- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- કોઈ આપણા મનને બગાડી જાય, મનમાં કચરો નાંખી જાય એ તો ક્યાંથી ચલાવી લેવાય?
ના ગમે તો વાત સાંભળવી નથી,
કાન એ કોઈની ચૂકદાની નથી.
અણગમો આવે તો તોડી નાખીએ,
શબ્દની કંઈ જાત ઈન્સાની નથી.
બસ નથી ગમતું અને પીતો નથી,
આ કોઈ મારી મુસલમાની નથી.
પેટ ફૂટે તોય ના ભાગી છૂટે,
એટલો આ જીવ અજ્ઞાની નથી.
સ્પર્શની એકેય નિશાની નથી,
આ ત્વચામાં એવી નાદાની નથી.
- ભરત વિંઝુડા
અ નુઆધુનિક સમયગાળાના એટલે કે આજના સમયના મહત્વના ગઝલકારોમાંનું એક નામ ભરત વિઝુડા છે. સરળ લાગતી વાત કેવી સોંસરી સ્પર્શી જતી હોય છે. સરળતા કેવા ચોટદાર શેર જન્માવતી હોય છે તેના ઘણાં ઉદાહરણ ભરત વિંઝુડાની ગઝલોમાંથી મળે. સાવરકુંડલાના આ ગઝલકાર એક સમયે કંવલ કુંડલાકાર નામે પણ ગઝલો લખતા હતા. સાવર અને કુંડલા એ બે અલગ-અલગ ગામ છે. વચ્ચે એક નદી છે. અને આમ નામ બન્યું છે સાવર કુંડલા કોઠ અને ગાંગડ અને બે ગામ જુદા છે પણ બોલાય છે. કોઠ-ગાંગડ. આ ક્ષણે યાદ આવે છે તુંગભદ્રા નદી. શૃંગેરેમાં તુંગા અને ભદ્રા બે નદીઓ ભેગી મળીને તુંગભદ્રા બને છે.
તમને થશે આ વાતોને અને ગઝલને શું સંબંધ ? આપણે સાવરકુુંડલામાંથી સ્વૈરવિહાર કરતાં-કરતાં છેક શૃંગેરી સુધી પહોંચી ગયા. લેખ ન ગમે તો અધવચ્ચેથી પડતો મૂકી શકાય. પરંતુ આપણે ન ગમે તેવી, ખરાબ વાત, શીયચૌપી વાત, પંચાતની વાતો નથી સાંભળવી એવું નક્કી કરી શકીએ છીએ ખરા ? ઉંઘ આવતી હોય, થાકી ગયા હોઈએ અને છતાં આપણે આવેલા મહેમાનની સાથે શીયચૌપી વાતોમાં રસ લઈને ડૂબી ગયા હોઈએ છીએ. અને ફરી પાછા ફરી આવવાનું નિમંત્રણ પણ આપીએ છીએ. કોઈ પડોશી આપણા ઘરના ખૂણે થોડોક એંઠવાડ ફેંકી જાય અને આપણે પૂરા જોશ અને ઝનૂનથી આપણા ઘરને બગાડી જાય. કોઈ આપણા મનને બગાડી જાય, મનમાં કચરો નાંખી જાય એ તો ક્યાંથી ચલાવી લેવાય ? આપણે ત્યારે કેમ ના નથી પાડી શકતા ?
ના ગમે તો વાત સાંભળવી નથી,
કાન એ કોઈની થૂકદાની નથી.
સમગ્ર ગઝલમાં દંભ વગરની સીધી વાત કરવામાં આવી છે. ભૂખ ન હોય કે પેટમાં ગરબડ હોય એટલે જમ્યા ન હોઈએ. પણ બહુ ખૂબીથી અન્યને અને જાતને છેતરી લઈએ છીએ કે અગિયારશનો ઉપવાસ થઈ ગયો. કવિ કહે છે કે હું દારૂ નથી પીતો એટલા માટે કે નથી ગમતો. એમાં કોઈ મારી બહુ મોટી નિષ્ઠા નથી. હું બહુ સાચો મુસલમાન કે પાકો મુસલમાન છું એવો કોઈ દાઓ નથી. આપણે આપણા અણગમા પણ ગુણમાં ખપતા હોય તો ગુણમાં ખપાવી દઈને ગુણવાન સાબિત થવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ.
ત્વચા એટલે કે ચામડી આમ ભલીભોળી લાગે પણ નાદાન નથી. એણે સ્પર્શની એક પણ નિશાની સાચવી નથી. પકડાઈ ન જવાય એની હોંશિયારીમાં. જોયું વાત કરવાની રીત ભરત વિંઝુડાની જરાક જુદી છે. સ્પર્શની હૂંફ, અર્થ, સ્પર્શનો મહિમા બધું જ મનમાં સચવાયેલું છે પણ ત્વચારે એક જરીક જેટલી ય નિશાની રહેવાઈ ન દીધી. ભલભલા ઘા રૂઝાઈ જાય છે અને ત્વચાર બદલાઈ જાય છે. તેમના થોડાક મને ગમતા શેર અહીં મૂકું.
આજ વરસાદની જેમ વરસ્યા હરિ,
કોઈ ભીંજાય છે જાત આખી ધરી.
મારી અનુભૂતિ જ દિશા ચીંધશે મને,
રસ્તાની સાથે સાથે સતત
ચાલવું નથી.
કવિતા લખવી એ આમ તો સરળ કામ નથી. દોરડા ઉપર એક માણસ ચાલતો હોય ત્યારે એકેય બાજુ ઝૂક્યા વગર, સંતુલન જાળવીને સાચવી-સાચવીને એક-એક કદમ દોરડા ઉપર ભરતો હોય છે. એની નજર ક્યાંય આઘી-પાછી નથી હોતી. એનું લક્ષ્ય એક જ હોય છે સાચવીને ચાલીને પાર નીકળી જવાનું. કવિ પણ કાગળ ઉપર કલમનું સંતુલન જાળવીને કવિતા દ્વારા શબ્દની પારની સફર કરાવે છે.
એક માણસ દોરડા પર જેમ ચાલે છે,
એમ કાગળ પર કલમનું
ચાલવાનું છે.
ઈશ્વર હોય કે પ્રિય પાત્ર. એને શોધવા નીકળવાનું હોય કે બૂમ પાડવાની હોય તો દૂરતા તો જોઈને ! પણ જરા જેટલી પણ દૂરતા ન હોય એ જ સાચી નીકટતા છે. શેર જોઈએ.
સાદ પાડી તને હું બોલાવું.
એટલી ક્યાંથી દૂરતા લાવું.
આપણે ગાલિબના સમયમાં ના થયા એનો ઘણાને અફસોસ હોય. પરંતુ કવિની એક ગઝલમાં એથી અવળી જ વાત થયેલી છે. આ અવળવાણી માણવા જેવી છે. ઈશ્વર સૌને ધારણાઓનો જ મળેલો છે. 'મળ્યા' રદીફની ગઝલ જોઈએ.
અફસોસ! કેટલાય મને આગવા મળ્યા,
ગાલિબને મારા શેર નથી
વાંચવા મળ્યા.
જોવાં મળ્યા નથી કે નથી
જાણવા મળ્યા,
ઈશ્વર અહીં બધાને ફક્ત
ધારવા મળ્યા.
પત્ર પર ઊભાં રહીને જુએ છે
બધાં મને,
જાણે કે પગ મને જ ફક્ત
ચાલવા મળ્યાં.
આંખો મળી છે દ્રશ્યને ઝીલી બતાવવા,
ચશ્માં જરાક એમાં મદદ
આપવા મળ્યાં.
ઊંચાઈ બેઉમાંથી વધુ કોની
હોય છે,
ભેટી પડયાં ને એવી રીતે
માપવા મળ્યાં.
રાતો વિતાવવા જ મળી
સાવ એકલા,
ને ભીડની વચાળે દિવસ
કાપવા મળ્યાં.
તસવીરમાં છે હાથ મિલાવેલી
એક ક્ષણ,
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં
જવા મળ્યાં.


