- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પોતાના સ્થાન ઉપરથી ભ્રષ્ટ થયેલી સુગંધ ક્યાં જઇને અટકશે?
ઠેઠ લગીનો સંગાથ
ચાલે છે હુક્મ ત્યાં ન ધરમનો કે ધણીનો,
જેને કહે છે પ્રેમ એ સોદો છે ખુશીનો
મ્હેમાન બધાંને હું ભલે લાગું ઘડીનો,
પણ એમ નહીં જાઉં, કે ચૂક્યો છું અણીનો
જે ફૂલ થયા પહેલાં હતો રંગ કળીનો,
એ રંગ ખપે મુજને ઉછીનો તો ઉછીનો.
બેચેની બલાની અને
માસૂમ જિગરમાં !
ઝાકળને છુપાવો મને છૂટે છે પસીનો.
મારાથી કોઈ વાત નથી
તારી અજાણી,
તું એક છબી છે તો હું છું
કાચ છબીનો.
ક્યારેય કઠણ હૈયું નથી
આમ ધબકતું,
આ રાહ કહીં હોય નહીં
તારી ગલીનો.
છે લાંબી સફર, હાથ મહીં
હાથ દઇ દે,
સંગાથ નહીં આવો મળે ઠેઠ લગીનો.
દુનિયાને ખબર કોણ કરે કે
હું દુઃખી છું ?
કરતાં નથી આવડતો મને
ડોળ દુઃખીનો.
'ઘાયલ' નથી એ જાણ કે
જંપીશ જઇ ક્યાં ?
પદભ્રષ્ટ પરિમલ છું હું યે ધૂપસળીનો.
- અમૃત ઘાયલ
અ મૃત ઘાયલ એક એવું નામ છે જેનાથી ગુજરાતી ગઝલ ઊજળી છે. ૧૯૩૦ની સાલમાં એના ઉત્તરાર્ધમાં ગઝલ તરફ જે કવિઓ વળ્યા તેમાં અમૃત ઘાયલ ખૂબ મોટું નામ છે. અમૃત ઘાયલે ગઝલને આત્મસાત કરી છે. ગઝલના સૌંદર્યને આંચ ન આવે એ રીતે શુધ્ધ ગુજરાતી ભાષામાં ગઝલને લોકોના હૈયે અને હોઠે રમતી મૂકી છે. સરલ ભાષામાં સોંસરી ચોટ કરતી ગઝલો એટલે અમૃત ઘાયલની ગઝલો ગુજરાતી ભાષાના આ પ્રથમ એવા ગઝલકાર છે જેમની ગઝલોમાં કાફિયાનું વૈવિધ્ય અપાર જોવા મળે છે. ઘાયલ સાહેબનું ભાષાકર્મ, કાઠિયાવાડી ભાષાની બળકટતા તેના વિશે સ્વતંત્ર વાત કરી શકાય. સ્વામી આનંદે તો જણાવ્યું છે કે 'ઘાયલની કવિતાઓ અનેક બળ્યા-ગળ્યા, નાસિપાસ હૈયાને સંજીવની રૂપ નીવડતી મેં જોઈ છે' ઘાયલ સતત વિકસતા ગઝલકાર છે.
ઘાયલ સાહેબને રજૂઆત કરતા સાંભળવા એ જીવનનો એક લહવો હતો. પ્રસ્તુત ગઝલ મેં તેમના કંઠે મુક્ત મને રજૂ થતી સાંભળી છે. જેને પ્રેમ કહીએ છીએ એ પ્રેમ ઉપર કોઈ ધર્મનો અધિકાર નથી કે એ કોઈની જાગીર પણ નથી કોઈ એનું માલિક પણ નથી. એ તો ખુશીનો ખુશીથી થયેલો સોદો છે અને પ્રેમીને માટે પ્રિય પાત્રની ગલીમાંથી પસાર થવું એ કેટલી મોટી ઘટના છે. કઠણ હૈયું અચાનક જુદી રીતે ધબકવા મંડે અને ખબર પડે છે કે આ પેલા પ્રિય પાત્રની ગલી આવી હોય એવું લાગે છે. ફોટો અને ફોટાના કાચ કેવા અભિન્ન હોય છે. પારદર્શક કાચમાંથી ફોટો દેખાતો હોય છે. કાચ ધૂળ-પાણીથી ફોટાની રક્ષા કરતો હોય છે. ફોટાની નજીક જેટલો કાચ હોય છે એટલું કોઈ નથી હોતું. કવિએ કેવી ખૂબીથી આ વાત કરી છે. તારી કોઈ પણ વાત મારાથી અજાણી નથી. તું એક છબી છે તો હું તારો કાચ છું.
ગઝલ એ બહુ ઓછા શબ્દોમાં ઘણું બધું સમાવી લેતો કાવ્યપ્રકાર છે. એક ધૂપસળી તેની ખૂશ્બુનો આપણને અનુભવ કરાવતી હોય છે. પૂજાના રૂમમાં પ્રગટાવેલી ધૂપસળી ઘરના આંગણા સુધી આવતી હોય ક્યારેક બે-ચાર ઘર સુધી આવતી હોય પણ એ ક્યારે અટકી જાય છે એ ખબર નથી પડતી. ધૂપસળી જીવનભર સળગીને અન્યને મ્હેંક આપે છે. પોતાના સ્થાન ઉપરથી ભ્રષ્ટ થયેલી સુગંધ ક્યાં જઇને અટકશે ? આપણા સદગુણો પણ આવા જ છે.
ઘાયલ સાહેબની એક સુંદર ગઝલ જે ખૂબ ઓછી જાણીતી છે તે જોઇએ. કોઈ માણસને તમે ગમે તેટલી નફરત કરો, નકારો, કાઢી મૂકો છતાં એ માણસ કોઈ શ્રધ્ધાથી, મક્કમ મનોબળથી તમારી સામે અદબવાળીને ઊભો રહે ત્યારે એને શું કહેશો ? તું હવે તારા દ્વાર ખોલે કે ના ખોલે હું તારા દ્વાર પાસે નતમસ્તક બધું જ છોડીને અદબવાળીને ઊભો છું. ભલે તને પાગલ લાગું, દીવાનો લાગુ પણ હવે તારા દ્વાર સિવાય ક્યાંય નથી જવું. મારા પગ ઉપર પણ મારો અધિકાર નથી રહ્યો. એ પણ હવે એક ડગલું ભરવાની ના પાડે છે. હું પોતે લાચાર છું એમ ઊભો છું. 'ઊભો છું અદબવાળી' એ રદીફ છે. ગઝલના પ્રત્યેક શેરનું ભાવવિશ્વ સ્વતંત્ર હોય છે. પ્રત્યેક શેરમાં કેવી અલગ અલગ કમાલ થતી હોય છે તે.
જીંદગી મેં મારા હાથ મારા જ હાથે બાંધી દીધા છે. તારે મને જેટલો માર મારવો હોય એ ખુશીથી માર હું એક અક્ષરે ય નહીં બોલું. આ જો હું અદબ વાળીને ઊભો છું. અંતિમ શેરમાં કવિએ પોતે જ પોતાને કહી દીધું છે. દુનિયાએ તો મારી ઉપર પ્રહારો કર્યા હજુ જીવું છું. તારે પણ જો પ્રહાર કરવો હોય તો કરી લે. ગઝલના પાયાના સર્જકની આ ગઝલો ફરી ફરી વાંચવા જેવી છે.
તું બોલે કે ન બોલે દ્વાર ઊભો છું અદબ વાળી,
ભલે પાગલ મને તું ધાર ઊભો છું અદબ વાળી.
નથી સાચે હવે મારો રહ્યો અધિકાર ચરણો પર,
ખરેખર છું હું લાચાર ઊભો છું અદબ વાળી.
હું જેને જોડવા મથતો રહ્યો મટતો રહ્યો વર્ષો,
સંબંધોના એ તોડી તાર ઊભો છું અદબ વાળી.
તને જો હોય કે આ જીવતરનો ભાર ઓછો છે,
વધારે મૂક માથે ભાર ઊભો છું અદબ વાળી.
હજી મેદાનને મારા પરત્વે માન મબલખ છે,
પચાવી હાર જેવી હાર ઊભો છું અદબ વાળી
હવે તો હાથ મુશ્કેટાટ મેં પોતે જ બાંધ્યા છે,
દઈ મૂંગો ખુશીથી માર ઊભો છું અદબ વાળી.
પછી મોકો નહીં આવો મળે જીવન મહીં 'ઘાયલ'
કરી લે આજ તું પણ વાર ઊભો છું અદબ વાળી.


