કોરોનાનો કપલ સંવાદ .
સ્માઈલરામ - સાંઈરામ દવે
આપણી ગેરહાજરીમાં કે ધંધાના સમયે 'હું થાકી જાવ છું'આવું સતત કહેનારી પત્નીઓએ આ છેલ્લા દોઢ - બે મહિનામાં એકપણ વાર કહ્યું નથી કે 'હું થાકી જાવ છું !'
ક્રિકેટમાં કોઈ બોલર હેટ્રીક લ્યે ત્યારે દેશવાસીઓ ખિલખિલાટ થઈને નાચી ઉઠે છે. કોરોનાને લીધે લોકડાઉને પણ હેટ્રીક લીધી છે. પણ અફસોસ કે કોઈએ તાળી કે થાળી વગાડી નહી. રેંકડીવાળા ખુલ્લે આમ શાકબકાલુ લઈને ગમે તે શેરીમાં નીકળી શકે અને રોલ્સરોય કે રેંજરોવર વાળા માટે પ્રતિબંધ છે. લોંઠકો પોલીસ અધિકારી એક ટ્રક વિદેશી દારૂ ઉપર જેવી ઠાવકાઈથી બુલડોઝર ફેરવે કંઈક એવી જ બેફીકરાઈથી આ કોરોનાએ માનવજાતના ઈગોને કચડી નાંખ્યો છે.
રાજકોટથી વીરપુર કે અમદાવાદથી ચોટીલાની પદયાત્રા જેટલું લગભગ તમામ પતિદેવો બાથરૂમ થી ડ્રોઈંગરૂમ અને બેડરૂમ વચ્ચે હાલી ચુક્યા છે. વડાપ્રધાનનું પણ નહીં માનું કહીને આ સ્વછંદી ફાંદ બે થી ત્રણ ઇંચ બહાર નીકળી ચુકી છે. નાનકડી આખી એક જ્ઞાતિને જમાડી શકાય તેટલુ ગૃહીણીઓ અત્યાર સુધીમાં રસોડે રાંધી ચુકી છે. ટી.વી.ની સામે પડેલો સોફો પણ ઘરના સદસ્યોને કહી ઉઠે છે કે હવે થોડી વાર મને પણ આરામ કરવા દયો તો સારું.
મોબાઈલમાં વોટ્સેપના વધુ પડતા ઉપયોગથી હાથનો અંગુઠો પાકવાની અણી ઉપર છે. ગાંઠિયા - ભજીયા - મન્ચુરીયન અને ઢોસાના સ્ટેટસ જોયા બાદ હું ખીચડી ખાઈ લઉ છું. દેશ વિદેશની મહાસત્તાઓ કોરોનાથી થાકતી દેખાય છે, વૈજ્ઞાનિકો - ડોક્ટરો અને તંત્રની હાંફ રીતસર સંભળાઈ રહી છે તો'ય ભારતના દરેક ઘરના રસોડામાં પત્ની - મા અને બહેન થાકતી નથી. સાક્ષાત અન્નપૂર્ણાના અવતારો સમી લાખો ગૃહીણીઓ પોતાની વણકહી ફરજ અર્હનિશ બજાવી રહી છે.
આપણી ગેરહાજરીમાં કે ધંધાના સમયે 'હું થાકી જાવ છું' આવું સતત કહેનારી પત્નીઓએ આ છેલ્લા દોઢ - બે મહિનામાં એકપણ વાર કહ્યું નથી કે 'હું થાકી જાવ છું !'
બપોરે યુટયુબમાં ગટ્ટાનું કે મેથી પાપડના શાકની રેસીપી જોઈને સાંજે જ પતિ ઉપર પ્રયોગ કરનારી પત્નીઓના સાહસને સલામ કરવાનું મન થાય છે. માવા - ફાકી - બીડી અને તમાકુની અછતમાં ભેદી કબજિયાત અનુભવતો બિચાકડો પતિ મૂંગા મોઢે જમી લ્યે છે. દામ્પત્ય જીવન પતી ન જાય એ માટે કેટલાક પતિદેવો ઓછામાં ઓછા એકવાર સાસુ - સસરાના ખબર પૂછી રહ્યા છે. અમુક પતિઓએ તો સાળાઓ સાથે હાઉઝી રમત શરુ કરીને વેન્ટીલેટર પર આવેલા પોતાના દામ્પત્ય જીવનને બચાવી લીધું છે. કોરોનાએ દુનિયા બદલાવી નાંખી છે, જીવનશૈલી બદલાય રહી છે. તો કેટલાક પતિ - પત્નીઓના હળવાફૂલ સંવાદ લ્યો માણો.
ડોક્ટર દંપતિ :
પત્ની : આજે કેટલા પોઝીટીવ દર્દી હતા ?
ડો. : ત્રણસો આજે નવા આવ્યા.
પત્ની : બાપ રે, ! બધા બચી ગયા ?
ડો. : ના, રે એકસો દસ ગુજરી ગયા બસ્સો એંશી બચ્યા.
પત્ની : પણ ચેનલમાં તો પચાસ જ મર્યા છે એવું આવતું હતું.
ડો. : ચેનલવાળા ટેલીકાસ્ટ કરે ત્યાં બીજા પચાસ ગયા.
પત્ની : તમે માસ્ક તો પહેરેલો જ રાખો છો ને ?
ડો. : હા, તારો ફોન આવે એટલીવાર માસ્ક કાઢું છું.
પત્ની : કેમ ?
ડો. : ફોન ન ઉપાડું તો તું રાડુ પાડે છે એટલે ! કોરોના મંજૂર તારી રાડયુ મગજમાં ઘોબા પાડી દે છે.
પત્ની : સારું મુકુ છું.
પોલીસ દંપતિ :
પત્ની : આજે દિવસ કેવો રહ્યો ?
પોલીસ : કઠણ દિવસોની જ પનોતી બેઠી છે આજકાલ.
પત્ની : કેટલી લાકડીયુ તોડી ?
પોલીસ : ત્રણ તૂટી, પણ લોકો સમજતા જ નથી શું થાય ?
પત્ની : એક વાત કહું ?
પોલીસ : બોલને તારે થોડી રજા લેવાની હોય ?
પત્ની : આજે એકેય હેલ્મેટ પહેરેલા બ્લ્યુ ટી શર્ટ વાળા છોકરાને તમે માર્યો તો ?
પોલીસ : હશે યાદ નથી કેમ ?
પત્ની : એ મારો ભાઈ હતો. પ્રતિકને માર્યો તમે ! ઘરે આવો એટલી વાર છે.
પોલીસ : (ઓહ) સારુ હમણાં ઓનડયૂટી પરિપત્ર થયો છે એટલે હું ત્રણેક દિવસ ઘરે નહિ આવું આવજે, પછી વાત કરું... બાય.
જુદા જુદા બહાના બતાવીને કેટલાક રખડુંઓ પોલીસને બેવકૂફ બનાવી રહ્યા છે. કેટલાક જન્મજાત અક્કલના ઓથમીરો પોલીસ ઉપર પથ્થરમારા કરી રહ્યા છે. રાજકોટમાં એક વડીલને કોન્સ્ટેબલે પૂછયું, કાકા, શું લેવા ઘરની બહાર નીકળ્યા છો ? કાકાએ ખિસ્સામાંથી ચાર મરચા કાઢીને બતાવ્યા કે શાક લેવા ગયો હતો ભાઈ. જવાબ સાંભળી કોન્સ્ટેબલે કાકાને જવા દીધા. આવું ત્રણ દી ચાલ્યું કાકા ખિસ્સામાં મરચા રાખી અલગ અલગ શેરી બદલાવી રોજ લટાર મારવા નીકળી જતા. ચોથા દિવસે કોન્સ્ટેબલે એક લાકડી કાકાના ઢીંઢામાં ફટકારી કે કાકા હવે મરચા તો બદલાવો. આવા પ્રસંગોના તો ઢગલા થઇ શકે એમ છે. પરંતુ લોકડાઉનમાં કેટલાય કવિઓ બહાર પડયા, થોડું ઘણું હાર્મોનિયમ આવડતું હતું એ પણ મચી પડયા, તથા બે ચાર લોકગીત આવડતા હતા તેવી કેટલીક બહેનોએ રોજ ઈન્સ્ટાગ્રામ લાઈવ પ્રોગ્રામો શરુ કરી દીધા.
મોટી મોટી સેલીબ્રીટીઓ સાથે ઈન્સ્ટાલાઈવ કરવાની જાણે ફેશન કમ શક્તિ પ્રદર્શન બની ગઈ. એવા એક નબળા કલાકાર દંપતિનો વાર્તાલાપ વાંચી લ્યો. નવરા જ છો ને તમારે આ વાંચવા સિવાય બીજું શું કામ છે વહાલા ! ધીરજ રાખો.
લોકગાયક કલાકાર દંપતિ :
પત્ની : આજે સાંજે લાઈવ ભજન ગાયા એમાં કેટલી લાઈક હતી ?
ગાયક : પંદર જણા લાઈવ હતા.
પત્ની : પંદરના વ્હેમમાં ના રહેતા. કારણ કે એમાં દસ તો મારા એકાઉન્ટ હતા.
ગાયક : ઓહ, તું મારી કલાને આટલી બધી ચાહે છે ?
પત્ની : સ્હેજેય નહી, તમને બીજી કોણ કોણ ચાહે છે ને એ ચેક કરવા આ દસ એકાઉન્ટ રાખ્યા છે.
ગાયક : હે ભગવાન ! તું ક્યારે સુધરશે ?
પત્ની : જયારે તમે સુધારશો ત્યારે.
ગાયક : મારી ભૂલ ક્યાં છે એ કહે ?
પત્ની : છેલ્લા ત્રણ મહિનાથી ફેસબુક અને ઈન્સ્ટા પર જે કિન્નરી ઉપાધ્યાયની વાંહે તમે લસણ ખાઈને પડયા છો ! ને રોજ તેના મોબાઈલ નંબર માંગો છો તે કિન્નુ હું જ છું.
ગાયક : ઓ તારી !
પત્ની : એ કિન્નુ માટે તમે લોકડાઉનના ત્રીસ દિવસોમાં સાંઈઠ ગઝલો ગાઈ અને હું તમને જમાડી જમાડીને તૂટી ગઈ તો'ય મારા માટે કાંઈ ન ગાયુ.
ગાયક : આજે ગાઈશને ! 'રોઈ રોઈ કોને રે સંભળાવું ? આવા દખ કોની આગળ ગાઉ ? રુદિયો રૂવે ને માયલો ભીતર જલે.'
સાંઈરામના સ્માઈલરામ.
ઝટકો :
નૂરો : કઠોળ ખાવાના ફાયદા ખબર છે ?
પીરો : હા યાર, શાક સુધારવુ ના પડે.