- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- ગીતની મજા જ એ હોય છે કે જેમ-જેમ ગાતા જઈએ તેમ-તેમ મનમાં તેના જુદા-જુદા અર્થો ઉઘડતા જાય
બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના,
ઘરમાં સૂતી સાંભળું રે
બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે
બોલ વ્હાલમનાં
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું રે લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના
આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું રે લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું રે લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
- મણિલાલ દેસાઈ
'બોલ વ્હાલમના' આ ગીત ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્યપ્રેમી એવો હશે જેણે સાંભળ્યું ન હોય. પરંપરા સાહિત્યને લીધે જીવે છે એ જ રીતે કોઈ કાવ્ય-ગીત-ગઝલ જો સમજાય એવા હોય, સુગમતાથી ગઈ શકાય તેવા સ્વરબદ્ધ થયા હોય તો એવા કાવ્ય-ગીત-ગઝલ પ્રજાની પરંપરા બની જાય છે. ઘણા કાવ્યોના શબ્દો સંગીતના સહયોગને કારણે અનેક લોકો સુધી પહોંચી શક્યા છે. આ ગીતને સંગીત ન મળ્યું હોત તો લોકો સુધી આટલું બધું ન પહોંચી શક્યું હોત. આ ગીત એટલું લોકપ્રિય થયું છે કે તે ગરબામાં પણ ગવાય છે. અજીત શેઠે તેને સ્વરબદ્ધ કર્યું છે અને નિરૂપમા શેઠે તેને ગાયું છે. આટલી પૂર્વભૂમિકા પછી ગીતમાં પ્રવેશ કરીએ.
ગીતની મજા જ એ હોય છે કે જેમ-જેમ ગાતા જઈએ તેમ-તેમ મનમાં તેના જુદા-જુદા અર્થો ઉઘડતા જાય. વિરહીણી, મુગ્ધા પોતાના વ્હાલમના સ્મરણમાં અને ભણકારામાં, યાદમાં અને સપનામાં સતત કેવું-કેવું અનુભવે છે તેનું આ ગીત છે. ઉંબરો એ ઘરની અંદરનો પણ હિસ્સો છે અને ઘરની બહારનો પણ. બહાર અને અંદરની બરોબર વચમાં ઉભેલી આ મુગ્ધા વ્હાલમના બોલ સાંભળે છે. ઊભી એટલે કે જાગતી હોય છે ત્યારે જ નહીં, ઘરની અંદર પોતાના ઓરડામાં ઘસઘસાટ સૂતી હોય છે ત્યારે પણ ભણકારા તો વ્હાલમના જ સંભળાય છે.
કાલની વાત, આજની વાત એ બે વચ્ચે સતત સંભળાતા રહે છે વ્હાલમના બોલ જ. પહેલા બળદ અને ગાડાના સમયમાં બળદને ઘૂઘરા પહેરાવામાં આવતા હતા. ગાડું દૂરથી આવતું હોય તો એના ઘૂઘરાનો અવાજ પહેલા સંભળાય. ઘોડાને પણ ઘૂઘરા પહેરાવ્યા હોય. ઘૂઘરા બળદના છે કે ઘોડાના છે એ મહત્વનું નથી પણ મહત્વનો છે ઘૂઘરાનો અવાજ. અને એ ઘૂઘરાના ભણકારા ઊંઘમાં સૂતેલા સપનાઓને જગાડી જાય છે. ઊંઘમાં આપણે સૂતા હોઈએ તો સપના આવે. અહીં તો સપનાના જાગવાની વાત છે. અને એ સપનાઓ પણ કેવા-કેવા જાગે છે... કાલે હવે વડલાની ડાળે ઝૂલીશું, પાદરમાં-સીમમા મોરલાની સાથે કૂદીશું, ઝૂલતા ઝોકો લાગી જશે, કૂદતાં-કૂદતાં જો કાંટો વાગી જશે તો એ પણ વ્હાલમના બોલ જ હશે. વ્હાલમના બોલને કારણે જ તો કાંટાનો ખ્યાલ ના રહ્યો.
આજે જે જુદાઈ છે, જે વિરહ છે એને ગોફણમાં નાંખીને દૂર ફંગોળીને ફેંકી દઈશું. મને હમણાં એક દિકરીએ પૂછ્યું હતું કે ગોફણ એટલે શું ? નવી પેઢી પાસેથી ગોફણનો અર્થ છૂટતો જાય છે. પથ્થર ફેંકવા માટે દોરડા ગૂંથીને એક લાંબા પટ્ટા જેવું બનાવેલું સાધન હોય છે. તેમાં પથ્થર મૂકીને જોર-જોરથી ગોળ ઘૂમાવી તેનો એક છેડો છૂટ્ટો મૂકી દો એટલે એ ગોફણનો પથ્થર દૂર જઈને પડે અને ખેતરનો પાક ચણવા આવેલા પક્ષીઓને ઉડાડી મૂકે. અહીં પથ્થર નહીં પણ પથ્થર જેવી જુદાઈને ગોફણમાં મૂકીને ફેંકવાની વાત થઈ છે. કોઈની યાદમાં કે કોઈની સાથમાં તમે કામ ગમે તે કરો એ શ્રેષ્ઠ બની જતું હોય છે. મહત્વ શું કામ કરીએ છીએ એ નથી, મહત્વ તો કોઈની યાદનું અને કોઈના સાથનું હોય છે. ગોફણ વિંઝતા જે પવન અડવાનો છે અને વાલોળ-પાપડી વીણતા પોતાનું જે ગવન, પોતાની જે ચૂંદડી જે નડવાના છે એ પણ વ્હાલમના બોલને કારણે જ. નર્યા પ્રેમનુ, કોઈ કારણ વગરનું ગાવું ગમે એવું આ ગીત વ્હાલમના બોલને પ્રિય પાત્રના અવાજને, એના ભણકારાને, એનો અવાજ સાંભળવાથી થતાં આભાસોને અને સપનાંઓને આપણી આંખ સામે ખડા કરી દે છે. અહીં આ ક્ષણે 'ભણકારા' ગઝલ યાદ આવે છે.
ભણકારા
એ જ ભણકારા સતત
સંભળાય કોઈ શું કરે ?
આપ મેળે દ્વાર ખૂલી જાય
કોઈ શું કરે ?
..... ને પછી સઘળું ભુલાતું જાય કોઈ શું કરે ?
જો અરીસામાં ય એ દેખાય
કોઈ શું કરે ?
જળપરીની વારતાથી છેક ઉપનિષદ સુધી,
એક આ મનને ન ગોઠે,
ક્યાંય કોઈ શું કરે ?
કોઈ આવીને અચાનક કેન્દ્રબિંદુ થઈ ગયું,
એ જ છે આકાશનો પર્યાય કોઈ
શું કરે ?
ક્યાંક કોઈ રાહ જોતું એ જ સંગાથે સતત,
એ જ પાછળ દોડતું દેખાય કોઈ
શું કરે ?


