Get The App

અમ્લપિત્ત માટે રામબાણ કવાથ

- સ્વસ્થવૃત - શાંતિભાઈ અગ્રાવત

- કવાથમાં પડતાં ઔષધો રસાયન શોથહર, પિત્તશામક, વાયુ હરનાર અને શિતળતા વગેરે ગુણો ધરાવે છે

Updated: Sep 1st, 2020

GS TEAM

Google News
Google News
અમ્લપિત્ત માટે રામબાણ કવાથ 1 - image

અ તિ ખારા, અતિ ખાટા, અતિ તીખા અને વાસી પદાર્થો ખાવાપીવાથી અમલપિત્ત (એસીડીટી) અને હોજરીમાં સોજા (ગેસ્ટ્રાઇટીસ) ઉત્પન્ન થાય છે. હાલમાં એક કારણ એ વધ્યું કે, માનસિક તાણ (ટેન્શન) રહેવાથી કે અવારનવાર ગુસ્સે થવાથી અમલપિત્ત થવામાં મદદ કરે છે. જો અમલપિત્ત શરીરમાં પ્રવેશી ચૂકયું હોય અને માનસિક વેગો સતાવે તો અમલપિત્ત તીવ્ર સ્વરૂપ પકડે છે આથી એસીડીટીના દર્દીઓ શારીરિક ઇલાજ સાથે મનની શાંતિ માટે બ્રાહ્મી જેવી કોઈ ઔષધી લે તો સારૂ થવામાં ઝડપ આવે છે.

આ રોગને જડમૂળમાંથી કાઢવા માટે રસળ અને નિર્દોષ કવાથ રજુ કરીએ છીએ. અજમાવી જુઓ.

આ કવાથમાં પડતાં ઔષધો રસાયન શોથહર, પિત્તશામક, વાયુ હરનાર અને શિતળતા વગેરે ગુણો ધરાવે છે. અમલપિત્તની શરૂઆતમાં જ દરરોજ સવારે બે ગ્લાસ પાણી પીવું પછી ગળામાં ધીમેથી આંગળી નાખવાથી ઉલ્ટી થશે. પાણી સાથે પિત્ત નીકળી જશે.

ઉલ્ટી થયા પછી અડધા કલાક પછી આ કવાથ પીવાથી ચમત્કારિક પરિણામ મળશે. જૂના અમલપિત્તમાં આ પ્રયોગ કરી શકાય છે પણ હોજરીમાં તીવ્ર સોજો કે અલ્સર હોવું જોઇએ નહીં. આ કવાથ નિયમિત પીવાથી અને પથ્ય આહારવિહારનું સેવન કરવાથી નવું અને જૂનું અમલપિત્ત ઉપદ્રવો સાથે મટે છે.

આ કવાથ નિયમિત લેવાથી અમલપિત્ત (એસીડીટી) અને એની તીવ્રતાથી થતાં ઉપદ્રવોમાં કાયમી સારું થાય છે. પેટ અને છાતીમાં દાહ નાભીથી ઉપરના ભાગમાં દુ:ખાવો, શિર:શૂલ, મોળ આવવી, ખાટા ઓડકાર, ઉલ્ટી વગેરે મટે છે. અમલપિત્ત જૂનું થવાથી અને પરેજી નહીં પાળવાથી શરીર એલર્જિક પણ બને છે. જેથી શરીર પર ઢીમચાં અને ખૂજલી ઉપડે છે.

મન અને મગજ ઉપર અસર થવાથી ડિપ્રેશન આવે છે કે વાતવાતમાં ગુસ્સો આવે છે. અમલપિત્ત જુનું થાય અને ઉપદ્રવો વધે પછી કાયમી મટાડવું મુશ્કેલ બને છે. આ પરિસ્થિતિ પેદા થાય તે પહેલાં અહીં આપેલ કવાથ શરૂ કરવાથી અને પથ્ય આહાર લેવાથી જરૂર સારું થાય છે.

હરડે, બહેડા, આમળા, કડવા પરવળ, અરડૂસી ગળો, પિત્તપાપડો, લીમડાની અંતરછાલ, કરિયાતું, ભાંગરો બધી ઔષધીઓ સરખે ભાગે લઈ યવકુટ કરવું. એમાંથી ૧૦ થી ૨૦ ગ્રામ ચૂર્ણ અને દશ દાણા કાળી દ્રાક્ષ લઈ એમાં બે કપ પાણી ઉમેરી પછી ઉકાળવું.

એક કપથી ઓછું રહે એટલે ઉકાળવું બંધ કરવું, પછી ગાળવું ઠંડુ થયા પછી એક ચમચી મધ ઉમેરી પીવું. આવી રીતે સવાર સાંજ ઉકાળો પીવો, પ્રવાલપ્રિષ્ટિ ૨ રતિ, સુતશેખર ૧ રતિ, શુકિત ૨ રતિ, બ્રાહ્મી ૨ રતિ મેળવી મધ સાથે બપોર અને સાંજે જમતાં પહેલાં લેવું.

પથ્ય આહારવિહાર સાથે ઉપર આપેલ ઔષધો નિયમિત લેવામાં આવે અને મન ઉગ્ર થાય એવા વાતાવરણ અને વિચારોથી દૂર રહેવામાં આવે તો શિર:શૂલ, ઉદરશૂલ, એલર્જિક સ્કીન અને માનસિક વિકારો સહીત અમલપિત્ત મટે છે.