- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- આપણે કોઈ આ દુનિયાના માણસ જ નથી. આતો ફરતાં-ફરતાં અહીં આવી ચડયા છીએ
પરકમ્માવાસી
આવી ચડયાં અમે દૂરના વાસી,
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી,
મનખે મનખે ધામ ધણીનું
એ જ મથુરા ને એ જ રે કાશી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
સંત મળ્યા તેને સાંઈડું લીધું,
ને સઠ મળ્યા તેને ગઠડી દીધી
અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું !
ખાલી ખભે ખેપ ખેડશું ખાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી
વેમાનની અમે વાટ ના જોતાં,
વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં,
પેદલ ચાલતાં ચાલતાં મ્હાલતાં
ભમવા નીસર્યા લખચોરાશી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી
થીર મુકામમાં જંપ વળે ના,
વાટ ને ઘાટના જીવ આ પ્યાસી,
ધરતીના કણ કણમાં તીરથ -
એનાં અમે પરકમ્માવાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
- બાલમુકુન્દ દવે
પ રકમ્મા એટલે પ્રદક્ષિણા. પરકમ્માવાસી એટલે લાંબી પ્રદક્ષિણા કરવા નીકળેલ વ્યક્તિ. આપણે સૌ જન્મ અને મરણની પરકમ્મા કર્યા જ કરીએ છીએ કેટલા જન્મો લીધા કેટલા જન્મો લઈશું એ કંઈ જ ખબર નથી. એટલા બધા જન્મો લીધા છે કે આપણે મૂળ ક્યાંના એ પણ ભૂલી ગયા છીએ. હા એટલી ખબર છે કે આપણે બહુ દૂરથી આવ્યા છીએ. અને એટલે જ કવિતાની શરૂઆત આપણા સૌના હ્ય્દયને સ્પર્શી જાય તેવી પંક્તિથી થઈ છે.
આવી ચડયાં અમે દૂરના વાસી...
અમે ક્યાંક દૂરના રહેવાસી છીએ આવો અનુભવ આપણને સૌને અનેકવાર થયો છે, અનેકવાર થતો રહે છે. આ માણસ આ દુનિયાનો નથી એવું આપણે ઘણીવાર કહીએ છીએ. ખરીવાત એ છે કે આપણે કોઈ આ દુનિયાના માણસ જ નથી. આતો ફરતાં-ફરતાં અહીં આવી ચડયા છીએ. અને પૃથ્વીની પ્રીતના તરસ્યા છીએ. પૃથ્વીના પ્રેમને માટે, પૃથ્વીની પ્રેમની તરસને કારણે આપણે આ ધરતી ઉપર આવી ચડયા છીએ. આ પૃથ્વી ઉપર જ પ્રેમ શક્ય છે. દેવોએ પણ આ પ્રેમનો અનુભવ કરવા માટે પૃથ્વી ઉપર જન્મ લેવો પડયો છે. મથુરા અને કાશી તીર્થ છે. પરંતુ એજ તીર્થ ખરેખર તો ધબકી રહ્યા છે પ્રત્યેક મનુષ્યના હ્ય્દયમાં-મનમાં જે આ પૃથ્વીના પ્રેમમાં છે જે આ ધરતી ઉપર સૌને ચાહવા આવ્યો છે તેને માટે તો મનખે મનખે ધણીનું ધામ છે. અને એ જ અસલમાં મથુરા છે, કાશી છે. મથુરા એ કૃષ્ણલીલા સાથે જોડાયેલો શબ્દ છે તો કાશી જીવનમુક્ત અવસ્થા સાથે જોડાયેલો શબ્દ છે.
જીવનની આ સફરમાં સતત બધા મળતા રહે છે. જેવો વ્યક્તિ મળે એવા આપણે રહેવું જોઈએ. જો સંત મળ્યા તો એમણે સાંઈડું લીધું છે. સાંઈડું એટલે ભેટવું. સંતો મળ્યા તો તેમને ભેટી લીધું અને જો શઠ, ધૂતારા, લુચ્ચા માણસો મળ્યા તો અમે સામે ચાલીને તેને અમારી ગઠડી આવી દીધી છે. અમે જાતે લૂંટાઈ ગયા છે. જીંદગીના એ બધા ભાર સાથે રાખીને ક્યાં જાત ? ગઠડીમાં જે કંઈ ધન હતું એ અમે સામે ચાલીને લૂંટાવી દીધું છે જેથી હવે પ્રવાસ સાવ ખાલી ખભા સાથે, બોજ વગરનો ખેડી શકાય.
કહે છે કે ખૂબ સારા કર્મો કર્યા હોય તો આકાશમાંથી વિમાન ઊતરે છે અને વૈકુંઠ લઈ જાય છે. ભાઈ અમારે કોઈ વૈકુંઠ નથી જવું. કોઈ વિમાનની અમે રાહ જોતા નથી. અમે તો પગપાળા ચાલતા-ચાલતા માંહલી રહ્યા છીએ. અમારે તો આ લક્ષચોર્યાસી જન્મોને માણવા છે. અમે તો આ પૃથ્વી ઉપર ભમનારા પ્રવાસી છીએ.
પ્રવાસીનો અર્થ જ છે જે સતત ગતિમય છે. ક્યારેક કોઈ સ્થિર મુકામની અંદર ઝંપીને બેસવું ગમ્યું જ નથી. ક્યાંય ક્યારેય સ્થિર થવું ફાવ્યું જ નથી. અમે તો વાટ એટલે કે રસ્તાના અને ઘાટના તરસ્યા છીએ. ઘાટે ઘાટના પાણીના તરસ્યા છીએ. આ ધરતીનાં કણેકણની અંદર તીર્થ છીએ. અને અમે આ ધરતીની સતત પ્રદક્ષિણા કરનારા પ્રવાસી છીએ. માત્ર આ ધરતીને પ્રેમ કરવો અને સતત પ્રવાસ કરવો એ જ અમારી તરસ છે અને ધર્મ છે.
બાલમુકુન્દ દવેનું આ અદ્દભૂત કાવ્ય ગુજરાતી ભાષાના થોડાંક કિંમતી કાવ્યોમાંનું એક છે. આ જ કાવ્ય ઉપરથી તેમણે તેમના કાવ્યસંગ્રહનું નામ પરિક્રમા આપ્યું છે. બાલમુકુન્દ દવે અને વેણીભાઈ પુરોહિત આ બંને નામ તેમના સમયગાળાના વિશિષ્ટ કવિઓ છે. બાલમુકુન્દ ભાઈના ગીતો લોકોએ હ્ય્દયમાં સાચવેલા છે. તેમનું 'મનમેળ' ગીત તો એટલું લોકકંકે ચડેલું છે કે જાણે લોકગીત જ બની ગયું છે.
મનના મેળ મળેલા હોય તો કઈ હદે ? એ તો રુદિયાનો રાજા અને રુદિયાની રાણી જ જાણતા હોય છે. ચોકની અંદર જેવી ચાંદરણાની જાળી પડતી હોય અને જેમ માંડવા સાથે વેલ વીંટળાયેલી હોય બસ એમ જ હે રુદિયાની રાણી આપણા મનના મેળ મળેલા છે. ભક્તિમાં તંબૂર અને જંતર એ વિશિષ્ટ વાદ્યો છે. તેમની વાણી જેવી રીતે ભીતરથી પ્રગટેલી પરમ સાથે જોડાયેલી ભૂમિકાની હોય છે તેવો આપણો મનમેળ છે. જેવી રીતે કાંઠો અને નદીના પાણી એકબીજા સાથે જોડાયેલા છે પાણી હોય નહીં તો કાંઠો એ કાંઠો નથી રહેતો. સાંજ પડે ત્યારે ગાયોનું ઘણ ગળામાં ઘંટડીઓ વગાડતું - વગાડતું ઘર તરફ જતું હોય છે જાણે સાંજની વેળા ગાયની ઘંટડીઓમાં શોભી રહી હોય છે. આપણે પણ એકબીજાની સાથે એવી જ રીતે શોભી રહ્યા છીએ.
મનના મેળ મળેલા હોય તો કઈ હદે ? જેવી રીતે આ ધરતી વરસાદ વરસતો હોય તો તેની ધારામાં ભીંજાતી હોય છે અને જેવી રીતે ખેતરની અંદર ખાતરથી ખેડેલા ચાસમાં બીજ અંકુરિત થઈને ઉગતા હોય છે ઓ રુદિયાની રાણી આપણા મનના મેળ પણ કંઈક એવા જ મળેલા છે. આપણે તો એકબીજાના સંગના ઉમંગમાં છીએ. જીંદગીની પ્રત્યેક પળને જીવી જાણી છે. એક જ ક્યારામાં કેળ અને ચંપો જેમ એકબીજા તરફ ઝૂકીને ઉભા હોય છે બસ કંઈક એવા જ આપણા મનના મેળ મળેલા છે.
મનમેળ
કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !
તંબુ ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !
સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી.


