર બોલવું કાનને ખુબ ગમે છે પણ સ્વીકારવું એટલું જ અઘરું થઇ પડયું. કુટુંબમાં જેમ એક ભાઈ ભૂલ કરે કે ભોપાળું કરે તો આખા ફેમેલીએ સહન કરવું પડે છે. સેમ ટુ સેમ આ ચીનકાઓએ આંખ્યુ બંધ કરી ખા ખા કર્યું અને ડાયેરીયા આખી દુનિયાને થયો. નાનપણમાં મહાભારતમાંથી એક દંતકથા સાંભળેલી કે ભીમ ખાય અને શકુની ટોયલેટ જાય. એ જાણે સાચું થયું કે ચીન ખાય અને આખી દુનિયા વોશરૂમ જાય.
કહેવાય છે કે ચીનમાં ચામાચીડીયામાંથી આ રોગ આવ્યો અને દુનિયાને ફીણ આવી ગયા. આ ચીનવાળાઓ તો પ્રાણીઓ - પક્ષીઓ અને જીવજંતુઓ હોલસેલમાં દાબી ગયા છેત જો દરેક પ્રાણી કે પક્ષી બદલો લેવા બેસશે તો આ ચીન ચોવીસ કલાકમાં મોટું મેદાન થઇ જાય. શું કયો છો ? ઈશ્વરે સર્જેલી માણસ સિવાયની જીવસૃષ્ટિ અને પ્રકૃતિને આપણે સૌએ જે રીતે નુકશાન પહોંચાડયું છે. તે બધાની આપણે જીવના જોખમે કિંમત ચૂકવી છે.
જનતા કર્ફ્યુમાં અતુલે થાળી લીધી અને ભાભીએ પૂજાની ઘંટડી હાથ ધરી હતી. અતુલનો થાળીનાદ ચૌદલોક સુધી ગાજી ઉઠયો અને ઈશ્વરે અતુલની ગેલેરીમાં પ્રગટ થઇ તેને કાનમાં કહ્યું કે, 'અલ્યા ડોક્ટરો ને પોલીસ માટે જ વગાડવાની હતી મને પ્રસન્ન નહોતો કરવાનો. જા હવે તને કોરોના નહી થાય મારુ વરદાન છે' ભાભીએ એટલી જોરથી ઘંટડી વગાડી કે હાથ સોજી ગયો હવે એકવીસ દિવસના લોકડાઉનમાં પછી ભાભીએ પૂજા પાઠ વખતે પણ ઘંટડી કેન્સલ રાખી છે.
સોશ્યલ નેટવર્કીંગ ગળાડૂબ પ્રજાને સોશ્યલ ડીસ્ટ્નશીંગ શીખવવું એ એન્ટાર્કટીકા ખંડમાં બરફનું કારખાનું કરવા જેવું કામ છે. આપણને બધું આવડે પણ આઇસોલેટ થાતા ન આવડે. ફોરેનમાં બહુ ફેમેલી બોન્ડીંગ નથી હોતા ભારતમાં તો બોન્ડીંગ વગરના ફેમેલી જ નથી હોતા. વિદેશમાં કરોડોની સંપત્તિ સાથે હઝારોવારના બંગલામાં માત્ર કુતરા સાથે જીવતાં કેટલાય મહાનુભાવોને મેં નજરે જોયા છે. પરંતુ આપણાં દેશમાં તો માણસને માણસનું ગઝબનું વ્યસન છે.
એકવીસ દિવસના લોકડાઉનના કેટલાય લાભાલાભ આમતો ચાર છ મહિના પછી બહાર પડશે. પરંતુ અતુલે જે નજરે જોયું એ કહું તો કેટલાક લોકોને લોકડાઉન વખતે જ ખબર પડી કે પરિવારજનો તો સારા માણસો છે. નવરાધૂપ જેઠાલાલો ઘરમાં સાવ શાંત ચિત્તે ડાહ્યા ડમરા થઈને બેઠા છે કારણ કે બબીતાઓએ જેઠીયાઓને બ્લોક કરી દીધા છે. મહાકારણ એ કે અય્યરો પણ ઘરે જ છે. અફેર બધા શાંત પડી ગયા છે માત્ર ફેરા ફર્યા હોય તેના ફેર જ ઘરમાં વધ્યા છે.
કેટલાકના વજન વધી રહ્યા છે, કેટલાકની સહનશીલતા ઘટી રહી છે, કેટલાકના મગજ ફાટી રહ્યા છેત તો કેટલાકના પેટ બાદી રહ્યા છે.
ફોન ઉપર પણ મળતા નહોતા એવા મોંઘેરા મહાનુભાવો હવે એક સાદા વોટ્સેપનો પણ જવાબ આપી રહ્યા છે. બધા એવાઈલેબલ થઇ ગયા. દસ સેકન્ડમાં વાત ટૂંકાવનાર મહાશયો હવે અરથ વગરની ચર્ચાઓ કલ્લાકો સુધી ફોન પર કરતાં નજરે ચડયા છે. 'પછી કરું, બીઝી છું, હમણાં વાત નહીં થાય, મીટીંગમાં છું, બહુ કામ છે, કેન આઈ કોલ યુ લેટર?' જેવા શબ્દો ફોન પર જાણે બોલાતા જ બંધ થઇ ગયા.
પહેલા કોઈને ફોનમાં સૌપ્રથમ પુંછવામાં આવતુ કે ભાઈ ઘરે છો ? જો સામેવાળી વ્યક્તિ હા કહે તો કેટલીય બીનજરૂરી અગત્યની વાતો અટકી જતી. ઓકે તો પછી વાત કરીશ. પરંતુ ટાઈમ ઇઝ ચેન્જ હવે સૌ એકબીજાને પૂછે છે ક્યાં છો? 'બહાર છું ' એવો જવાબ મળતા બીજા ઢગલાબંધ સવાલોની જડી વરસાવાય છે. ચલો પેલા બારનું પતાવો ઘરે પહોંચો પછી વાત કરીએ. કવિને આર્ષદ્રષ્ટા કહ્યો છે, કવિ ઉમાશંકર જોશીના શબ્દો સાચા પડી રહ્યા છે કે, 'હે માનવ, સમજીને પાછો ફર, વિશ્વનો છેડો છે તારું ઘર !' તો કવિ પ્રણય જામનગરીનો સચોટ શેર સાચો પડયો કે, 'હાથ લંબાવુ અને ભોંઠો પડું, ક્યાંય સ્પર્શાતું નથી હું શું કરું ?'
'હાથના કર્યા હૈયે વાગે ' આ કહેવત સાંભળી'તી બધાએ પ્રેક્ટિકલી અનુભવી લોકડાઉન વખતે. રમેશ પારેખે કેટલા વરસો પહેલા લખી નાંખેલું આજ સાવ ખરું નીવડયું કે 'હથેળી બહુ વ્હેમવાળી જગ્યા છેત અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થાય છે.' અને એથી પણ આગળ આખા દેશના દરેક શહેરને લાગુ પડતો શેર રમેશ પારેખે વર્ષો પહેલા સોનલને સંબોધીને કહી જ નાંખ્યો છે કે, 'જળને કરુ જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ , સોનલ એવુ તારા શહેર ને થયુ છે શું ?' ગુજરાતી સંગીતના જે અમુક ગીતો ઘરમાં પણ ગાવા ઉપર ઉર્લ્લં (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને) પ્રતિબંધ મુક્યો છે એ જણાવી દઉ તો ગીત : 1 : ' ઓરી આવે તો તને વાત કહું ખાનગી' (ના, ઓરી આવવાની જરૂર નથી આ રોગમાં જે ઓરા ન આવે એ જ કોરા રહે છે.) ગીત : 2 દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઇ જશે મુજ શત્રુઓજ સ્વજન સુધી. (આમાં હાથ પકડવાની મનાઈ છે ભાઈ.) એક જ ગીત ગુજરાતીઓને કોરોના સામે લડાઈ આપે અને તંદુરસ્ત રાખે એવું છે કે, 'નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું.' હાશ, સાંઈરામના સ્માઈલરામ.
ઝટકો :
અબ નહીં કોઈ બાત ખતરે કી,
અબ સભીકો સભીસે ખતરા હૈ.
- શાયર જોન એલીયા