- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જે કાલી માતાની મૂર્તિ રામકૃષ્ણ પરમહંસની સાથે વાત કરતી હતી. એ તો આજે પણ દક્ષિણેશ્વરમાં બિરાજે છે.
નવલું નીલાંબર
આ કોની મનોરમ દૃષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીજાણું ?
આ ઇન્દ્રધનુની પીચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાં ય રમી લીધી હોળી ?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું ?
નવલું નીલાંબર ભીંજાણું.
કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા,
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?
શી હર્ષની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું ?
નવલું નીલાંબર ભીજાણું
આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાચે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પગરવ છે ?
આનંદના ઊઘડયા દરવાજા, રે મન ! આખું ઘર ભીંજાણું ?
નવલું નીલાંબર ભીંજાણું.
- ગની દહીંવાળા
આકાશ વચ્ચે અને ધરતી ભીંજાય એ વાત તો જાણીતી છે. એમ કહેવાય છે કે આકાશ વાદળોથી ભરેલું છે છતાં આકાશ તો કોરું ને કોરું જ રહે છે. આકાશનું અંતર ભીંજાઈ જાય ત્યારે તો સમગ્ર બ્રહ્માંડમાં જાણે અનુપમ ઘટના બની છે એમ કહેવાય. કોઈ મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર, આકાશનું હૃદય ભીંજાતું હોય છે. અને આ ભીંજાયેલું આકાશ દરેકને નથી દેખાતું. સત્ય, ઇશ્વર, જ્યોતિના દર્શન થવા એ વ્યક્તિગત અને અંગત ઘટના છે. જે કાલી માતાની મૂર્તિ રામકૃષ્ણ પરમહંસની સાથે વાત કરતી હતી. એ તો આજે પણ દક્ષિણેશ્વરમાં બિરાજે છે. આજે પણ આપણે તેના દર્શન કરીએ છીએ પણ આપણે માટે તે મૂર્તિ છે. આ વાત એટલા માટે લખી રહ્યો છું કે આજના આ લેખમાં થોડીક વિશિષ્ટ વાતો કરવી છે. ગુજરાતના આદરણીય સંગીત મર્મજ્ઞા- ઉપાસક જનાર્દન રાવળ (જનુભાઈ) સાથે જીવનમાં પહેલીવાર નિરાંતે બેસવાનું થયું. આ ૮૦-૮૫ વર્ષના પરમના ઉપાસકે ગની દહીંવાળાના સંસ્મરણો, ગુજરાતી ભાષા કેવી સુંદર કવિતાઓથી સમૃધ્ધ છે, તેની વાત કરી. તેમના અવાજમાં ગની દહીંવાળાનું આ ગીત મેં સાંભળ્યું. તેમના અવાજમાંથી જાણે આ કવિતાના અર્થો ઉઘડતા જતા હતા.
ડીટેચમેન્ટ અને એટેજમેન્ટની સરહદે ઉભેલો જીવ એક દ્રષ્ટા ભાવથી આ અત્યંત આનંદમય ગીતને જુદા-જુદા આરોહથી અવરોહથી ગાતા હતા. મારી આંખ સામે ગની દહીંવાળા અને જનાર્દન ભાઈનો એ સુવર્ણકાળ જાણે જીવંત થતો જતો હતો. મેઘધનુષની પિચકારી સાતરંગમાં ઝબકોળીને આ કોણે આકાશમાં છાંટી છે. શ્રાવણ મહિનાની અંદર કોણે ફાગણના રંગોથી હોળી રમી લીધી. અને આમા રંગો નથી છંટાયા માણસનું મન, માણસનું હૃદય અરે અમે પોતે જ છંટાઈ ગયા છીએ. માણસનું હૃદય મુઠ્ઠી જેવડું અને એનાથી આખ્ખું આકાશ ભીંજાઈ જાય કેટલી મોટી વાત ! કાળા ડીબાંગ વાદળ એ તો જાણે કાળી-કાળી જળપરીઓ જેવા લાગે છે. અને તેમની આંખોમાં વીજળીના તેજવાળા ચમકારા જાણે કોઈ દૂર ક્ષિતિજથી આંખોના ઇશારાથી કોઈ ગૂઢ વાત કહેતું હોય એમ લાગે છે. હેલી એટલે બે-ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડે એ દિવસો. હર્ષની એવી હેલી થઈ છે કે ધરતીનો કણે-કણ ભીંજાઈ ગયો છે. પ્રથમ આકાશ ભીંજાયું પછી ધરતી ભીંજાઈ અને એ પછી એની સાથે જ હૃદય ભીંજાય છે. આમ તો આ એકલતા છે. પણ એકલતા રસભીની છે. આમાં સાનિધ્યનો સંભવ લાગે છે. સંભવ અને શક્યતા બંને શબ્દો જુદા છે. આપણે તો બંને શબ્દોનો ઉપયોગ લગભગ એક જ અર્થમાં કરીએ છીએ શક્યતાને સંબંધ હકીકત સાથે છે. સંભવને સંબંધ કલ્પના સાથે છે. આકાશથી પડતા એક-એક ટીપાંની સાથે કોઈના પગલાનો મીઠ્ઠો અવાજ જાણે હોય તેવું લાગે છે. આજે એવી પરમ આનંદની ક્ષણ છે કે આનંદના ખજાનાના દરવાજાઓ જાણે ઉઘડયા છે. હે મન ! આજે તો આખ્ખું ઘર ભીંજાઈ ગયું છે. આકાશ, ધરતી, ઘર, મન અને આંખ સુધી આ ભીંજાયેલી ભીતરની વાત સમર્થ ગઝલકાર ગની દહીંવાળાએ ગીત દ્વારા કરી છે. ગનીભાઈએ એટલા સુંદર ગીતો લખ્યા છે. ભીખારણ ગીત મજાનું ગાય. કિયા રે રંગારે રંગી ચૂંદરડી.. હૈયું ઠાલવવું છે મારે જેવા અનેક ગીતો એક સમયે ખૂબ ગવાતા હતા. અનેક શેર ગનીભાઈના પરિચયમાં ટાંકી શકાય. 'રણકો' કાવ્ય યુવતીના સુંદર મનોભાવોને વ્યકત કરતું કાવ્ય છે. રણકો કંઠની ક્યારીએ ઉગ્યો છે. ફૂટયો છે અને પછી તો એ રણકો ક્યાં-ક્યાં દેખાય છે. કોઈનો રણકતો અવાજ કલ્પી જોઈએ.. રણકો રણઝણી રહ્યો છે, ઝગમગી રહ્યો છે, રણકો મઘમઘી રહ્યો છે. અવાજ ઝગમગતો દેખાય, અવાજ મહેકતો દેખાય ત્યારે એ અવાજ કેટલો સુંદર અને વહાલો હશે ? આ રણકો નાની નણંદનો છણકો બને છે, આ રણકો સાસુની માળાનો મણકો બની જાય છે. રણકો પરણ્યા જેવો રૂડો બની જાય છે. આ રણકો માયાનો મધપૂડો બની જાય છે. જે રણકાને કઈ રીતે સાચવી શું ? એ પ્રશ્ન થાય છે એ રણકાના રામ રખવાળી કરશે એવી આશાએ એવી શ્રધ્ધાએ તેને વહેતો મૂકવામાં આવે છે.
રણકો
રણકો ફૂટયો કંઠની ક્યારીએ
કે રણકો ઘેન કસુંબલ કાવો,
કે રણકો ગરમાળાનો માવો...રણકો
કે રણકો રણઝણતો ઝગમગતો,
કે રણકો મીઠોને મધમધતો... રણકો
કે રણકો નાની નણંદનો છણકો,
કે રણકો સાસુની માળાનો મણકો... રણકો
કે રણકો પરણ્યા સરખો રૂડો,
કે રણકો માયાનો મધપૂડો... રણકો
કે રણકો કોયલકંઠ વાવ્યો,
કે રણકો કેસરિયો રંગ લાવ્યો...રણકો
કે રણકો કાનોકાન ઝિલાયો,
કે રણકો અંતરમાં પડઘાયો... રણકો
કે રણકો રસિયણની રંગતાળી,
કે રણતો રતરતની રસથાળી...રણકો
કે રણકાને રાખું હેતેપ્રીતે,
કે રણકો સચવાશે શી રીતે ?... રણકો
કે રણકાનાં અંગે અંગ રૂપાળાં,
કે રણકાનાં રામ કરે રખવાળાં...રણકો


