દીકરી વ્હાલનો દરિયો... .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જીવનભર જે પૂજાઓ કરી, જીવનભર જે શ્રધ્ધાથી ફૂલ ચઢાવ્યા તેનું જાણે ભગવાને દીકરી આપીને સાટુ વાળી આપ્યું.
દીકરી મોટી બનીને પિતાની માતા બની જાય છે...
દીકરી
શૈશવમાં સપનામાં જોયેલી પરી,
સદેહે અવતરી
... થઈ દીકરી.
દીકરી... જૂઈની નાજુક કળી,
પ્રભુજીને ચડાવેલાં
ફૂલોની અવેજીમાં મળી.
દીકરી...
દાદાની આંખો પર કૂણા કૂણા હાથ દાબે
જાણે પોપચાં પર પવન મૂક્યો, ફૂલોની છાબે
શીતળ, સુગંધિત તાજગી ભરી લ્હેરખી
મીંચાયેલી આંખોથી પણ ઓળખી
દીકરી... બારમાસી વાદળી
ઝરમરતી ઝરમરતી
રાખે સઘળું ય લીલુંછમ...
બારેય... માસ
દીકરી... મનગમતું ગીત, હોઠે રમતું રહે
... નિપજાવે સૂરીલું સ્મિત.
દીકરી...
કંટક વગરનો બાગ, પંખીએ છેડેલો રાગ
પાનખર વગરની વસંત, સુગંધનો સાગર અનંત
દીકરી... પતંગિયું
ફળિયામાં ઊડાઊડની રંગોળી પૂરે-
શરણાઈ કોઈ વગાડે... એ તો ચૂપચાપ ઊડી જાય -
ને પાછળ રહી ગયેલા રંગો... ... ઝૂરે -
દીકરી... ... ચાંદરડું
દિવસ આખો ઘરમાં તેજ પાથરે -
પકડયું ના પકડાય,
ઉંબરે ને ઓરડે દોડાદોડી કરે...
દાદર ચડે-ઊતરે...
સૂરજ સાથે ચાલ્યું જાય... આખરે
વિદાય લીધેલી માની જગા
દીકરીએ
ક્યારે લઈ લીધી... તે ખબરેય ના પડી. - હર્ષદ ચંદારાણા
હ મણાં એક કવિ મિત્રએ બહુ સરસ વાત કરી. બેટી બચાવો આંદોલન નહીં, બેટી વધાવો આંદોલન થવું જોઈએ. વાત સાચી છે. દીકરીના પ્રેમને જેણે જાણ્યો હોય એ જાણતો હોય છે કે દીકરી તો વ્હાલનો દરિયો છે. દીકરી એટલે કેવી ? અને એનો જવાબ કવિતામાં આપે છે હર્ષદ ચંદારાણા. કવિ હર્ષદ ચંદારાણા મૂળ તો ગઝલના સ્વરૂપ સાથે જોડાયેલા છે. ગઝલ સાથે પહેલી નિસ્બત. પણ એમણે જે ગીત અને અછાંદસ લખેલા છે તેમાં પણ ધ્યાન ખેંચાય તેવું તેમનું કામ છે.
બાળપણમાં સપનામાં એક પરી જોઈ હતી. હવે પરી કહેતાની સાથે જ કેટલા-કેટલા સુંદર વિચારો અને સ્વરૂપ દરેકના મનમાં ઊભા થઈ જાય છે. બસ, એ પરીનું વર્ણન નથી કરવું. પરી હંમેશા બાળપણની કલ્પનાઓમાં અને સપનાઓમાં જ હોય છે. બસ, એ જ પરી સદેહે દીકરી થઈને અવતરી. પછી તો ખુશીનો પાર ક્યાંથી હોય ! દીકરી તો જૂઈની નાજુક કળી જેવી છે. અને આ દીકરી મળી છે પણ શેના બદલામાં. જીવનભર પિતાએ પ્રભુજીને જે ફૂલો ચડાવ્યા હતા ને તેના બદલામાં. જીવનભર જે પૂજાઓ કરી, જીવનભર જે શ્રધ્ધાથી ફૂલ ચઢાવ્યા તેનું જાણે ભગવાને દીકરી આપીને સાટુ વાળી આપ્યું. દીકરીને માટે દાદા એક એવું જીવનનું પાત્ર છે જેની સાથે મોકળા મને રમી શકાય, વાર્તાઓ સાંભળી શકાય અને મસ્તી કરી શકાય. દાદા કયાંક બેઠા હોય અને પાછળથી ગૂપચૂપ-ગૂપચૂપ આવીને દાદાની આંખો ઉપર તેના કૂણા-કૂણા હાથ દાબી દે. જાણે પોપચા ઉપર ફૂલો ભરેલી છાબડીએ પવન મૂક્યો હોય. દીકરીના કૂણા, નાજુક હાથને અડકીને જે પવન શ્વાસ બને છે એ એટલો શીતળ છે, એવો મીઠ્ઠી સુગંધથી ભરેલો છે, એટલો તાજગીવાળો છે કે મીંચાયેલી આંખોથી પણ દાદા ઓળખી કાઢે છે કે આ તો મારી વ્હાલી દીકરી જ. હવે કલ્પી જોઈએ કે કૂણા-કૂણા હાથે દીકરીએ દાદાની આંખો દબાવી દીધી હશે, દાદા આ કોણ છે... એમ મોટેથી બોલીને ઓળખવાનો પ્રયત્ન કર્યો હશે, પોતાની વૃધ્ધ આંખોને હજુ જગતને જોતા શીખી રહેલી આંખોથી ઓળખવાનો પ્રયત્ન કર્યો હશે. આ બધી વાતો એટલી સુંદર, એટલી રોમાંચક અને આનંદસભર છે કે દીકરી જેને હોય તે જ આ જાણી શકે. અને જેને દીકરી ન હોય તે મારી જેમ આ કલ્પનાઓથી જીવનની એકલતાને શણગારી શકે.
દીકરી એટલે તો બારમાસી વાદળી. બારેય મહીના તેનો પ્રેમ ઝરમરતો જ રહે. ઘરને અને ઘરના સૌના જીવનને અરે એ જ્યાં જાય ત્યાં બધુંય ભીનુંછમ્મ અને લીલુંછમ્મ રાખે. આ ક્ષણે યાદ આવી રહ્યું છે બાળપણમાં સાંભળેલું એક લોકગીત. કાચું-પાકું-અધૂરું સ્મરણોમાં સચવાયેલું છે. તેમાં એક નાનકડી ધૂમલી નામની દીકરીની વાત આવે છે.
ધૂમલી રે ધૂમલી...
આંગણે રમે આંખને ગમે
બારણે રમે બાપને ગમે
શેરીએ રમે સૌને ગમે
ગામમાં રમે ગામને ગમે
ધૂમલી રે ધૂમલી....
દીકરી તો જાણે મનગમતા ગીત જેવી છે. તેનું નામ વારંવાર હોઠે એવી રીતે રમતું રહે છે કે હોઠથી સ્મિત થઈ જ જાય. દીકરી કાંટાઓ વગરનો બગીચો છે. પક્ષીઓએ છેડેલો રાગ છે. દીકરી પાનખર વગરની વસંત છે. દીકરી જાણે સુગંધનો દરિયો છે.
દીકરી તો પતંગિયાની જેમ ફળિયામાં ઊડાઊડ કરે અને રંગોળી પૂરે. એ દીકરીના લગ્ન થઈ ગયાં. ક્યારે મોટી થઈ ગઈ એ ખબર જ ના પડી. દીકરીના સ્મરણોના સહારે પિતા જીવી રહ્યા છે. અચાનક એક દિવસ માતા મૃત્યુ પામે છે. પિતાના જીવનમાં દીકરીએ ક્યારે માતાનું સ્થાન લઈ લીધું એ બાપને પણ ખબર ન પડી. દીકરીઓ મોટી થઈને પિતાની માતા બની જતી હોય છે. હર્ષદની એક ઉત્તમ ગઝલ જોઈએ. તેની છેલ્લી પંક્તિઓમાં કવિએ આ ગઝલ ક્યારે લખી છે તે જણાવી દીધું છે.
વર્ષા...
ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.
રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર ઉખાણું છે વર્ષા.
રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર ઉખાણું છે વર્ષા.
બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલકાયો છે વરસતું નાણું છે વર્ષા.
સજી શણગાર નવવધુના પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોંઘું આણું છે વર્ષા.
સવાશ્રી સાતસો છયાંસી વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, વરસે બાણું છે વર્ષા.