સ્મરણ:આમ ભૂલાઈ ગયેલું! .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- બધી જ યાદો જો અકબંધ સચવાઈ રહેતી હોત તો એ યાદોનો સ્મૃતિઓનો ભાર લઈને માણસે જીવવું કેવું અઘરું થઈ જાત?
વિસ્મૃતિ
વિસ્મૃતિનું વરદાન,
ભલે આપ્યું તમે ભગવાન !
ભીંતે છબી રહે ટીંગાતી,
ખોટ ન કંઈ વરતાતી.
પ્રવાહ પ્રબળ જીવનગતિ કૈરો, પ્રિય સ્મૃતિયે વિસરાતી
મુખરેખા, સ્વર, હલનચલન-લય, વિલય સર્વથા અંતે.
દૂર જતું, સ્મૃતિશેષ થતું થતું અલ્પશેષ પ્રલયાન્તે...
હૈયે લઈ સ્મૃતિભાર જીવવું,
અસહ્ય થાત માનવને
નાનાવિધ આનંદ મહીં,
અટવાતો રાખ્યો જીવને,
વિસ્મૃતિનું વરદાન,
ભલું આપ્યું તમે ભગવાન.
- દુર્ગેશ શુક્લ
દુ ર્ગેશ શુક્લનું આ વિસ્મૃતિ કાવ્ય અનેક રીતે માણવા ને છે. યાદ ઉપર સ્મરણ ઉપર ખૂબ કવિતાઓ લખાઈ છે. તને યાદ છે મને યાદ છે. તુમ્હેં યાદ હો કિ ન યાદ હો. માણસની જિંદગી આમ પણ યાદ અને સપનાઓનો સરવાળો હોય છે. યાદ એટલે ભૂતકાળ અને સપના એટલે ભવિષ્ય. માણસ કા તો ભૂતકાળમાં જીવતો હોય છે કાં તો ભવિષ્યકાળમાં. હકીકતમાં જીવવાનું બહુ ઓછું ફાવતું હોય છે. વિસ્મૃતિ એ ભૂલકણાપણાની વાત ના વિસ્મૃતિ એટલે વિસ્મરણ. છેલ્લાં ઘણા વર્ષોથી મનોવૈજ્ઞાનિકો પણ આ સ્મરણ ઉપર સંશોધન કરી રહ્યાં છે.
થોડીક વાત આ સ્મરણ અને યાદ વિશે કરી લઈએ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે અમુક વ્યક્તિની યાદશક્તિ બહુ જ સતેજ હોય છે. ઝીણામાં ઝીણી વાત અકબંધ યાદ હોય છે. સામે પક્ષે બધી જ વાત ભૂલાઈ જાય, અરે પોતાની જાત પણ ભૂલાઈ જાય એવો એક રોગ છે જેને અલ્ઝાઈમર કહે છે. અમેરિકાના પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગન, આપણા ભારતના જ્યોર્જ ફર્નાન્ડીઝને આ ભૂલી જવાનો રોગ છે. કોઈ વાતનું સ્મરણ ના રહે. સાવ સંદર્ભ વગરનો માણસ બની જાય. મનોવૈજ્ઞાનિકો કહે કે આપણું મન હંમેશા સુખદ વાતોનું સ્મરણ રાખતું હોય છે, દુ:ખી વાતો ભૂલાવી દેતું હોય છે. અને એટલે જ આપણને આપણું બાળપણ સોનેરી લાગે છે અને તેના સ્મરણો પણ સોનેરી જ હોય છે. મોટાભાગે આપણે સુખદ વાતોનું જ સ્મરણ રાખતા હોય છે. હવે વિચારો કે આપણને બધી જ વાતો રજેરજ યાદ રહેતી હોય તો કેવું થાત ? આપણે માત્ર પસંદગીના જ પ્રસંગો અને ઘટનાઓ યાદ રાખતા હોઈએ છીએ, દુ:ખદ પ્રસંગો આપણું મન ભૂલી જતું હોય છે. બધું જ જો યાદ રહેતું હોત તો આપણા મનની સ્થિતિ કેવી થઈ ગઈ હોત ? લગભગ ગાંડા જેવી.
આપણે બધું જ યાદ રાખી શકતા નથી. આપણને બધું જ યાદ રહેતું નથી કારણ કે આપણને ઈશ્વરે વિસ્મૃતિનું વરદાન આપે છે. કવિતાની શરૂઆત વિસ્મૃતિનું વરદાન ભલે આપ્યું તમે ભગવાન ત્યાંથી થાય છે. ખરેખર તો ભગવાને આપણને વિસ્મૃતિનું વરદાન આપેલું છે. ઉમાશંકરની પેઢીના આ કવિ દુર્ગેશ શુક્લનું પ્રદાન મહત્ત્વ નાટયક્ષેત્ર છે. પરંતુ એમણે જે કવિતામાં કામ કર્યું છે તે કામ તે સમયગાળા કરતાં ઘણું આધુનિક કહી શકાય. તેમણે કાવ્યો ઓછા લખ્યા છે પણ સત્વસભર લખ્યા છે. વિસ્મૃતિનું વરદાન ભગવાને આપ્યું છે એ જાણે બહુ મોટી ઘટના છે અને પાછા તરત જણાવે છે કે તમે મને ભલે વિસ્મૃતિનું વરદાન આપ્યું હોય પણ આ જે ભીંત ઉપર છબી લટકતી રહે છે એને લીધે કોઈ ખોટ અનુભવાતી નથી જ્યારે જ્યારે એ છબી સામે જોઉં છું ત્યારે ત્યારે ફરી પાછું બધું તાજું થઈ જાય છે. આમ ભૂલાઈ ગયું છે અને આમ કોઈ યાદ અપાવે અને બધું તાજું થઈ જાય છે.
અહીં ફરી 'લિકીંગ મેમરી' વાળી વાત યાદ આવે. પાણીની નળીમાંથી / નળમાંથી ટીપે-ટીપે પાણી ટપકીને લીક થતું હોય છે એને લીધે પાણીના પ્રવાહ-ફોર્સ-ગતિ જરાય ઓછા નથી થતા તેને લીધે પાણીની ખોટ પડતી નથી. પરંતુ એ ટીપે-ટીપે ટપકી ગયેલા પાણીનો જો હિસાબ કરવામાં આવે તો દિવસને અંતે, અઠવાડિયાને અંતે, મહિનાને અંતે, વરસને અંતે, વર્ષોના અંતે ટાંકિયો ભરાય એટલું પાણી ઓછું થઈ ગયું હોય છે. જિંદગીમાં જેટલા વર્ષો જીવ્યા એ બધા વર્ષોમાંથી ઘણાં વર્ષોની ઘટનાઓ વાતો વિસ્મૃતિના વરદાનને લીધે ક્યાંક ચાલી ગઈ છે અને કવિ કહે છે કે આ જીવનની ગતિનો પ્રવાહ એટલો પ્રબળ છે કે જે પ્રિય સ્મૃતિઓ છે એમ વિસરાઈ ગઈ છે. બાળપણના ચોથા ધોરણના શિક્ષકનો નામ કે ચહેરો યાદ ન પણ હોય બાળપણના મિત્રોના ચહેરા, અવાજ ઘણું બધું યાદ ન પણ હોય. માત્ર બાળપણ જ શા માટે ? જીવનના દરેક વર્ષોનું ઘણું બધું ભૂલાઈ જતું હોય છે.
પ્રત્યેક પળનું સ્મરણ દૂરને દૂર થતું હોય છે. ઝાંખું-પાંખું સ્મરણ બની જતું હોય છે. પ્રભુ ! આ વિસ્મૃતિનું વરદાન આપીને તેં તો કૃપા જ કરી છે. બધી જ યાદો જો અકબંધ સચવાઈ રહેતી હોત તો એ યાદોનો સ્મૃતિઓનો ભાર લઈને માણસે જીવવું કેવું અઘરું થઈ જાત ? કેવો અપરાધ ભાવ, કેવા દુ:ખો ? કેવા પશ્ચાતાપમાં જીવતો હોત. સુખના કે દુ:ખના કોઈ પ્રસંગો ભૂલાતા જ ના હોત, માણસ સ્મરણોના ભાર નીચે દટાઈને જીવતો હોત.
કોઈના મૃત્યુ પ્રસંગે ભલે આપણે કહેતા કોઈએ કે ન પૂરાય એવી ખોટ પડી છે પણ એ ખોટ પણ પૂરાઈ જતી હોય છે. ભલભલા દુ:ખનું ઓસડ દિવસ બની જતા હોય છે. કારમા આઘાતો સહ થઈ જતા હોય છે અને સમયની સાથે ભૂલાઈ જતા હોય છે. અને એટલા માટે જ આપણે ફરી પાછા લગ્નનો પ્રસંગ હોય કે તહેવારોનો અવસર હોય અનેક આનંદોથી ઉજવી શકીએ છીએ. જે એકવાર દુ:ખ જોઈને સાધુ થઈ જવાનું મન થઈ ગયું હતું એ દુ:ખ સમય જતા ભૂલાઈ જાય છે ફરી મન સંસારના આનંદમાં ડૂબી જતું હોય છે અને કવિ કહે છે તેં જીવને જબરો આ સંસારના
આનંદમાં અટવાતો રાખ્યો. ભગવાન તમે વિસ્મૃતિનું વરદાન ભલું આપ્યું છે. કવિતાની પહેલી પંક્તિ અને અંતિમ પંક્તિ એક જ છે. અને એ પંક્તિ છે
વિસ્મૃતિનું વરદાન, ભલે આપ્યું તમે ભગવાન !...
કવિતામાં એકની એક પંક્તિ બે વાર આવી છે એકવાર આભારના ભાવમાં, એકવાર કટાક્ષના ભાવમાં, અને આમ આખા કાવ્યનું એક ભાવચક્ર પૂરું થાય છે. દુર્ગેશ ભાઈનું 'ઝાકળના જળ' કાવ્ય જોઈએ. વહેલી સવારે ફૂલ અને પાંદડા ઉપર ઝાકળના ટીપાં આપણે જોઈએ છીએ. ઝાકળની જિંદગી ઘડી કે બે ઘડીની હોય છે. ક્ષણો તો બધી ભોળા કબૂતર જેવી હોય છે પણ એક ઝાકળ છેક અંતરના તળિયા સુધી પોતાના સ્પંદનો મૂકીને ઊડી જતું હોય છે એનું એ કાવ્ય જોઈએ.
ઝાકળનાં જળ
ધૂ્રજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!
પળનાં પારેવડાંને ઊડવાની ચળ !
પકડયાં પકડાય નહીં પળ પળનાં છળ,
ખળભળી ઊઠે ઊંડાં અંતરના તળ !
તટની વેળુમાં પડયા ભાતીગળ સળ,
વાપરો વહે ને થાય સઘળું સમથળ.
તોયે હજી વળે નહીં કેમે કરી કળ !
ધૂ્રજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ.