- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જ્યાં સુધી દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આંખ આપણી પોતાની પણ આપણને દેખાતી નથી
તમને સ્મર્યા વગર
જીવી શકું હું કઈ રીતે
તમને સ્મર્યા વગર ?
પાંપણ કદી ય રહી શકે
મટકું ભર્યા વગર ?
ચાલ્યાં મને ત્યજી તો નવો
ખ્યાલ સાંપડયો
ડાળી ગુમાવવી પડી ફૂલને
ખર્યા વગર
હૈયાની માછલીનો તરફડાટ
નહીં જૂઓ
આંખોનું પાણી આપનું
ખાલી કર્યા વગર
ડૂબી ગયો તો આપનું
સાનિધ્ય સાંપડયું
પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર
મંઝિલ મળી છે એમ
કહું તો એ ભ્રમ હશે
પામ્યું નથી કફન અહીં કોઈ
મર્યા વગર
દર્શન નયનના પામવા દ્રષ્ટિ થવું પડે
ખુદને નિહાળી ના શકો દર્પણ
ધર્યા વગર
- મનહર મોદી
સા રા કવિ હોવું અને સારા વ્યક્તિ હોવું એ બહુ મોટી વાત છે. મનહર મોદી આદિલ, રાજેન્દ્રની પેઢીના ઉત્તમ ગઝલકાર જ નહીં એક ઉત્તમ વ્યક્તિ તરીકે પણ તરત સ્મરણમાં આવે. ગુજરાતી ગઝલમાં જે થોડાંક સાચૂકલા ભાષાને માટે પ્રયોગશીલ સર્જકો છે તેમાંનું એક નામ એટલે મનહર મોદી. એક જમાનામાં તખલ્લુસ નયન રાખ્યું હતું. આ ગઝલ મનહર મોદીની જાણીતી ગઝલોમાંની એક છે.
આ ગઝલમાં પરંપરા અને ભાષા સાથે નવેસરથી કામ પાડતા એમ બે મિજાજના ગઝલકારનો પરિચય થાય છે. હું તમને યાદ કર્યા વગર, સ્મર્યા વગર કઈ રીતે જીવી શકું ? કેવું સરળતાથી પૂછી લીધું છ કે તમને સ્મર્યા વગર જીવી જ કઈ રીતે શકાય ? અને બીજા મિસરામાં કેવી સુંદર દલીલ પણ કરી છે ? પાંપણ ક્યારેય મટકું ભર્યા વગર રહી શકે ખરી ? યાદની ઉત્કટ ભૂમિકાએ જીવનું પ્રિય પાત્ર કેટલી સરળતાથી સમજાવી દે છે કે સ્મરણ વગર જીવવું શક્ય જ નથી. જુઓ, આટલી વારમાં પણ તમારી પાંપણોએ કેટલીવાર મટકું ભરી લીધું. બીજા શેરમાં મનહર મોદી જે કારણે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે એ શૈલીની ઝલક જોવા મળે છે. પહેલી દ્રષ્ટિએ આ શેર ન સમજાય તેવો ર્શહજીહજી લાગે. કોઈ પોતાને છોડીને ચાલ્યું ગયું અને સાથ-સંગાથ છૂટી ગયા છે એ વાત તો સાચી પણ સંબંધ તૂટી નથી ગયા, સંબંધ પૂરા નથી થયા. અને એ વાત પણ એટલી જ સાચી છે કે હવે સંબંધ રહ્યા પણ નથી. ફૂલ ખરી જાય છે અને તેણે ડાળી છોડી દેવી પડે છે. અહીં ફૂલ ખર્યું નથી અને છતાંય હવે ડાળી પોતાની નથી રહી. એણે ડાળી ગુમાવવી પડી છે. ખર્યા વગર ફૂલ ડાળી ગુમાવી બેસે એ ખ્યાલ જેટલો નવો છે એટલી જ વાત આ જૂની છે કે આપણે કોઈના હોઈએ અને છતાં આપણે એ પાત્રના ના રહ્યા હોઈએ. છૂટા પડવાની વાત મનહર મોદીમાં જુદી જુદી અનેક રીતે ડોકાયેલી જોવા મળે છે.
એમણે મુજ સ્થાન સમજાવી દીધું,
આંગળીથી નખ કરીને વેગળા
આંગળીથી નખ વેગળા તે વેગળા એ કહેવતનો ઉપયોગ અહીં કેટલી ખૂબીથી થયો છે ! ગમે તેટલા નખ આંગળીની સાથે રહેતા હોય પણ પછી એ નખનું સ્થાન ગમે ત્યાં ફેંકાઈ જવાનું જ હોય છે. મનહરભાઈએ સતત પોતાની જાતમાં ભાષાને અને કવિતાને ઘૂંટી છે. પોતાની ભીતર ભાંગફોડ કરી છે. અને ગુજરાતી ગઝલને વિશિષ્ટ ગઝલો એ આપી ગયા છે. ફરી તેમનો એક શેર યાદ આવે છે.
મેં મને ખૂબ ખૂબ ઘૂંટયો છે,
ને મને આવડી ગયો છું હું.
ત્રીજા શેરમાં હૃદયની માછલીની વાત કરી છે. હૃદયની માછલી આંખોનું પાણી ખાલી ના થાય ત્યાં સુધી તરફડતી જોવા નથી મળતી. જાણે હૃદયની લાગણીને અને આંસુને સીધો સંબંધ છે એમ કહેવા માંગતા હોય એવું લાગે. ક્યાંક ડૂબ્યા વગર તરી નથી શકાતું. ભક્તિ હોય કે પ્રેમ જે ડૂબી ગયા છે તે તરી ગયા છે. જે તર્યા છે એ કોરાને કોરા રહ્યા છે. કદાચ જુદાઈ દરિયા જેવી છે. કોઈ રીતે એ પૂરી થઈ શકે તેમ નથી. દરિયા તરવાનું ગજું પણ કેટલું ? પણ જેવા જે ક્ષણે એની યાદમાં ડૂબી ગયા કે તરત એ તો પાસે જ છે, ક્યાંક દૂર નથી, કોઈ જુદાઈ નથી એનો અનુભવ થાય છે. એ પરમને પામવા માટે બહાર કિલોમીટરો ચાલવાના નથી. જ્યાં છીએ ત્યાંથી, જેવા છીએ તેવા યાદમાં ડૂબીએ છીએ કે આખા દરિયાનું પાણી એક ક્ષણમાં કપાઈ જાય છે.
જીવનના અંતિમ શ્વાસ સુધી સતત પ્રવાસ જ હોય છે. રસ્તામાં જે-જે મંઝિલો લાગે છે એ બધા માત્ર વિસામાઓ જ હોય છે. કોઈક મંઝિલ જેવું લાગે, ક્યારેક મંઝિલે પહોંચી ગયા છીએ એવુ અનુભવાય પણ એ બધા માત્ર ભ્રમ હોય છે. પણ પછીના મિસરામાં-પંક્તિમાં સુંદર વાત કરી છે. મૃત્યુ પામ્યા સિવાય કફન ન મળે બસ એ જ રીતે અંતિમ શ્વાસ છૂટયા સિવાય મંઝિલ નથી મળતી.
મનહર મોદીનું તખલ્લુસ આરંભમાં નયન હતું અને અહીં આ નયન તખલ્લુસ કવિતામાં, પંક્તિમાં ઓગળી ગયું છે. આપણે બધાને જોઈ શકીએ છીએ. માત્ર આપણે આપણા ચહેરાને જ જોઈ નથી શકતા. જાણકારો કહે છે કે અંધને અંધારાનો પણ અનુભવ નથી હોતો. જ્યાં સુધી દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આંખ આપણી પોતાની પણ આપણને દેખાતી નથી. આપણી જાતને જોવા માટે તો અરિસાની જરૂર પડે જ. અરીસા વગર આખું જગત જોઈ શકીએ છીએ, આપણી જાતને નહીં. સ્મરણથી શરૂ થતી ગઝલ દર્શનના શેર પાસે પૂરી થાય છે. મુશાયરામાં મનહર મોદીનું એક મુક્તક અવશ્ય રજૂ થાય. એમને રજૂ કરવું જ પડે. અહીં પણ તેમના એ જાણીતા મુક્તકની જ વાત પૂરી કરું. મુક્તક વિશે વાત કરું તો આ મુક્તક મુશાયરાના સદાબહાર મુક્તકોમાંનું એક છે. જેને વાંચ્યા અને સાંભળ્યા પછી મલકી ઉઠાય અને કદાચ કોઈક સ્મરણમાં સરકી જવાય.
દિલ તમોને આપતા આપી દીધું,
પામતા પાછું અમે માપી લીધું,
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું.


