Get The App

લાલચટ્ટક ચેરિયલ કથા ચિત્રો

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
લાલચટ્ટક ચેરિયલ કથા ચિત્રો 1 - image

- રસવલ્લરી - સુધા ભટ્ટ

- ચેરિયલને ડેકકની સ્ક્રોલ પેઈન્ટિંગ પણ કહેવાય છે

ભારતની કથાકથનની શૈલી અને તેનું સ્વરૂપ અકથનીય છે. તે એક અસાધારણ અજબગજબની લાંબી ઐતિહાસિક વાર્તા છે. રસપ્રદ વાત એ છે કે તે બહુદિશ વાર્તાઓ બહોળા જનસમાજને સ્પર્શે છે. સાથે સાથે તે સ્ક્રોલ સર્જનના વર્ગમાં આવે છે. પ્રસ્તુત કળાના જૂના વિગતવાર ઇતિહાસમાં દ્રષ્ટિ નાખીએ તો આ કળા પોતાની વાતને સ્પષ્ટતાપૂર્વક મૂકી તેનું ઉચિત પ્રસારણ કરે છે. કળા પોતાની વાતને સ્પષ્ટતાપૂર્વક મૂકી તેનું ઉચિત પ્રસારણ કરે છે. કલાકાર તેમાં લીન થઈ જઈને રસિકોને ઈન્દ્રિયાતીત અનુભવ કરાવે છે. ચેરિયલ ચિત્રો ઊંડાણથી ગ્રામ્ય નિસર્ગ ચિત્રને આત્મસાત્ કરીને તેનું રસપાન કરાવે છે. ભૂતકાળમાં ચિત્રકથાઓના આ કલાસ્વરૂપમાં પ્રેક્ષકોને 'બેલે' - (નૃત્ય-નાટય-ગીત) દરમ્યાન ગીત ગાતા કરતા કથકો કળાનો ઉઘાડ કરતા. એમાં મહાકાવ્યો, પુરાણો આધારિત કથાઓ અને યુગ પ્રવર્તક વાર્તાઓને કલાકારો સ્થાનિક ગ્રામ્ય જીવનનો સ્પર્શ આપી વાસ્તવિક સાંપ્રત સમયને જાણે કે એકમેક સાથે સાંકળી લેતા. આજ દિન સુધી આ પ્રાચીન શૈલી અને ચિત્રો બનાવવાની પ્રેકિટસ બરકરાર છે. અલબત્ત, નવા જમાનાના વાયરાને કારણે કલાકારોએ હવે ફરજિયાતપણે આ કલાસ્વરૂપના કદને ટૂંકાવવું પડે છે - જોકે હજુ પારંપરિક ચેરિયલ ચિત્રોના વીંટા જે ૪૫ થી ૫૦ મીટરના મોજુદ છે તેનું મહત્ત્વ અદકેરું છે.

સમાજ- સંસ્કૃતિના વહેણ માટે તે જરૂરી પણ છે. મંદિર કળા અને આન્ધ્ર પ્રદેશની કલમકારી પેઇન્ટિંગના અંશો પણ આ કળામાં જોવા મળે છે. આવી અનેક ભારતીય પારંપરિક કળાઓનાં અમૃત આ કળાએ પીને પચાવ્યાં છે. બારીક અંકનોને કારણે એને નકશી કળા પણ કહેવાય છે - જે અદ્વિતીય છે. કેટલીક ઓછા મહત્ત્વની જ્ઞાાતિના લોકો આ કળા અજમાવતા. તે જ્ઞાાતિઓ છે - મડીગા, ગૌડ, મુદિરાજ, માલા, પદ્મશાલી, ચાકલી ઈત્યાદિ.

ગાયકો - નકશી કલાકારોને ચેરિયલમાં 'મંધેટસ' કહેવાય

ઝીણવટભર્યાં ચિત્રો અને બારીકાઈયુક્ત વિગતોનાં વર્ણન એ આ કળાની ખાસિયત છે. લોકકથાઓ અને પ્રાચીન સાહિત્ય આધારિત વાર્તાઓની મેળવણી કરી - પ્રસંગાલેખન કરી કલાકારો આ ચિત્રોને લઈ ગામડે ગામડે પ્રવાસ કરતા. એમના બે સભ્યો વાર્તા કથન કરે. સાથે સાથે બન્ને હાથે વીંટા પકડી તેનાં દર્શન દર્શકોને કરાવતા જાય અને નજીકના વૃક્ષના થડને ફરતે એ વીંટા (સ્ક્રોલ) વીંટતા જાય. ગાયકો જાતે જ એ ચિત્રો ચિતરતા, ઠેરઠેર એના એપિસોડ બતાવતા. સમાંતરે અન્ય સભ્યો વાદ્યો વગાડતા. હાર્મોનિયમ, તબલાં, કરતાલ આદિ વાતાવરણ જમાવી દેતા. રામ-કૃષ્ણના જીવનના પ્રસંગો- લગ્નો, રાજ્યાભિષેક, રાક્ષસોના વધ, રામલીલા, વનલીલા (કૃષ્ણની), રાક્ષસવધ, દશાવતાર સહિત રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ - ખેતી, ગૃહકાર્યો, ઉત્સવ, તહેવાર વગેરેને આ ચિત્રોમાં સ્થાન મળતું. આન્ધ્રના પોષાકો, આભૂષણ, સંસ્કૃતિનો પડઘો એમાં પડતો. આ બધાં ચિતરામણ કૉમિક સ્ટ્રીપની જેમ સરસર સરતા. 

દરેક પેનલની વાર્તા અલગ-ખાસ હોય. માનવાકૃતિઓ અને પ્રકૃતિના આગવાં માન-પાન ખૂબ કાળજીથી કંડાર્યાં હોય. ફેઇમ દરેક ચિત્રની શોભા વધારે. સાંકડી પેનલ્સમાંય વૃક્ષો, મકાન, સ્તંભ, પડદા દેખાય. ભરચક ! જૂના સમયથી જનતા માટે ભીંત પરના સુશોભન માટે ચિત્રો બનાવાતાં. લાકડાનાં ફોલ્ડિંગ બૉક્સ બનાવી ઉપર સ્ક્રોલ જેવી ડિઝાઈનથી સજાવટ કરતા. પ્રસ્તુત વીંટા ખાદીના કાપડમાંથી બનાવાતા. આમલીના કચૂકા, લાકડાનું ભૂસું, ગુંદર, કુદરતી રંગો- ચોખાનો લોટ, સફેદ માટી, લાખનું દ્રાવણ, લાલ ઇગલીગમ પથ્થર અને પવાડી પીળા પથ્થરના મિશ્રણને ગરમ કરી તેની પેસ્ટ બનાવી તે કાપડ ઉપર પાથરતા. ચેરિયલ ચિત્રમાં લાલરંગની પશ્ચાદ્ ભૂમિકા ફરજિયાત છે જે આ સામગ્રીથી આવે છે. આ શૈલીના પુરોગામી - મૂળ ચિત્રોનાં નામ છે- ચરણચિત્ર, મનખાસ અને યમપટ. હિંદુ, જૈન અને બૌધ્ધ કળામાં આ નામ પ્રચલિત છે. બીજી સદીના 'મહાભાષ્ય' ગ્રંથમાં આ સ્ક્રોલ હતા.

વનસ્પતિ, ખનિજ, પથ્થર, મેશ અને છીપલાંમાંથી બનતા રંગો

તૈયાર કેનવાસ પર પેન્સિલ વડે રેખા દોરી કલાકારો દ્રશ્યની સંકલ્પના કરે - કૌશલ્યપૂર્ણ આકૃતિઓથી એને શણગારે. લાલ રંગ ઉપર વાદળી, લીલા, પીળા, કાળા, સફેદ રંગો વડે ચમક લાવે. મોર, હરણ, શાહુડી, ગાયોને કારણે ચિત્રો રમતિયાળ બને. ચિત્રો સાદી એનિમેટેડ શૈલીનાં બને. કેનવાસ ઉપરના લેપની સામગ્રી અને ચિત્રોના રંગની મદદથી તેઓ પાત્રોને મહોરાં દ્વારા પણ રજુ કરે. કર્ણાટકી શૈલીની 'કિન્નલ' - ડોકું ધૂણાવતી ઢંગલીઓ પણ બનાવે અને આ બધામાં છૂટથી નારિયેળની કાચલીઓનો સદુપયોગ કરે. સંસ્કૃતિ, સંસ્કાર અને સુશોભનયુક્ત ચેરિયલનાં ચિત્રો અતિ પ્રભાવી હોય છે. એક મોટા ચિત્રમાં અનેક ખાનાં દોરી અનેક પ્રસંગોને તેઓ જીવંત કરે. લાલ વૉશ ઉપર બહુ રંગ વરઘોડા, રમતો, પૂજા-પાઠ, યજ્ઞા, ચર્ચા-વિચારણા, વધામણી, તહેવાર નાજુક નકશી વડે કંડારે. પાત્રોના રાજવી ઠાઠના વસ્ત્રાલંકાર આપણને દશાવતારના ખાનેદાર ચિત્રમાં પણ જોવા મળે. વિષ્ણુ-લક્ષ્મી ક્ષીર સાગરમાં આરામ ફરમાવતા હોય અને લક્ષ્મી વિષ્ણુને ચામર ઢોળતાં હોય એ પણ ચિત્ર મનભાવન છે ! ચિત્રોની નાની કિનાર- બોર્ડરનોય મહિમા ખાસ્સો હોં ! ગ્રામ્ય જીવનને લગતાં ચિત્રોમાં ખેડૂત સપત્નીક ખેતરે જાય. શ્વેત બળદો શણગારેલા હોય તે ગાડું હાંકે. બળદોય ઘૂઘરમાળથી શોભતા- ડોલતા મલપતી ચાલે ચાલે તે કેવું રમણીય લાગે ! વળી, ગૃહકાર્યમાં મશગૂલ ખાંડવા-છડવાનું કામ કરે અને ગોષ્ઠિ કરે તે પાત્રોય રમણીય અને ખુશમન લાગે. અને પેલાં મહોરાંના વટ પણ જોવા જેવા હોં ! ચેરિયલમાં પાત્રોનાં અંગો-આંખ, નાક, હડપચી તીણાં લાગે - રાજસ્થાની કળા યાદ આવે. વિચારો.. ચાલો.. આખરે તો ભારતીય કળાજને !!! નવયુગમાં નવલા સ્વરૂપે આ કળા શ્વસે છે.

લસરકો

કલાવારસા યુક્ત સંયુક્ત કુટુંબ સમી ચિત્રકળાઓમાં લઘુચિત્રો, ગુરુચિત્રો બની ગયાં.

મુખોપમુખ પરંપરા પ્રમાણે ચેરિયલમાં અભણ, અભણને ભણાવે

ભારત દેશની હજારો વર્ષો પુરાણી વૈવિધ્યપૂર્ણ કળાઓ ઉપરાંત પ્રમાણમાં નવી છતાં સેંકડો વર્ષો જૂની કળાઓના માન-મોભા પણ કાંઈ જેવા તેવા નથી. કળાપ્રેમી રાજા-મહારાજા અને મહાજનોએ અનેક કળાઓને રાજ્યાશ્રય આપ્યો એવું દેશના લગભગ દરેક ખૂણે-ખાંચરે બન્યું છે. જે-તે સ્થળોએ વસતા નાગરિકોની કળા પરત્વેની રૂચિ કાબિલે દાદ હતી.. એટલું જ નહીં સમાજનો અમુક ચોક્કસ વર્ગ કળાના સંત્રીની જેમ એની કાળજી કરતો. હા, એ સમયે 'કળા ખાતર કળા' તો હતી જ - પરંતુ બહુજન હિતાય- બહુજન સુખાય પણ કળાની માંડણી થતી. એક અગત્યનો મુદ્દો પ્રાચીન સમયે એ હતો કે કળાના રક્ષણ ઉપરાંત એના ઉચિત ઉપયોગ વિશે પણ લોકો સભાન હતા. હેતુપૂર્વકની કળા દ્વારા સમાજના દરેક વર્ગને જ્ઞાાન, માહિતી અને મનોરંજન મળી રહેતા. આશ્ચર્યનો અનુભવ તો ત્યારે થાય કે જ્યારે નિરક્ષર કલાકારો પારંપરિક જ્ઞાાન પોટલીને જનસમુદાય વચ્ચે છોડતા. એક કલાકારોને મળેલી વારસાઈ કળા અને કથા કથનની શૈલીને બરકરાર રાખી તેઓ તેમના પૂર્વજોનું એ રીતે જ તો તર્પણ કરતા ! અને છતાં - કથાંતે તેમને ઉદર પોષણ પૂરતું વળતર માંડ મળતું - પણ પ્રણ કોને કીધું ?! રાજસ્થાનમાં ફડ, મહારાષ્ટ્રમાં પિંગુળી - ચિત્રકથી, ગુજરાતમાં પ્રશસ્તિપત્ર અને ઑડીશા - બંગાળમાં પટ્ટચિત્રો જેવી જ કળા દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યમાં જોવા મળે છે જે ચારસો વર્ષ પુરાણી કળા છે અને એમાં કળા ઉપરાંત સામાજિક - આર્થિક મુદ્દા વણી લેવાય છે. હૈદ્રાબાદથી ઉત્તરે સો કિ.મી. છેટે જિલ્લા સિદ્દીપેટના ગામ ચેરિયલમાં ઉદ્ભવેલી આ સ્ક્રોલ (વીંટો) કળા વાર્તાકથનની દ્રશ્ય કળાની પૂરક કળા છે. જે આડા અને ઊભા હોય છે. હાલમાં સાર્થ કિરણ જેવા કલાકારો આ પરંપરાને જીવિત રાખવાના પ્રકલ્પો કરે છે.