Get The App

દિવાળીનું બીજું રૂપ... .

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
દિવાળીનું બીજું રૂપ...                                     . 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- એવું કેવું ભાગ્ય હશે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી દુ:ખ અને સતત દુ:ખ ભોગવવાનું બને

ચંદુની દીવાળી

શું દીવાળી ને વળી હું ઉજવું શેની દીવાળી ?

રોજની જેમ જ દિવસ ઉગ્યો અને આ આથમ્યો,

રોજની જેમ જ બધાના આજ અપમાનો ખમ્યો.

રોજની જેમ જ ઉપાડી બોજ આ બરડો નમ્યો.

શું દિવાળી ને વળી હું ઉજવું શેની દીવાળી ?

તેલ શેનું વાટ શેની ને વળી શું કોડિયા,

હું અને અંધાર બન્ને ભાઈ બિલકુલ જોડિયા,

ને ગરીબીયે ય કમ્મરતોડ એવા તોડિયા...

શું દીવાળી ને વળી હું ઉજવું શેની દીવાળી ?

રંગ ક્યાથી, આંગણું શેનું શું રંગોળીય પૂરે,

ક્યાંક તો સુવા મળે જગ્યા સરસ, આ આંખ ઝૂરે,

ને દયા સ્હેજેય ખાધી હોય ના જ્યાં કોઈ ક્રુરે

શું દીવાળી ને વળી હું ઉજવું શેની દીવાળી ?

સૌ સગાવહાલા મર્યાતા એ હતી અસલી દીવાળી,

દઈ ગયું તું કોઈ ખાવાનું ભરી આખ્ખીય થાળી,

એટલી તૃપ્તિ જીવનમાં ના પછી ક્યારેય ભાળી

શું દીવાળી ને વળી હું ઉજવું શેની દીવાળી ?

- રાજેશ વ્યાસ મિસ્કીન

ચં દુની કથા તીરની જેમ સોંસરી વાગે તેવી છે. દીવાળીના દિવસોમાં ઘણાં વર્ષો પછી ચંદુ યાદ આવ્યો. હમણાં થોડા વર્ષો પહેલા તે મૃત્યુ પામ્યો ત્યારે તે ૯૩ વર્ષનો હતો. પણ ક્યારેય તેની ઉંમર દેખાઈ જ નથી. અમે નાના હતા ત્યારે પણ એ જેવો લાગતો હતો એવો અમે ઘરડા થયા ત્યારે પણ લાગતો હતો. અમારા આખ્ખા વિસ્તારમાં ચંદુ ખૂબ જાણીતો ખૂબ વિશ્વાસુ. હાથનો ચોખ્ખો મહેનતું અને નમ્ર પણ ન જાણે તેને મેં ક્યારેય સુખી જોયો જ નથી. કદાચ એને પણ ખબર નહોતી કે સુખ એટલે શું ? ચંદુની સાથે મારે કોઈ અજાયબ લાગણીનો સંબંધ હતો. ચંદુ જ્યારે જ્યાં મળે મળે ત્યાં ત્યારે તેને હું પેટ ભરીને જમાડતો. રાત્રે ૧ વાગે પણ એટલો જ ભૂખ્યો હોય જેટલો બપોરે ૧ વાગે ભૂખ્યો હોય. લોકો તેની પાસે પુષ્કળ મહેનત-મજૂરી કરાવે અને પૈસા ખૂબ ઓછા આપે. કોઈ જો મોટર સાફ કરવાના ૧૦ રૂપિયા લેતું હોય તો ચંદુ પાસે બે રૂપિયાનો સિક્કો આપીને લોકો તેની પાસે મોટર ઘોવડાવે. ટૂંકી ઢીંચણ સુધીની ચડ્ડી અને લાંબા-ટૂંકા ગમે તેવા બુશકોટ તેણે પહેર્યા હોય. કોઈ ખાવા આપે તો ખાય. બાકી કામ કરીને પૈસા લઈને આગળ નીકળી જાય. કયારેય તેને મેં ક્યાંય પરમેનન્ટ નોકરી કરતો જોયો નથી. દીવાળીના દિવસોમાં એકવાર રાત્રે તેને નજીકની હોટલમાંથી ખાવાનું અપાવ્યું અને તેણે એટલી ઝડપથી ખાધું હતું કે તેને મેં બીજીવાર ખાવાનું અપાવ્યું. ચંદુએ માત્ર એટલું જ કહ્યું તું કે બે દિવસથી માત્ર ચા ઉપર છે.

ચંદુ દીવાળી કેવી ઉજવે છે ? આવું મેં પૂછ્યું અને તેણે જે વાત કહી તેમાંથી આજની આ કવિતા લખાઈ છે. દીવાળીના દિવસે તો લોકો સારા કપડાં પહેરે પણ ચંદુને માટે દીવાળીના દિવસો રોજની જેમ ઉગતા હતા અને આથમતા હતા. રોજની જેમ જ બધા અપમાનો સહન કર્યા હતા. કોઈના ય મનમાં એમ નહોતું થયું કે આજે દીવાળી છે તો એને ગાળ ના દઈએ. રોજની જેમ જ એણે મજૂરી કરી હતી, બોજ ઉપાડયા હતા અને રોજની જેમ જ સાંજે થાકી ગયો હતો.

એ દિવસોમાં મેં તેને પૂછ્યું હતું કે તું ક્યાં રહે છે ? કોડિયા મૂકે છે ? તેણે કહ્યું હતું કે શેનું તેલને શેની વાટ આ આખા અમદાવાદમાં આટલી બધી તો લાઈટો થાય છે. લોકો રોશની કરે છે એ હું જોઈ લઉં છું. જીવનમાં તો બાળપણથી અંધારુ જ છે. જાણે એનું જીવન અને અંધારુ બે અભિન્ન હોય એમ જ લાગતા. એ અને અંધકાર ટ્વીન્સ લાગે. ગરીબીએ એ જન્મ્યો ત્યારથી કમ્મર તોડી નાંખી હતી. એકવાર એણે કહ્યું હતું કે એ નાનો હતો ત્યારે એ બહુ પૈસાદાર હતો. ઘરમાં કોઈનામાં ય એવા વેતા નહોતા કે પૈસો ના ટક્યો. મેં તેને પૂછેલું કે તારું ઘર કેવું હતું ? ત્યાં રંગોળી પૂરાતી હતી ? તેણે કહ્યું કશું ય યાદ નથી. જ્યાં જીવન આખું અંધારાથી ભરેલુ હોય ત્યાં રંગ ક્યાંથી પ્રગટે ? કોઈ દુકાનના ઓટલે કે કોઈ જાહેર બાંકડા ઉપર જ્યાં સૂવાનું હોય ત્યાં પોતાનું આંગણું હોય અને એમાં રંગોળી પૂરી હોય એ તો કાલ્પનિક લાગે. જાણે એની આંખો કહેતી હતી કે ક્યાંક સરસ સુવા માટે જગ્યા મળે તો એકાદ બે સપના ય જોવાય. આખો દિવસ દુનિયાની ક્રુરતાનો અનુભવ કરનાર ચંદુને માટે ૩૬૫ દિવસ એક સરખા જ હતા.

એક વખત ચંદુને મેં પૂછ્યું કે તેં કોઈ દીવાળી માણી છે એવું યાદ છે ખરું. ચંદુએ કહ્યું કે હા એક અસલી દીવાળી જોઈતી. અમારા ગામમાં બધા ટપોટપ મરવા મંડયા હતા. મારા ય સગાવ્હાલા બધા ય એ દિવસે મરી ગયા. હું બહુ નાનો હતો. કોઈ શેઠને ઘેરથી બપોરે મને જમવાનું આપી ગયું તું આખ્ખી થાળી ભરેલી હતી. 

પેટ ભરીને ખાધું હતું. એ દિવસે જેવું ધરાયો તો એવું ધરાઈને તો પછી ક્યારેય ખાધું નથી. ચંદુની વાતો એ સમયે મહાનુભૂતિથી સાંભળતો હતો પણ આજે ચંદુ જાણે કુટુંબીજન હોય એમ યાદ આવ્યો છે. આ સમાજમાં કેટકેટલા ચંદુઓ હશે ! કદાચ દરેક વિસ્તારમાં એક-બે ચંદુઓ તો હશે જ. એવા કેવા કર્મો હશે ? એવું કેવું ભાગ્ય હશે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી દુ:ખ અને સતત દુ:ખ ભોગવવાનું બને અને એય તે ખૂબ લાંબુ જીવીને. જન્માક્ષરોમાં એવા કેવા ગ્રહો પડયા હશે જેણે સપનાનું ય સુખ આપ્યું ન હોય. અચાનક મનમાં વિચાર આવે છે કે સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય કે વૃધ્ધ, જ્ઞાની હોય કે અજ્ઞાની, શ્રીમંત હોય કે ગરીબ દરેકની અંદર ક્યાંક ઊડે એક ચંદુ બાળપણથી ઝૂરતો હોય છે જ હા એ ચંદુના સ્તર જુદા-જુદા હોઈ શકે. ચંદુના રૂપ જુદા-જુદા હોઈ શકે છે.