Get The App

દેવદૂત.... બાળકો.. .

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
દેવદૂત.... બાળકો..                                                . 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- જો તમે સહજ હો, સરળ હો, બાળક જેવા નિર્દોષ હો તો સમગ્ર પ્રકૃતિ તમારી સાથે જ છે

રૌશની કે ફરિશ્તે

હુઆ સવેરા

જમીન પર ફિર અદબ સે આકાશ

અપને સર કો ઝુકા રહા હૈ

કિ બચ્ચેં સ્કૂલ જા રહે હૈં...

નદી મેં અસ્નાન કરકે સૂરજ

સુનહરી મલમલ કી પગડી બાઁધે

સડક કિનારે

ખડા હુઆ મુસ્કુરા રહા હૈ

કિ બચ્ચેં સ્કૂલ જા રહે હૈં...

હવા મેં સર-સબ્જ ડાલિયોં મેં

દુઆઓં કે ગીત ગા રહી હૈં

મહકતેં ફૂલોં કી લોરિયાં

સોતે રાસ્તોં કો જગા રહી હૈં

ઘનેરા પીપલ

ગલી કે કોને સે હાથ અપને હિલા રહા હૈ

કિ બચ્ચેં સ્કૂલ જા રહે હૈં...!

ફરિશ્તે નિકલે હૈં રૌશની કે

હરેક રાસ્તા ચમક રહા હૈ

યે વક્ત વો હૈ

જમીં કા હર જર્રા

માઁ કે દિલ-સાં ધડક રહા હૈ

પુરાની ઇક છત યે વક્ત બૈઠા

કબૂતરોં કો ઉડા રહા હૈ

કિ બચ્ચેં સ્કૂલ જા રહે હૈ

બચ્ચેં સ્કૂલ જા રહે હૈ...! - નિદા ફાજલી

આ પણા રોજિંદા જીવનમાં ઇશ્વરે ભેટ સ્વરૂપે આપેલું અનુપમ સૌંદર્ય પથરાયેલું છે. ક્યારેક સંસારના બધા જ વળગણોને, પ્રશ્નોને દૂર ફગાવીને થોડીક નિરાંતે આ જગત જોવા જેવું છે. રોજ વહેલી સવારે રવિવાર અને રજાના દિવસ સિવાય સાડા છ થી, સાડા સાત સુધીના સમયની વચ્ચે એક દ્રશ્ય દરેક ગલીમાં, દરેક રસ્તા પર, દરેક ગામ અને નગરમાં જોવા મળે છે અને તે દ્રશ્ય છે ટેણિયા-ટબૂરિયાઓ જાત-જાતના દફતર સાથે સવારે સ્કૂલે જવા માટે નીકળી પડયા હોય છે. આ નઝમનું શિર્ષક છે 'રૌશની કે ફરિશ્તે'. અજવાળાના ફરિશ્તાઓ. તરત યાદ આવી જાય છે કે આ બાળકો તો શાળાએ જઈ રહ્યા છે, જ્ઞાન લેવા જઈ રહ્યા છે. બાળપણમાં વાંચેલી એક પંક્તિ યાદ આવે છે.

શાળા અમારી તિર્થભૂમિ,

જ્ઞાનગંગા જ્યાં વહે.

અજ્ઞાન તિમિરાન્ધસ્ય.... અજ્ઞાનના ગાઢ અંધારામાંથી જ્ઞાનના અજવાળા તરફ મનુષ્ય દરેક ઉંમરે આગળ વધતો હોય છે. પણ અહીં આવી કોઈ ભારેખમ વાત તરફ ઇશારો નથી. અહીં તો શિર્ષકમાં જ એક જબરજસ્ત સંકેત આપ્યો છે કે બાળકો તો આ નાના-નાના દફતરો લઈને સ્કૂલમાં જવા નીકળ્યા છે પણ આવતીકાલના નાગરિકો સ્કૂલેથી પાછા ફરશે ત્યારે આ જગત માટે નવું જ અજવાળું પાથરતા, જગતને નવી જ દ્રષ્ટિથી જોતા રોશનીના ફરિશ્તા બનીને પાછા ફર્યા હશે.

બાળક હોવું એ મહાન ઘટના છે એ આપણે જાણીએ છીએ. સંતો, ઉપાસકો બાળક જેવા થઈ ગયા હોય છે. સમગ્ર પ્રકૃતિ આ બાળસહજતાને વધાવી લે છે. જ્યાં પ્રપંચ, ખટપટ અને અઘરાપણાની શરૂઆત થાય છે. ત્યાં જ આ કુદરતનો સાથ નથી એવો ખ્યાલ આવે છે. બાકી તો જો તમે સહજ હો, સરળ હો, બાળક જેવા નિર્દોષ હો તો સમગ્ર પ્રકૃતિ તમારી સાથે જ છે.

બાળકો સ્કૂલે જઈ રહ્યા છે એ કેવી મોટી ઘટના છે ! મા-બાપ તો પોતાના બાળકને સ્કૂલે જતું જોઈને હરખાતા હોય છે. છાતી ગજ ગજ ફૂલતી હોય છે પણ આ સૂરજ જેવો સૂરજ પણ નદીમાં સ્નાન કરીને સોનેરી કિરણોના મલમલની માથે પાઘડી બાંધીને સડકની એક બાજુએ ઉભો ઉભો મલકાઈ રહ્યો છે કે આ કેવા સરસ બાળકો છે. કોઈ પણ પશુ પક્ષીનું બાળક પણ સુંદર હોય છે. વહાલું લાગે છે. સરસ નાના-નાના ભૂલકાંઓને હસતાં-રડતાં-ગાતા સ્કૂલે જતા જોતા મન હરખાઈ જાય છે.

હવા પોતે વૃક્ષની એક-એક ડાળમાંથી પસાર થઈ રહી છે ત્યારે એ હવાનો અવાજ જાણે એવો લાગે છે કે તે આશીર્વાદ આપતા ગીતો ગાઈ રહી છે. ફૂલોના સુગંધોના હાલરડાં સૂતેલા રસ્તાને જગાડી રહ્યા છે. અને સૌથી ઘરડો પેલો દાદા જેવો પીપળો શેરીના ખૂણા પરથી ઊભો ઊભો હાથ ઉંચો કરીને આવજો કહી રહ્યો છે કારણ કે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.

અને આ બાળકો સ્કૂલે જઈ રહ્યા છે ત્યારે આ રોશનીના ફરિશ્તાઓ સ્કૂલે જવા નીકળ્યા છે ત્યારે રસ્તાઓ ચમકી રહ્યા છે. રસ્તાના પણ ગૂઢ અર્થ છે. શિક્ષણના દરેક રસ્તાઓ ચમકી રહ્યા છે કે તેની ઉપર કેવા સુંદર બાળકો પ્રવાસી બનવાના છે. સવારનો આ સમય ખરેખર તો એવો સમય હોય છે જ્યારે ધરતીનો કણે-કણ પ્રત્યેક માના હૃદયની જેમ ધબકતો હોય છે. ધબકતો હોય છે અને કવિતાના અંતે એક અત્યંત પ્રતિકાત્મક વાત કહી છે કે જૂની એક ઇમારત ઉપર સમય બેઠો બેઠો કબૂતરોને ઉડાડી રહ્યો છે. આ પુરાની ઇમારત એટલે કદાચ સમાજ. આ કબૂતરો એટલે આળસુ, રૂઢિચૂસ્ત જડ માનસ અને સમ એટલે શાશ્વત વર્તમાન બાળકો સ્કૂલે જઈ રહ્યા છે. સમય ચેતવી રહ્યો છે જૂની ઇમારતોમાં બેઠેલા આળસુ કબૂતરોને કે જો, બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.

આ ક્ષણે જુગતરામ દવેનું ચકીબહેન બાળકાવ્ય સહજ યાદ આવે છે. ફરી આપણે આપણા બાળપણમાં થોડોક સમય સરી-ફરી લઈએ.

ચકીબહેન

ચકીબહેન, ચકીબહેન, 

મારી સાથે રમવા

આવશો કે નહિ ?

આવશો કે નહિ ?

ચક ચક ચણજે,

ચીં ચીં કરજે,

ચણવાને દાણા

આપીશ તને,

આપીશ તને.

બા નહિ વઢશે,

બાપુ નહિ બોલશે,

નાનો બાબો તને

ઝાલશે નહિ,

ઝાલશે નહિ...

બેસવાને પાટલો,

સૂવાને ખાટલો,

ઓઢવાને પીંછા આપીશ તને,

આપીશ તને.