Get The App

શોક, શ્લોક બની જાય, તો તેનું એક નામ ગઝલ...

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
શોક, શ્લોક બની જાય, તો તેનું એક નામ ગઝલ... 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- એક સાદો પવન, એક સાદી હવા ફૂલની નજીક જાય છે અને ખૂશ્બૂ બની જાય છે

હોઠોમાં

હસો છો આપ તો ફૂલો ભરે છે શ્વાસ હોઠોમાં,

સળગતા રણ સમી ઊભરાય મારી પ્યાસ હોઠોમાં.

હૃદયનાં પ્રેમપુષ્પોથી સુવાસિત શબ્દ ઉચ્ચારજો,

વસંતોને મળી જાશે સરસ આવાસ હોઠોમાં.

પ્રગટ થાવું પડે એવી હદે જ્યારે પ્રણય પહોંચ્યો,

હૃદય ને આંખ બંનેએ મૂક્યો વિશ્વાસ હોઠોમાં

ગુલાબી પાંદડીઓ સાથ ઝઘડો મોગરા કેરો,

મળ્યો છે દંતપંક્તિઓને કારાવાસ હોઠોમાં

કદીક બિડાય છે, ઊઘડે છે, કંપે છે, હસી લે છે;

પરિસ્થિતિનો કેવો થાય છે અભ્યાસ હોઠોમાં !

હવે જો અશ્રુનાં બિંદુઓ એને ભીંજવે તો બસ;

ચિરાડો કેવી પાડી ગઈ છે દિલની પ્યાસ હોઠોમાં !

- ભગવતીકુમાર શર્મા

૧૮-૧૯ વર્ષની ઉંમરે અમદાવાદના ટાઉન હોલમાં વર્ષો પહેલા એક મુશાયરામાં ભગવતીભાઈને પહેલીવાર સાંભળ્યાનું સ્મરણ ઝાકળ જેટલું તાજું છે. શ, ષ અને સના સ્પષ્ટ ઉચ્ચારો સાથે ભગવતીભાઈને ગઝલનું પઠન કરતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો છે.

પછી એ ગામમાં હંમેશનો દુકાળ પડે,

જ્યાં મોર ગાય અને એને માથે ગાળ પડે.

***

આજ ટહુકાથી મેં કાન વાળી લીધા,

સૂર આવ્યા નિકટ તોય ટાળી લીધા.

હમણાં થોડા વખત પહેલા જ આ યાદ રહી ગયેલી પંક્તિઓ ભગવતીભાઈના ઘેર મળવાનું થયું ત્યારે મેં તેમને સંભળાવી અને તે ચોંક્યા. 'આ પંક્તિઓ તમે તમારી રીતે કેટલા વર્ષોથી યાદ રાખી છે ? રાજેશભાઈ મારી સ્મરણશક્તિ આવી સતેજ હવે નથી. પણ તમે કેટલા બધા સ્મરણો અકબંધ સાચવ્યા છે !' ભગવતીભાઈના અવાજની ભીનાશ અને વ્હાલ હું માણી રહ્યો હતો.

ભગવતીભાઈ વિશે કશુંક લખવા બેસું અને તેમના ઘણાં શેર એક સામટા યાદ આવી જાય છે.

હું 'હું' ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં,

હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

***

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ,

પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ

ફટાણાંના માણસ, મરશિયાના માણસ,

અમે વારસાગત સમસ્યાના માણસ.

***

વાલ્મીકિના હૃદયમાં સ્ફુરેલો હું શોક છું,

કિન્તુ ન જે રચાઈ શક્યો એવો શ્લોક છું.

ભગવતીભાઈની 'હોઠોમાં' ગજલ મુસલસલ ગઝલ છે. ગઝલના અભ્યાસીઓએ, વિદ્યાર્થીઓએ આ ગઝલનો અભ્યાસ કરવા જેવો છે. ક્યારેક ગઝલકાર પરિચિત કાફિયાઓ કરતા થોડાક અઘરા કે મર્યાદિત કાફિયા પાસેથી કેવું સુંદર કામ લે છે, તેની સર્જકતા કેવી નિખરે છે તેનો પણ અભ્યાસ કરવો જોઇએ. સ્પર્શાય, વંચાય, દેખાય, બોલાય જેવા કાફિયા કે પછી લખાવે, વહાવે, બનાવે જેવા કાફિયા પાસેથી જોઇએ તેવું કામ કઢાવીને જોઇએ તેટલા શેર લખી શકાય. ક્યારેક ઉત્તમ સર્જકે કયા કાફિયા નથી પ્રયોજ્યા તેનો પણ અભ્યાસ કરવો જોઇએ. ગઝલ એ ક્રીએટીવ ચેલેજ છે. સર્જકતાને પડકારતું સ્વરૂપ છે.

ફૂલોના હોઠ કે પછી ફૂલો કોઇના સ્મિતમાં શ્વાસ ભરતા હોય છે. આ ક્ષણે એક સાથે બે શેર યાદ આવી રહ્યા છે.

તમે મ્હેંક્યા હતા જો કે નાજુક ફૂલના જેવું,

છતાં ખીલી ગયો છે આખોય ગુલઝાર મારામાં

- બેફામ

સ્મિત તો મહેંકવા જેવી ઘટના છે એ અટહાસ્ય નથી. તેમાં તો ઊર્મિઓની ખૂશ્બુ હોય છે. હૃદય ઉઘડી રહ્યું હોય છે તેનો અણસાર છે. ખૂશ્બુની સાથેનો બીજો શેર જોઇએ.

મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ-ઉચ્છવાસો,

પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.

- ગની દહીંવાલા

એક સાદો પવન, એક સાદી હવા ફૂલની નજીક જાય છે અને ખૂશ્બૂ બની જાય છે. હે મારા શ્વાસ અને ઉચ્છ્વાસો તમે પણ એ પ્રિય પાત્રની નજીક પહોંચીને મ્હેંક બની જાવ.

પ્રેમ પ્રગટે, તેણે પ્રગટવું જ પડે એવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે હૃદય અને આંખે, બંનેએ હોઠ ઉપર વિશ્વાસ મૂકી દીધો. પછી શું બન્યું હશે ? પ્રેમ હોઠેથી પ્રગટ થયો. આંખ અને હૃદયને લાગ્યું કે હોઠ જે રીતે પ્રગટ કરશે તે શ્રેષ્ઠ રીત હશે. હવે આપણે વિચારવાનું છે કે એ હોઠે એ પ્રેમ કેવી રીતે પ્રગટ કર્યો હશે ! હોઠની પણ એક ભાષા છે. હોઠ પરિસ્થિતિને પ્રગટ કરી દેતા હોય છે. કદી હોઠ બીડાઈ જતા હોય છે, સજ્જડ બીડાઈ જતા હોય છે, કદીક ઉઘડવા માટે પ્રયત્ન કરતા હોય છે. કદીક માત્ર ફફડીને રહી જાય છે. ક્યારેક આછ્છું હસી લે છે. કશું જ બોલ્યા વગર આખી પરિસ્થિતિને તે પ્રગટ કરી દે છે અને જો ઝીણી નજરે જુઓ તો આખી પરિસ્થિતિનો અભ્યાસ સહજતાથી થઇ જતો હોય છે. આંખ ભીંજાઈ રહી છે અને હૃદય તરસ્યું છે. હૃદયની તરસને લીધે હોઠ ઉપર તીરાડો પડી ગઇ છે. આંસુઓ આ હોઠને ભીંજવી દે તો કંઇક તરસ છીપે. મરીઝનો મિસરો યાદ આવી જાય છે. પીવાને માટે મારું રૂદન હોવું જોઇએ...

ભગવતીભાઈએ ગઝલ સર્જનમાં પ્રયોગલક્ષી વલણ પણ અપનાવેલું છે. તેમની આરંભની ગઝલોમાં અંગ્રેજી શબ્દો અને વાક્યોનો પ્રયોગ ઊડીને આંખે વળગે તેવા છે. 

ક્યારેક મહેંદી હસન તેમની રદીફ બની જાય છે. અને ક્યારેક તે ફ્લેટ વિશે પણ જાણે કોઈ આજના સર્જકે લખી હોય તેવી ગઝલ આપે છે. આજે ચારેબાજુ ફ્લેટ સંસ્કૃતિ વિકસી છે. ત્યારે વર્ષો પહેલા લખાયેલી ભગવતીભાઈની આ ગઝલ જાણે વધુને વધુ સાચી પડતી હોય તેમ જણાય છે. સ્કેવરફીટમાં વેચાતા ફ્લેટ જાણે આપણી જીવતી કબરો છે. મુંબઇના ઘણાં ફ્લેટોમાં તો માણસ ટ્રેન જેવી જ સંકડાશમાં જીવતો જોયો છે. આવો આપણે એ ગઝલ જોઇએ.

ફ્લેટમાં

અમુક સ્કેવરફિટની કબર ફ્લેટમાં,

હું લાગું છું મુજને જ પર ફ્લેટમાં.

હવે શ્વાસ તો સાવ સુક્કા ડિબાંગ,

છે વાતાનુકૂલિત લહર ફ્લેટમાં.

ઝરૂખે ઝૂરે વંધ્ય કૂંડાની વેલ,

નખર પાનખર પાનખર ફ્લેટમાં.

બહુ સાંજ વ્હેલી ઢળે છે અહીં,

ન પામું સૂરજની ટશર ફ્લેટમાં.

ટી.વી., ફોન, ડેકોર, સોફા-કવર,

બન્યો છું હું ઇન્ટીરિયર ફ્લેટમાં.

હલો-હાઈ-એકસ્ક્યૂઝ મી- થેંક્સ લૉટ,

છે શબ્દોનું પોકળ નગર ફ્લેટમાં.