Get The App

માણસે ક્યારે પોતાનું ક્ષેત્ર છોડી દેવું જોઈએ?

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
માણસે ક્યારે પોતાનું ક્ષેત્ર છોડી દેવું જોઈએ? 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- આપણે જે કર્યુ હોય એનાથી અદકુ, વધુ સારું કોઈ કરે તો એની પાસેથી શીખતા જવું જોઈએ

દિલની વાતો

દિલની વાતો ખૂટશે ત્યારે

હાથ જોડીને હીંડતા થશું

ઊડતો બેડો ઝૂકશે, ત્યારે

કોઈ તો કેડો ચીંધતા જશું !

પગની રોનક ઓસરે તો યે

નાચવું, એમાં માનીએ નહિ !

થાકતે હાથે કોઈ દી અમે

બૂંગિયો ઢોલ બજાવીએ નહિ.

આપણે કર્યું, અદકું એથી

કરશે બીજા : શીખતા જશું !

આભના તારા મલકે હજી,

આંખના છેડા છલકે હજી,

એકની પાછળ એક સલૂણી

ગીતની કડી આવતી હજી,

એ જ અધૂરપ માણશું, અમે

એ જ મધુરપ સીંચતા થશું !

વેળ હતી, ને આવિયા અમે,

વેળ થઈ છે : હીંડતા થશું,

મળિયાં એવાં દિલ અહીં કે

મ્હેક બધે એ ચીંધતા જશું !

- હસિત બૂચ

મા ણસે ક્યારે પોતાનું ક્ષેત્ર છોડી દેવું જોઈએ ? લોકો ધક્કા મારીને કાઢી મૂકે ત્યારે ? કે પોતે શીખર ઉપર હોય ત્યારે ? કે પછી પોતાનો સમય હવે પૂરો થયો છે એ જાણી જાય ત્યારે ! મોટાભાગે અહંકારી માણસ, ભીતરથી બોદો માણસ, અભિમાનમાં અંધ થઈ ગયેલો માણસ, સસ્તી પ્રસિધ્ધિ પાછળ દોડતો માણસ ક્યારેય જાણી જ નથી શક્તો કે તેણે પોતાનું ક્ષેત્ર છોડી દેવું જોઈએ. લોકો અપમાન કરે, શીયનીબા કરે, ઉપેક્ષાઓ કરે તો પણ ઘણાની આંખ ઉઘડતી નથી. સાહિત્ય હોય કે સમાજનું કોઈ પણ ક્ષેત્ર કોઈ મૌલિક વિચારો ન હોય, કોઈ સર્જકતા રહી ન હોય, કોઇ દૃષ્ટિ રહી ના હોય છતાંય ઘણા એવા વ્યક્તિઓ હોય છે જે કશું છોડી જ નથી શકતા. કવિ હસિત બૂચનું કાવ્ય 'દિલની વાતો' કુમાર માસિકમાં પ્રગટ થયું હતું તે આ સંદર્ભે માત્ર વાંચવા જ નહીં, સમજવા જેવું છે.

ઘણીવાર વાતો ખૂટી ગઈ હોય છે. આસપાસના લોકોને આપણામાં રસ નથી રહ્યો હોતો અને છતાંય આપણે મૌન થવાનું જાણે પસંદ જ નથી કરતા. કવિ કહે છે જ્યારે દિલની વાતો ખૂટી જશે ત્યારે અમે સૌને બે હાથ જોડીને વંદન અને આભાર માનતા આ જગતથી હેંડતા થઈ જઇશું. ગુજરાતી ભાષાની મજા એ છે કે શબ્દો-વાક્યો ઘણી-ઘણી અર્થછાયા ધરાવતા હોય છે. અહીં કવિ કહે છે મહેફિલ હોય કે આ દુનિયા હાથ જોડીને હેંડતા થવામાં જ મજા છે. અને આપણી જે પરિસ્થિતિ છે એ બદલાય તે પહેલા આ સમાજને એક નવી કેડી ચિંધતા જવાની જરૂર છે. પગમાં એ તાકાત, એ થનગનાટ એ રોનક રહી ન હોય અને છતાંય નાચતા રહેવું એવું ઘણાય માનતા હોય છે. પણ કવિ કહે છે અમે એ નથી. અમે તો પગની રોનક ઓંસરી જાય પછી નાચવામાં માનતા નથી. હાથ થાકી ગયા હોય છતાંય બૂંગિયો ઢોલ બજાવામાં માનતા નથી. અમે તો માનીએ છીએ કે આપણે જે કર્યુ હોય એનાથી અદકુ, વધુ સારું કોઈ કરે તો એની પાસેથી શીખતા જવું જોઈએ.

ક્ષેત્ર ક્યારે છોડવું જોઈએ ! એનો વિચાર તમે જ્યારે શિખર ઉપર હોવ ત્યારે કરવો જોઈએ. હા હજુ આકાશમાં તારાઓ મલકી રહ્યા છે અને આંખના છેડા-ખૂણા પ્રેમથી, લાગણીથી છલકી રહ્યા છે. હજુ એકની પાછળ એક મોજાઓની જેમ ગીતની કડીઓ આવી રહી છે. હજુ પૂર્ણતાને નથી પામ્યા. જે જીંદગીની અધૂરપ છે એને માણી રહ્યા છીએ અને જે અધૂરપની મધૂરપ છે તે મધૂરપ આ જગતમાં મીઠાં શબ્દો દ્વારા પાણીની જેમ સીંચતા જવાના છીએ. એ અધૂરપની મધૂરપથી આ જગતને નવજીવન આપતા જવાના છીએ.

વેળા-વેળાની વાત હોય છે. બધું જ સમય-સમયે શોભતું હોય છે. હા. અમારો સમય થયો હતો ત્યારે અમે આવ્યા હતા આ જગતમાં. હવે આ જગતથી જવાની વેળા થઈ ગઈ છે તો ચાલ્યા જઇશું. શરીરમાં કોઈ તાકાત ન રહી હોય અને છતાંય સૂક્કા ઝાડના ઠૂંઠાની જેમ જીવ્યા કરવાનો કોઈ અર્થ નથી. અહીં તો એવા-એવા હૃદયને અમે મળ્યા છીએ અને એવા એવા હૃદય અમને મળ્યા છે કે અમે તો બધે જ એ પ્રેમની મહેંક કે સંબંધોની ખુશ્બુને બધે જ ચીંધતા પ્રસરાવતા ચાલ્યા જઇશું.

ગુજરાતી ગઝલના પાયામાંના ગઝલકારોમાંના એક એવા સગીર સાહેબની ગઝલ આ સંદર્ભે જોવી જોઈએ. સર્વનો સ્વીકાર. બધા જ સંજોગોને અપનાવાની વાત આ ગઝલમાં થઈ છે.

હું બધા સંજોગને અપનાવતો 

ચાલ્યો ગયો,

જિંદગીને એ થકી શોભાવતો

 ચાલ્યો ગયો.

મારો પાલવ હું બધે ફેલાવતો 

ચાલ્યો ગયો,

દોસ્ત દુશ્મન સર્વને અજમાવતો ચાલ્યો ગયો.

એણે કૈં પૂછ્યું અને હું ચૂપર રહી જોતો રહ્યો,

અર્થ એનો, એ કરી મનફાવતો ચાલ્યો ગયો.

દુર્દશા મારી નિહાળી 

એ જ એનાથી થયું,

આંસુઓને આંખમાં એ લાવતો ચાલ્યો ગયો.

મિત્ર-શત્રુના વિચારોથી 

હંમેશાં પર રહી,

હું હૃદયથી પ્રેમને છલકાવતો 

ચાલ્યો ગયો.

કોઈ દિન થાશે ફળીને બાગ, 

એ આશા મહીં,

બીજને વેરાનમાં હું વાવતો 

ચાલ્યો ગયો.

જે તરફ ચાલું છું હું ચાલે છે 

મારા સાથ સાથ,

તારલાને મુજ તરફ લોભાવતો ચાલ્યો ગયો.

જુલ્મ કોઈના સહન કરતો રહ્યો 

હું હર્ષથી

એ થકી જીવનને હું વિકસાવતો ચાલ્યો ગયો.

બાળપણમાંથી જવાની, 

ને જવાનીથી જરા,

ઝિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો.

પાથરું છું ફૂલ એના માર્ગમાં 

હું હર્ષથી,

માર્ગમાં જે કંટકો પથરાવતો 

ચાલ્યો ગયો.

ઝિંદગાનીમાં રહ્યો કરતો 

તમન્નાઓ અશક્ય,

દિલને હું એ રીતથી બહેલાવતો ચાલ્યો ગયો.

મારી દુનિયા થઈ ગઈ બરબાદ પણ હું છું ખુશી,

એની દુનિયાને તો હું શોભાવતો ચાલ્યો ગયો.

શી મુસીબત શું દુ:ખો, મુશ્કેલીઓ શી, શું સુખો !

પૃષ્ઠ જીવનનાં હતાં પલટાવતો ચાલ્યો ગયો.

કોઈ જો સમજ્યો નહીં તો દોષ છે એનો 'સગીર'

હું ઇશારામાં ઘણું સમજાવતો ચાલ્યો ગયો.