Get The App

સગાં દીઠા મેં શાહઆલમનાં... .

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
સગાં દીઠા મેં શાહઆલમનાં...                                        . 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- ખૂબ મોટા મહેલો હતા એ સાવ ખંડેર થઈ ગયા છે. એમના નામનિશાન પણ મળતા નથી

રાજા રાણા અક્કડ શેંના ? વિસાત શી તમ રાજ્ય તણી

કઈ સત્તા પર કૂદકા મારો ? લાખ કોટિના ભલે ધણી

લાખ તો મૂઠી રાખ બરાબર કોડ છોડશે સરવાળે

સત્તા સૂકા ઘાસ બરાબર બળી આસપાસે બાળે

ચક્રવતી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ.

ક્યાં છે રાજ્યરાજન આગળનાં દિવ્ય કહું જે દેવસ્થાન,

શોધ્યાં ન મળે સ્થાનદશા કે ન મળે શોધ્યાં નામનિશાન

લેવો દાખલો ઈરાનનો જે પૂર્વ પ્રજામાં પામ્યું માન

ચોગમ જેની ધજા ઊડી રહી રૂસ રોમ ને હિન્દુસ્તાન

હાલ વ્હીલું વેરાન ખંડિયેર શોક સાડી શું પહેરીએ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

ક્યાં જમશેદ ફરેદુન ખુશરો ક્યાં અરદેશર બાબેગાન

રૂસ્તમ જેવા શૂરવીર ક્યાં નહિ તુજને મુજને તેનું ભાન

ખબર નહિ યુનાની સિકંદર કે રૂમી સીઝર ક્યાં ગૂમ

અવનિ કે આકાશ કહે નહિ ભલે ભવ સારો મારો બૂમ

હશે કહિંક તો હાથ જોડી ઊભા કિરતાર કચેરીએ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

રામકૃષ્ણ નરસિંહ પરશુરામ દશ અવતાર થયા અલોપ,

વિક્રમ જેવા વીર રાજનો ખમે કાળનો કેવો કોપ

ક્યાં મહમદ ગઝની ક્યાં અકબર રજપૂત વીર શિવાજી ક્યાં

રાજપાટના ધણી ધુરંધર આજ યુદ્ધની બાજી ક્યાં

રાજમહેલમાં ઢોર ફરે ને કબર તો કૂતરે ઘેરી એ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

ક્યાં નેપોલિયન ચીલઝડપિયો જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ

અતિલોભનો ભોગ બિચારો અંતે વલખા મારે પંડ

સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ સ્વપનાં કે સાચે ઈતિહાસ

નહિ સમજાતું નિશ્ચયપૂર્વક ઊડી ગયા જ્યાં શ્વાસોછવાસ

વિજયરૂપી એ સડો શું લાગ્યો વિજયવાયુ બહુ ઝેરી એ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

ક્યાં ગઈ ફૂટડી કિલયોપેટ્રા ક્યાં છે એન્ટની સહેલાણી

જંતુ ખાય કે વળગે જાળાં ભમરા કીટ કહે કહાણી

કબર ગીધડાં ખણે ખોતરે શિયાળ સમાધી પર બેસે

સંત શરમથી નીચું જુએ મહારાજ કોને કહેશે

રાજ્યપતિ રજકણથી નાનો છે આયુષ આખેરીએ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

દીઠાં સ્મારકસ્થાન ઘણાંએ કીર્તિકોટ આકાશ ચડયા

ખરતાં ખરતાં પથ્થર બાકી ચૂના માટીએ જકડયા

દિલ્હી આગ્રા કનોજ કાશી ઉજ્જૈન ઉજ્જળતા નાસી

રૂમ શામ ને ઈરાન ઉજ્જડ રડે ગળામાં લઈ ફાંસી

તવારીખનાં ચિહન ન જાણે કાંઈ જાણે બધી મશ્કરી એ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

દીઠાં અયોધ્યા બેટ દ્વારિકા નાથદ્વાર ને હરદ્વારી

ઘરને આંગણે સુરત દેખતાં છાતી ધબકે છે મારી

ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શાં હાય કાળના કાળા કેર

દખ્ખણને દુ:ખમાં દેખી શત્રુ આંખ વિશે પણ આવે ફેર

હજી જોવી શી બાકી નિશાની રહી રે વિનાશ કેરી એ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

કોટી ગણાં તુંથી મોટા તે ખોટા પડી ગયા વિસરાઈ

શી તારી સત્તા રે રાજા સિંહ સમીપ ચકલી તું ભાઈ

રજકણ તું હિમાલય પાસે વાયુ વાય જરી જોર થકી

ઈશ્વર જાણે ઊડી જશે ક્યાં શોધ્યો મળવાનો ન નકી

શક્તિ વહેમ સત્તા પડછાયો હા છાયા રૂપેરી એ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

દ્રવ્ય મટોડું હિંમત કુમતિ ડહાપણ કાદવનું ડહોળું

માનપાન પાણી પરપોટો કુળ અભિમાન કહું પોલું

આગળ પાછળ જોે રાજા સત્તાધિશ કે કોટિપતિ

રંક ગમે એવો દરદી પણ મરશે નહિ તે તારી વતી

ભૂલાઈ જવું મરવે એ બહુ દુ:ખ સર્જ્યું કાળ નમેરીએ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

કુલીન કુળમાં કજાત પુત્રો પ્રગટ દિસે આ દુનિયામાં

બળિયા વંશજ જુઓ બાયલા રોગી નિરોગીની જગ્યામાં

સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ નીચેથી ઊપર ચઢતું

ચઢે તે થકી બમણે વેગે પૃથ્વી પર પટકાઈ પડતું

શી કહું કાળ અજબ બલિહારી વિદુરમુખી તુજ લહેરી એ

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

- બહેરામજી મલબારી

ગુજરાતી સાહિત્યમાં ઘણાં કવિઓ તેમની એક જ કૃતિથી, એક જ કવિતાથી જાણીતા થયેલા છે. પોતાની એક જ કૃતિથી તેમનું નામ અને સ્થાન નિશ્ચિત થયા હોય, પોતાની એક જ કૃતિથી તેઓ ઓળખાયા હોય એવા ઘણાં કવિઓ છે એક જ દે 

ચિનગારી... આ કાવ્ય ખૂબ જાણીતું છે. ખગોળશાસ્ત્રી એવા હરિહર ભટ્ટને આ એક કાવ્યએ તેમને કવિઓની હરોળમાં મૂકી આપ્યા છે. બહેરામજી મલબારીનું આ કાવ્ય પ્રમાણમાં લાંબું છે. મલબારીના કાવ્યો સરળતાથી ક્યાંય ઉપલબ્ધ નથી. ત્યારે શબ્દ સૂરના વાચકોને માટે આ આખું કાવ્ય અહીં મૂકી રહ્યો છું.

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ... આ પંક્તિ કહેવતની જેમ અનેકને મોઢે હશે. આ એક કાવ્યએ બહેરામજી મલબારીને એક સમયે પુષ્કળ કવિ પ્રતિષ્ઠા અપાવી હતી. કાવ્ય બિલકુલ સરળ છે જે રાજાઓ હતા એના સગાવ્હાલાઓને મેં ગલીએ ગલીએ ભીખ માંગતા જોયા છે. વાત આટલી છે.

ઐસે વૈસે કૈસે કૈસે હો ગયે,

કૈસે કૈસે ઐસે વૈસે હો ગયે.

એક સમયે જે બહુ મોટા નામો હતા, જેમનાથી દુનિયા ધુ્રજતી હતી, કરોડો અને અબજોપતિઓ હતા આજે એ લોકોના કોઈના નામ પણ યાદ નથી. ઘણાં ખૂબ મોટા મહેલો હતા એ સાવ ખંડેર થઈ ગયા છે. એમના નામનિશાન પણ મળતા નથી. જેનાથી લોકો ધુ્રજતા હતા એ શૂરવીરોની કોઈએ નોંધે ય નથી લીધી. મોટા-મોટા રાજાઓ પણ આયુષ્યની એક પળ માટે ભિખારી જેવા હોય છે. કિલયોપેટ્રા જેવી રૂપસુંદરી આ ધરતીમાં ક્યાં સમાઈ ગઈ કોઈને ય ખબર નથી. મોટાં મોટાં શહેરો બધા ય એની જાહોજલાલી ખોઈ બેઠાં છે.

કુળવાન રાજાઓને ત્યાં કમજાત પુત્રો પાક્યા છે. જે બળિયા હતા એના વંશજો બાયલા પાક્યા છે. કાળની અજબ બલિહારી છે. ટૂંકમાં આ અહંકાર શેના માટે કરવાનો ? કાળ કોઈને ય છોડતો નથી. અને મેં ઘણાંને સ્હેજ અથડાઈ જાય કે પડોશીનો કચરો પોતાને ત્યાં આવી જાય તેમાં મારામારી કરતા કે એકબીજાને દેખાડી દેવાનું કહેતા જોયા છે. અહંકાર અને દારૂ ચડયો છે એ સૌને દેખાય છે. માત્ર જેને ચઢ્યો હોય છે એને જ દેખાતો નથી.