Get The App

ભઈનો ફોન આવશે... .

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
ભઈનો ફોન આવશે...                              . 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- બાળકોને ભણાવવામાં અને પરદેશ મોકલવામાં તે એટલું દોડયો હતો કે કોઈ બચત નથી રહી, તેની તેને ખબર જ ના પડી. અચાનક સાવ ઘરડો થઈ ગયો છે. તેનો તેને ખ્યાલ જ ન રહ્યો

ઝાંખી આંખે રાહ જુએ છે ઘડપણ, ભઈનો ફોન આવશે...

શ્વાસોને જોડી રાખે છે સગપણ, ભઈનો ફોન આવશે...

અડખે પડખે રીંગ વાગતી થાતું કે સૌ નસીબદાર છે

ભલે સંભળાતું ઓછું

કાન સાંભળે ઓછું, થાતું હરક્ષણ  ભઈનો ફોન આવશે

ઉતાવળે આવ્યો તો મળવા કેટકેટલું ભૂલી ગયો છે,

યાદ અપાવે રૂમાલ ને આ પહેરણ ભઈનો ફોન આવશે

ઝટપટ ઝટપટ સ્નાન કરી લે ઝટપટ ઝટપટ રોજ જમી લે,

ડોસાને રોકીને પૂછે દર્પણ,... 'ભઈનો ફોન આવશે ?'

બધી ચીજવસ્તુઓ ભઈની રોજ લૂછતી ને ગોઠવતી,

ઝૂરતી-ભીંજાતી-હરખાતી પાંપણ, ભઈનો ફોન આવશે

રાત પડી છે અહીં સવાર પડી હશે ત્યાં ઉઠયો હશે એ,

રોજ રોજ વર્ષોથી કહેતું આંગણ, ભઈનો ફોન આવશે

પહેલા વૃદ્ધ મા-બાપ વતનમાં દીકરાની ટપાલની રાહ જોતા હતા પણ હવે સમય બદલાયો છે. હવે મોબાઈલનો જમાનો છે. હવે દૂર રહેતા દીકરા-દીકરીના અક્ષર ઉકેલવા નથી પડતા સીધો અવાજ સંભળાય છે. પણ હવે સમય પાછો બદલાયો છે. કોઈને કોઈના માટે જાણે સમય જ નથી. અત્યારે ફોનમાં પણ આ જ પરિસ્થિતિ છે. એક તાજો આવેલો જીસ્જી અહીં મૂકું છું. 'પહેલા ફોન કરીએ તો દૂરના સાથે વાત થતી હતી, હવે ફોન મૂકીએ તો ઘરના સાથે વાત થાય.'

ઝૂરવાનું કાયમ છે. બાળકો મા-બાપના બને ત્યાં સુધી એ લોકો જાણી જ નથી શકતા કે અંદર-અંદર મા-બાપ તેમના પ્રેમ માટે, તેમનો અવાજ સાંભળવા માટે, તેમના ખુશી ખબર સાંભળવા માટે કેવું ઝૂરતા હોય છે. બાળપણમાં મારી સાથે ભણતો મારો એક મિત્ર થોડા દિવસો પહેલા મૃત્યુ પામ્યો. બાળકોને ભણાવવામાં અને પરદેશ મોકલવામાં તે એટલું દોડયો હતો કે કોઈ બચત નથી રહી, તેની તેને ખબર જ ના પડી. અચાનક સાવ ઘરડો થઈ ગયો છે. તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. મોંઘા શહેરને છોડીને વતનમાં નાનકડા ગામડે રહેવા ચાલ્યો ગયો.

પરદેશના પાણીમાં એક તાકાત છે. બધા સગપણો બહુ જલ્દી ભૂલાઈ જાય છે. અહીં વતનમાં પિતા માત્ર છોકરાનો અવાજ સાંભળવા માટે ઝૂરતો રહ્યો મોબાઈલ હતો, ભઈનો ફોન નંબરે ય હતો. પણ નંબર લાગે તો ને ! ઝાંખી આંખોએ ફોન જોડવો બહુ અઘરો હતો. તૂટતા જતા શ્વાસોએ પુત્રનું સગપણ જોડી રાખ્યું હતું. જીવાડયું હતું. વૃદ્ધ ડોસાનું એક જ કામ હતું દિવસ-રાત, સૂતા-જાગતા 'ભઈના ફોનની રાહ જોવી.' ઘણાં વર્ષો પછી પુત્રને પિતા યાદ આવ્યા હતા. વતનમાં-ગામડામાં ખંડેર જેવા ઘરમાં એકલા બાપને મળવા માટે દીકરો ઇન્ડિયા આવી ગયો પણ ના જાણે કેમ પત્નીના પરદેશથી વારંવાર ફોન આવવા લાગ્યા. અને ભઈ જેટલી ઉતાવળે આવ્યો હતો એટલી જ ઉતાવળે નીકળી ગયો. પપ્પાને નવો સ્માર્ટ ફોન અપાવતો ગયો. મોટેથી સંભળાય એવી રીંગટોન કરતો ગયો અને ભઈનો ફોટો દેખાય એવું વોલપેપર મૂકતો ગયો. ઉતાવળે મળવા આવ્યો હતો એમાં એ કેટકેટલું ભૂલી ગયો. ગામના અડોશ-પડોશના સગાવ્હાલાથી લઈને બાપની ખબર અંતર પૂછવાનું ય ભૂલી ગયો. તબિયતના સમાચાર પૂછવાનું ભૂલી ગયો. પૈસા આપવાનું ભૂલી ગયો. અમેરિકાનો રૂમાલ અને અમેરિકાનું પહેરેલું પહેરણ પણ ભૂલી ગયો. ભઈ ઘણું બધું ભૂલી ગયો.

ભઈએ પહોંચીને ફોન કર્યો હતો. પહેલ પહેલીવાર એ રીંગ સાંભળી હતી, ભઈનો અવાજ સાંભળ્યો'તો, મન હરખાઈ ગયું'તું, આંખ ભીંજાઈ ગઈ હતી. ઉતાવળે ઉતાવળે પિતાએ એ પણ કહી દીધું હતું કે ભઈ તું રૂમાલ અને પહેરણ ભૂલી ગયો છું. બસ એ પહેલો અને છેલ્લો ફોન હતો. ડોસાનું કામ હવે તીવ્રતાથી સતત હાથમાં ફોન રાખીને ભઈના ફોનની રાહ જોવાનું હતું. ગામડામાં ઘર અડોઅડ હોય છે અડખે-પડખે કોઈના ફોનની રીંગ વાગે અને આ બાપ વિચારે કે મારી આજુબાજુ બધા મા-બાપ કેવા નસીબદાર છે. કાન ઓછું સાંભળતા હતા પણ કોઈ પણ ફોનની રીંગ એને સ્પષ્ટ સંભળાતી હતી. ઊંડે ઊંડે એ આશા હતી કે આ રૂમાલ આ પહેરણની વાત માટે ય ભઈનો ફોન આવશે.

ભઈનો ફોન આવે તો કેટકેટલું કહી દેવાનું મન હતું ? કેટલી બધી વાતો કરવાનું મન હતું ? સતત એક જ કામ થઈ ગયું હતું ફોનની રાહ જોવાનું. નહાવા બેસે અને ફોન દેખાય એમ મૂકી એટલું બધું ઝટપટ નાહી લે કે જાણે ન્હાતા-ન્હાતા ભઈનો ફોન આવે તો ! ઝટપટ-ઝટપટ જમી લે. કદાચ ભઈનો ફોન આવે અને મોઢામાં કોળિયો હોય અને તરત બોલાય નહીં તો ? ક્યારેક વૃદ્ધ બાપ એટલું બધું ઝડપથી માથું ઓળી લે કે અરીસો પણ પૂછે કે આજે ભઈનો ફોન આવવાનો છે ?

ઘરમાં આ એકલો પિતા ભઈના રૂમમાં જઈ ચઢે છે. શહેરમાં ગયા એ પહેલા આ ઓરડામાં ભઈ ભણ્યો'તો, રમ્યો'તો. એની બાળપણની રમતો, બાળપણની બધી ચીજવસ્તુઓ રોજ આંખો પાંપણથી લૂછતી હતી અને પાછી એના મૂળ સ્થાને ગોઠવતી હતી. આ બધી વસ્તુઓ સાથે ભઈ ખોળામાં રમતો, ઘરમાં હરતો-ફરતો એ બધું યાદ આવવાથી આંખો હરખાતી હતી. હવે કેટલો દૂર જતો રહ્યો છે એ વાતથી ભીંજાતી હતી અને ભઈનો અવાજ એ લાકડીની જેમ ટેકો આપશે એ શ્રદ્ધાએ ઝૂરતી હતી.

ભારત અને અમેરિકામાં રાત દિવસનો ફરક છે. બધી રીતે અહીં સાંજ ઢળતી હોય છે ત્યારે ત્યાં દિવસ ઊગતો હોય છે. વૃદ્ધ ડોસો રોજ મન મનાવતો હતો કે અહીં મોડી રાત થઈ ગઈ પણ ત્યાં પરદેશમાં હજુ સવાર થઈ હશે. ભઈ ઊઠયો હશે, હજુ એનું ડિલ માંડતુંહશે પછી કદાચ તરત વખત મળશે, અનુકૂળતા થશે એટલે તરત ફોન કરશે. કેટલાક વર્ષોથી રોજેરોજ પિતા ભઈના ફોનની રાહમાં આયુષ્ય પૂરું કરતા ચાલ્યા.

ઘણાં મહિનાઓ પછી ડોસાનાં ઘરમાં હીંચકા ઉપર મૂકેલા ફોનમાં સતત ઘંટડીઓ વાગી. 

આજ સુધી ધ્યાન બહાર રહેલો એ ફોન પડોશીઓને દેખાયો. પરદેશથી દિકરાએ પિતાની ખબર પૂછવા ફોન કર્યો'તો. પડોશીઓએ ઘણાં મિશ્ર ભાવો સાથે એટલું કહ્યુ ંકે 'ભઈ તમારા ફોનની કેટલી રાહ જોઈ ?... અમે બધાએ તમને કેટલા બધા ફોન કર્યા !... તારા બાપાને તો આજે પંદર દહાડા થઈ ગયા.' ભઈને એકાદ લાખના એ ગામડાના ઘરમાં કોઈ રસ નહોતો. વાત આખી કાલ્પનિક છે પણ મેં જીવનમાં સતત રોજ અનેક વૃદ્ધ મા-બાપોને ભઈના ફોનની રાહ જોતા જોયા છે. તમારો એકાદ ફોન તમારા મા-બાપની સાથે જન્મોનું પડતું અંતર અટકાવી શકે છે. આ ક્ષણે એક મુક્તક યાદ આવે છે. વર્ષા પહેલા લખાયું છે. થાકીને આપણે ઘેર જઈએ, ડ્રોઈંગ રૂમમાં કોઈ ચિત્ર કે ફોટોગ્રાફને જોતા-જોતા ખોવાઈ જઈએ અને એ ચિત્ર આપણને ડિસ્ટર્બ કર્યા વગર, આપણને ઓબ્લાઈઝ કર્યા વગર આપણું મિત્ર બની ગયું હોય છે. જીવનનમાં એકાદ મિત્ર એવો હોવો જોઈએ જે આપણને સાચવી લે, કશું કહ્યા વગર.

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,

જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,

હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.